કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો , એવી હયાતીને કોઈ તકલીફ શું આપે ,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણા ને જીવતું રાખે.
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું , હરણને જીવતું રાખે.
-રઈશ મનીઆર
No comments:
Post a Comment