Google Search

Friday, June 15, 2012

ઝરૂખે દીવા – ઈશા-કુન્દનિકા


[1]
અનેક કંપનીઓનો માલિક, સફળ કહેવાતો એક મોટો ઉદ્યોગપતિ માનસિક તાણ, થાક, અનિદ્રાના રોગ માટે ડૉક્ટર પાસે આવ્યો.
‘મને બહુ કામ રહે છે. ફાઈલોનો આ થોકડો જુઓ. રાતે ઘેર જઈને બધું કામ કરવું પડશે.’
‘તમને મદદ કરનાર કોઈ નથી ?’
‘ના, આ તો ફક્ત હું જ કરી શકું તેમ છે. એ એકદમ બરોબર થવું જોઈએ. આજે રાતે એ પૂરું થવું જ જોઈએ અને એ માત્ર હું એકલો જ કરી શકું.’
ડૉક્ટરે દવા લખી આપી : ‘કામના રોકાણ વચ્ચેથી રોજ બે કલાક કાઢી દૂર સુધી ફરવા જવું અને અઠવાડિયામાં એક વાર અડધો દિવસ છુટ્ટી લઈ કબ્રસ્તાનમાં એ સમય ગાળવો.’
‘કબ્રસ્તાનમાં શા માટે ? એટલો બધો સમય મારે કબ્રસ્તાનમાં શું કામ બગાડવો ?’
‘જેથી તમે જાણી શકો કે ત્યાં જેઓ સૂતા છે, તેઓ તમારી જેમ જ વિચારતા હતા કે આખી દુનિયાનો ભાર તેમના ખભા પર છે. ખ્યાલ કરજો કે તમારો ત્યાં નિત્ય નિવાસ થશે ત્યારે પણ દુનિયા તો ચાલતી હતી તેમ ચાલતી જ રહેશે, અને તમે બહુ મહત્વની વ્યક્તિ હો તોપણ, જે કામ તમે ધારો છો કે તમે એકલા જ કરી શકો, તે બીજાઓ કરશે.’
[2]
રોજ ફક્ત એક જ માણસને તમે સુખી કરો;
40 વર્ષમાં તમે 14,600 માણસોને સુખી કર્યા હશે !
[3]
સંજોગોથી તમે દોરવાઈ જાઓ છો એનું કારણ એ છે કે વિચાર કેવા કરવા અને તેનો ઉપયોગ કેવો કરવો તેમ જ તેમનું બળ કેટલું છે તેની પાકી સમજ તમને થઈ નથી. – જેમ્સ. એલન
[4]
છેક ભીતરથી મને ઝકઝોરી મૂકે તેવો ઉપદેશ મને જો કોઈ આપતું હોય, તો તે છે વૃક્ષ. તેઓ એકલાં ઊભાં હોય ત્યારે તેમને હું પ્રણામ કરું છું. તેઓ એકલવાયા માનવી જેવાં છે. તેઓ મહાન છે, એકાંતસેવી મનુષ્ય જેવાં. જીવનની સઘળી શક્તિ સાથે તેઓ ઝઝૂમે છે – માત્ર એક જ બાબત માટે. પોતાની સૃષ્ટિના નિયમ અનુસાર એમને પરિપૂર્ણતા, સાર્થકતા પ્રાપ્ત કરવી છે, પોતાનો આકાર સિદ્ધ કરવો છે, જેથી તેઓ પોતાને પૂર્ણપણે પ્રગટ કરી શકે. એક સુંદર સશક્ત વૃક્ષ જેવું પવિત્ર બીજું કશું જ નથી. વૃક્ષો તો પક્ષીઓનું તીર્થધામ છે. જેમને એની સાથે વાતો કરતાં આવડે છે, એની વાણી સાંભળતાં આવડે છે તેઓ જ આ સત્યને જાણી અને માણી શકે છે. તે કાંઈ જ્ઞાન કે મંત્ર આપતાં નથી. આપે છે ફક્ત જીવનનો પ્રાચીન નિયમ.
વૃક્ષ કહે છે : મારામાં બીજ છુપાયેલું છે. મારામાં એક વિચાર છે, એક સ્ફુલ્લિંગ છે. હું શાશ્વત જીવનની જિંદગી છું. સનાતન માતાએ મારે માટે જે પણ કંઈ વેઠ્યું છે અને સાહસ ખેડ્યું છે તે અપૂર્વ છે. મારો આકાર અનન્ય છે અને મારી ત્વચાની નસ પણ. મારી ડાળીઓમાં રહેલા નાનામાં નાના પાનની લીલા અદ્વિતિય છે અને અપૂર્વ છે મારા થડ પરનો ઝીણમાં ઝીણો ઘા. આ ઝીણી અને વિશિષ્ટ વિગતો દ્વારા જ મારે શાશ્વતીને પ્રગટ કરવાની છે. વૃક્ષ કહે છે : શ્રદ્ધા અને વિશ્વાસ એ મારી શક્તિ છે. મારા પૂર્વજ, પિતા કે પિતામહ વિશે મને કશી જાણ નથી, નથી જાણ મારામાંથી જન્મતાં સહસ્ત્ર સંતાનોની. હું માત્ર મારા બીજનું રહસ્ય અંત સુધી જીવી જાઉં છું. મને ભરોસો છે કે ઈશ્વર મારામાં છે અને મારું કર્મ પવિત્ર છે. – હરમાન હેસ.
[5]
ચારે બાજુએથી મુશ્કેલીઓ તૂટી પડે
ત્યારે અમે લમણે હાથ દઈને બેસતાં નથી;
સમસ્યાઓનો ઝટ દઈને ઉકેલ ન થાય
તો ભાગ્ય કે ઈશ્વરને દોષ દેતાં નથી;
અમારા મોં પર લોકો અમને ધૂત્કારે
તેથી અમે જીવન હારી જતાં નથી;
બધી બાહ્ય સંપત્તિ અમને તજી જાય
તેથી અમે અકિંચન બની જતાં નથી.
[6]
જ્યારે
અનેક ઈચ્છાઓ, ભયો અને આશાઓ પાછળ સતત
મુકાતી દોટ તમે તમારી અંદર જોવાનું શરૂ કરો છો;
આ સૂક્ષ્મ ઈચ્છાઓ સહેજે અટક્યા વિના બધોયે વખત તમારી
અંદર કામ કરતી રહે છે એ બાબત વિશે તમે સભાન થાઓ છો;
તમારાં કૃત્યો તમારા આશાન્વિત અને પૂર્વગ્રહયુક્ત
મનના પ્રત્યાઘાતો છે અને અંદરના જીવનસ્ત્રોતમાંથી
તાજગીભર્યું કર્મ કદી ઊઠતું નથી – એ તમે જુઓ છો;
સઘળી દિશાઓમાં વહેતી અંતહીન આકાંક્ષાઓને પૂર્ણ કરવાના પ્રયત્નમાં
તમારી સમગ્ર જીવનશક્તિ તમે ખર્ચી નાખો છો એનું તમને ભાન થાય છે;
જે બિંદુએ સાર્થક-તૃપ્ત રહી શકાય એવા બિંદુએ
તમે કદી પહોંચતા નથી એનો તમને ખ્યાલ આવે છે;
મન વડે સર્જેલા આ કાલ્પનિક લક્ષ્યોને
તમે ક્યારેય આંબતા નથી એ જુઓ છો;
અન્ન, રહેઠાણ, અને થોડી જરૂરિયાત સિવાય જીવનમાં તમને શું જોઈએ છે
એની ખરેખર તો તમને ખબર જ નથી એની તમને જાણ થાય છે;
મનને શાંત થવામાં રસ નથી, પણ પોતાની ઈચ્છાઓ
પાછળ દોડવામાં જ રસ છે એ તમે જોઈ શકો છો;
મન એ વીતેલી સ્મૃતિઓના બોજ સિવાય બીજું
કશું જ નથી એમ તમે નીરખો છો અને સમજો છો;
દરેક આવતા વિચારનું તમે નિરીક્ષણ કરો છો
અને અતીત કેવી રીતે પોતાને ‘હું’ કહીને વર્તમાનના
ભોગે ચાલુ રહેવાનો પ્રયત્ન કરે છે એ સમજો છો;
ત્યારે તમે ખરેખર નિર્મળ સાચી શરૂઆત કરો છો
અને આત્માની શોધ માટે પ્રારંભ કરો છો. – (દત્તારામ ગાંવડ)
[7]
જીવનને સુખમય બનાવી રાખવા માટેના કેટલાક નુસખા :
વર્તમાન પરિસ્થિતિમાં એવું વિચારીને સંતોષ
માનો કે સ્થિતિ આથી વધુ ખરાબ પણ હોઈ શકત.
આંગળીમાં કાંટો વાગે તો ભગવાનનો
ખૂબ આભાર માનો કે તે આંખમાં નથી વાગ્યો.
તમારા એક દાંતમાં ખૂબ પીડા થાય છે, પણ એ શું
ઓછા આનંદની વાત છે કે તમારી આખી બત્રીસી નથી દુ:ખતી ?
તમારી પાસે છાપું ખરીદવા માટે પૈસા ન હોય તો કશો વાંધો નહીં,
એમ માનીને ખુશ રહો કે તમારે કચરાથી ભરેલી ગાડી તો ખેંચવી નથી પડતી !
રાતે મોડેથી મહેમાન આવી પડે, તો તેમના આતિથ્યની ચિંતામાં બહુ
હેરાન ન થાઓ. એ સૌભાગ્ય છે કે મહેમાનો જ આવ્યા છે, પોલીસ નહીં.
ત્રીજા વર્ગમાં પાસ થયા હો તો દુ:ખી ન
થાઓ. જે મળ્યું છે તે તમારા જ પરિશ્રમનું ફળ છે.
સારું થયું કે તમારું નામ નાપાસ થનારાઓમાં નથી.
ઘરનો એક ભાગ બળી ગયો, તો દુ:ખી ન થાઓ.
ઈશ્વરનો આભાર માનો કે બાકીનું મકાન બચી ગયું,
સામાન બચી ગયો, પ્રાણહાનિ ન થઈ.
તમારી પાસે જે વસ્ત્રો છે, જે ફર્નિચર છે તેનાથી
સંતોષ માનો. તમારા પાડોશી પાસે વધુ વસ્ત્રો અને
ઉત્તમ ફર્નિચર હોય તેથી દુ:ખી થવાની જરૂર નથી.
તમારો દીકરો શાળામાં શિક્ષક હોય અને પાડોશીનો દીકરો ઈજનેર હોય તો એ માટે દુ:ખી ન થાઓ. આનો અર્થ એ નથી કે તમે તમારી સ્થિતિ વિશે સંતોષ માનીને પ્રયત્નો કરવાનું છોડી દો; એનો અર્થ એ છે કે જીવનને નાહકનું દુ:ખી ન બનાવતાં પ્રસન્ન રહેવાની ટેવ પાડો.
[8]
‘આપણી આત્મિક શક્તિ કેટલી વધી એ માપવાનું કોઈ સાધન છે ?’
‘ઘણાં છે.’
‘એકાદ કહો તો.’
‘એક આખા દિવસમાં કેટલી વાર તમારા મન પર લિસોટા પડે છે, કેટલી વાર મનની સમતાનો ભંગ થાય છે એ શોધી કાઢો.’
[9]
આ પૃથ્વીને પહાડોનો ભાર નથી લાગતો, સમુદ્રનો ભાર નથી લાગતો, મહાકાય તોતિંગ વૃક્ષોનો ભાર નથી લાગતો, એને જે ભાર લાગે છે તે તો છે માનવીના મનનો, જે બીજાનાં દુ:ખો જોઈને દ્રવતું નથી. – નૈષધ ચરિત.
[10]
જ્યારે તમારા દિવસો ચિંતા વિનાના હોય અને
તમારી રાત્રિઓ તંગી અને કષ્ટ વિનાની હોય ત્યારે તમે
સ્વતંત્ર ખરા, પણ જ્યારે આ વસ્તુઓ તમારા જીવનને
ઘેરી રહી હોય છતાં તમે ઉપાધિ અને બંધન વિનાના
રહી તેનાથી પર થાઓ, ત્યારે તમે વધુ સ્વતંત્ર થશો.
પોતાના જ જીવનના કેટલાક અંશોને ફેંકી દેવા,
એ સિવાય સ્વતંત્રતા મેળવવા બીજું શું કરવાનું છે ? – ખલિલ જિબ્રાન

No comments:

Post a Comment