Google Search

Sunday, July 15, 2018

આ મોહબ્બત છે, કે છે એની દયા...

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.
એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.
એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.-
મરીઝ

No comments:

Post a Comment