Google Search

Sunday, June 17, 2012

સંગ – રામજીભાઈ કડિયા


મહાભારતના અંતિમ દિવસો પછી બાણોથી વિંધાયેલા ભીષ્મપિતામહ લોહી નીતરતી સ્થિતિમાં બાણશૈયા પર પોઢ્યા હતા. વાતાવરણમાં ખામોશી હતી. સમગ્ર પ્રકૃતિ જાણે ભીષણ હત્યાકાંડથી કણસતી હતી. હવા થથરતી હતી. કુરુક્ષેત્રનું મેદાન હજી યુદ્ધના પડઘાઓ પાડતું હતું. બચેલા યુદ્ધવીરો નિસ્તેજ બનેલા હતા. એમનાં આયુધોનો રાવઠીઓ આગળ ખડકતો થયો હતો. ઘવાયેલા સૈનિકોના છેલ્લા શ્વાસ સાંભળવા માટે પાસે કોઈ નહોતું.
જ્યાં વિનાશની સર્વત્ર શૂન્યતા મંડરાયેલી હતી તે વખતે લાંબી ચીસ પાડતી એક સ્ત્રી કુરુક્ષેત્રની ધરતીને વીંધતી દોડી આવી. છૂટા કેશ લહેરાવતી રણે ચડેલી કોઈ રમણીની જેમ એ સામે છેડે પિતામહ ભીષ્મની બાણશૈયા પાસે આવીને ઢળી પડી. ધ્રૂસકે ચડેલી એ બોલી : ‘પિતામહ, તમે તો અજેય હતા, અપરાજિત હતા, અલિપ્ત હતા… તમારી આ દશા કોણે કરી ?
‘બેટા દ્રૌપદી, આ તો યુદ્ધ છે. એમાં હું ન કોઈનો પિતા હતો, ન મિત્ર. સામસામે આવેલા સૌ કોઈ યોદ્ધા હતા. હું પણ એવો હતો.’
‘હા પણ તમારા ઉપર આવાં તીરોનો વરસાવનાર કોણ હતો ? પિતામહ, બોલોને કોણ હતો એ રણવીર.’ ભીષ્મ મૌન રહ્યા.
‘એ કોણ હતો ? તમે ન ઓળખ્યો ?’
‘દ્રૌપદી, હવે ઓળખીને શું ?’
‘નામ તો કહો.’
‘મહારથી અર્જુન’
‘ઓહ !’ દ્રૌપદી ફરી બાણશૈયા પાસે ઢળી પડી. એણે ધરતી પર શિર પછાડ્યું…. અર્જુન ! અર્જુન ! કહેતાં તેણે કલ્પાંત કર્યું. થોડીવારે તેણે પૂછ્યું : ‘પણ પિતામહ, એણે તો તમને ઓળખ્યા હશે ને.’
‘ના પુત્રી, ત્યારે હું ન ભીષ્મ હતો, ન પિતામહ. એકમાત્ર કૌરવ સેનાપતિ હતો. યુદ્ધદળના અમે શત્રુઓ હતા. અમે બંનેએ અમારો ધર્મ બજાવ્યો હતો.’ દ્રૌપદી એક ચિત્તે સાંભળી રહી.
‘મને મારાં કર્મોનું ફળ મળ્યું છે બેટા. તું ચિંતા ન કર. દ્રૌપદી બાણશૈયા નજીક બેસી ગઈ. પિતામહ, તમે આને તમારા કર્મનું ફળ કહો છો ? તમને કર્મ કે ફળ ક્યાં સ્પર્શી શકે છે ?’
‘દીકરી, હું પણ પૃથ્વી ઉપર અવતરેલો એક માનવી છું. આ પૃથ્વી ઉપરનાં જે જે બંધનો છે તે સર્વ મને પણ નડે છે. આ ધરતી પરનાં મનુષ્યોને એમના આચરણોનું ફળ ભોગવવું પડે છે. એમની વાણી, વર્તન અને વ્યવહારથી એમનાં કર્મો બંધાય છે. માત્ર એક જ દુષ્કર્મ મને અત્યારે વીંધી રહ્યું છે….ઓહ ! દ્રૌપદી એ મને શલ્યની જેમ સતત ભોંકાઈ રહ્યું છે, કે તારા વસ્ત્રાહરણ વખતે હું દુ:શાસનને અટકાવી ન શક્યો, મૂંગો બની બેસી રહ્યો, ત્યારે ન બોલ્યો, ન ચાલ્યો. એ મારું મૌન જાણે મને ડંખી રહ્યું છે.’ કણસતા સાદે ભીષ્મ બોલ્યા.
‘ઓહ ! પિતામહ,’ કહી દ્રૌપદીએ રાડ પાડી. ‘મને એની યાદ ન અપાવો. મને હજીય એ અંગારા મારા રોમેરોમને દઝાડે છે.’
‘એ ઘટનાનું પ્રાયશ્ચિત આ બાણશૈયા છે દીકરી, તું આવી તે સારું થયું. આ પળે તારું દર્શન મારું અહોભાગ્ય બનશે.’
‘પિતાશ્રી, એવું ન બોલો. તમેં તો પ્રાજ્ઞપુરુષ છો. ત્રિકાળદર્શી છો, તમે આમ નિર્બળ બની જશો તો અમારા જેવાનું શું ? એ ગઈકાલની વાત હવે જવા દો.’
‘ના પુત્રી, એ ગઈકાલની ક્ષણ મારા આ પ્રાણને છેદી રહી છે. અર્જુન એક નિમિત્ત છે. આ બાણશૈયા એનું પરિણામ છે. અર્જુને બદલો લીધો એવું નથી. હસ્તિનાપુરની એ ભરસભામાં એક અબળા નારીનો ચિત્કાર મારા કાનોમાં હજીય પડઘાય છે. વાસુદેવ કૃષ્ણ તારી વ્હારે આવ્યા તે પહેલાં હું તારો રક્ષક બની શક્યો હોત, પણ અરે ! મારું લોહી થીજી ગયું હતું. કૌરવોનું અન્ન ખાઈને હું અંધ બની જોઈ રહ્યો હતો. એ અધર્મનો સંગ હતો, એ પાપનો હું ભાગીદાર હતો. મારા જીવનની એ કાલિમા છે. દીકરી, વધુ શું કહું ? હું મારો ધર્મ ચૂક્યો હતો. તારા સતીત્વને અડકનારને મારી એક જ હાક પૂરતી હતી; પણ હું તેમ ન કરી શક્યો. એ મારી પરાધીનતા હતી. તને આજે જોઈને હું વધુ રાંક બન્યો છું. તારી માફી માગવાની પણ મારામાં આજે હામ નથી.
‘પિતામહ, હવે એ બધું યાદ કરીને તમારે ને મારે આજે દુ:ખી નથી થવું, માત્ર મને એટલું કહો – તમારી આ ભૂલ તમને આજે આટલી મોડી કેમ સમજાઈ ?’
ભીષ્મ ઘડીવાર થંભી ગયા.
‘પુત્રી, એને ભૂલ ન કહે, એ મારો ગૂન્હો હતો. એની સજા આજે ભોગવતાં મને આનંદ આવે છે, પણ મને આટલું મોડું ભાન થવું એ કારણ તું જાણી લે કે – અર્જુને ઉપરા ઉપરી તીરોનો મારો ચલાવીને મારા આ દેહને ચારણી જેવો બનાવી દીધો છે, અને એ છિદ્રોમાંથી પાપી લૂણવાળું એ મલિન લોહી વહી ગયું છે. આજે હું એમાંથી મુક્ત થયો છું. મારો ચૈત્યપુરુષ જાગ્યો છે. મને મારો અપરાધ સમજાયો છે. એ સમજાયા પછી તો આ પીડા વધી ગઈ છે. એ દુરાચારીઓનો સંગ મને ભવોભવ નડશે.’
દ્રૌપદી આક્રંદ કરી ઊઠી…. ‘બસ પિતામહ બસ; મારી વેદના પણ તમારા જેટલી છે.’
‘બેટા દ્રૌપદી, મને ક્ષમા કર. પુત્રી, મારાથી નથી સહેવાતું એ દશ્ય. હું તને બચાવી ન શક્યો.’ ભીષ્મે ચિત્કાર કર્યો.
‘ઓ પિતામહ !’ કહેતી દ્રૌપદી નજીક દોડી આવી. ભીષ્મની શૈયા પર નમી પડી. પાપાચારથી ખરડાયેલી કુરુક્ષેત્રની એ ભૂમિ આક્રંદથી ગાજી ઊઠી.

No comments:

Post a Comment