Google Search

Sunday, June 17, 2012

કસોટી આવકાર્ય – કાન્તિલાલ કાલાણી


પિત્તળ કે ત્રાંબું ખરીદતી વખતે મનુષ્યને તે ધાતુ સાચી છે કે બનાવટી તેવો વિચાર નથી આવતો. આ બન્ને ધાતુ લોઢા કરતાં મોંઘી છે. છતાં આ બન્ને ધાતુઓનાં બનેલાં સાધનો રોજબરોજના વપરાશમાં જોવા મળે છે, જ્યારે સોનું અતિ કિંમતી ધાતુ છે. આખા જગતમાં સોનાનો ધાતુ તરીકે મહિમા છે. એટલે સોનું ખરીદતી વખતે મનુષ્ય બેદરકાર નથી રહેતો. તે બાવીસ કેરેટનો દાગીનો મળતો હોય તો વીસ કેરેટનો દાગીનો પસંદ નથી કરતો. શુદ્ધ સોનું એટલું પોચું છે કે તેનો સીધો દાગીનો ન બની શકે. સોનાનો દાગીનો બનાવવો હોય તો તેમાં બીજી હલકી કે ભારે ધાતુની ભેળસેળ કરવી પડે. ઘાટ ઘડવા માટે થોડી પણ ભેળસેળ જરૂરી છે.
સોનામાં ચાંદી કે ત્રાંબાની ભેળસેળ થાય તેથી સોનાની કિંમત ઘટતી નથી; વળી સોનાને ગમે તેટલું તપાવવામાં આવે તો પણ તે બળતું નથી કે ઓછું થતું નથી. દાગીનામાં સોનાનું વજન એનું એ જ રહે છે; પણ તેમાં જે ધાતુ ભેળવી હોય તેની કિંમત સોની આપતો નથી. સોની સોનાને જ મહત્વ આપે, અને કોઈની પાસેથી ખરીદતાં પહેલાં તેની કસોટી કરે. સોનાની કસોટી તેને ખાસ પથ્થર પર ઘસીને થાય છે અથવા તેને અગ્નિમાં ઓગાળવાથી થાય છે. સોનાની ખાસિયત એ છે કે તેને ગમે તેટલી વાર અગ્નિમાં નાખવામાં આવે તો પણ તે પોતે બળતું નથી, પણ તેની અંદર જેટલી અશુદ્ધિ રહી ગઈ હોય તે તેની તાવણી થતાં ઓછી થતી થતી છેવટે નાશ પામે છે.
આ સૃષ્ટિની રચના જ એવી છે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં કશું મળવું દુર્લભ છે. આકૃતિ માત્રમાં ઓછાવત્તા પ્રમાણમાં મૂળભૂત રીતે ભેળસેળ રહેલી છે. સોનું, ચાંદી કે કોઈ પણ ધાતુ પૃથ્વીમાંથી સંપૂર્ણ શુદ્ધરૂપે મળતી નથી. મનુષ્યશરીર ધારણ કરનાર જીવમાં પણ સુષુપ્તપણે વિકાર પડેલા છે, જે ઉંમર વધવા સાથે સંગદોષ થવાથી પ્રગટ થવા માંડે છે. કોઈ મનુષ્યમાં સદગુણોનું પ્રમાણ વધારે હોય છે અને દુર્ગુણોનું ઓછું, વ્યક્તિએ-વ્યક્તિએ સદગુણ-દુર્ગુણનું પ્રમાણ ફરતું રહે છે. જળ અને માટી બન્ને ભેગાં થાય ત્યારે પાત્ર બની શકે તેમ જીવ અને ક્રિયાશક્તિનું બનેલું શરીર પરમાત્માની હાજરીને કારણે જીવંતપણું પ્રાપ્ત કરે છે. સોનાને પૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો તેમાં ભળેલી અશુદ્ધિથી તેણે મુક્ત થવું પડે તેમ મનુષ્યે પૂર્ણત્વ પ્રાપ્ત કરવું હોય તો તેનામાં નામ-રૂપનું જે મિશ્રણ થયું છે તેનાથી છૂટા પડવું પડે.
સોનામાં રહેલી અશુદ્ધિ આપમેળે દૂર થતી નથી. તેને અગ્નિનો સંગ આપવામાં આવે તો જ તે શુદ્ધ થઈ શકે. પણ પાયાની વાત એ છે કે તે સોનું હોવું જોઈએ. તેવી રીતે બધા મનુષ્યો સાધકો બની શકે નહિ. સંત કબીરે આ વાત સરસ રીતે કહી છે :
સિંહો કે લેહૅંડે નહિં, હંસો કી નહિં પાંત;
લાલોંકી નહિં બોરિર્યાં, સાધુ ન ચલૈં જમાત.
સિંહોનાં ટોળાં ન હોય. હંસો પંક્તિઓમાં ઊડતા નથી. રત્નો કોથળામાં ભરેલાં મળતાં નથી; તેવી રીતે સાધુ જમાતમાં ચાલતા જોવા મળતા નથી. આ બાબત તેમણે બીજી રીતે પણ કહી છે :
સબ બન તૌ ચંદન નહીં, સૂરા કા દલ નાહિં |
સબ સમુદ્ર મોતી નહીં, યોં સાધૂ જગ માહિં ||
દુનિયામાં ઘણાં બધાં જંગલો છે, પણ બધાં જંગલોમાં ચંદનનાં વૃક્ષો ઊગતાં નથી. એવી રીતે વીરપુરુષોનાં દળ હોતાં નથી. અસંખ્ય મનુષ્યોમાં વીરપુરુષ તો અપવાદરૂપ જ હોય છે. આ જગમાં મોટા મહાસાગરો છે, પણ બધા સાગરોમાં મોતી પાકતાં નથી. એવી રીતે સંસારમાં સાધુઓ વિરલ હોય છે. સતત સરી રહેલા સંસારમાં જે મનુષ્ય મારાપણાનો ભાવ સ્થાપતો નથી, ક્યાંય હું પણું લાવતો નથી અને પરમાત્માની સત્તાને વિચાર, વાણી, અને વર્તનમાં કેન્દ્રસ્થાને રાખે છે તે સાધુ છે. જીવનમાં જે સાધવા જેવું છે તે ચૂકતો નથી અને કાયાની આળપંપાળ કરતો નથી તે સાધુ છે. જેની પાસે સહજતા છે, સમતા છે, સંતોષ છે, શીલ છે અને સમજણ છે, તે સાધુ છે.
આ બધું એમ ને એમ પ્રાપ્ત થઈ જતું નથી. સાચો હીરો સીધેસીધો ખાણમાંથી મળતો નથી. તે ખડબચડો કે ઘાટ-આકાર વિનાનો હોય છે. પહેલદાર હીરો ખાણમાંથી મળ્યો હોય તેવું સાંભળ્યું નથી. સાધકે સાધના કરવી પડે છે; સરવાળા-બાદબાકી કરવાં પડે છે; સાર-અસાર વચ્ચે વિવેક કરવો પડે છે; અંધશ્રદ્ધા અને મોહના પડળોને દૂર કરવા પડે છે; તેણે પૂરેપૂરા સાવધાન રહેવું પડે છે; તેણે અનુકરણ કે અનુસરણ ટાળવું પડે છે; આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કરવું પડે છે; જિજ્ઞાસાને તીક્ષ્ણ કરવી પડે છે; આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આપત્તિઓનો સામનો કરવો પડે છે. બુદ્ધ અને મહાવીર, ઈસુ ખ્રિસ્ત અને હજરત મહમ્મદ પેગંબર, શંકરાચાર્ય અને કબીર, સૌ કોઈને કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે. ત્યાર પછી જ બોધિ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે.
સાધક માત્રને કસોટીકાળ દરમિયાન પોતાના દોષોનું કે મર્યાદાઓનું ભાન થાય છે અથવા જેને સાચા અનુભવીનો કે સાચા સત્સંગનો યોગ થાય છે તેને ખાબોચિયામાં પડી રહેવાનું ફાવતું નથી. તેને ખ્યાલ આવવા માંડે છે કે જેટલી માત્રામાં મોહ અને મમતા ઓછાં થાય તેટલી માત્રામાં જ્ઞાન થાય છે. અહીં જ્ઞાન એટલે માહિતી જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન કે જગતનું જ્ઞાન નહિ, પણ સાચી સમજણ. સાધકમાં સાચી સમજણનો ઉદય થાય છે ત્યારે મોહ અને મમત્વ છૂટી જાય છે.
પ્રાચીન કાળથી ગૃહસ્થાશ્રમમાં જ મોહ અને મમત્વ રહેલાં છે તેવું નિરૂપણ કરવામાં આવ્યું છે, પણ તે બરાબર નથી. ત્યાગીઓમાં પણ આ બન્નેની હાજરી જોવા મળે છે. ગૃહસ્થાશ્રમમાં તો ઘર અને કુટુંબ પૂરતું જ મમત્વ છે, જ્યારે ત્યાગનું મમત્વ તો સમગ્ર જગતમાં વિસ્તરેલું છે, પણ એણે લોકકલ્યાણનું રૂપ ધારણ કર્યું છે, એટલે તે મમત્વ લાગતું નથી. સાધક શરીરનો સાધન તરીકે જ ઉપયોગ કરે પછી જ તેને આ બાબતનો ખ્યાલ આવે છે. સામાન્ય રીતે લોકક્લ્યાણની વાતો કરનારાઓનું મમત્વ ધારણ કરેલા નામ-રૂપમાં કેન્દ્રિત થાય છે અને પોતાનાં નામ-રૂપનો મહિમા વધે તેમાં રસ પડવા માંડે છે.
મનુષ્યોએ તપ, ત્યાગ, યોગ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મ જેવાં અનેક સાધનો નિર્માણ કર્યાં છે, પણ આ સાધનોનો ઉપયોગ કરનારાઓના જગત પ્રત્યેનાં મોહ અને મમત્વ ઘટ્યાં છે એમ નહિ કહી શકાય. સાચી સમજણ જ એક એવું સાધન છે જે મોહ અને મમત્વને દૂર કરી શકે. સાચા સત્સંગ દ્વારા સમજણ ખીલે છે અને સમજણ પરિપક્વ થયા પછી નામ-રૂપ પ્રત્યેનો મોહ અને મમત્વ ઓછાં થઈને ક્ષીણ થઈ જાય છે; પોતે નિમિત્તમાત્ર બની જાય છે અને પરમાત્મા મુખ્ય બની જાય છે. નિત્યપ્રતિ સત્સંગના યોગથી આત્માને પરમાત્માની અખંડ સ્મૃતિ જળવાઈ રહે છે. સત્સંગ અગ્નિ જેવો છે. અગ્નિ સુવર્ણમાં રહેલી અશુદ્ધિ બાળી નાખે છે, તેમ સત્સંગ માન્યતાઓ નષ્ટ કરી નાખે છે; અસત્ની પૂરેપૂરી ઓળખાણ કરાવી દે છે અને સતના સાંનિધ્યમાં રાખે છે. સાપને પુરાણી કાંચળી ઉતારવી હોય તો તે આપમેળે ઊતરી જતી નથી. શરીરને બન્ને બાજુ પકડાય અને શરીર પરની જૂની કાંચળી છૂટી પડી જાય તેવી સાંકડી જગામાંથી પસાર થવું પડે છે, તેવી રીતે મનુષ્યે માન્યતાઓ, સ્વભાવ, પૂર્વગ્રહો, ઈત્યાદિમાંથી મુક્ત થવું હોય તો સાચા અનુભવીનો સંગ કરવો પડે અને જેમાં પરમાત્મા કે તેમની પરમ સત્તા જ કેન્દ્રમાં હોય અને કોઈ રીતે નામ-રૂપ કે વ્યક્તિભાવનો મહિમા થતો ન હોય તેવો સત્સંગ કરતો જ રહેવો પડે.
ભક્ત કે આત્મા તરીકે આ જગતમાં રહેવું એટલે કાદવ વચ્ચે કમળ થઈને રહેવા જેવું છે. કમળનો મહિમા એટલા માટે છે કે તેનો જન્મ અને ઉછેર કાદવ વચ્ચે થાય છે, છતાં કમળ તેનાથી તદ્દન અલિપ્ત રહે છે. તેવી રીતે ભક્ત કે આત્મા જીવની સહાયથી શરીર ગ્રહણ કરીને આ જગતમાં આવે છે ત્યારે નામ-રૂપથી જ સકલ વ્યવહાર કરતા મનુષ્યો વચ્ચે રહેવાનું છે. તેઓ જીવ, આત્મા કે પરમાત્માને ઓળખતા નથી. પોતાની મર્યાદાઓને કારણે તેઓ ભગવાનનો કે અદશ્ય સત્તાનો સ્વીકાર કરે છે ખરા, પણ તેઓ શરીર, શરીરની સુખસગવડો, સંપત્તિ, પ્રતિષ્ઠા, સગાંસંબંધીઓ અને દશ્ય વિભાગને જ મહત્વ આપે છે. મનુષ્યને પુણ્ય કમાવું છે, જેથી પોતાની પ્રતિષ્ઠા વધે અને બીજો ભવ વધુ સારો મળે. તેને ભગવાનમાં પણ એટલા પૂરતો જ રસ છે. તેને ખરેખર સુખ-સંપત્તિ-વૈભવ અને પ્રતિષ્ઠા જોઈએ છે. એટલા માટે તે ભગવાનને ભજે છે, પણ ભગવાનની અખંડ હાજરી રહે તેમ તે ઈચ્છતો નથી. તે ઓછામાં ઓછી કિંમત ચૂકવી વધુ ને વધુ પ્રાપ્ત કરી લેવા ઈચ્છે છે. એ રીતે મનુષ્ય ગણતરીબાજ છે. તેને કસોટીમાંથી પસાર થયા વિના સર્વશ્રેષ્ઠ બનવું છે. તેને ખબર છે કે પિત્તળ કે ત્રાંબાની સોનાની સરખામણીમાં કોઈ કિંમત નથી અને સોળ વલ્લાં સોનાનો જ મહિમા છે, છતાં પોતાને સૂંઠને ગાંગડો મેળવીને કરિયાણાંના મોટા વેપારી થઈ જવું છે ! ભાગ્ય બળવાન હોય તો આ અશક્ય નથી, પણ પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સત્સંગરૂપી પરમ પુરુષાર્થ કર્યા વિના છૂટકો નથી તે સાધકે સમજી લેવું જોઈએ.

No comments:

Post a Comment