Google Search

Sunday, June 17, 2012

માઈલસ્ટોન – નરેશ શાહ


દશેક વર્ષનો એક છોકરો ધૂળિયા રસ્તેથી ઘેર જવાની બદલે કાચી ઢેફાળી ધરતી પર ઊતરીને ખેતરમાં ઘૂસે છે અને ફટાફટ તુલસીના પાંદડા તોડે છે. આ તેની આદત છે. કહો કે, સ્વભાવ છે. તુલસી તોડતી વખતે જૂની અને ઝાંખી બળતરા બળવત્તર બનતી જાય છે પણ તુલસીના પાન ચૂંટવાનો અને પછી તેની માળા બનાવવાનો આનંદ ખૂટતો નથી. ખૂટે શાનો ? તુલસીની માળાના વડીલ માંગણોની પણ ગામમાં ક્યાં કમી હતી ? અને નાની ઉંમરે, મોટાઓને લલચાવે એવું કશુંક કરવાનું તો ક્યા બાળકને ન ગમે ? એ બાળકને તો બન્ને કરવું ગમતું : તુલસીની માળા બનાવવાનું અને બનાવ્યા પછી કોઈ ભાભા કે ડોશી લાડકોડથી એ માંગે તો આપવાનું પણ.
માળા બનાવતી વખતે પાકી કરવાની છે, એ ચોપાઈને યાદ કરે છે. રોજનો આ નિત્યક્રમ. પૂજા પછી દાદાજી ચોપાઈ કહે, તેનો અર્થ સમજાવે અને તેનો ભાવ વિસ્તાર કરી બતાવે. શાળાએ જતી-આવતી વખતે દાદાએ શીખવાડેલી ચોપાઈનું બાળક રટણ કરતો જાય. ક્યારેક ચોપાઈને લગતા પ્રશ્નો પણ હવે તેને ફૂટવા માંડ્યા હતા. પરંતુ ઉઠતાં પ્રશ્નોનો જવાબ એક જ હતો : દાદાજી. આ શબ્દછબિ છે 1956-57ના મોરારિબાપુની. એ વખતે તેમની ઉંમર દશ-અગિયાર વરસની. મોરારિબાપુએ રામાયણની ઘણીખરી ચોપાઈઓ નિશાળે જતાં અને ઘેર પાછાં ફરતાં આ રીતે કંઠસ્થ કરી છે. ‘મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું કે હું લાખો લોકો સામે ક્યારેય આ રીતે બોલીશ !’ બાપુએ પચાસ વર્ષ પૂરા કર્યા ત્યારે કહેલું, ‘હા કદાચ દાદાજીના મનમાં એવી વાત હોય ખરી કે તેમનો પૌત્ર આવું કરે. શક્ય છે અને હું તો માનું જ છું કે તેમની કૃપા અને આશીર્વાદથી જ આ થયું છે !’
તલગાજરડાની નજીક આવેલી રામવાડી પાસે 1958-60માં પાણીનું પરબ રહેતું. આસપાસના ગામડાંનાં લોકો ત્યાં વિરામ લેતા. એ દિવસોમાં મોરારિબાપુ રામવાડીમાં માટીનું સિંહાસન બનાવી તેના પર ભગવાન રામનો ફોટો રાખી ને રામાયણનો ‘સ્ટડી’ કરતા. એ વખતે તેમના ત્રણ જ શ્રોતા રહેતા. તલગાજરડાના ખેડૂત શામજી મેપા, સુખરામભાઈ અને ભૂરાભાઈ. મોરારિબાપુ તેમને રામકથા કરતાં અને તેઓ સાંભળતાં ક્યાં સુધી ? જ્યાં સુધી તેમની ગાયભેંસ શાંતિથી ચરતી હોય ત્યાં સુધી. ગાયભેંસ આડી અવળી થાય કે તેઓ ઊભા થઈને તેને વાળવા ચાલ્યા જતા હતા. એક હનુમાન જ્યંતી પ્રસંગે મોરારિબાપુએ મહુવાના કૈલાસ ગુરુકુળમાં આ વાત કરેલી ત્યારે મેં જોયેલું કે મોટા મોટા સાહિત્યકારો અને ભક્તો ખડખડાટ હસ્યા હતા પરંતુ અગિયાર બાર વરસના કાચા તરુણને પોતાનું કૌશલ કે આવડતનું કે જ્ઞાનનું પ્રદર્શન અધવચાળે અટકાવી દેવું પડ્યું હોય ત્યારે કેટકેટલી માનસિક ઉથલપાથલનો સામનો કરવો પડ્યો હશે એ વિચારવા જેવું છે. આવા પ્રસંગો નબળા મનને તોડી પાડતાં હોય છે અને સાબૂત મનને મજબૂત કરી દેતા હોય છે. શામજી મેપા કે ભૂરાભાઈ ગાયભેંસને ડચકારતાં ઊભા થઈ ગયા હોય એ પછીની ક્ષણે મોરારિબાપુનો કયો નિશ્ચય દ્રઢ થયો હશે એનો ફોડ પાડવાની જરૂર રહી નથી પણ કથાકાર હોય કે કલાકાર, વેદના કે અપમાનના આવા ઘૂંટડા તેણે પીવા જ પડે છે. મોરારિદાસ હરિયાણીમાંથી મોરારિબાપુ બનવા સુધીમાં પોતે કેવા કેવા સંઘર્ષ અને મનોવ્યથામાંથી પસાર થયા છે એ મોરારિબાપુએ આજ સુધી કહ્યું નથી. સાચો ફિલસૂફ પોતાની પીડા નહીં, પણ પીડામાંથી પ્રાપ્ત થયેલી પ્રેરણા અને કરુણા બાંટતો રહે છે. ડૉક્ટર ક્યારેય જખમને રડતો હોતો નથી. એને ઝખમની પીડા હળવી કરવામાં અને ધીમે ધીમે નાબૂદ કરવામાં જ રસ હોય છે. મોરારિબાપુના જીવનનો આ જ ઉદ્દેશ છે. વૈદરાજ જડીબુટ્ટીમાં જ જીવન ખર્ચે છે, મોરારિબાપુ રામાયણ અને તેના તત્વજ્ઞાનમાં જ જીવ્યા છે.
બહુ ઓછા લોકો જાણે છે કે મોરારિબાપુ પ્રાથમિક શિક્ષક હતા ત્યારે મહુવા – તલગાજરડામાં નવરાત્રિના નવ દિવસ ગરબા પણ ગવડાવતાં હતા. આર્થિક સ્થિતિ દૂબળી. છ ભાઈઓ અને બે બહેનોના પરિવારમાં તેઓ સૌથી મોટા. 1952માં તેમને શાળાએ બેસાડવામાં આવ્યા પરંતુ 1960માં શિક્ષણની ગાડી અટકી ગઈ. બાપુ દશમાં ધોરણમાં ફેઈલ થયા. એક બે વખત નહીં, પણ ત્રણ વખત. હું એમ માનું છું કે પરીક્ષાઓની નિષ્ફળતાના આ વરસોએ જ સફળ અને સાત્વિક રામકથાને જન્મ આપ્યો હતો. 1960માં જ બાપુએ જીવનની પહેલી કથા જાહેરમાં કરી હતી, રાતના સમયે અને તે માસપારાયણ એટલે કે એકમહિનાની હતી. 1966માં શિક્ષક બન્યા બનીને ડ્યુટી જોઈન્ટ કરે છે, પગાર રૂ. 127 અને સ્થળ મહુવા; તલગાજરડાથી થોડેક જ દૂર.
મને એક ઈન્ટરવ્યૂ તેમણે તલગાજરડાના આશ્રમમાં પણ આપ્યો હતો. ઘણું ખરું તેઓ તલગાજરડાવાસીઓના સીધા સંપર્કમાં જ રહે છે અને સારા માઠાં પ્રસંગે આપણે પાડોશી કે સંબંધીના ઘેર જઈએ એટલી કાળજીથી તેઓ ગામવાસીઓના ઘેર જાય છે. મોટી દીકરી ભાવનાબહેનના ધર્મેશભાઈ મોદી જોડે વિવાહ થયા ત્યારે આખું તલગાજરડા ‘માંડવિયું’ બનીને બાપુના રસોડે જમ્યું હતું. મોરારિબાપુને ભાવના, પ્રસન્ના, પાર્થિવ અને શોભના નામનાં ચાર સંતાનો છે. ભાવનગરમાં ભણીને ગ્રેજ્યુએટ થયેલાં ભાવનાબહેનને ઘરમાં મોરારિબાપુ, તેમનાં પત્ની નર્મદાબહેન સહિત તમામ સભ્યો ‘ભાવિ’ કહીને બોલાવે છે. મોરારિબાપુના એક નિકટ સ્વજનનું કહેવું છે કે, મોરારિબાપુને તેમનાં બા અને ભાવનાબહેન માટે વિશેષ લાગણી રહી છે. બે એક વરસ અગાઉ તેમનાં બાનું અવસાન થયું એ પહેલાં બીમારી વખતે તેમની પાસે દરરોજ રાતે બારથી પાંચ વાગ્યા સુધી મોરારિબાપુ બેસતાં હતા. મોરારિબાપુ માર્ગી સંપ્રદાયના સાધુ છે અને તેમની લગ્ન વિધિ દરેક જ્ઞાતિ જેવી જ હોય છે. એક વિધિ એવી હોય છે કે દીકરીનો બાપ જમાઈના પગ ધૂએ. જગતમાં જેનો ચોમેર આદર થતો હોય એ સંત જ્યારે કેટલીક ક્ષણો માટે બાપનો રોલ અદા કરવા જમાઈના પગ ધુએ એ ક્ષણ કેવી હોતી હશે ? જો કે ખરેખર મોરારિબાપુએ જ્યારે ધર્મેશભાઈ મોદીના પગ ધોયા ત્યારે વરરાજા સહિત અનેક આંખો ભીંજાઈ ગઈ હતી.
તિથિ પ્રમાણે મોરારિબાપુનો જન્મ સંવત 2002ની ભાદરવી અમાસના દિવસે થયો છે પણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 25 સપ્ટેમ્બર 1946માં થયો છે. સાઈઠ વર્ષમાં એમણે 637 કથાઓ કરી છે. મોરારિબાપુની જીન્દગીના સાઈઠ વરસો અને એ દરમિયાન થયેલી રામકથાના દિવસોનો હિસાબ કરીએ તો બાપુએ પાંચ હજાર આઠસો કરતાં વધારે દિવસો સુધી વ્યાસપીઠ પરથી રામકથા અને માનસનું શ્રવણ અને દર્શન કરાવ્યું છે. આ દિવસોને વરસોના સરવૈયામાં ઢાળીએ તો એમ કહી શકાય કે, મોરારિબાપુએ સતત સોળ વરસ સુધી વ્યાસપીઠ પર બેસીને રામાયણનું અમૃત જ ઘાળ્યા કર્યું છે, બાપ.
વોશિંગ્ટનથી માંડીને વૃન્દાવન અને મોસ્કોથી લઈને મોમ્બાસા તેમજ ગંગોત્રીથી છેક માનસરોવર સુધી…. મોરારિબાપુએ એટએટલા વિવિધ સ્થળોએ રામકથા કરી છે કે યાદી વાંચનાર ચકિત થઈને ગૂંચવાઈ જાય. બાપુની રામકથા પ્રાચિન મહત્વ ધરાવતાં સ્થળોએ થઈ છે અને અર્વાચિન માઈલસ્ટોન ગણાતાં શહેરોમાં પણ યોજાઈ છે. એમના કથા સ્થળમાં ભાદર નદીનો કાંઠો આવી જાય અને લોસ એન્જલ્સનું ફાટફાટ થતું આધુનિક ગ્લેમર પણ. પરંતુ બાપુએ સાઈઠ વર્ષ પૂરા કર્યા ત્યાં સુધીમાં ક્યાં, કેટલી કથા કરી એ પણ જાણવા જેવું છે. મોરારિબાપુએ જેટલી કથા ગુજરાતમાં કરી છે એટલી જ કથા ગુજરાતની બહાર અને વિદેશોમાં કરી છે. ગુજરાતમાં 326, ગુજરાતની બહાર અને બીજા રાજ્યોમાં અને પરદેશમાં થઈને : 311 રામકથા કરી છે. ચીન, નેપાલ, લંડન, ન્યુઝીલેન્ડ, અમેરિકા જેવા દેશોમાં બાપુએ પંચ્યાસી રામકથા કરી છે. મુંબઈ એક માત્ર એવું શહેર છે જ્યાં બાપુએ સૌથી વધુ 29 રામકથાઓ કરી છે.
ટૂંકમાં, બાપુ સવિશેષ એટલે પસંદ છે કે, તેઓની બૌદ્ધિક ક્ષમતા બીજા કરતાં મુઠ્ઠી ઊંચેરી અને મોકળાશવાળી તેમજ એડવાન્સ લાગી છે. આટલા ઓપન માઈન્ડેડ મહારથી મેં હજુ સુધી જોયા નથી. બાપુ જૂનવાણી નથી, જડ નથી, કટ્ટર નથી. અભિમાની કે ડંખીલા પણ નથી અને એનો પૂરાવો તો સ્વયં હું જ છું. અનુભવ તો એકથી વધુ વખત એવો થયો છે કે બાપુ તો તમારી સાથે વાતોમાં મગ્ન થઈ ગયા હોય પણ મુલાકાત આટોપવાની ઉતાવળ તેમના નજીકજનોને વધારે હોય છે. બાપુ સાથે દરેક મુદ્દે વાત કે દલીલ થઈ શકે છે કે વિરોધ નોંધાવી શકાય છે એવા મારા અનુભવને તમે પત્રકાર કે લેખક હોવાનો વિશેષ અધિકાર ગણી લો તો તમે બાપુને જ અજાણતાં અન્યાય કરો છો. આ માણસ મૂળમાંથી જ પ્રૅક્ટિકલ અને પ્યોર છે.
માઈલસ્ટોન પુસ્તક વાંચનારા તમામ વાચકોને હું ટિપ્સ આપું છું કે, જો અને જ્યારે તમે મોરારિબાપુની રૂબરૂ થઈ જાવ તો તેમના ચરણસ્પર્શ કરવાનો પ્રથમ મોહ છોડી, તેમની સાથે વાતો કરજો. આદર, અહોભાવ કે સંતત્વના બધા ગિલેટ ઉખડી જશે અને તમને 24 કેરેટના અણિશુદ્ધ આત્મિયજનને મળ્યાનો પરમસંતોષ થશે.
મને એ દર વખતે થયો છે.

No comments:

Post a Comment