Google Search

Friday, June 15, 2012

પ્રજ્ઞા-પ્રાસાદ – મકરન્દ દવે


ભગવાન બુદ્ધ બોધિપ્રાપ્તિ પછી પહેલી જ વાર કપિલવસ્તુમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડિયામાં ઊતર્યા છે. મહારાજ શુદ્ધોદન અને મહાપ્રજાપતિ દેવીના હરખનો તો પાર નથી. કુમાર રાહુલને આગળ કરી યશોધરાએ એને પિતાનો વારસો અપાવ્યો છે. શાક્યકુળના તરવરિયા જુવાનો રણઝણતા રથે ચડી ભગવાનનાં દર્શને આવે છે ને અપૂર્વ શાંતિ અનુભવે છે. યુદ્ધ અને મૃગયામાં રમતા એમના મનને ક્ષમા અને સર્વ પ્રાણી પ્રત્યે કરુણાનો મંગલ ધ્વનિ સંભળાય છે. અત્યાર સુધી પ્રતિસ્પર્ધીના આર્તનાદ ને શિકારની મરણચીસ સાંભળી જે ગર્વઘેલા બનતા એ શરમથી માથાં નમાવે છે. મનુષ્યને ગૌરવ આપે, એના જીવનને ધન્ય બનાવે એવી આત્મવિજયની એક નવી ને ઊજળી સીમા એમની આંખો સામે ઊઘડે છે.
ભગવાનની અમૃતવાણી સાંભળતાં કોઈ ધરાતું નથી. કપિલવસ્તુનાં તમામ નરનારી એમને સાંભળવા માટે હોંશભેર દોડ્યાં આવે છે. ભગવાન બુદ્ધનું પ્રશાંત નિર્મળ સ્મિત કોઈ જાતના ભેદભાવ વિના સર્વને આવકારે છે. બ્રાહ્મણથી ચાંડાલ સુધી સહુ કોઈ પર એમનો અઢળક પ્રેમ ઢળે છે. ભગવાન બુદ્ધના દર્શન કર્યા વિના કોઈ બાકી રહ્યું નથી ત્યારે એક જ વ્યક્તિ ભગવાનને ચાહી કરીને મળવા આવી નથી, અને એ છે સૌન્દરાનંદ. એનું નામ તો હતું આનંદ. પણ એ એટલો સુંદર હતો કે સહુ એને સૌન્દરાનંદ જ કહેતા. ભગવાન બુદ્ધનો એ અત્યંત પ્રિય પિતરાઈ ભાઈ. નાનપણમાં તો પડછાયાની જેમ સાથે ફરતો ગોઠિયો. પણ આજે અનેક વરસોની કઠોર તપસ્યાને અંતે બુદ્ધત્વની પ્રાપ્તિ કરી આવેલા ભાઈને મળવાની એને પડી નથી. બુદ્ધ તરફ એને ભારે અણગમો આવ્યો છે. અને કપિલવસ્તુના નગરજનો જ્યારે બુદ્ધની વાણીમાં તલ્લીન છે ત્યારે સૌન્દરાનંદ પોતાના વિશાળ રાજમહેલમાં ગાનતાનમાં ગુલતાન બની બેઠો છે.
એક દિવસ ભગવાને પૂછ્યું :
‘ભલા, સૌન્દરાનંદ કેમ દેખાતો નથી ?’
‘આપ તો એને જાણો છો ને પ્રભુ, પ્રથમથી જ વિલાસી જીવ છે. આપનું મોઢું પણ ન જોવાના એણે શપથ લીધાં છે.’
‘ખરેખર ?’
‘હા પ્રભુ. અને આપનું નામ લેતાં તો એ ધૃણાથી સળગી ઊઠે છે. આપના મહાભિનિષ્ક્રમણની મજાક ઉડાવતાં એ કદી થાકતો નથી.’
ભગવાન બુદ્ધે હસીને કહ્યું : ‘વાહ, એ તો સરસ. સૌન્દરાનંદે મારું મોઢું ન જોવાના સોગંદ લીધા હોય તો મારે તો એનું મોઢું ખાસ જોવું જોઈએ. મારો પુરાણો મિત્ર. એને મળ્યા વિના કાંઈ ચાલે ? આવતી કાલે એને ત્યાં જ ભિક્ષા લેવા જઈશ.’ ભગવાનને આ પગલું ન ભરવા ઘણાએ વીનવ્યા. સૌન્દરાનંદના હાથે ભગવાનનું ભયંકર અપમાન થશે કે કદાચ હત્યા પણ થઈ જાય એવો સહુને ભય હતો. પણ બુદ્ધે કોઈનું ન માન્યું. બીજે દિવસે એ ભિક્ષાપાત્ર લઈ સૌન્દરાનંદના મહેલ ભણી ચાલી નીકળ્યા.
એક વખત એવો હતો કે ગૌતમથી જરાક જુદા પડતાં પણ સૌન્દરાનંદનું હૈયું ચીસ પાડી ઊઠતું. ગૌતમને એ કેટલો ચાહતો હતો ! પણ ગૌતમના ગૃહત્યાગ પછી સૌન્દરાનંદનું મન ફરી ગયું. તેને થયું કે ગૌતમે ઘેલછાનો, ભાગેડુનો, ગમારનો માર્ગ લીધો છે, હવે ભગવાન બની પૂજાવાને ચાળે ચડ્યો છે. આટલાં સુખનાં સાધનો હોવા છતાં રસ્તાના ભિખારી બની ભટકવામાં એને પૂરી મૂર્ખાઈ લાગતી હતી. અને આવા એક ગાંડિયાને ભગવાન ગૌતમ બુદ્ધ ગણી લોકો પગે લાગવા દોડતા ત્યારે તો એના ગુસ્સા ને નફરતનો પાર ન રહેતો. બુદ્ધનું મોઢું ન જોવાની તેણે ગાંઠ વાળી હતી, ત્યાં તો એને ખબર મળ્યા કે બુદ્ધ પોતે એને બારણે આવે છે ! હવે શું કરવું ? વિવેક અને વિનય ખાતર પણ એનું ભિક્ષાપાત્ર ભરી આપવું ? અતિથિ તરીકે તો એનો આદરસત્કાર કરવો જોઈએ ને ? પણ સૌન્દરાનંદ એવો કાચા કાળજાનો નહોતો. પોતાનો જેના પ્રત્યે અત્યંત તિરસ્કાર હતો એની સામે હસખે મુખે હાથ જોડી ઊભા રહેવામાં એને નર્યો દંભ લાગતો હતો. સૌન્દરાનંદને એવું કપટ ખેલતાં નહોતું આવડતું. એના સ્વભાવમાં જ હૈયે કાંઈ ને હોઠે કાંઈ એવી ઠાવકી કુશળતા નહોતી. એ તો તડ ને ફડમાં માનતો. અને લોકોમાં આબરૂ જવાના ભયથી પોતાને સાચું લાગે તે કરતાં સૌન્દરાનંદ અચકાય એ વાતમાં માલ શું ? તેણે દ્વારપાળને આજ્ઞા કરી કે ગૌતમ ભીખ માગવા આવે તો એને ધક્કા મારી કાઢી મૂકવો અને એમ છતાં પણ ન માને તો એનું શકોરું અને માથું ભાંગી નાખતાં પાછું વાળી ન જોવું.
આવી કઠોર આજ્ઞા આપી સૌન્દરાનંદ તો વસંતોત્સવની કોમળ મધુર રાગરાગિણીમાં ગરકાવ થઈ ગયો. હરિણી જેવી ચપલ અને સુંદર નર્તિકાઓ તથા વનપંખિણી સમી ગાયિકાઓના વૃન્દમાં એણે નવવસંતને વધાવતો ને વાણી આપતો વીણા-ઝંકાર કર્યો. આ આનંદ-મહેલ ભણી ચાલી આવતી કોઈ વેરાગીની લૂખી છાયાને એણે હાસ્ય-કલ્લોલ ને સંગીત નૃત્યનાં મોજાં ઉછાળી મનમાંથી ભૂંસી નાખી. ભગવાન બુદ્ધ સૌન્દરાનંદને બારણે ક્યારે આવ્યા ને ક્યારે ચાલ્યા ગયા એની તેને ખબર સુદ્ધાં ન પડી. ફક્ત દ્વારપાળ સમાચાર પહોંચાડવા આવ્યો ત્યારે એને કાન દેવા બે ઘડી મયૂર-નૃત્ય થંભાવ્યું. દ્વારપાળના ચહેરા પર અહોભાવ નીતરતો હતો ને વાણીમાં કૃતકૃત્ય અંતરનો કંપ.
તેણે કહ્યું : ‘દેવ, ભગવાન બુદ્ધ મહેલને દ્વારે પધાર્યા હતા. હું આપની આજ્ઞા મુજબ આડા હાથ દઈ રોકવા જાઉં ત્યાં પોતે જ થંભી ગયા. અહો ! તેમની આંખોમાં કેવો પ્રેમ છલકાતો હતો ! એવાં પ્રેમભીનાં નયણાં મારી તરફ ઠેરવી કહેતા ગયા : ‘તારું કલ્યાણ થાઓ, મિત્ર ! ભાઈ સુંદરને આટલું કહેજે કે એનું આત્યંતિક કલ્યાણ ઝંખતો હું આવ્યો હતો ને આત્યંતિક કલ્યાણ ઝંખતો જાઉં છું.’ સૌન્દરાનંદ દ્વારપાળના ભાવદીપ્ત ચહેરા તરફ ઝાઝું જોઈ ન શક્યો. તેણે એને તરત જ રવાના કરી દીધો. જાણે કાંઈ ન બન્યું હોય તેમ મયૂર-નૃત્ય ચાલુ કરાવ્યું. પણ કેમેય કર્યો રંગ ન જામ્યો. જાણે આ કલ્યાણ-ઝંખનાના બે શબ્દોએ અંતરના પડને ભેદી નાખ્યું હતું. અપમાન સામે આશીર્વાદ આપી ગયેલી ભિક્ષુની મૂર્તિ હજાર ગાનતાનના સ્વરોને ભેદીને મૂક સ્મિત વેરતી ઊભી થતી હતી. આખો દિવસ એમ સરી ગયો. સંધ્યા નમી. રાતનો ઘેરો અંધકાર ઊતર્યો ને કોણ જાણે કેમ સૌન્દરાનંદનું મન બેચેન બની ગયું. કોઈ અદીઠ સૂળ એને આરપાર વીંઘી રહ્યું.
જ્યારે સર્વ ગાનતાન થંભી ગયાં ને મહેલમાં સૂનકાર છવાઈ ગયો ત્યારે દ્વારપાળને મુખેથી સાંભળેલા બુદ્ધના શબ્દો સૌન્દરાનંદને જાણે સમુદ્રનાં ઘૂઘવતાં મોજાંની જેમ ઘેરી વળ્યા. એની આસપાસ ઘૂમરી ખાવા માંડ્યા. અને ગંભીર ગર્જનથી એની હૃદયગુહામાં પડછંદા પડવા લાગ્યા : ‘ભાઈ સુંદરને કહેજે, એનું આત્યંતિક કલ્યાણ ઝંખતો જાઉં છું.’ સૌન્દરાનંદના અણુએ અણુને આ સાદાસીધા વાક્યે હલાવી મૂક્યું. અગનીની આંગળી ઊંચી કરી સૌન્દરાનંદનું અંતર જાણે એને કહેતું હતું : તારું પરમ કલ્યાણ ઝંખતો એ તારે બારણે આવ્યો. અને તેં ? તેં એને શું કર્યું ? તેં એને કૂતરાની જેમ હાંકી કાઢ્યો ? ક્યાં ગઈ તારી કુલીનતા ? ક્યાં ગઈ તારી કૃતજ્ઞતા ? ધિક્કાર છે તને, સૌન્દરાનંદ, લાખ વાર ધિક્કાર છે ! સૌન્દરાનંદના હૈયામાં અનુતાપની ભઠ્ઠી સળગી ઊઠી. ગૌતમે અપમાનની સામે શાપ આપ્યો હોત તો એને કાંઈ ન લાગી આવત. બૂમબરાડા પાડી એના ગાનતાનમાં વિધ્ન નાખ્યું હોત તો એ એને હસી કાઢત. પણ ગૌતમે ન આકરું વેણ ઉચ્ચાર્યું, ન અપમાનનો બદલો લેવા બાંયો ચડાવી. તેણે તો અપાર પ્રેમ અને ક્ષમાથી સૌન્દરાનંદનું કલ્યાણ જ વાંછ્યું – આત્યંતિક કલ્યાણ, જે પામ્યા પછી મનુષ્યને વિશેષ કાંઈ પામવાનું રહેતું નથી.
આખી રાત સૌન્દરાનંદે જાણે અગ્નિશય્યા પર આળોટીને કાઢી. પોતે કરેલા ગૌતમના આવા ઘોર અપમાનથી એ પોતે જ જાણે અપમાનિત બની ગયો હતો. સૂરજ સામે ધૂળ ઉડાડનારની દશા થાય છે એવી એની પોતાની દશા લાગતી હતી. એનું મન બળવો પોકારતું હતું : ગૌતમનો રસ્તો એને પસંદ નહોતો તો મોઢામોઢ આ વાત કહી દેતાં એને કોણ રોકતું હતું ? બુદ્ધના આવા હીન અનાદર પાછળ ઓથમાં પોતાના અંતરની ભીરુતા તો નહોતી પડી ને ! નહિ તો આમ ભરાઈ બેસવાનો શો અર્થ ? કલ્યાણનો દાવો કરતા ગૌતમને સંભળાવી ન દેવાયું કે તું પોતે જ ભૂલ્યો છો, ભટક્યો છો, ભ્રમિત છો. અને કાયાનું કલ્યાણ તો જો, આ હું કરી રહ્યો છું. આ આનંદ-વૈભવ, આ દોલત-ઉત્સવ બીજે ક્યાં મળશે ? જેટલાં વર્ષ ગૌતમે હાડ ગાળી નાખ્યાં એટલાં વર્ષની સાધનાથી તો સૌન્દરાનંદે સૌન્દર્યની આ અનુપમ અલકા ઊભી કરેલ છે. આવી મનભર ને મદભર સૃષ્ટિ તજીને રસ્તાની ધૂળ ફાકવા ને ભીખનો ટુકડો માગી ભટકવામાં કઈ ચતુરાઈ બળી છે ! અરે, ભારે ભૂલ થઈ. ગૌતમને જ એક વાર નવવસંતનો મદનોત્સવ નીરખવા બોલાવ્યો હોત તો તે એનું ગાંડપણ ભૂલી જાત. સૌન્દરાનંદની કળા પાસે એનો કાષાયધારી વેરાગ પીગળીને પાણી થઈ જાત. ગમે તેમ તોય પોતાનો ભાઈ, એને ઠેકાણે લાવવાની સૌન્દરાનંદની ફરજ ખરી કે નહિ ?
બીજે દિવસે વહેલી સવારે સૌન્દરાનંદે પોતાનો રથ તૈયાર કરાવ્યો ને ભગવાન બુદ્ધ ઊતર્યા હતા એ આંબાવાડિયા ભણી તેણે રથ પૂરપાટ મારી મૂક્યો. સૌન્દરાનંદને આવતો જોઈને ભગવાન બુદ્ધ સ્વાગત માટે ઊભા થયા. પાંચ પગલાં આગળ ચાલ્યા ને બથ ભરી સૌન્દરાનંદને ભેટ્યા. પાસે બેસાડ્યો. સૌન્દરાનંદને તો આ મુંડિત કેશવાળા ને પીત ચીવરધારી પણ અવર્ણ્ય સૌન્દર્યથી સોહતા સંન્યાસીને જોઈ જ રહ્યો. પોતાના જરિયાની વાઘા એને ઝંખવાતા લાગ્યા. સૌન્દરાનંદનો ક્ષોભ કળી જઈ ભગવાને કહ્યું : ‘કશી ચિંતા નહિ આનંદ, એ તો સરપની કાંચળી કરતાં પણ દેહથી અળગાં છે. ઉતારતાં વાર નહિ લાગે.’ પણ સૌન્દરાનંદ એમ કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો. થોડી વારમાં જ સ્વસ્થતા ધારણ કરી એણે બુદ્ધને ઊધડા લેવા માંડ્યા. મનુષ્યને દુર્લભ આવો રાજવૈભવ છોડી, રસ્તાના ભિખારી થઈ ભમતાં એણે રાજકુટુંબને કેવું કલંક લગાડ્યું હતું તે સૌન્દરાનંદે સાફ સાફ જણાવી દીધું. અને મનુષ્ય જન્મનો કેવો અલભ્ય લહાવો, મગજમાં એક ભૂત ભરાતાં ગૌતમે ગુમાવ્યો તેની સવિસ્તર નોંધ રજૂ કરી દીધી. સૌન્દરાનંદનાં મંતવ્યો ને આક્ષેપોને ભગવાન બુદ્ધ આછું ને મર્માળું સ્મિત કરી સાંભળતા હતા. સૌન્દરાનંદને લાગ્યું કે ગૌતમને ગળે ઘૂંટડો ઊતરતો જાય છે. સૌન્દરાનંદના પ્રહારોનું ભાથું ખૂટ્યું એટલે ભગવાને કહ્યું :
‘પણ આનંદ ! મેં કદી મુદિતાનો ત્યાગ કરવાનું કહ્યું નથી. હું તો સહુને પરમ મુદિતા-પરમ આનંદ જ આપવા માગું છું. આ મહા દુર્લભ મનુષ્ય-જન્મને કોડીમૂલ્યે ગુમાવી ન દેવાનું જ હું કહું છું અને તેં જે આનંદ-વૈભવ ગણાવ્યો એ તો કોડીનીયે કિંમતનો નથી. આનંદના ખજાનાની ચાવી મને મળી છે. દૂધપાક પીરસવા આવનારને તું ખાટી છાશની વાટકી આપવા ક્યાં બેઠો ?’
‘ગૌતમ, મારો ભોગવૈભવ તેં નથી જોયો એટલે જ તું આવું કહી શકે છે. આખી દુનિયામાંથી સૌન્દર્ય અને માધુર્યની શ્રેષ્ઠ સામગ્રી મેં એકઠી કરી છે. એની તોલે આવે એવું વિશ્વભરમાં કાંઈ નથી. આવ, મારી ગાયિકાની એક જ સ્વરલહરી પાસે તારી મૌન સમાધિ તૂટી પડશે. આવ, બતાવું…’
સૌન્દરાનંદના ગર્વીલા વદન તરફ અનુકંપાભરી એક નજર નાખી બુદ્ધે કહ્યું : ‘આનંદ, આખરે એ તો મનુષ્યની રસસૃષ્ટિને ! એ કેટલી સ્થૂળ, ગ્રામ્ય અને વિરૂપ છે એનો તને ખ્યાલ નથી. કારણ કે એનાથી સૂક્ષ્મ અને સુંદર લોક તારી નજરે નથી ચડ્યો. તારું સારામાં સારું સંગીત પણ કિન્નરો પાસે બેસૂર ને બાલિશ લાગશે. સાંભળવું હોય તો ચાલ, સંભળાવું.’ સૌન્દરાનંદ ફાટી આંખે ભગવાન સામે જોઈ રહ્યો. એના લખલૂટ વૈભવ ને ભોગવિલાસની બુદ્ધ પર કાંઈ અસર તો ન થઈ પણ ઊલટું એ આનંદ-સામગ્રીને તેણે કચરો ગણી કાઢી. ભગવાન બુદ્ધના આવાહનને કંઈક કટાક્ષમાં ઝીલી લેતાં સૌન્દરાનંદે કહ્યું : ‘તને ખબર છે ગૌતમ, કે હું સદાય રસલોલુપ છું. તારો એ કલ્પનાનો કિન્નરલોક જરા બતાવ તો ખરો !’
સૌન્દરાનંદની હાંસીને હાથના એક ઈશારાથી હટાવી બુદ્ધે એને પોતાની પાસે બેસાડ્યો. અને એક પ્રશાંત પણ પારગામી દષ્ટિથી એનાં ભીતરનાં પડળને ભેદી નાખ્યાં. સૌન્દરાનંદની સૌન્દર્યમુગ્ધ આંખોમાં કિન્નરોની નયન મનોહર રમણીયતા આવી વસી. કિન્નરોનું અપૂર્વ સંગીત એના શ્રવણે રેલાયું. સૌન્દરાનંદ આભો બની ગયો. થોડી વારે એનું ચિત્ત નીચે ઊતર્યું. બુદ્ધનાં લોચન માતાના વાત્સલ્યથી એના પર વારી જતાં હતાં. સૌન્દરાનંદે બુદ્ધનાં ચરણ પકડી લીધાં. બોલી ઊઠ્યો :
‘અદ્દભુત ! ગૌતમ, ખરે જ અદ્દભુત ! કિન્નરોના સુવર્ણકાન્તિ સમા દેહ પાસે અમે તો સૌન્દર્યની વાનરનકલ કરનારા. તેમની સંગીત-સાધના પાસે અમારી શી ગણના ! સારેગમના ગોખનારા ગણાઈએ તો પણ ઘણું. મને હવે મારાં વસંત-ગાન સાંભળવાં નહિ ગમે. મદનોત્સવની બધી મજા મારી ગઈ. અમારાં નૃત્યગાન હવે ઢીંગલાની રમત જેવાં જ લાગશે, ગૌતમ ?’
‘પણ કિન્નરો તો હજુ કાંઈ નથી, આનંદ ! તેં ગંધર્વોની સૌન્દર્ય ઉપાસના હજુ નથી જોઈ. ગંધર્વોનું સપ્તરંગી નગર નજરે નથી ચડ્યું ત્યાં સુધી જ તું કિન્નરોનું ગુણકીર્તન કરવાનો. જરા જોઈ લે !’ અને ભગવાન બુદ્ધે આટલું કહ્યું ત્યાં સૌન્દરાનંદની નજર સામે ગંધર્વલોક ખડો થયો. ગંધર્વોની રૂપમાધુરી, નૃત્યછટા અને આનંદવિલાસ જોઈ સૌન્દરાનંદ છક થઈ ગયો. એને થયું કે ગંધર્વોએ જ ખરો વૈભવ અને વિલાસ સર કર્યો છે. પણ એનો ભ્રમ ભાગતાં બુદ્ધે કહ્યું :
‘આનંદ ! ગંધર્વોને જોતાં જ તું તો જાણે ગળી ગયો. પણ દેવતાઓ આગળ એ બિચારા સાવ કંગાલ છે. પણ એ દેવતાઓ દેવરાજ ઈન્દ્રના વૈભવને ઝંખી મરે છે. ઈન્દ્રની સભામાં ચાલતું નૃત્ય તું એક વાર જોઈશ તો પછી મને લાગે છે કે તું નીચે ઉતરવાની જ ના પાડી દઈશ.’
સૌન્દરાનંદ અવાક બની સાંભળી રહ્યો. ભગવાન બુદ્ધે આગળ કહ્યું :
‘પણ આનંદ ! ઈન્દ્રનું સુખ કાંઈ વિસાતમાં નથી. કારણ કે મનુષ્યના ઉપભોગોની જેમ દિવ્ય ભોગો પણ નાશવંત છે. જેના અંતરની તૃષ્ણા મરી ગઈ છે ને જેનો આત્મદીપ ઝળહળી ઊઠ્યો છે એવા એકાદ અકિંચન નર પાસે કરોડો ઈન્દ્રનું સુખ પણ કાંઈ હિસાબમાં નથી. શરૂઆતમાં પ્રાપ્તિની વિહવળતા, મધ્યમાં ભોગની લોલુપતા અને અંતમાં વિયોગનો ભય રહે એવા સુખને કોઈ સમજુ માણસ સુખ કહી શકે ખરો ? એ બધું પડછાયાને બાચકા ભરવા જેવું છે, આનંદ ! જે સુખ બાહ્ય પરિસ્થિતિ કે સામગ્રી પર આધાર રાખે એ ખરું જોતાં પરાધીનતા છે ને એમાં સાચા સુખનો છાંટો પણ નથી. માટે આત્મસ્થ થા, અને અક્ષય, અભય તેમ જ આનંદરૂપ નિર્વાણ સુખને પોતાનું કરી લે ! તારી મોહજાળ આજે છિન્ન બની જાઓ. અનંત બ્રહ્માંડમાં પણ જેની તોલે આવે એવું કશું નથી. એ અમૃતફળ તારા હાથમાં જ છે. કાળ વહ્યો જાય છે. સમયસર ચેત ! પ્રમાદ ન કરીશ. મૃત્યુનો પંજો પડે તે પહેલાં સ્મૃતિને જાગ્રત કરી અમર જીવનને પ્રાપ્ત કરી લે !’
સૌન્દરાનંદની આંખો ઊઘડી ગઈ. તેની નજર સામે પોતાના જડ મહેલથી ક્યાંયે મહાન ભગવાન બુદ્ધનો જ્ઞાનપ્રાસાદ તરી રહ્યો. તેણે સજલ નયને કહ્યું : ‘ભગવન, આજ સુધી હું કાટનાં માળખામાં અટવાઈ પડ્યો હતો. આપે મને હાથ આપી ઊંચકી લીધો. હવે મને આપના આનંદ-વિહારમાં સદાયે સાથે રાખવાનો અનુગ્રહ કરો.’ ભગવાન બુદ્ધે સૌન્દરાનંદને માથે હાથ મૂક્યા. જીવનમાં પહેલી જ વાર એને શાતા વળી, અમૃતના ઘૂંટડા મળ્યા અને પરમ-તૃપ્તિનો અનુભવ થયો.

No comments:

Post a Comment