Google Search

Sunday, June 17, 2012

આહલાદની આંધી – સુરેશ એમ. પરમાર ‘સૂર’


સમસ્ત જગતનો વ્યવહાર, જડ-ચેતનમાં રહેલા વિરોધાભાસી ગુણધર્મને કારણે નિરંતર ચાલ્યા કરે છે. આ વિરોધાભાસી ગુણધર્મને એક સૂત્રમાં બાંધી રાખવામાં, પ્રકૃતિનો સ્વભાવ કારણભૂત છે; અને પ્રકૃતિના એ સ્વભાવની સાહજિક લાક્ષણિકતા છે : સતત સર્જન-વિસર્જન કરતાં કરતાં આનંદ પ્રગટાવવો તથા પ્રગટાવેલ આનંદને સુગંધની જેમ સમગ્ર અસ્તિત્વમાં ફેલાવી દેવો. વિરોધાભાસ અર્થાત દ્વન્દ્વ; અને દ્વન્દ્વ એ પ્રકૃતિની અનિવાર્ય સ્થિતિ છે. એટલા માટે પ્રકૃતિ સારા-નરસા વચ્ચે ક્યારેય પસંદગી નથી કરતી, પરંતુ દ્વન્દ્વના બન્ને આયામોને એકસાથે ટકી રહેવા દે છે. દિવસ-રાત, તમસ-જ્યોતિ, જન્મ-મૃત્યુ, સુખ-દુ:ખ, પૂર્ણ-શૂન્ય, હકાર-નકાર, પદાર્થના નાનામાં નાના એકમ, પરમાણુમાં રહેલ ઈલેક્ટ્રોન-પ્રોટોન વગેરે કેટલીય પ્રકારનાં દ્વન્દ્વ છે; જેમનાં બન્ને આયામો સ્વભાવત: અન્યોન્યાશ્રિત છે અને પ્રકૃતિને પણ એમની એ પ્રકૃતિ સહજ સ્વીકાર્ય છે. કદાચ આ સંદર્ભમાં જ દેવો અને દૈત્યોની ઉત્પત્તિનો યોગ રચાયો હોય એવું હોઈ શકે છે.
પૌરાણિક કથા મુજબ કશ્યપઋષિ, દક્ષની તેર પુત્રીઓને પરણ્યા હતા. તેમાંની પ્રથમ બે પુત્રીઓનાં નામ હતાં, અદિતિ અને દિતિ. કશ્યપ અને અદિતિ દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રો દેવો કહેવાયા જ્યારે કશ્યપ અને દિતિ દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રો દૈત્યો કહેવાયા. આમ દેવો અને દૈત્યો સગા ભાઈઓ છે, માત્ર તેમની પ્રકૃતિ એકબીજાથી તદ્દન વિપરીત છે. દેવો અને દૈત્યો દ્વન્દ્વના બે છેડાના પ્રતીકો છે, જેમના વ્યવહાર થકી સારું-નરસું પ્રતિપાદિત થતું રહે છે. જગતના પ્રત્યેક કણમાં પ્રકૃતિ સમાયેલી છે, એ હિસાબે દેવો અને દૈત્યોની પ્રકૃતિમાં પણ, આનંદ મેળવવા માટે પ્રવૃત્ત રહેવાનો સ્વભાવ સમજી શકાય છે. પરંતુ આનંદ માટે દેવોની ગતિવિધિ તથા દૈત્યોની ગતિવિધિ અલગ પડી જાય છે. સંસ્કૃતના એક ક્રિયાપદ ‘દો’ નો અર્થ સમજવા જેવો છે. દો-દ્યતિ એટલે કાપવું, ભાગલા પાડવા એવા અર્થ જોડણીકોશમાં આપેલા છે. દો-નું ભૂતકૃદંત થાય છે દિત. ‘દિત’ એટલે કાપેલું, કપાઈ ગયેલું. દિત પરથી ‘દિતિ’ નામ બન્યું હોવાની શક્યતા છે. શબ્દકોશમાં પણ એ રીતના અર્થ આપેલા છે, જેમકે દિતિ અર્થાત્ કશ્યપઋષિની પત્ની, દૈત્યોની માતા તેમજ કાપવું. આમ જોતાં કશ્યપ અને દિતિના પુત્રો દૈત્યોમાં, કાપવાની કે ભાગલા પાડવાની વૃત્તિ હોય એવો સંકેત તેમના નામાભિધાનમાંજ સમાહિત છે ! આનાથી વિપરીત કશ્યપ-અદિતિના પુત્રો દેવો, સુખપ્રાપ્તિ માટે યત્ન કરનારા છે, તપ કરનારા છે તથા તેમનું પૂજન કરનારાંને વરદાન આપવાની ઉદારતાવાળા છે. એ રીતે દેવો કાપવાની નહિ પરંતુ જોડવાની વૃત્તિને અનુસરનારા છે.
પ્રકૃતિ દ્વારા સર્જન પામતો, ઊભરાતો રહેતો અને સર્વવ્યાપી થતો આનંદ, સુખ અને દુ:ખથી બિલકુલ પર છે. સુખ અને દુ:ખ દ્વન્દ્વાત્મક મનના બે છેડા છે. ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં ઘડિયાળના લોલકની માફક ડોલતા રહેવાનો મનનો સ્વભાવ છે, જેથી તેના સુખ-દુ:ખના અનુભવો પણ દ્વન્દ્વાત્મક હોય છે. આનંદ નિર્દ્વન્દ્વ છે અથવા એમ કહી શકાય કે આનંદની અનૂભુતિ દ્વન્દ્વાતીત છે; એટલા માટે, આનંદનું આ અદ્વૈતપણું, નિરંજન-નિરાકાર પરમાત્માનો અનુભવ પણ કરાવી દે છે. એમ પણ સમજી શકાય કે જે જીવ, મનનાં તમામદ્વન્દ્વોની ઉપર જઈ શકે છે, તે આત્મસ્થ થતાં નિરંજન-નિરાકાર પરમાત્માને સમર્પિત થઈ જાય છે; અને એ જીવને અંતત: આહલાદનો, આનંદનો અનુભવ થઈ જાય છે.
જોડણીકોશમાં સંસ્કૃતના ‘હલાદ’ ધાતુના અર્થ આનંદ પામવું, અવાજ કરવો તથા આનંદદાયક નીવડવું… આપેલા છે. હલાદમાં ‘આ’ ઉપસર્ગ લગાવતાં આહલાદ શબ્દ બને છે, જેનો અર્થ આનંદ થાય છે. આહલાદ અર્થાત આનંદની, સુખ-દુ:ખનાં દ્વન્દ્વથી પર હોવાની લાક્ષણિકતા છે, તેથી તેને દ્વન્દ્વાતીત સમજવામાં આવે છે. ઉપરાંત તેની ઉપસ્થિતિ સદૈવ વર્તમાનકાળમાં જ હોવાથી, તેને ભૂતકાળ-ભવિષ્યકાળનાં દ્વન્દ્વથી પણ, પર સમજવામાં આવે છે. સુખ અને દુ:ખથી પર એવા આ આહલાદપર, સમસ્ત માનવજાતિનો અધિકાર છે, માણસ તેની સંકલ્પશક્તિ દ્વારા દ્વન્દ્વની ઉપર ઊઠી શકે તેવી ક્ષમતા, પ્રકૃતિએ આપેલી જ છે. આ હકીકતનો સ્વીકાર થઈ શકે એ માટે કબીર, નાનક, રામકૃષ્ણ પરમહંસ, મીરા, સહજો જેવાં બે-ચાર નામો યાદ કરવાં પર્યાપ્ત છે. માણસમાં ભલે દેવનો ગુણ હોય કે દાનવનો, પ્રકૃતિએ કોઈ પણ શરત મૂક્યા વગર આનંદના આ અધિકારને આપેલો છે. કદાચ માણસના આ ગૌરવને સૂચિત કરવા જ તેના શરીરમાં વસેલા સૂક્ષ્મ-શરીરયુક્ત આત્માને, ‘હિરણ્યગર્ભ’ કહ્યો છે. સંસ્કૃત તથા ગુજરાતી જોડણીકોશમાં હિરણ્યગર્ભનો પ્રથમ અર્થ બ્રહ્મા, બીજો અર્થ વિષ્ણુ અને ત્રીજો અર્થ સૂક્ષ્મ શરીરયુક્ત આત્મા બતાવેલ છે. ગર્ભનો અર્થ થાય છે, માના પેટમાં રહેલા જીવનું રૂપ. હિરણ્યનો અર્થ થાય છે સુવર્ણ, સોનું. સોનાની ધાતુમાં આકર્ષણ પેદા કરતી એક ચમક હોય છે. ઉપરાંત સોનામાં, અનંતકાળ સુધી પોતાનું મૂલ્ય ટકાવી રાખવાની ક્ષમતા પણ રહેલી છે. એ સંદર્ભમાં ગર્ભ અર્થાત જીવાત્મા – પ્રથમથી જ હિરણ્યમયી છે, સુવર્ણમયી છે અને શાશ્વતગુણો વાળો છે. એટલું જ નહિ, સમ્યકગતિ પ્રાપ્ત થતાં એ જ જીવાત્માનું બ્રહ્મા સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ પરમાત્મામાં પણ રૂપાંતરણ થઈ શકે છે. કદાચ એ જ કારણે હિરણ્યગર્ભના અર્થમાં, બ્રહ્મા-વિષ્ણુની સાથે સૂક્ષ્મશરીરયુક્ત આત્મા શબ્દાર્થ પણ મૂકવામાં આવ્યો હશે. જે જીવ પોતામાં રહેલું હીર ખોળી લે છે, હિરણ્ય અર્થાત્ સોનું ખોળી લે છે; તે બ્રહ્માસ્વરૂપ થઈ, વિષ્ણુસ્વરૂપ થઈ, આહલાદ અર્થાત આનંદની અનુભૂતિ કરી શકે છે.
દ્વન્દ્વાત્મક અસ્તિત્વમાં હિરણ્યગર્ભની વિપરીત પ્રકૃતિ પણ હોય તે સ્વાભાવિક છે, એટલે અહીં હિરણ્યકશિપુ નામના દૈત્યનો જન્મ પણ થાય છે. તે નકારાત્મક ગતિ કરીને પોતાના, ઉપરાંત પોતાની આસપાસનાં તમામ માટે પીડાદાયી વાતાવરણ ઊભું કરે છે. હિરણ્યકશિપુ, કશ્યપઋષિ અને દિતિનો પુત્ર હતો એવો ઉલ્લેખ પુરાણોમાં છે. હિરણ્યકશિપુનો એક ભાઈ પણ હતો, જેનું નામ હિરણ્યાક્ષ હતું. આ બન્ને ભાઈઓની હોલિકા નામની એક બહેન પણ હતી. હિરણ્યગર્ભ થઈ જવું એટલે કે બ્રહ્મા-વિષ્ણુની બરાબર થઈ જવું, ક્યા જીવને ના ગમે ? પરંતુ પરમાત્માના એ આનંદદાયી સ્વરૂપને પામવા સમર્પિત થવું પડે છે. હિરણ્યકશિપુએ તેનાથી વિપરીત લૂંટમારની પ્રવૃત્તિ આદરી હતી અને બળપૂર્વક પોતાની સર્વોપરિતા સ્થાપવાની કોશિષ કરી હતી. નકારાત્મકગતિની અતિ સુધી પહોંચી, તેણે પોતાના જ પુત્ર ભક્ત – પ્રહલાદને પોતાની બહેન હોલિકા દ્વારા બાળીને મારી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો. અંતત: નરસિંહ અવતાર, વિષ્ણુદ્વારા તેની જીવનલીલા સમાપ્ત થઈ હતી.
આ પૌરાણિક કથામાં, જીવાત્માની ગતિને આનંદાવસ્થા તરફ દોરી જતાં રહસ્યો, સાંકેતિક રૂપે સમાહિત કરાયેલાં છે. માત્ર આ કથામાં જ નહિ, પરંતુ તમામ શાસ્ત્રો, મહાકાવ્યો, વેદો-ઉપનિષદો તેમજ પુરાણોમાં, વાર્તા સ્વરૂપે અથવા તો કાવ્ય સ્વરૂપે ગૂંથણી કરીને, આધ્યાત્મિક રહસ્યો છુપાવેલાં છે. આ સાંકેતિક રહસ્યોનું ઉદ્દઘાટન કરી, તે મુજબનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ ના કરે તો માણસ, એક વાર્તા સાંભળનારો બાળક માત્ર બની રહે છે. તેનું જીવન ફકત જન્મ અને મૃત્યુના દ્વન્દ્વમાં પશુ-પક્ષીની ગતિસમાન પસાર થઈ જાય છે. તે અદ્વૈતની યાત્રા સુદ્ધાં શરૂ કરી શકતો નથી અને તેથી માત્ર સુખ-દુ:ખનો અનુભવ કરી જાણે છે, પરંતુ શરીર-મનના દ્વૈતથી ઉપર ઊઠી શકતો નથી.
હિરણ્યકશિપુ નામનો દૈત્ય બીજો કોઈ નહિ, પણ મનનો અહંકાર છે. એ જ દૈત્યનો ભાઈ હિરણ્યાક્ષ, તે મનનો અંધાપો છે. આ બન્ને ભાઈઓની બહેન હોલિકા, તે તૃષ્ણા અર્થાત ઈચ્છા અથવા કામના છે. હિરણ્યકશિપુને પોતાના સિવાય બીજા કોઈનો પણ સ્વીકાર નહોતો. જે કાંઈ નજરે પડે તે બધા પર પોતાનો જ અધિકાર સ્થાપવાની તેની દાનત હતી. તેણે એવું વરદાન પણ મેળવ્યું હતું કે તેનો નાશ કોઈ પણ સંજોગોમાં ના થાય. તેને કોઈ લોઢાથી ય ના મારી શકે અથવા લાકડાથી પણ. તે દિવસે ય ના મરી શકે અને રાત્રે પણ. તેને કોઈ મનુષ્ય પણ ના મારી શકે કે પશુ-પક્ષી પણ. આવી જ વૃત્તિ માણસના અહંકારની છે. અહંકારને આ પણ જોઈએ અને પેલું પણ, અથવા આ પણ તારું નહિ અને પેલું પણ તારું નહિ. ટૂંકમાં અહંકારને બધું જ જોઈએ. અહંકારને લોઢા-લાકડાના કોઈ હથિયાર વડે મારી શકાતો નથી. જે વ્યક્તિ સંપત્તિવાન હોય તેને ધનવાન હોવાનો અહંકાર હોય છે; વળી તે જ વ્યક્તિ જ્યારે સંપત્તિ છોડી દે છે, ત્યારે તેને મહાન ત્યાગી હોવાનો અહંકાર થાય છે. વાસ્તવમાં અહંકાર ભ્રમણા છે, તેથી અહંકારને કોઈ ખોળવા બેસે તો ક્યારેય મળી શકે તેમ નથી, તે હિસાબે અહંકારને પણ હિરણ્યકશિપુ જેવું વરદાન મળેલું છે. અહંકારની મદદ કરનારો તેનો ભાઈ અંધાપો હિરણ્યાક્ષ છે. તેની તો આંખ જ સોનાની છે, એટલે કે તેને જેટલું પણ પીળું દેખાય ત્યાં સોનું દેખાય છે. તે આંધળો બનીને, તેના ભાઈ અહંકારરૂપી હિરણ્યકશિપુને સાથ-સહકાર આપતો રહે છે. મનની આંખો બંધ હોય ત્યાં પીળું એટલું સોનું દેખાય છે અને અહંકારને વિવેકહીન ધારણાઓમાં વિશ્વાસ કરવાનું બળ મળતું રહે છે. જાગરણ વગરનું મન વિવેકશૂન્ય હોય છે અને તે આંધળીદિશામાં પ્રવૃત્ત કરાવે છે, એ અર્થમાં હિરણ્યાક્ષ અર્થાત્ સોનાની આંખ એમ સમજી શકાય છે. મનના અહંકાર અને મનના અંધાપાની બહેન હોલિકા નામની તૃષ્ણા છે, એટલે કે આશા, ઈચ્છા, કામના છે. જીવનો જન્મ થાય એટલે ટકી રહેવાની વૃત્તિ-પ્રવૃત્તિ ‘જીવેષણા’ તો સ્વાભાવિક છે; પરંતુ અહંકારમાંથી જન્મ લેતી ઈચ્છા, કામના, તૃષ્ણા હોલિકાનું રૂપ ધારણ કરી લે છે. હિરણ્યકશિપુની બહેન હોલિકાને મળેલું વરદાન ઘણું સૂચક છે. જેમ હોલિકા આગમાં પણ બળતી નહોતી, તેમ સતત દોડાવતી રહેતી ઈચ્છા, ચિંતાની ચિતા સળગાવી જીવને બાળે તો છે, પણ તે પોતે બળતી નથી. એ રીતે આશા, ઈચ્છા, કામના અમર છે, એમ કહેવાયું છે.
આવી સ્થિતિમાં પણ જો પ્રહલાદની ઉપસ્થિતિ હોય, તો આહલાદ તરફ જતાં જીવને કોઈ રોકી શકતું નથી. હલાદ શબ્દમાં ‘પ્ર’ ઉપસર્ગ લગાવતાં પ્રહલાદ શબ્દ બને છે. ‘પ્ર’ નો અર્થ પહેલાંની સ્થિતિ બતાવવા માટે થાય છે. એ રીતે પ્રહલાદ એટલે આહલાદ અર્થાત્ આનંદ પહેલાંની સ્થિતિ. આનંદ સુધી પહોંચવાની કોઈ અનિવાર્ય પૂર્વ શરત હોય, તો તે છે ‘શ્રદ્ધા’. જો પ્રહલાદમાં હિરણ્યકશિપુના પુત્રને ના જોઈએ તો, આનંદ પહેલાંની જરૂરી સ્થિતિ ‘શ્રદ્ધા’ એટલે પ્રહલાદ; એમ સરળતાથી સમજી શકાય છે. પ્રહલાદની શ્રદ્ધા દ્વન્દ્વથી પર છે. તેથી જ તે સુખ-દુ:ખનાં દ્વન્દ્વથી પર એવા આનંદની અનુભૂતિ કરાવવાવાળી સિદ્ધ થાય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના દ્વન્દ્વથી પર વર્તમાનકાળ છે. જે માણસ ભૂત અને ભવિષ્યના ખેંચાણથી મુક્ત થઈને વર્તમાનમાં સ્થિર થઈ શકે છે, તેને જેવું છે તેવું સ્પષ્ટ દેખાવા લાગે છે, તે જાગવા લાગે છે અને પ્રકૃતિ એવા જાગરણમાં પ્રવેશેલા માણસને શ્રદ્ધાની ભેટ ધરી દે છે. અંગ્રેજીભાષામાં વર્તમાનકાળને પ્રેઝન્ટ-ટેન્સ કહે છે. સાથે સાથે પ્રેઝન્ટનો અર્થ ભેટ, પ્રસાદ પણ થાય છે. જે જીવ વર્તમાનનો સહજ સ્વીકાર કરી લેતો હોય છે, તેને કુદરત આનંદની ભેટ આપીને કૃતકૃત્ય કરી દેતી હોય છે.
શરીર અને મનના દ્વન્દ્વથી પર સાક્ષીરૂપ આત્મા છે, દ્રષ્ટારૂપ આત્મા છે. જે જીવ પ્રહલાદ જેવી શ્રદ્ધા દ્વારા સમગ્ર અસ્તિત્વને સમર્પિત થઈ શકે અથવા ધ્યાન દ્વારા અહંકાર વિસર્જન કરી પોતામાં રહેલ સાક્ષીમાં સ્થિત થઈ શકે, તે પણ દ્વન્દ્વથી પર એવા આત્મતત્વમાં પ્રવેશી, આહલાદ અર્થાત આનંદમાં ગતિ કરી શકે છે. હિરણ્યકશિપુને ત્યાં વિષ્ણુનાં ગુણગાન કરતાં કોઈ શાસ્ત્રો હોવાની શક્યતા જ નથી. દૈત્યના કુટુંબમાં કોઈએ પ્રહલાદને, પરમાત્મા વિશે જાણકારી આપી હોય તેવું પણ નથી. સ્વભાવત: પ્રહલાદની શ્રદ્ધા, આ મૂર્તિમાં માનવું કે ન માનવું તથા પૂજા-પાઠ કે બાધા-માનતા અથવા કશાના પર આધાર રાખતી હોય એવું ક્યાંથી હોય ? સમગ્ર અસ્તિત્વના સહજ સ્વીકારમાંથી પ્રહલાદની શ્રદ્ધા જન્મે છે. પ્રહલાદ માટે પરમાત્માના આકારને કલ્પવાનો કોઈ આધાર જ નહોતો, માટે તેની શ્રદ્ધા નિરાકાર તરફની શ્રદ્ધા બની અને તેથી તેને અદ્વૈતના આનંદ તરફ લઈ જનારી બની. પ્રહલાદની શ્રદ્ધાને ડગાવવા હિરણ્યકશિપુ તેને પર્વતપરથી નીચે ગબડાવે છે, પરંતુ જેણે સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર કરી લીધો હોય, તેનો અસ્વીકાર અસ્તિત્વ કઈ રીતે કરે ? પ્રહલાદને તેની શ્રદ્ધા હેમખેમ રાખે છે. પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડીને, ચારે તરફ આગ લગાડવામાં આવી. હોલિકા બળી જાય છે, પ્રહલાદ બચી જાય છે. આમાં એવો સૂચિતાર્થ છે કે, તૃષ્ણાને કારણે ઉપજતી, ચિંતાની હોળીના ખોળામાં જ, શ્રદ્ધા પ્રહલાદ બનીને બેઠેલી છે. શ્રદ્ધાનો જન્મ થાય તો ચિંતાની હોલિકા સ્વયં બળીને ખાખ થઈ જાય છે. છેવટે હિરણ્યકશિપુ આગથી તપાવેલા ધગધગતા થાંભલાને આલિંગન કરવાનો પ્રહલાદને પડકાર ફેંકે છે. પ્રહલાદ ધગધગતા થાંભલાને ભેટવા જાય છે, ત્યાં થાંભલામાંથી હિરણ્યગર્ભ-વિષ્ણુનું નરસિંહ સ્વરૂપ પ્રગટ થાય છે. હિરણ્યકશિપુનો અંત તેના વરદાન મુજબ થાય છે. તેનો વધ નખ દ્વારા થાય છે. નરસિંહ સ્વરૂપમાં દેવ, નર-નારી કે પશુ-પક્ષી ઈત્યાદિ ક્યું સ્વરૂપ છે, તે કહી શકાતું નથી. હિરણ્યકશિપુના અંતકાળે દિવસ પણ નથી હોતો અને રાતપણ નથી હોતી, પરંતુ દિવસ-રાતને સાંધતો સમય ‘સંધ્યાકાળ’ હોય છે.
આધ્યાત્મિક સાધનામાં પણ સંધ્યાકાળનું એટલું બધું મહત્વ છે, કે સંધ્યા શબ્દનો અર્થ જ પૂજન-અર્ચન કરવામાં આવે છે. સંધિ અર્થાત જોડાવું, સંયોગ. સંધિ ઉપરથી સંધ્યા શબ્દ બન્યો છે અને તેમાં સાધના પ્રયોગ માટે, રહસ્યાત્મક વિશેષતા પણ રહેલી છે. દિવસ અને રાત અથવા રાત અને દિવસને સાંધતા કાળમાં, પ્રાકૃતિક દ્વન્દ્વનું ખેંચાણ અલ્પ પ્રમાણમાં હોય છે. તે સમયમાં દિવસની અતિશય સક્રિયતા પણ નથી હોતી તેમજ વિશ્રામના અતિમાં લઈ જતી રાતની નિષ્ક્રિયતા પણ નથી હોતી. તેની સીધી અસર માણસના મન-શરીર પર થતી હોવાથી તેને સાધનામાં સહાયક-ગતિ મળે છે. આધ્યાત્મિક સાધના માટે આવો સંધિકાળ, બે ઋતુઓ વચ્ચે પણ હોય છે. ઠંડી અને ગરમીની બે ઋતુઓનો સંધિકાળ આસો અને ચૈત્ર મહિનામાં આવે છે. આસોમાસથી ઠંડીની અને ચૈત્રમાસથી ગરમીની ઋતુઓનો સંધિકાળ થાય છે. બન્ને માસની પ્રથમ નવરાતોને ‘નવરાત્રિ’ તરીકે વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેમાં સાધક શક્તિની આરાધના કરી શકે છે. શક્તિના તટસ્થ ગુણધર્મની સાધના કરનાર સાધક, પોતે પણ તટસ્થ બનીને સાક્ષી સ્વરૂપ થઈ શકે છે. તટસ્થ અર્થાત્ જે તટ પર સ્થિત છે અને બેમાંથી કોઈ પણ એક કિનારાનો સંગ કરીને વહી જતો નથી એવો જીવ. આવી રીતે સાક્ષી થનાર સાધક નિષ્પક્ષ બને છે, નિરપેક્ષ બને છે અને દ્વન્દ્વની પાર પહોંચે છે. પ્રથમ નવરાત્રિથી શરૂઆત કરી અહંકારના વિસર્જન માટે માણસ દિવસ-રાતના સંધિકાળમાં પણ પ્રવૃત્ત થાય, તો કાળાંતરે એવો યોગ ઉત્પન્ન થાય છે કે, તે બે ક્ષણના સંધિકાળમાં પણ પ્રવેશ કરી જાય અને દ્વન્દ્વાતીત આનંદને ઉપલબ્ધ થઈ જાય.
મનુષ્યના શરીરમાં પ્રવેશતાં પહેલાં, પ્રકૃતિના સહજક્રમ મુજબ જીવને પશુ-પક્ષીનાં શરીરમાંથી પણ પસાર થવું પડે છે. પશુતામાંથી વિકાસ પામતાં પામતાં મનુષ્યનું શરીર નિર્મિત થયું છે, તેથી તેનામાં સિંહ જેવી હિંસક પશુતા પણ છે અને વિકસિત ચૈતન્ય પ્રાપ્ત થતાં, શરીરમનની પાર જઈ શકતી સાક્ષી સ્વરૂપ, ઉચ્ચ ગુણવત્તા પણ છે. તેનામાં પશુ જેવું આચરણ કરવાની વૃત્તિ પણ છે અને નર-કેસરી અર્થાત્ સંકલ્પવાન નર થવાની વૃત્તિ પણ છે. વીરપુરુષ બનીને તે, સમ્યક સાધના દ્વારા સાક્ષીરૂપ થઈ, દ્વન્દ્વની પાર જવાનું સાહસ પણ કરી શકે છે. જીવાત્માને મળેલું શરીર નરનું હોય કે નારીનું, બન્નેમાં હિરણ્યગર્ભનું નરસિંહ સ્વરૂપ સદૈવ મોજૂદ છે. ચિંતા પેદા કરતી તૃષ્ણારૂપી હોળીને આગ ચાંપી દઈએ, તો હોળીના જ ખોળામાંથી, પ્રહલાદની દ્વન્દ્વાતીત-શ્રદ્ધા જન્મ લે છે. પછી ચારે બાજુથી ઉત્સવનો પવન ફૂંકાય છે અને આહલાદની આંધી ઊઠે છે. તે બળી ગયેલી ઈચ્છારૂપી હોળીની રાખોડીને, ધૂળ સાથે ઊડાવીને ઊંચે આકાશમાં લઈ જાય છે. વાતાવરણ ધૂળેટિયું થઈ જાય છે અને ધૂળેટીની એ વર્તમાન ક્ષણોમાં, આનંદની કુમકુમ વર્ષા થાય છે, અબીલ-ગુલાલનાં અમીછાંટણા થાય છે. ચહુદિશ સાતે ય રંગોમાં ઉત્સવની અભિવ્યક્તિ થતી રહે છે અને કેન્દ્રમાં શુભ્ર-શ્રદ્ધા અદ્વૈતમય બની રહે છે, નિરાકારમય બની રહે છે. આવી આહલાદની આંધી, આપણા સહુના જીવનમાં આવે એવા યોગ ઊભા થાય અને એ દિશામાં આપણો સંકલ્પ આપણને ગતિ કરાવે, એવી પ્રભુ-પ્રાર્થના.

No comments:

Post a Comment