Google Search

Saturday, September 8, 2012

પજવે છે હણહણાટી



રોમાંચ ઓ તરફ છે આ બાજુ કમકમાટી
હે સુજ્ઞજન ! આ ક્ષણને આછી કહું કે ઘાટી ?

કોની સ્થિતિમાં હલચલ, છે સ્થિર કઈ સપાટી ?
આ કઈ દિશાથી આવી પજવે છે હણહણાટી ?

જાહેરમાં નહીં તો તું કાનમાં કહી જા –
પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ?

વેચું દરેક વસ્તુ હું તોલ-મોલ વિના
છું હાટડી વગરનો સૌથી જુદો જ હાટી.

છે સૂક્ષ્મ કિન્તુ સક્ષમ આ કાવ્ય નામે ઔષધ
ચાખો, પીઓ કે ચાટો, ખાંડી, દળી કે વાટી.

સંભવ છે એ જગાએ મેળો ભરાય કાલે
નિર્મમપણે જ્યાં આજે ખેલાયું હલદીઘાટી

અક્ષરને એ ના જાણે ના અંકનીય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી.

– સંજુ વાળા

No comments:

Post a Comment