Google Search

Sunday, June 17, 2012

માધવ ક્યાંય નથી – હરીન્દ્ર દવે


બળરામના મસ્તક પર ફેણનું છત્ર ધરીને બેઠેલો નાગ જાણે નારદને યુગોયુગોથી ઓળખતો હોય, એમ જોઈ રહ્યો, અને પછી થોડી વાર ડોલતો જ રહ્યો. પછી એકાએક જ પૂંછડું પછાડી એ સીધો દોરડા જેવો બન્યો અને બાજુની ઝાડીમાં અદશ્ય થઈ ગયો. નારદ ધીમેથી બળરામ પાસે ગયા. બળરામ સમાધિમાં હોય એમ બેઠા હતા. નારદે તેમના મસ્તકે હાથ મૂક્યો. તાળવામાં પણ ચેતન ન હતું.
‘બળરામ પોતાના શરીરમાંથી ખસી ગયા લાગે છે.’ નારદ મનોમન બોલ્યા : ‘યાદવોનો આ પ્રવીર, યોદ્ધાઓ જેની હાકથી ધ્રૂજતા એ બળરામ અત્યારે ક્યાં હશે ?’ મૃત્યુએ સોપો બોલાવી દીધો હતો; કશું જ બચ્યું ન હતું. વૃક્ષો અને સાગરમાં કંઈ ચેતન લાગતું હતું. હવામાં થોડો જીવ હતો. પેલો નાગ જીવતો હતો. થોડોક કણસાટ હજી બચ્યો હતો. થોડાંક કલ્પાંતો હજી જીવી રહ્યાં હતાં. નારદે ચમકીને પોતાના હૃદય પર હાથ મૂકી જોયો : પોતે તો હજી જીવે છે ને ?
વીણા નીચે મૂકીને નારદે બળરામને પ્રણામ કર્યાં અને પછી હાથમાં વીણા લઈ આગળ ચાલ્યા. કોઈના મૃતદેહને ઠોકર ન વાગે કે પોતાના પર કોઈ ગીધનું ટોળું ઊતરી ન આવે એ માટે નારદને સતત સાવધાન રહેવું પડતું હતું. એક વૃક્ષની નીચે એક સ્ત્રી બેઠી હતી. એ યુવાન હતી. એની આંખો વેદનાથી ત્રસ્ત હતી. નારદ ત્યાં આવીને અટક્યા, અને પૂછ્યું : ‘બહેન, તું કોણ છે ? અહીં કેમ બેઠી છે ?’ એ યુવતી એક ક્ષણ કશું જ ન બોલી. પણ પછી ગીધની ટોળી શબો પર ઉજાણી કરી રહી હતી. ત્યાં શૂન્ય આંખે જોઈ તેણે કહ્યું : ‘પેલું મોટું ગીધ જેની આંખ ટોચે છે તેની હું પુત્રી છું…. પેલાં ચાર ગીધો મળી જેના દેહને માણે છે એની હું બહેન છું અને…’ એ અટકી. એની સૂકી આંખોમાં થોડોક ભેજ દેખાયો. એના ગળામાં કંઈક આવીને અટક્યું હોય એમ લાગ્યું. પણ પછી એ બોલી : ‘ત્યાં જેનો દેહ ઓળખાય નહિ એવો વરવો થઈને પડ્યો છે એની હું પત્ની છું…. અને મારા ઉદરમાં અત્યારે ઝીણું ઝીણું રુદન કરી રહેલા ન જન્મેલા સંતાનની હું માતા છું…’
નારદ પાસે આ યુવતીને સાંત્વન આપવા માટે કોઈ જ શબ્દો ન હતા. એ કંઈક અકળાઈ ઊઠ્યા. આ સ્ત્રીને પુછાય કે ન પુછાય એનો વિવેક જાળવ્યા વિના તેમણે પૂછ્યું, ‘કૃષ્ણ ક્યાં છે, એ તમને ખબર છે ?’ એ યુવતી ફિક્કું હસી. એ હાસ્ય ભય લાગે એવું હતું. એ બોલી, ‘કૃષ્ણ અહીં ક્યાંય નથી, આ શબોનાં મૃત્યુમાં પણ કૃષ્ણ નથી, આ જીવતાં ગીધોમાં પણ કૃષ્ણ નથી…’ અને અચાનક એનો રુદનને રોકી રાખતો ડૂમો નીકળી ગયો. એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
આ મૃત્યુ અને આ જીવન ! એની પાર રહેલા ક્યા લોકમાં કૃષ્ણ વસતા હશે ? નારદની અકળામણનો પાર ન હતો. પોતે રડી શકતા નથી એનું સૌથી વધુ દુ:ખ નારદ આ ક્ષણે અનુભવી રહ્યા હતા. એ ઉન્મત બની ગયા અને આ પ્રભાસના ક્ષેત્રમાં મૃત્યુ અને કલ્પાંતની સૃષ્ટિથી દૂર, જ્યાં કૃષ્ણ હોય તે દિશામાં ચાલવા તેઓ ઉત્સુક બન્યા. અચાનક તેમની નજર સામેના વનમાંથી બહાર આવી રહેલાં બે માણસો પર પડી. બંનેને નારદ ઓળખતા હતા. એમાં તો એક જાણે કૃષ્ણનું જ બીજું રૂપ હોય એવો ઉદ્ધવ હતો, બીજો કૃષ્ણનો સારથિ દારુક હતો. બંનેએ દેવર્ષિને પ્રણામ કર્યા. પછી ઉદ્ધવે દારુકને કહ્યું : ‘તું હવે જા. અર્જુનને તથા યુધિષ્ઠિરને વાસુદેવનો સંદેશો આપજે…’ દારુકની આંખોમાં અશ્રુ છલકાઈ આવ્યાં. ઉદ્ધવે તેના ગાલ પર હળવી ટપલી મારી કહ્યું : ‘પાગલ થયો દારુક ? પોચું મન રાખીશ તો કેમ ચાલશે ?’
દારુક ધીમે પગલે ત્યાંથી વિદાય થયો.
ઉદ્ધવે નારદ પાસે જઈ તેમના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ‘દેવર્ષિ, કૃષ્ણે જ્યારે અર્જુનને કહ્યું કે દેવર્ષિઓમાં હું નારદ છું, ત્યારે મને એ વાત સમજાઈ નહોતી. અમે સૌ કૃષ્ણની આસપાસ રહ્યા, જીવ્યા પણ અમારામાંથી કોઈમાં નહિ, પણ તમારામાં જ કૃષ્ણને પોતાનું રૂપ કેમ દેખાયું હશે એની થોડી અવઢવ પણ હતી. પણ આજે બધું જ દીવા જેવું દેખાય છે. તમે કૃષ્ણ છો : કૃષ્ણની વિભૂતિ તમારામાં જ વસી છે !’
‘કૃષ્ણ ક્યાં છે ઉદ્ધવ ? આ બધું શું થઈ ગયું ?’ નારદે પૂછ્યું.
‘સ્વસ્થ થાઓ દેવર્ષિ, આપણે કૃષ્ણ પાસે જ જઈએ છીએ…. અથવા કહો કે આપણે કૃષ્ણથી દૂર જઈએ છીએ…’ ઉદ્ધવે કહ્યું.
‘ઉદ્ધવ, તું ન સમજાય એવું બોલે છે.’ નારદે કહ્યું.
‘દેવર્ષિ, કૃષ્ણે એક વાર મને કહ્યું હતું – મારી સૌથી નજીક નારદ રહ્યા છે. તમને યાદ છે, આપણે વૃંદાવનમાં મળ્યા ત્યારે કૃષ્ણને મળવા હું વહેલો મથુરા ગયો. તમે વ્રજમાં જ રોકાઈ ગયા…’ ઉદ્ધવે કહ્યું.
‘હા, એટલે તો મને કૃષ્ણ ન મળ્યા….’ નારદે કહ્યું.
‘ના, એટલે જ તમને કૃષ્ણ મળ્યા. કૃષ્ણે મને કહ્યું, ‘ઉદ્ધવ, તને અહીં આ હાડચામના માળખામાં રસ પડ્યો ? ત્યાં નંદ, જશોદા, ગોપ-ગોપી, રાધા-વૃષભાનુ, યમુના, વ્રજની નિકુંજો અને ગોધણમાં ક્યાંક કૃષ્ણ ન દેખાયા ? હું ત્યાં છું, અહીં નથી….’ અને નારદ, તમે કૃષ્ણની સાથે હતા. હું કૃષ્ણથી અળગો હતો….’ ઉદ્ધવે કહ્યું.
‘એમ તો ત્રિવક્રાના ભવનમાં પણ મેં કૃષ્ણને જોયા હતા, જરાસંઘના ક્રોધમાં અને ભીષ્મની શ્રદ્ધામાં પણ મને કૃષ્ણ દેખાયા હતા.’ નારદ બોલી ઊઠ્યા.
‘તમે માતા દેવકીની પૂજા અને આરતીમાં પણ કૃષ્ણને જોયા હતા.’ ઉદ્ધવે કહ્યું.
‘હા, કૃષ્ણને તો ક્યારેય આ આંખથી જોઈ નથી શક્યો…’ નારદે કહ્યું, ‘મારી ઉત્સુકતા હવે વધતી જાય છે. મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપથી હવે મને વધારે વખત અળગો ન રાખ, ઉદ્ધવ ! મને જલદી કૃષ્ણ પાસે લઈ જા…..’
‘આપણે અત્યારે એ રૂપ પાસે જ જઈ રહ્યા છીએ, પણ કૃષ્ણે હંમેશાં એક વાત કહી છે – એ રૂપમાં કૃષ્ણ નથી, કૃષ્ણ વ્રજની ગાયોનાં નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્વારિકાના હૃદયમાં વસે છે, તમારી વીણાનાં કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ન હોય તો એ ક્યાંય નથી ! અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું સ્થાન કોઈ કાળેય કલ્પી શકાય ખરું ?’ ઉદ્ધવે કહ્યું. ઉદ્ધવ અને નારદ ગીચ વનમાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. મૃત્યુની હવામાંથી કોઈક નવા જ, કળી ન શકાય એવા વાયુમંડળમાં પ્રવેશતા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા.
‘નારદ, તમને યાદ છે, રાધાએ કહ્યું હતું કે કૃષ્ણ ક્યાંય ગયા નથી ! એ મારા મનમાં છે…’ ઉદ્ધવે કહ્યું.
‘હા !’
‘આજે આટઆટલાં વરસો પછી કોણ જાણે છે, વ્રજમાં શું થયું હશે ! નંદ અને યશોદા વૃદ્ધ થઈ ગયાં હશે, રાધા પણ વૃદ્ધાવસ્થાને આરે પહોંચી હશે, અને રાધાની એવી એકેય અવસ્થા છે કે જ્યાં કૃષ્ણ ન હોય ! આપણે જેને દુર્યોધનની રાજસભામાં, કુરુક્ષેત્રના મેદાનમાં કે પાંડવોના રાજ્યારોહણ વેળાએ જોયા એ કૃષ્ણ ત્યાં નહિ હોય, ત્યાં તો નંદકિશોરની પૂજા થતી હશે. હજી સૌ આ કદંબના વૃક્ષે પેલો બાળક ઓળકોળાંબડી રમતો, એ યાદ કરતા હશે. હજી રાધાને કૃષ્ણને ભુવનમોહન સ્મિત સ્વપ્નમાં આવતું હશે. કૃષ્ણ જેટલાં અહીં નથી, એટલાં ત્યાં છે !’ ઉદ્ધવે કહ્યું.
‘ઉદ્ધવ, કૃષ્ણમિલનની મારી ક્ષણ જ્યારે નજીક ને નજીક આવી રહી છે, ત્યારે તમે મને કેમ આવી વાતો કરી રહ્યા છો ?’ નારદને ઉદ્ધવનું આજનું વર્તન કેમે કર્યું સમજાતું ન હતું.
‘દેવર્ષિ, યાદવોએ જ્યારે મથુરા છોડ્યું ત્યારે ત્રિવક્રા પોતાના ભવનમાંથી ન હઠી. એ કહે, કૃષ્ણે જે ભૂમિને પાવન કરી હતી, એ છોડીને હું ક્યાંય નહિ જાઉં. ભલે જરાસંઘ મથુરાને આગ લગાડી દે !’ ઉદ્ધવે કહ્યું, ‘કોણ જાણે છે આજે એ જીવતી હશે કે નહિ ! પણ એના હૃદયમાં અંકાયેલી કૃષ્ણની છબી યુગો પછી પણ એવી ને એવી જ રહેશે.’ નારદ અસ્વસ્થ બની ગયા. એમણે સૌ પ્રથમ સંહાર જોયો, પછી બળરામનું મૃત્યુ નીરખ્યું. હવે કૃષ્ણના દર્શનની ક્ષણ નજીક આવી રહી હતી. જે એક એક પગલું એમને કૃષ્ણને પાસે ને પાસે લઈ જતું હતું, એ આટલું ભારે કેમ બનવા લાગ્યું હતું ?
‘નારદ, તમારાં પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. તમે કૃષ્ણને જોવા માટે મથુરાના કારાગૃહે ગયા, વૃંદાવનમાં ગયા, ગિરિવ્રજ ગયા, ઈન્દ્રપ્રસ્થ ગયા, હસ્તિનાપુર ગયા, દ્વારકા ગયા, કામ્યક વનમાં ઘૂમ્યા. તમારી આ બધી યાત્રામાં કૃષ્ણ હંમેશાં જીવતા રહેશે, યુગો પછી પણ કોઈક ભક્ત કે કોઈક કવિ એને યાદ કરશે અને કૃષ્ણને મળવા માટે તમે જે યાતના વેઠી હતી, એ યાતના કૃષ્ણ પાસે માગશે. એ કૃષ્ણની પૂજા કરવા બેસશે ત્યારે નંદ-યશોદાની વેદના, ગોપીનો વિરહ અને નારદના તલસાટનું વરદાન ઝંખશે.’
ઉદ્ધવની વાણીમાં નારદ કોઈક સંકેત સાંભળી રહ્યા હતા. એ બોલી ઊઠ્યા : ‘ઉદ્ધવ, તમે કહો તો ખરા, કે આપણે કૃષ્ણ પાસે જ જઈએ છીએ ને ? એ ભુવનમોહન રૂપ, જેની હમણાં વાત કરી, એ સ્વરૂપનો મને સાક્ષાત્કાર થશે ને ?’
‘હા દેવર્ષિ, એ ભુવનમોહન સ્વરૂપની પાસે જ આપણે જઈ રહ્યા છીએ. પણ કૃષ્ણ જેટલા તમારી વીણામાંથી ઝંકારાતા ‘નારાયણ’ શબ્દમાં જીવે છે એટલા એ સ્વરૂપમાં ન પણ હોય’ ઉદ્ધવે કહ્યું.
નારદે અટકી જઈને ઉદ્ધવના બંને ખભા પર હાથ મૂક્યા. ખભાને જોરથી હલાવીને કહ્યું : ‘ઉદ્ધવ, મને કહો તો ખરા કે શું થયું છે ?’
ઉદ્ધવ મીઠું હસ્યા અને કહ્યું : ‘દેવર્ષિ, તમારે કૃષ્ણને મળવું છે ને ?’
‘હા’ નારદે અધીરાઈથી કહ્યું.
‘જુઓ, સામે રહ્યા કૃષ્ણ !’ ઉદ્ધવે આંગળી ચીંધી.
નારદે એ દિશામાં દષ્ટિ કરી. અશ્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો. તેના પર કૃષ્ણ બેઠા હતા, એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો, બીજો પગ વાળેલો હતો. દૂરથી જોતાં, તેમનાં નેત્રો મીંચાયેલાં હોય એમ લાગતું હતું અને કોઈક ચમકતી લકીર કૃષ્ણના દર્શનની વચ્ચે અવરોધ રચતી હોય એવું લાગતું હતું. નારદ દોડ્યા ! એ ચમકતી લકીરના અવરોધને હટાવી દેવા તીવ્રપણે ઝંખતા હતા. કૃષ્ણના હોઠ પર એક મધુર સ્મિત હતું, એમના ચહેરા પર પ્રગાઢ શાંતિ હતી….. જેમ નજીક આવતા ગયા, એમ એ શાંતિના સઘન વાતાવરણમાં પ્રવેશી રહ્યા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા.
કૃષ્ણની પાસે જઈ તેમણે ચરણોમાં મસ્તક નમાવી દીધું. ક્યાંય સુધી એ ચરણોમાં જ તેમણે મસ્તક રહેવા દીધું. એમના મસ્તક પર ઉષ્ણ બિંદુઓ પડી રહ્યાં હોય એવો અનુભવ થતાં નારદે ઉપર દષ્ટિ કરી. કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેલી વીંધી ત્યાંથી હૃદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું, અને એમાંથી રુધિર ઝમી રહ્યું હતું.
‘કૃષ્ણ…. કૃષ્ણ….’ નારદ ચીસ પાડી ઊઠ્યા.
‘નારદ સ્વસ્થ થાઓ.’ ઉદ્ધવે નારદના મસ્તક પર હાથ સ્થાપતાં કહ્યું. નારદના મનમાં કોઈ પ્રચંડ સાગર હિલોળે ચડ્યો હતો. કોઈક ક્યારેક ન શમે એવો ખળભળાટ એ અનુભવી રહ્યા હતા. એમની આંખો સામે, ક્ષણમાં કૃષ્ણનાં બંધ નેત્રો, તો ક્ષણમાં રકતઝરતું હૃદય, તો ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વદન પરની પ્રગાઢ શાંતિ તરવરી રહ્યાં હતાં…..
‘ઉદ્ધવ, શું થઈ ગયું મારા કૃષ્ણને ?’ નારદના હોઠમાંથી રુદનથી ભીંજાયેલો પ્રશ્ન પડ્યો.
‘દેવર્ષિ, હું કહેતો હતો ને, કે કૃષ્ણ નારદનાં પરિભ્રમણોમાં જેટલા જીવે છે, એટલા આ સ્વરૂપમાં નથી જીવતા….’
નારદ આ કોઈ શબ્દો સાંભળતા ન હતા. એમને આખીયે પૃથ્વી ડોલી રહી હોય એમ લાગ્યું. આખુંયે આકાશ તૂટીને ધરતી પર ત્રાટકવા મથતું હોય એવું દેખાયું, એક મોટો કડાકો સંભળાયો. ધરતી ડોલી. અશ્વત્થની છાયામાં બેઠેલા કૃષ્ણ ડોલ્યા, ઉદ્ધવ પણ ડોલતો હોય એમ લાગ્યું. પ્રભાસના પટ પરના સમુદ્રે જાણે માઝા મૂકી હોય એમ એનો પ્રચંડ ઘુઘવાટ નજીક ને નજીક આવવા લાગ્યો…. સાગરના આકાશ લગી ઊછળતાં મોજાંઓમાં આખીયે પૃથ્વી સમાઈ જવા ઘસતી હોય એવું લાગતું હતું. આખીયે સુવર્ણદ્વારિકાને પોતાના ઉદરમાં સમાવી દેવા ધસતો હોય એમ સાગર આગળ ને આગળ વધતો હતો.
નારદના હોઠ કંપી રહ્યા. ઉદ્ધવનો અવાજ જાણે યુગોની પારથી સંભળાતો હોય એમ તૂટક તૂટક સંભળાતો હતો : ‘નારદ, કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગોયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે, અને એથીયે વધારે તો તમારી હૃદયવીણાનાં સ્પંદનોમાં શોધશે. કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નંદ અને યશોદાને જે દુ:ખ સહન કરવું પડ્યું એ દુ:ખનું વરદાન અમને આપો. નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો.’
‘નારદ યુગે યુગે કુરુક્ષેત્રો થતાં રહેશે, યુગે યુગે યાદવાસ્થળી રચાશે. પણ એ દરેક યુગે કૃષ્ણ હશે. કૃષ્ણ માટેનો તલસાટ હશે. એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે.’

No comments:

Post a Comment