Google Search

Friday, June 15, 2012

હું મારી જ શોધમાં – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ


[1] ઝૂકનારો જીતે
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’
સાગર હસ્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’
નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.
‘કેમ બહેન ! નેતર ક્યાં ?’
‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’
‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’ સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !
[2] પારસમણિ અને હજામ
જંગલમાં તપ તપતા એક બાવાજીના માથામાં પુષ્કળ જૂ થઈ ગઈ. ખૂબ ચટકા ભરે. બાવાજી માથું ખંજવાળવા જોરથી હાથ ફેરવે તો પાંચપંદર જૂ મરી જાય. પોતાની વેદના કરતાંય આ જૂ મોટી સંખ્યામાં મરી જતી હોવાથી બાવાજી દુ:ખીદુ:ખી થઈ ગયા. અવારનવાર પોતાના દર્શને આવતા એક ભક્તને બાવાજીએ કહ્યું : ‘ભાઈ ! શહેરમાંથી એક સારા હજામને બોલાવી લાવ. માથા પરના બધા વાળ મારે ઉતરાવી નાખવા છે.’
બીજે દિવસે પેલો ભક્ત હજામને લઈને બાવાજી પાસે આવ્યો. બાવાજીએ હજામને કહ્યું, ‘ભાઈ ! વાળ તું એવી કાળજીથી કાપ કે જેથી માથામાં રહેલી એક પણ જૂ મરે નહિ.’ હજામ દયાળુ હતો. જૂથી ખદબદી ઊઠેલા બાવાજીના માથાનો એકએક વાળ હજામે કાળજીથી કાપવા માંડ્યો. તમામ વાળોને ઉતારતાં પૂરા સાત કલાક લાગ્યા; પણ બાવાજીના અને હજામના એ બન્નેના આનંદનો પાર નહોતો; કારણ કે તમામ જૂ બચી ગઈ હતી ! હજામની વાળ કાપવાની આવડતથી પ્રસન્ન થયેલા બાવાજીએ હજામને પોતાની ઝૂંપડીમાં આવવા કહ્યું. હજામ બાવાજીની સાથે ઝૂંપડીમાં ગયો. બાવાજીએ એક ડબ્બી ઉઠાવી પછી હજામને કહ્યું, ‘બેટા ! જીવો પ્રત્યેની તારી દયા જોઈને હું તારા પર ખૂબ પ્રસન્ન થઈ ગયો છું. વરસોથી મારી પાસે પડેલો પારસમણિ ‘કોને આપવો ?’ એની મને મૂંઝવણ હતી પણ મને લાગે છે કે આ પારસમણિને લાયક તું છે. માટે લે બેટા ! આ પારસમણિ ! લોખંડને અડાડીશ એટલે તુર્ત જ એ લોખંડ સોનામાં રૂપાંતરિત થઈ જશે !’ આમ કહી બાવાજીએ ડબ્બી ખોલીને તેમાં રહેલો પારસમણિ હજામના હાથમાં મૂક્યો. હજામ તો બાવાજીની આ ઉદારતા જોઈને ગદગદ થઈ ગયો. આંખમાં આંસુ સાથે બાવાજીના પગમાં પડી ગયો. અને બાવાજીના આશીર્વાદ લઈને પોતાના ઘર તરફ આવવા નીકળ્યો.
મનમાં આનંદનો પાર નથી. કેટલી મામૂલી સેવાનું કેટલું ઊંચું ફળ મળ્યું ! સીધો આવ્યો પોતાની દુકાને. હૅર કટિંગ સલૂનમાં પડેલાં તમામ લોખંડનાં સાધનોને પારસમણિ અડાડ્યો. તમામ સાધનો સોનાનાં થઈ ગયાં. બીજે દિવસે દુકાનની બહાર મોટા અક્ષરે પાટિયું લગાવ્યું : ‘આ સલૂનમાં તમારા વાળ કપાવવા તથા હજામત કરાવવા જરૂર પધારો; કારણ કે અમે સોનાના અસ્ત્રાથી તમારી હજામત કરી આપીશું અને વાળ પણ સોનાની કાતરથી કાપી આપીશું !’
બિચારો હજામ ! પારસમણિ જેવો પારસમણિ મળ્યો તોય રહ્યો તો હજામ જ ! ટનનાં ટન લોખંડને સોનામાં ફેરવી દે તેવી પ્રચંડ તાકાત ધરાવતા પારસમણિનો ઉપયોગ કર્યો તેણે કાતર અને અસ્ત્રાને સોનામાં ફેરવી નાખવામાં ! હજામની મૂર્ખાઈ પર આપણને હસવું આવે છે. પણ આપણે હજામ કરતાંય વધુ મૂર્ખાઈ કરી રહ્યા હોઈએ તેવું નથી લાગતું ? વર્તમાનકાળમાં આપણને મળેલી એકએક સામગ્રી પારસમણિ કરતાંય વધુ તાકાતવાળી છે. પારસમણિ વધુમાં વધુ આ જન્મમાં કામ લાગે અને તેય માત્ર સંપત્તિ જ આપી શકે. પણ રોગોને અટકાવવાની, મોતમાં સમાધિ આપવાની, પરલોકમાં સદગતિઓની પરંપર સર્જવાની તેની કોઈ જ તાકાત નહિ. જ્યારે ધર્મસામગ્રીઓથી યુક્ત આ માનવજન્મની તાકાત કેટલી ? અનંતાનંત કાળથી ચાલતા આત્માના સંસારના પરિભ્રમણને સ્થગિત કરી દેવાની તેની તાકાત છે. દુર્ગતિઓને એ તાળાં લગાવી શકે છે. સદગતિઓના દરવાજા તે ખોલી આપે છે. મોતને મહોત્સવમય તે બનાવી શકે છે. રોગને કર્મક્ષયનું પ્રબળ કારણ તે બનાવી શકે છે. સંપત્તિઓના ઢેરના ઢેર વચ્ચે તેને અદ્દભુત સ્વસ્થતા તે અર્પી શકે છે. ટૂંકમાં કહીએ તો આત્માના આલોક અને પરલોક એ બંનેને સુવર્ણમય બનાવી દેવાની તેની પ્રચંડ તાકાત છે. પારસમણિ કરતાંય પ્રચંડ તાકાતવાળા આ જન્મને પામીને આપણે તેનો ઉપયોગ શેમાં કરીએ છીએ એ શાન્ત ચિત્તે વિચારવા જેવું છે.
[3] ક્રોધ રવાના
35 વરસના એક નવયુવકને વારંવાર ક્રોધ થઈ જાય. પોતાની માન્યતાની વિરુદ્ધ કોઈ આચરણ કરે એટલે તરત જ તેનો પિત્તો જાય. ન બોલવાના શબ્દો તે બોલી કાઢે અને ક્યારેક તો સામા પર હાથ પણ ઉગામી દે. તેના આવા ક્રોધી સ્વભાવને કારણે તે સર્વત્ર અપ્રિય બની ગયો. તેની સાથે કોઈ વાત કરવા પણ તૈયાર ન થાય. તેનું નામ જ લોકોએ ‘સળગતો કોલસો’ પાડ્યું ! ક્રોધના આવા પ્રત્યક્ષ ફળથી તે યુવક અકળાઈ ગયો. ક્રોધને રોકવાના પ્રયત્નો તેણે શરૂ કર્યા પણ તેમાં તેને જોઈએ તેવી સફળતા ન મળી. કંટાળીને તે એક મહાત્મા પાસે આવ્યો. ‘મહાત્મન ! મારા આવા તેજ સ્વભાવથી બીજાં તો ઠીક પણ હું પોતે ય ત્રાસી ગયો છું. કોઈ એવો ઉપાય દેખાડો કે જેથી જીવનમાં ક્રોધની માત્રા ઘટી જાય !’ યુવકે વાત કરી.
‘જો ભાઈ ! એક કામ કર. રોજ તારા ખીસામાં ‘મને હવે ક્રોધ આવી રહ્યો છે’ આવા લખાણવાળી એક કાપલી રાખતો જા. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તરત જ આ કાપલી ખીસામાંથી કાઢીને તારે એમાંનું લખાણ શાન્તિથી 21 વાર વાંચી જવાનું અને પછી ગુસ્સો કરવાનો. આટલો એક નાનો સરખો પ્રયોગ અજમાવી જો.’, મહાત્માએ સલાહ આપી.
‘પરંતુ એમ કરવાથી શો લાભ ?’ યુવકે પ્રશ્ન પૂછ્યો.
‘આ પ્રયોગ બરાબર 15 દિવસ સુધી કરીને પછી તું મારી પાસે આવજે. એ વખતે હું તને લાભ બતાવીશ.’
પેલો યુવક ગયો. સાતમે દિવસે જ મહાત્મા પાસે પાછો આવ્યો. સીધો મહાત્માના પગમાં જ પડી ગયો. ‘મહાત્મન ! ગજબ થઈ ગયો. આપે સૂચવેલો પ્રયોગ અમલમાં મૂક્યો. મનમાં જેવો ગુસ્સો આવ્યો કે તરત જ ખીસામાંથી પેલી કાપલી કાઢી. એ કાપલીને 21 વાર વાંચવાની વાત તો ઘેર ગઈ પરંતુ માત્ર સાતઆઠ વાર વાંચતાં જ ક્રોધ ઘટવા લાગ્યો. સામી વ્યક્તિ પર ગુસ્સો કરવાનો મોકો જ ટાળવાનું મન થવા લાગ્યું. અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે સામો માણસ ગમે તેવું વર્તન કરે તોય મનમાં પણ કષાય ઊઠતો નથી. આ શો ચમત્કાર સર્જાઈ ગયો ?’
વાસ્તવિકતા આ જ છે. મનમાં ઊઠતા કષાયોની, મનમાં જાગતી વાસનાઓની તાકાત ખરેખર તોડી નાખવી હોય તો તેને તાત્કાલિક અમલમાં ન મૂકો. વચ્ચે થોડું અંતર પાડી દો. એ અંતર કષાયોને અને વાસનાઓને નિષ્ફળ બનાવીને જ રહેશે !
[4] અસર વાતાવરણની
ઉસ્તાદ સંગીતકાર એક જગ્યાએ પ્રોગ્રામ આપવા ગયા. ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં હજારો પ્રેક્ષકોની વચ્ચે સંગીતકાર પોતાના સ્થાને ગોઠવાયા. તબલચી, વીણાવાદક વગેરે સહુ પોતપોતાના સાજ બેસાડવા લાગ્યા. સંગીતકારે માલકૌંસ રાગ ગાવા માટે પોતાના ગળાને તૈયાર કર્યું. પંદરવીસ મિનિટ બાદ માલકૌંસ રાગ છેડ્યો. અદભુત કંઠ, તાલબદ્ધ પડતી તબલાની થપાટો, પંખીઓને ઊડતાં અટકાવી દે તેવી વીણાના લયે આખા સભાગૃહના વાતાવરણને ગંભીર બનાવી દીધું. આખો હૉલ જાણે કે માલકૌંસ રાગમય થઈ ગયો. ચારે બાજુ તાળીઓના ગડગડાટ થવા લાગ્યા. વાહવાહના પોકારો ઊઠવા લાગ્યા. સહુ કોઈ આ રાગની અસરમાં એવા આવી ગયા કે દરેકના કાનમાં જાણે માલકૌંસ રાગ જ ગૂંજવા લાગ્યો. ત્યાં અચાનક એ જ હૉલમાં એક બીજા સંગીતકાર પ્રવેશ્યા. ભૈરવી રાગના ગાયક તરીકે એમની સર્વત્ર ખ્યાતિ હતી. પેલા સંગીતકારે માલકૌંસ રાગ ગાવાનો બંધ કર્યો અને આગંતુક આ નવા સંગીતકારે ભૈરવી રાગ ગાવાની શરૂઆત કરી. પણ કોણ જાણે શું થયું ? આ સંગીતકારનો ભૈરવી રાગ જામે જ નહિ. એટલું જ નહિ, ભૈરવીને બદલે માલકૌંસ રાગ જામી ગયો. ભૈરવીમાં જવાની એ સંગીતકારની જહેમત નિષ્ફળ ગઈ. પોતે આનું કારણ સમજી શક્યા નહિ.
બાજુમાં જ બેઠેલા એ સંગીતકારના ગુરુ ખડખડાટ હસતા હતા. તેમણે પોતાના આ શિષ્યને સમજાવ્યું, ‘ભલા માણસ ! સંગીતનો એક કાયદો સમજી રાખ કે ચારે બાજુનું વાતાવરણ જે રાગમય થઈ ગયું હોય તે વાતાવરણમાં તમે બીજા ગમે તે રાગ છેડો. જાણે-અજાણ્યે તમારે એ જ રાગમાં ખેંચાઈ જવું પડશે. આ સભાગૃહમાં પેલા સંગીતકારે માલકૌંસ રાગ એવો જમાવી દીધો છે કે તારો ભૈરવી રાગ હાલ પૂરતો તો આ હૉલમાં જામશે જ નહિ. હા, જે વખતે આ હૉલ માલકૌંસની અસરથી મુક્ત થઈ જશે તે વખતે તું તારો ધાર્યો રાગ આમાં જમાવી શકીશ !
પેલો સંગીતકાર તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. આ દષ્ટાન્ત આપણે માટે ખૂબ જ પ્રેરક છે. જેવા ભાવો આપણા મનમાં જાગતા હોય છે તેવું વાતાવરણ આપણે ચારે બાજુ ઊભું કરી દેતા હોઈએ છીએ. સંગીતની દુનિયામાં પણ એક લયની અસર બીજા લયને પોતાની અસર જ જમાવવા ન દેતી હોય તો પછી આધ્યાત્મિક જગતનું તો પૂછવું જ શું ? તમારા મનમાં શુભ ભાવોનું જોર હશે તો તમારી આજુબાજુ આવનારા આત્માઓ પ્રાય: કરીને અશુભ ભાવોમાં રમી નહિ શકે ! એથી વિપરીત, તમારું મન ભારોભાર અશુભ ભાવોથી ભરેલું હશે તો તમારી આજુબાજુ આવનારા આત્માઓના મનમાં શુભ ભાવોને કદાચ જાગવા જ ન દે એવુંય બને ! પેલું સૂત્ર આવે છે ને ? ‘अहिंसाप्रतिष्ठायां वैरत्याग:’ જે ક્ષેત્રમાં અહિંસામય વાતાવરણ સર્જાયું હોય તે ક્ષેત્રમાં હિંસક ભાવો પેદા થવા જ મુશ્કેલ છે. પેદા થઈ જતા હોય તો ટકવા મુશ્કેલ છે.

No comments:

Post a Comment