Google Search

Monday, June 18, 2012

શોક નિવૃત્તિ – પુરાણકથા


હિરણ્યકશિપુ એ કહ્યુ : પ્રિય મા, પત્ની અને બાળકો, તમારે કોઈએ હિરણ્યાક્ષના મૃત્યુનો શોક કરવાની જરૂર જ નથી. જેમ પાણીની પરબ પાસે વટેમાર્ગુઓ આવે છે, ભેગા થાય છે, પાણી પીવે છે અને ચાલ્યા જાય છે તેમ પોત-પોતાના કર્મો પ્રમાણે લોકો એકબીજાને મળે છે અને સમય આવ્યે અલગ થાય છે. શરીરને આત્મા સમજી લેવું એ જ મોટું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનથી જ જન્મ, મૃત્યુ, શોક, અવિવેક, ચિંતાઓ વગેરે ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં મહાત્મા લોકો એક ઈતિહાસ કહે છે એ તમે સૌ ધ્યાનથી સાંભળો.
વર્ષો પહેલા ‘ઉશીનર’ નામના પ્રદેશમાં એક ખૂબ પ્રખ્યાત રાજા રહેતો હતો. એનું નામ હતું સુયજ્ઞ. બન્યું એવું કે યુદ્ધમાં શત્રુઓએ એને મારી નાખ્યો. રાજાનું મૃત્યુ થવાથી રાજ્યમાં શોક ફેલાઈ ગયો. બધા ભાઈઓ, બહેનો અને સગાવહાલાં એના શબને ઘેરીને બેસી ગયા. એનો પોશાક, મુકુટ, માળાઓ બધું વિખરાયેલું પડ્યું હતું. શરીર લોહીથી લથપથ હતું. બાણો વાગવાથી એના ફેફસા ચીરાઈ ગયા હતા. આંખો બહાર આવી ગઈ હતી. યુદ્ધમાં કોઈ શત્રુઓએ એના હાથ પણ કાપી નાખ્યા હતા. ટૂંકમાં એનું સ્વરૂપ ખૂબ વિકૃત થઈ ગયું હતું.
રાણીઓને પોતાના પતિની આ દશા જોઈને ખૂબ સંતાપ થયો. એ વિલાપ કરવા લાગી : ‘હે નાથ, તમારું મૃત્યું થવાથી અમે તો વગર મોતે જ મરી ગયાં.’ એમ કહીને જોરજોરથી છાતી પીટવા લાગી અને એટલું મોટે મોટેથી રડવા લાગી કે વાતાવરણમાં ખૂબ કરુણતા છવાઈ ગઈ. રાણીઓના કપડાં, દાગીનાં, સિંદુર બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. તેમનો આ કરુણ વિલાપ સાંભળીને તમામ સગાસંબંધીઓ પણ શોકાતૂર થઈ ગયા. રાણીઓ બોલી : ‘વિધાતા બહુ ક્રુર છે જેણે આજે આપને અમારી આંખોની સામેથી દૂર કરી દીધા. તમે તો સમગ્ર દેશના રક્ષક હતા. અમને તો કેટલો બધો પ્રેમ કરતા હતા. અમારી થોડી સેવાની પણ તમે કેટલી બધી પ્રશંસા કરતા હતા. આપ જ્યાં ચાલ્યા ગયા છો ત્યાં અમને પણ જવાની આજ્ઞા આપો.’ આમ કહી પતિના શબને પકડીને તમામ રાણીઓ રડતી રહી. શબને સળગાવવા માટે લઈ જવા તે તૈયાર નહોતી. આમ-તેમ કરતાં સમય વીતી ગયો અને સૂર્યાસ્ત થઈ ગયો.
હવે બન્યું એવું કે ઉશીનરેશના સગા-સંબંધીઓનો આ વિલાપ સાંભળીને સ્વયં યમરાજા ત્યાં બાળકના સ્વરૂપે આવ્યા. અને તેમણે ત્યાં બેઠેલા સગાસંબંધીઓને સંબોધીને કહ્યું :
‘ઓહો આશ્ચર્યની વાત છે ! આ લોકો તો વિદ્વાન છે ! રોજેરોજ કેટલાય લોકોને જીવતા-મરતા અહીં જુએ છે તો પણ આટલા મૂઢ કેમ બની રહ્યાં છે ? અરે, આ મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો. આ લોકોને પણ એક ને એક દિવસે ત્યાં જ જવાનું છે, પછી ખોટોખોટો શોક કરવાથી શું ફાયદો ? હું તો બાળક છું, અને તમારા કરતાં લાખ ઘણો સારો છું એ એટલા માટે કે પહેલેથી જ મારા મા-બાપે મને છોડી દીધો છે, મારા શરીરમાં બહુ બળ પણ નથી તેમ છતાં હિંસક પ્રાણીઓ મને કશું નથી કરી શક્તા એનું કારણ એ છે કે જેણે ગર્ભમાં રક્ષા કરી હતી એ ઈશ્વર આપણા જીવનની પણ રક્ષા કરતો જ હોય છે. હે સ્ત્રીઓ, આ અવિનાશી ઈશ્વર આ દુનિયાનું સર્જન કરે છે, રક્ષણ કરે છે અને સમય આવ્યે સંહાર પણ કરે છે. ઈશ્વર દંડ આપવામાં પણ સમર્થ છે અને પુરસ્કાર આપવામાં પણ સમર્થ છે.
ભાગ્ય બળવાન હોય તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ એમની એમ રહે છે અને પરત મળી જાય છે પરંતુ જો ભાગ્ય પ્રતિકૂળ હોય તો ઘરની તિજોરીમાં રાખેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે. આ જીવ કોઈ પણ સહારા વગર ઈશ્વર કૃપાદ્રષ્ટિથી જો જંગલમાં હિંસક પ્રાણીઓની વચ્ચે રહે તો પણ સુરક્ષિત રહે છે, પરંતુ દૈવ વિપરિત થતાં એ ઘરમાં સુરક્ષિત હોય તો પણ મરી જાય છે.
હે રાણીઓ ! આ સંસારના તમામ લોકોની મૃત્યુ પોતાના પૂર્વજન્મોની કર્મવાસનાને પ્રમાણે સમય પર થાય છે અને એ પ્રમાણે વળી એમનો જન્મ પણ થાય છે. પરંતુ એમના શરીરમાં રહેલો આત્મા એમનાથી અલગ છે. એ અનેક જન્મ લેતો હોવા છતાં અજન્મા છે. એને જન્મ-મરણના ધર્મોનો કોઈ સ્પર્શ થતો નથી. જેવી રીતે મનુષ્ય પોતાના મકાનને માટી, રેતી-સીમેન્ટ વગેરેના માને છે, તેવી રીતે મનુષ્યનું આ શરીર પણ માટીનું જ છે. મોહના લીધે એ પોતાનું લાગે છે. જેવી રીતે સોનામાંથી દાગીના બને અને સમય આવ્યે એ દાગીના ઓગાળીને નષ્ટ કરીને તેમાંથી બીજા દાગીના બનાવવામાં આવે એમ આ શરીર પણ સમય-સમય પર બને અને બગડતું રહે છે. જેમ લાકડામાં રહેલો અગ્નિ લાકડાની અંદર રહેવા છતાં તેનાથી ભિન્ન છે તેમ આત્મા પણ એનાથી અલગ અને નિર્લિપ્ત છે.
મૂર્ખો ! જેની માટે તમે શોક કરો છો એ ‘સુયજ્ઞ’ નામના રાજાનું શરીર તો તમારી સામે જ પડેલું છે. તમે વર્ષોથી એમના શરીરને તો જોતા હતા. એની અંદર જે સાંભળવાવાળો અને બોલવાવાળો આત્મા કે પ્રાણતત્વ છે એને તમે કદી જોયો છે ? એ તો કદી કોઈને દેખાતો હોતો નથી. બસ તો ! એ પહેલા પણ નહોતો દેખાતો અને અત્યારે પણ નથી દેખાતો. ફરક શું છે ? શોક શેનો કરવાનો ? તમે જો એમ માનતા હોવ કે આ શરીરની અંદર બોલવા-સાંભળવાવાળો જે પ્રાણ હતો એ નીકળી ગયો તો એ તમારી મૂર્ખાઈ છે કારણકે ઊંઘમાં પણ પ્રાણ તો હોય છે જ છતાં લોકો બોલી કે સાંભળી શકતા નથી. શરીરની તમામ ઈન્દ્રિયોને કાબૂમાં કરનારો જે મહાપ્રાણ છે એ તો કદી બોલતો કે સાંભળતો નથી એ તો જડ છે અને આત્મા તો આ બધાથી સદાસર્વદા અલગ છે. આત્મા વ્યાપક હોવા છતાં કર્મો અનુસાર દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ વગેરે જુદા શરીરો ધારણ કરે છે અને સમય આવ્યે વિવેકથી મુક્તિ પણ પ્રાપ્ત કરી લે છે. માટે તે તો આ બધાથી અલગ જ છે.
જ્યાં સુધી આ જીવ પાંચ પ્રાણ, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન – એમ આ સત્તર તત્વોથી બનેલા આ શરીરમાં રહે છે ત્યાં સુધી એ કર્મોથી બંધાયેલો જ રહે છે. અને આ બંધનના મોહને લીધે થનારા શોક વગેરે એનો પીછો નથી છોડતા. સ્વપ્નની જેમ આ શરીરને મિથ્યા જાણીને શોક કરવો જરૂરી નથી. જ્ઞાનનો અભાવમાં જે લોકોને આ શોક ઉત્પન્ન થાય છે, એવા વ્યક્તિઓનો સ્વભાવ બદલવો બહુ મુશ્કેલ છે.
કોઈ એક જંગલમાં એક શિકારી રહેતો હતો. પક્ષીઓને માટે તો જાણે કાળ જ હતો. જ્યારે એ જાળ પાથરે ત્યારે અનેક પક્ષીઓને ફસાવી દેતો. એક દિવસ એણે એક પક્ષીની જોડીને ચારો ચરતા જોયા. એમાં એણે માદા પક્ષી જે હતું એને તરત ફસાવી લીધું. કાળવશ એ માદાપક્ષી જાળમાં ફસાઈ ગયું. નરપક્ષીને આ જોઈને ખૂબ દુ:ખ થયું. એ બિચારું એને છોડાવી શક્તું નહોતું તેથી સ્નેહને કારણે એ વિલાપ કરવા લાગ્યું : “આમ તો વિધાતા ધારે એ કરી શકે છે, પણ વિધાતા બહુ નિર્દયી છે. આ મારી સાથે રહેતું માદા પક્ષી એ એક તો સ્ત્રી છે અને ઉપરથી એનો તરફડાટ જોઈને મને શોક વધતો જાય છે. આને લઈ જઈને આ શિકારી શું કરશે ? લઈ જવો હોય તો મને લઈ જાય, મારી પ્રિયાને શું કરવા લઈ જાય છે ? એના વગર હું વિધુર જીવન જીવીને શું કરીશ ? હજી મારા અભાગા બાળપક્ષીઓને પાંખો પણ નથી ફૂટી. આ સ્ત્રીના મૃત્યુ થવાથી હું એમનો ઉછેર કેમનો કરીશ ? ઓહ ! એ તો અત્યારે પણ માળામાં એમની માતાની રાહ જોઈ રહ્યા હશે.” આમ કહી એ નરપક્ષી બહુ વિલાપ કરવા લાગ્યું. પોતાની સહચરીના વિયોગમાં દુ:ખી થઈ ગયું. આંસુઓથી એનું ગળું રૂંધાઈ ગયું. એ સમયે કાળની પ્રેરણાથી પાસે છૂપાયેલા પેલા શિકારીએ એને પણ બાણ મારીને મારી નાખ્યું. – મૂર્ખ રાણીઓ, આ રૂપકનો અર્થ સમજો. તમારી બધાની આ જ દશા થવાની છે. તમને પોતાનું મૃત્યું તો દેખાતું નથી અને આની માટે રડો-પીટો છો ? હજી તમે સો વર્ષો સુધી આજ રીતે શોકવશ છાતી પીટશો તો પણ ગયેલો પાછો આવવાનો નથી.
હિરણ્યકશિપુ એ કહ્યું : આ નાના બાળકની જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને ત્યાં રહેલા બધા સગાસંબંધીઓ દંગ રહી ગયા. એ રાજાના ભાઈબંધુ અને રાણીઓ એ વાત બરાબર સમજી લીધી કે આ સંસાર, સુખ અને દુ:ખ એ અનિત્ય અને મિથ્યા છે. યમરાજા આ આખ્યાન કહીને ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા. પછી બધા સગા-વહાલાંએ રાજાના શરીરની અંતયેષ્ટી ક્રિયા આદી કરી. હવે તમે લોકો પણ પોતાને માટે કે કોઈ અન્યના માટે શોક ના કરો. આ સંસારમાં કોણ આપણું છે ? અને કોણ આપણાથી અલગ છે ? કઈ વસ્તુ આપણી છે અને કઈ વસ્તુ પારકી છે ? આપણા અજ્ઞાનને લીધે જ તારા-મારાનો ભેદ સર્જાય છે. આ ભેદ-બુદ્ધિ વગર દુ:ખનું બીજું કોઈ કારણ નથી.’
હિરણ્યકશિપુની વાત સાંભળીને સૌ નગરજનોએ હિરણ્યાક્ષના મૃત્યુનો શોક એ જ ક્ષણે ત્યજી દીધો અને પોતાના ચિત્તને પરમાત્મામાં લગાડી દીધું.
|| ઈતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણે સપ્તમસ્કંધે દ્વિતિયો અધ્યાય: ||

No comments:

Post a Comment