Google Search

Sunday, June 17, 2012

રંગ દે રે….મન…. ! – કાર્તિક શાહ - Best Gujarati Philosophical Quotes


[1] વ્યક્તિ જેટલું જુએ છે, જાણે છે એનાથી જીવન કંઈક વિશેષ છે. બાળકનું જન્મવું, તેનું શિક્ષણ, નોકરી, લગ્ન અને પછી વળી ફરી બાળક…. આ બધી તિકડમ એ જ જીવનનો ઉદ્દેશ નથી લાગતો. બહારથી દેખાય છે તે જ સંપૂર્ણ દુનિયા નથી. કંઈક એવું રહસ્યમય જરૂર છે જે દ્રશ્યમાન નથી…
[2] જીવનની સાચી સફળતા ફક્ત દુન્યવી ઉપલબ્ધિઓમાં જ નથી. ભરપુર ભૌતિક સમૃદ્ધિ હોવા છતાં જો મન વ્યગ્ર હોય તો જીવન બોજારૂપ લાગે છે. વ્યક્તિ પોતાની આનંદ, મસ્તી અને પ્રેમની ક્ષણોને યાદ કરે તે સમયે તેને તેની સંપત્તિ કે કીર્તિ સાથે કોઈ ખાસ લેવા દેવા નથી હોતી.
[3] જ્યારે જીવનની સફળતા કોઈ એક વ્યાખ્યામાં બંધાઈ જાય ત્યારે તેની સાથે રાગ પણ એટલી જ તીવ્રતાથી જોડાઈ શકે છે…. દરેક રાગમાં, દ્વેષ પેદા કરવાની અને મનને મુક્તિથી દૂર લઈ જવાની અપાર શક્યતાઓ છૂપાયેલી છે.
[4] એક વ્યક્તિનું ભીતરનું વાતાવરણ અને એ જ વ્યક્તિનું બહારનું વાતાવરણ એક સ્તરે ઘણી સમાનતા, પરંતુ બીજા સ્તરે ખૂબ જ કેન્દ્રિત થઈને એક વ્યક્તિગત ચેતનાને જોઈએ તો તેમાં વિવિધતા અને મૌલિકતા નિશ્ચિત દેખાશે…. દરેક વ્યક્તિ આ વૈશ્વિક ચેતનાનો જ અંશ હોવા છતાં દરેકનો પોતાનો એક સ્વભાવ છે… પોતાની જ ભીતરની એક આગવી લાક્ષણિકતા છે… પોતાની એક ખાસ ફલેવર છે….!
[5] આંખથી જોઈ શકાય તેવી આ દુનિયા, આ ક્ષણે તારી સામે જે દેખાય છે તે તારી બહારની દુનિયા, જેમાં વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ છે, જેની સાથે તું અગણિત વ્યવહારો કરે છે. અને બીજી તારી ભીતરની દુનિયા જે જોઈ નથી શકાતી પરંતુ તું અનુભવ જરૂર કરે છે. તારી અનુભવની દુનિયા, ભીતરની દુનિયા જેમાં તારું અતિ અંગત એક વાતાવરણ રચાય છે. એ જ તારી ચેતના ! your consciousness ! તું જ્યારે ખુશ હોય કે આનંદમાં હોય ત્યારે તારી ભીતરમાં કંઈક એવું છે જે વિસ્તરણ પામે છે….. અને જ્યારે તું દુ:ખી કે પરેશાન હોય ત્યારે જે સંકોચન પામે છે… તે છે તારી ચેતના…. તારી ભીતરનું વાતાવરણ.

[6] જ્યારે તું તૃપ્ત હોઈશ, ખુશ હોઈશ, ઉત્સાહમાં હોઈશ ત્યારે લોકોનો તારા તરફનો વ્યવહાર અને વર્તન અલગ હશે. જ્યારે તું અશાંત હોઈશ, પીડિત હોઈશ, પરેશાન હોઈશ ત્યારે લોકોનો તારા તરફનો વ્યવહાર વર્તન અલગ હશે. જે રીતે લોકો તારી સાથે વર્તન કરે છે…. વ્યવહાર કરે છે… જે રીતે તારી સાથે સંબંધ રાખે છે કે તને સન્માને છે, તેનો મોટો આધાર જે તે ક્ષણની તારી ચેતનાની ફલેવર પર છે…
[7] તારામાં બીજ નાખવાની શક્તિ છે, તું તારા ભીતરના વાતાવરણની ફળદ્રુપ જમીનમાં જે કાંઈ વાવે તેને તું તારી બહારની વ્યવહારુ દુનિયામાં વિસ્તરતું જોઈ શકીશ…. તારી ચેતનામાં…. ભીતરમાં… સર્જન કરવાની અદ્દભુત શક્તિ છે. તું તારા દરેક વિચારને, તારા દરેક સ્વપ્નને તારી ચેતનામાં સ્ફુરિત થવા દે… ! જીવન પ્રત્યેનું તારું સ્વપ્ન એક બીજ સમાન છે. એક બીજ જમીનમાં અંકુરિત થાય છે, એ જ્યારે વૃક્ષ બને ત્યારે જ દુનિયા તેને જોઈ શકે છે. તું તારા દરેક સ્વપ્નને… વિચારને ભીતરમાં અંકુરિત થવાની તક આપ્યા કર…. બાહ્ય વિકાસ ભીતરની મોકળાશ પર આધારિત છે…
[8] ક્યારેક એવા દોસ્તોનું મૂલ્ય સમજાય છે, જેમની સામે પોતાની છાપ ઉપસાવવાના પ્રયત્નો કે ઓળખ છુપાવવાની મથામણ ન કરવી પડે. ‘તમે છો તેવા’ તેમની સામે બની રહેવાની મુક્તિ તમને હોય….. તમારી સફળતા અને નિષ્ફળતા બંનેની ત્યાં કદર થતી હોય…. તમારું દુ:ખ અને ખુશી બંને ત્યાં આવકાર્ય હોય… !!
[9] કેટલીક વખત મનને ખરેખર જ ચિંતનની જરૂર હોય છે… જેનાથી માનવી જીવનના મૂલ્યોને વધુ ઊંડાણથી જાણી શકે, પરંતુ તેવા જ સમયે…. પોતે જ સર્જેલી સાંકળોથી તે જડબેસલાક બંધાયેલો હોય છે. પરિસ્થિતિઓના શિકાર બનીને, તણાવગ્રસ્ત થઈ આમતેમ દોડવા કરતાં, એવા જ સમયે…. થોડું સ્થિર થઈ પોતાની ચેતનાને ઊંડાણથી અનુભવવામાં વધુ શાણપણ છે; કારણ કે, એ ભીતરના વાતાવરણમાં જ પોતાની બહારના વાતાવરણને બદલવાની સંપૂર્ણ ક્ષમતા છે. આ સંપૂર્ણ જીવન ભીતરના વાતાવરણની રમત માત્ર છે…! આ વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસ, એ જ સફળતાની ચાવી છે. આ અભ્યાસ વગર જીવન અર્પૂણ છે.
[10] પોતાની ભૂલ કે નબળાઈને જાણી લેવી તે એક બાબત છે, અને કોઈ ઘટનાને લઈને પોતાની ઉપર દોષારોપણ કરી પોતાને કોસતા રહેવું એ હાનિકારક વૃત્તિ છે. ગિલ્ટ ફિલિંગ સાચવી રાખવાથી કોઈ ફાયદો નથી. સ્વયંને ખોટા સાબિત કરી દુ:ખી કરવાથી, સ્વયંને કોસતા રહેવાથી… સ્વયંના જ પ્રેમથી દૂર જવાય છે. તેટલી ક્ષણો કોઈના પણ સાથે પ્રેમ કે આત્મીયતાનો અનુભવ નથી થતો. એટલે જ તે જીવનના મૂલ્યોને હાનિકારક છે.
[11] ભૂતકાળમાં થઈ ચૂકેલી ઘટનાઓ માટે સ્વયંને… આસપાસના લોકોને કે પરિસ્થિતિને દોષી માન્યા વગર પૂરી સજાગતા સાથે તેને ફક્ત ‘બની ચૂકેલી એક ઘટના’ તરીકે જોઈ, એમાંથી કંઈ શીખ મેળવવાનો પ્રોસેસ એટલે પ્રાયશ્ચિત…. ! પ્રાયશ્ચિત સાથે ચિંતન છે, ભૂતકાળમાં થયેલા દરેક કાર્યો અને તેની અસરો પ્રત્યે સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાનું વલણ છે, અને ફરીથી એવી જ ભૂલો ન થાય તેનો સંકલ્પ છે….!!
[12] તમે જ્યારે કોઈ બીજી વ્યક્તિના બિચારાપણાને પોષો છો ત્યારે તમને ભ્રમ છે કે તમે તેને સપોર્ટ કરી રહ્યા છો… હકીકતે તમે તેની નબળાઈઓને મજબુત કરી રહ્યા છો… !
[13] કેટલાક જૂજ લોકોના મનમાં કે તારી આસપાસની દુનિયામાં પેદા થઈ ચૂકેલી પોઝિટિવ છાપને સાચવી રાખવાના અને નેગેટીવ છાપને દૂર કરવાના અથાક પ્રયત્નોમાં, ને દોડમાં, તું કેટલી બધી વખત તારા સ્વયંને ભૂલ્યો છે…! તારી દિલથી જે ઈચ્છા છે તેવું ઘણું નથી કર્યું…. અને એવું ઘણું બધું કરતો રહ્યો છે જે તારા સ્વભાવથી વિરુદ્ધ હોય….!’
[14] જેટલી તીવ્રતાથી…. જેટલા સમય માટે… જે હાનિકારક ફલેવરને તમે તમારા જીવનમાં પોષતા રહો તેટલી વધુ તે ફલેવરની વૃત્તિ સ્ટ્રોંગ થતી જાય….! કોઈકવાર વ્યક્તિ આક્રમક બનીને વ્યાકુળ થઈ જાય છે. પોતાનો બચાવ કરવામાં બંધ થઈ જાય છે. અપરાધી બની પોતાને કોસતો રહે છે…. ફરિયાદી બની હંગામા ઊભા કરે છે. પોતે લાચાર બની બીજાને દોષ દેતો રહે છે. અળગા થઈ પોતાના કોચલામાં છુપાઈ જાય છે. આ બધી રમતના મૂળમાં જોઈશ તો તને ખ્યાલ આવશે કે ભીતરમાં પ્રેમનો અભાવ કેન્દ્રસ્થાને છે.
[15] તારા મન પાસે બે શક્તિઓ છે. જીવનના મૂલ્યોને જે કંઈ હાનિકારક – Non conducive પરિબળો છે, તેને છોડી શકવાની શક્તિ અને જીવનના મૂલ્યોને જે સપોર્ટ કરનારા – Conducive પરિબળો છે, તેને ગ્રહણ કરવાની શક્તિ. તારે જે કોઈ હાનિકારક ફલેવર્સમાંથી મુક્ત થવું હોય, તું થઈ શકે છે… ભીતરમાં ઉપસેલી છાપ ઘણી જૂની હશે… પેટર્ન વધુ સ્ટ્રોંગ હશે તો, થોડો વધુ સમય લાગશે પરંતુ તું તેમાંથી મુક્ત જરૂર થઈશ. જીવનના મૂલ્યો : આનંદ, પ્રેમ અને ઉત્સાહ પ્રત્યેનું તારું કમીટમેન્ટ અને મુક્તિ માટેની તીવ્રતા એ સૌથી અગત્યની બાબત છે.
[16] તું આ ક્ષણે જ… તારા કોઈ પણ સ્ટ્રેસને છોડી શકે છે, એવું કંઈ પણ જે તને પરેશાન કરતું હોય…!! બુદ્ધિનો ઉપયોગ કરીને કે પૂર્ણ શ્રદ્ધાથી, તારે ખૂબ દ્રઢતાપૂર્વક માનવું પડશે કે એક પરમ શક્તિ છે જે હર ક્ષણે તારી કાળજી લઈ રહી છે. તારે સ્વયંને યાદ કરાવતા રહેવું પડશે કે તું એ જ પરમ ચેતનાનો અંશ છે.

No comments:

Post a Comment