Google Search

Friday, June 15, 2012

જ્ઞાનેશ્વરીગીતાનાં જ્ઞાનલક્ષણો – અનુવાદ : ઉષા


અધ્યાય-13 (શ્લોક 7 થી 11) : અનુ. કિશોરલાલ મશરૂવાળા
નિર્માનતા, અહિંસા, ને અદંભ, આર્જવ, ક્ષમા,
ગુરુભક્તિ તથા શૌચ, સ્થિરતા, આત્મનિગ્રહ: || 7 ||
વિષયો પ્રતિ વૈરાગ્ય, નિરહંકારતા, તથા
જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુ:ખ-દોષોનું દર્શન; || 8 ||
નિર્મોહતા, અનાસક્તિ પુત્ર-પત્ની-ગૃહાદિમાં,
સારા માઠા પ્રસંગોમાં ચિત્તની સમતા સદા; || 9 ||
અનન્ય યોગથી મારી ભક્તિ અવ્યભિચારિણી,
એકાન્તવાસમાં પ્રેમ, ના ગમે દાયરા વિષે; || 10 ||
અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા, તત્વજ્ઞાન-વિચારણા;
આ લક્ષણે કહે જ્ઞાન, તેથી અજ્ઞાન ઊલટું. || 11 ||
અમાનિત્વમ :
જ્ઞાની પુરુષ કોઈ પણ લૌકિક વિષયમાં રમમાણ નથી થતો. પ્રતિષ્ઠાનો તેને ભાર લાગે છે. તેના ગુણોનું કોઈ વર્ણન કરવા લાગે કે તેનું બહુમાન કરે, તેની યોગ્યતાની કદર કરે તો તે ગભરાઈ ઊઠે છે. માનો શિકારીના હાથમાં પડેલું હરણ કે પાણીના વમળમાં ફસાયેલો જીવ. સન્માન તેને સંકટ લાગે અને શ્રેષ્ઠત્વને તે પાસે ઢૂંકવા પણ નથી દેતો. પોતાના આદર સત્કારને તે જોઈ નથી શકતો, સ્વકીર્તિ કાનથી સાંભળી નથી શકતો. આ ‘અમુક’ કહીને કોઈ તેને ઓળખાવે તે તેને પસંદ નથી હોતું. ત્યાં આદર-સત્કારની વાત જ કેવી ? કોઈ નમસ્કાર કરે તો તેને ભૂમિમાં સમાઈ જવું ગમે. સર્વજ્ઞતામાં બૃહસ્પતિની બરાબરી કરી શકે તેવી બુદ્ધિપ્રતિભા, પરંતુ મહિમાનો એટલો ડર કે વ્યવહારમાં ગાંડાં ઘેલાં કાઢે. પોતાના ચાતુર્યને છુપાવી રાખે, મહત્વને ખોવાઈ જવા દે, સામે ચાલીને પાગલપણનું વરણ કરે, લૌકિક રીતરિવાજનો તેને કંટાળો આવે, શાસ્ત્રચર્ચા હંમેશા ટાળે અને ચૂપચાપ શાંત રહેવામાં જ તેને રસ.
જગત અવજ્ઞા કરે, સગાંસંબંધી પૂછે નહીં – એવી એવી ઈચ્છા તેના મનમાં રમતી હોય છે. બાળપણ સ્વીકારવું, હીનતાને ભૂષણ માનવી – આવું આવું તેનું વર્તન રહે છે. એ જીવતો નથી એવી લોકો કલ્પના કરે એ જ એના જીવતરની આશા. એ ચાલે છે કે પવનના જોરમાં ખેંચાતો જાય છે એવો ભ્રમ લોકોમાં ફેલાય તેમ ઈચ્છે છે. મારા અસ્તિત્વનો લોપ થઈ જાય, નામરૂપ નિ:શેષ થઈ જાય. ભૂતમાત્ર મારો ભય ન સેવે એવી એવી તેની ઈચ્છા-આકાંક્ષા. તે નિત્ય એકાંત સેવન કરે, નિર્જન સ્થાનની કલ્પનાથી આનંદિત થાય. પવન સાથે તેની દોસ્તી, આકાશની સાથે તે વાતો કરે, વૃક્ષ-વનસ્પતિ તેના પ્રિય સાથી. આવાં લક્ષણો જેનામાં દેખાય તે જ્ઞાનમાં તલ્લીન થયો જાણ. તેનામાં અમાનિત્વ પ્રક્ટ થયું.
અદંભિત્વમ :
લોભી મનુષ્ય પ્રાણ જવાનું સંકટ ઊભું થાય તો પણ પોતાના ગુપ્ત ધનનું સ્થાન બતાવશે નહીં. તે રીતે અદંભી મનુષ્ય પ્રાણ જાય તો જવા દેશે પણ પોતાના પુણ્યકર્મને વાચા નહીં આપે. નઠોર ગાય પોતાનું દૂધ ચોરે, વારાંગના પોતાની ઉંમર છુપાવે, જંગલમાં વાટ ભૂલેલો ધનવાન મનુષ્ય પોતાની શ્રીમંતાઈનાં બણગાં ન ફૂંકે, કુલીન ઘરની વધૂ પોતાનાં અંગોને સરખી રીતે ઢંકાયેલાં રાખે, ખેડૂત બીને માટીમાં વ્યવસ્થિત ઢાંકે – તે રીતે જ્ઞાની પોતાના દાન-પુણ્યને ઢાંકી દે છે. તે દેહપૂજામાં અટવાતો નથી, લોકોને રાજી રાખવામાં રાચતો નથી, સ્વધર્મનો ડંકો વગાડતો નથી. પરોપકારનો ‘પ’ પણ ઉચ્ચારતો નથી. સ્વાધ્યાય-અભ્યાસની ડંફાસ હાંકતો નથી, કીર્તિની સાટે વિદ્યા વેચતો નથી. પોતાના સુખોપભોગમાં કંજૂસ પરંતુ દાનકર્મમાં ઉદાર. ઘરમાં સંકડાશ અનુભવાય. દેહ સૂકલકડી પરંતુ દાન દેવામાં તો કલ્પતરુ સાથે હોડમાં ઉતરે. સ્વધર્માચરણમાં મહાન, પ્રસંગ આવ્યે ઉદાર. આત્મચર્ચા કરવામાં બુદ્ધિચાતુર્યની કમાલ દેખાડે પરંતુ અન્ય વાતોમાં જાણે પાગલ હોય તેમ વર્તે. કેળ અંદરથી પોકળ પરંતુ તેના ફળ દળદાર. મેઘને જુઓ તો અત્યંત વિરલ. લાગે કે પવનથી વિખરાઈ જશે પણ વરસવા માંડે કે ધરતીને જળબંબોળ કરી મૂકે. તેવી રીતે તે પુરુષ પૂર્ણતાથી સંપન્ન. પરંતુ સાંસારિક દષ્ટિથી ઊણો-અધૂરો. આ લક્ષણો જેનામાં દેખાય છે તેની મૂઠીમાં જ્ઞાન આવ્યું સમજ. આ થયું અદંભિત્વ.
અહિંસા :
અહિંસાનું નિરુપણ અનેકોએ અનેક રીતે કર્યું છે. પરંતુ તે કેવુંક ? ઝાડની શાખા તોડીને ઝાડની આસપાસ તેની જ વાડ રચવી. મંદિર તોડીને તે પથ્થરોથી ભગવાનની આસપાસ ભીંત ઊભી કરવી. આ રીતે હિંસા કરીને અહિંસા સાધ્ય કરવી એવો પૂર્વ મીમાંસકોનો નિર્ણય. વિશ્વ અનાવૃષ્ટિથી ત્રસ્ત છે તો પર્જન્યની ઈચ્છાથી યજ્ઞ કરવો અને તેમાં પશુનું બલિદાન દેવું તો ત્યાં અહિંસાનું દર્શન ક્યાંથી થવાનું ? કેવળ હિંસાની વાવણી કરવી અને અહિંસારૂપી ફળની અપેક્ષા રાખવી ! – યાજ્ઞિકોનું આ તે કેવું સાહસ ! અને આયુર્વેદનું પણ એવું જ. એક જીવને બચાવવા બીજા જીવનો ઘાત કરવો. અનેક પ્રકારના રોગોથી ત્રસ્ત પ્રાણીઓને જોઈ તેમના દુ:ખ નિવારણ માટે રોગચિકિત્સા કરી, પણ તે કેવી રીતે ? તો કોઈ વનસ્પતિનું કંદ ઉખાડ્યું તો કોઈ વૃક્ષને જડ સહિત નામશેષ કર્યું. કોઈના પાન તોડ્યા તો કોઈને વચ્ચેથી ચીર્યું. કોઈની છાલ કાઢી. વૃક્ષ તો અજાતશત્રુ. તેના સર્વાંગમાં ચીરા પાડી તેનો જીવનરસ જ કાઢી નાખ્યો. સજીવ પ્રાણીના શરીરમાંથી પિત્ત કાઢી અન્ય પ્રાણીઓ માટે તેનો ઉપયોગ કર્યો. લોકોના રહેવાના ઘર તોડી કાઢી તેના મંદિર બાંધ્યા. વ્યવહારમાં ખરું-ખોટું કરી સદાવ્રત ખોલ્યા. માથા પર ઓઢવાનું ખેંચ્યું કે શરીર ઉઘાડું પડ્યું. ઘર તોડીને મંડપ બાંધ્યો. ગોદડું બાળીને તાપણું કર્યું. બળદ વેચીને ગોઠો બાંધ્યો કે પોપટને ઉડાડી પિંજરું બનાવ્યું. આ તે કેવી ઠઠ્ઠા મશ્કરી !
કોઈ ધર્મના નામે પાણી ગાળીને પીએ અને ગાળવાની એ ક્રિયામાં કેટલાંક જંતુઓ મરે. કોઈ હિંસાના ડરથી અન્ન રાંધતા નથી અને પ્રાણને કષ્ટ દે છે. તો તે હિંસા નહીં કે ? તો કર્મકાંડીઓનો ‘હિંસા જ અહિંસા’નો આ સિદ્ધાંત જાણી લે. જ્યારે અહિંસાની વાત આવી ત્યારે આ અન્ય-અન્ય મતોનું સ્પષ્ટીકરણ કરવાની અમને સ્ફૂર્તિ થઈ આવી. તે સહુને બાજુ પર કરીને કેવી રીતે આગળ વધવું તેનો તને ખ્યાલ આવે. વળી, સ્વમતનો નિર્ણય કરવામાં અન્ય મતમતાંતરને સમજી લેવા જરૂરી હોય છે. તેથી આ સઘળું નિરૂપણ કર્યું.
હવે મુખ્ય વાત, સ્વમત પર આવીએ. અહિંસા પુષ્ટ થઈ કે અંતરનું જ્ઞાન પ્રકટે. કસોટીના પથ્થર પર ઘસવાથી સોનાનો કસ પરખાય તે રીતે વ્યવહાર પરથી અહિંસા કેટલી આત્મસાત થઈ છે તે સમજાય. મનમાં જ્ઞાનનો ઉદય થતાં જ અહિંસા પ્રતિબિંબિત થાય છે. તે કેવી રીતે તે સાંભળ. બગલો પાણીમાં પગ કેવી રીતે મૂકે છે ? તરંગોને આંદોલિત ન કરતાં, લહેરોને ન ધકેલતાં, પાણીના જથ્થાને ખલેલ ન પહોંચાડતાં વેગપૂર્વક પણ હળવેથી, દષ્ટિને શિકાર પર ખોડી જે રીતે બગલો પાણીમાં પગ મૂકે અથવા ભ્રમર પરાગને ધક્કો ન લાગે તે રીતે હળવેથી કમળ પર બેસે, તે રીતે પ્રત્યેક પરમાણુમાં નાના નાના જીવ વસે છે. તેમને ક્યાંય ધક્કો ન લાગે તેવી કારુણ્યદષ્ટિથી હળવેથી કદમ ભરે છે. પૂરા રસ્તા પર કૃપા પાથરી છે, દિશાઓને સ્નેહથી ભરી દીધી છે અને પોતાના જીવની અન્ય જીવો માટે પથારી પાથરીને તે જતનપૂર્વક ચાલે છે. તેનું વર્ણન કેવી રીતે કરવું ? બિલાડી પોતાના બચ્ચાંને મોઢામાં પકડે છે ત્યારે તેના દાંત બચ્ચાને કેટલાં ઉઝરડા પાડશે ? મમતામયી મા બાળકની રાહ જુએ ત્યારે તેની દષ્ટિમાં કેટલી કોમળતા ડોકાય ? કમળના પાનથી હવા નાખીએ તેનાથી આંખોને ત્રાસ પહોંચે કે ? – તેટલી મૃદુતાથી જમીન પર પગલાં ભરાય. તે પગલા જ્યાં જ્યાં પડે ત્યાં જીવોને સુખ ઊપજે. આટલી મૃદુતાથી ચાલતાં ક્યાંક કૃમિ-કીટક દેખાય તો હળવેથી પગ પાછો વાળી લે છે. મારી ધડપડથી સ્વામીની નિદ્રા ન તૂટે તેની સ્વસ્થતા ન નંદવાય – આવી ચિંતાથી પોતાના પગલાં પાછા વાળે છે, પરંતુ કોઈને પણ ધક્કો નથી પહોંચાડતો. તરણાંમાં પણ જીવ છે તો તેને પણ ચગદોળતો નથી તો પછી બેધ્યાનપણે ચાલવાની વાત જ કેવી ? કીડી મેરુ પર્વત ન ઓળંગી શકે, મચ્છર સમુદ્ર ન તરી શકે તે રીતે તે રસ્તામાં કોઈ પણ જીવને ઓળંગીને નથી જતો. આવી છે તેની ચાલ, માનો કૃપારૂપી પુષ્પિત-ફલિત વૃક્ષ.
અને તેની વાણીમાં દયા મૂર્તિમંત થઈ છે. તેનો શ્વાસ અત્યંત કોમળ,સુકુમાર. તેનું મુખ પ્રેમનું પિયર અને દાંત માનો માધુર્યને ફૂટ્યાં છે અંકુર ! સ્નેહની સરવાણીની પાછળ પાછળ અક્ષર ચાલે. પ્રથમ કૃપાનો વરસાદ અને તેમાંથી શબ્દોની ઝરમર. બોલવાનો તેનો સ્વભાવ નથી હોતો અને માનો બોલવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો કોઈનેય ન ખૂંચે તેવી વાણી નીકળે. ક્યારેક અધિક બોલવું પડે તો યે કોઈનાયે મર્મ પર આઘાત ન થાય, કોઈનાયે મનમાં શંકા-કુશંકા ન ઉઠે. કોઈનું આદર્યું બગડે નહીં, કોઈ ડરે નહીં, કોઈ ચોંકે નહીં, કોઈને તિરસ્કારનો ભાવ ન ઉઠે, કોઈને ત્રાસ ન પહોંચે, કોઈનાં ભવાં ન ચડે…. આવો ભાવ હૃદયમાં સંગોપી તે ચૂપ રહે અને કોઈ વિનંતી કરીને બોલાવે તો વાણીમાં એટલો પ્રેમ છલકાય કે સાંભળનારને માની મમતા સાંભરે. માનો મૂર્તિમંત નાદબ્રહ્મ કે શાંત વહેતો ગંગાનો પ્રવાહ. સત્ય અને મૃદુ, પરિમિત અને રસાળ એવા તેના શબ્દો માનો અમૃતના તરંગો ન હોય ! વિરોધ, વાદપટુતા, બીજાને સંતાપિત કરવા, ઉપહાસ, છળ, મર્માઘાત કરનારાં વચન, હઠ, આવેગ, ચતુરાઈ, આશા બંધાવવી, શંકા ઉત્પન્ન થવી, પ્રતારણા કરવી – આ બધાં અવગુણોનો તેની વાણીએ સંન્યાસ લીધો હોય છે.
અને તેની દષ્ટિ કેવી ? તો મોકળી ભ્રૃકુટિ. કપાળ પર ક્યારેય આંટી ન પડે. મોટે ભાગે આંખો ઉઘાડીને જોતો જ નથી. રખે પ્રાણીમાત્રમાં જે પરબ્રહ્મ છે તેની અવજ્ઞા થાય ! એકાદ વાર અંદરની પ્રસન્નતા આંખો ખોલે તો માનો ચકોરને ચંદ્રબિંબ મળ્યું ! ચકોરને ચંદ્રબિંબમાંથી નીકળતી અમૃતધારા દેખાતી નથી પરંતુ તેને પુષ્ટ કરે છે. તે રીતે તેની કૃપાદષ્ટિથી પ્રાણીઓને સુખ-સમાધાન મળે છે. કાચબી દષ્ટિમાત્રથી બચ્ચાનું પોષણ-સંવર્ધન કરે છે. પરંતુ તેની પ્રેમપૂર્ણ કૃપાદષ્ટિથી યોગ્યતાનું આકલન કાચબીની પણ ગજા બહારની વાત. ભૂતમાત્ર પ્રતિ આવી કારુણ્યપૂર્ણ જેની દષ્ટિ છે તેના હાથ પણ તે રીતે જ વર્તે છે. સિદ્ધ પુરુષના મનોરથ કૃતાર્થ થઈ ગયેલા હોય છે. તેથી તેમને કશું કરવાનું બાકી નથી રહેતું. તે રીતે આ જ્ઞાનીના હાથ પણ કોઈ જાતના વ્યાપારમાં ગૂંથાયેલા નથી રહેતા. મૂંગાએ મૌન લીધું હોય તેમ તે અકર્તાના હાથને કાંઈ કરવાનું રહેતું નથી. પવનને ઝટકો બેસશે કે આકાશને નખ વાગશે તે ડરથી હાથને અકારણ હલવા નથી દેતો તો પછી શરીર પર બેઠેલી માખીને ઉડાડવી કે આંખની આસપાસ ઘૂમતાં નાના નાના જંતુને દૂર કરવા કે પશુપક્ષીને ભય દેખાડવાની મુદ્રા ધારણ કરવાની વાત જ ક્યાં ? જે લાકડી પણ નથી રાખતો તે શસ્ત્રાસ્ત્રને શું ધારણ કરવાનો ? કમળને હાથમાં ગોળ ગોળ ફેરવવું કે પુષ્પમાળાને ઝીલવી તેને મન ગોફણ સમાન. તો તેવી રમત તેને ન પોસાય. રોમાવલિને ત્રાસ ન પહોંચે તેથી જે શરીરના અવયવોને પંપાળતો નથી, તે હાથથી કશું કરતો નથી પરંતુ કદાચિત કોઈ પ્રસંગે કશું કરવું પડે તો તેના હાથને એક જ આદત હોય છે – નમસ્કાર કરવાની. અથવા ક્યારેક અભય મુદ્રામાં હાથ ઉપર ઊઠે છે, ક્યારેક નીચે પડેલાંને ઉપર ઉઠાવવા પ્રવૃત્ત થાય છે તો ક્યારેક દુ:ખીને સાંત્વના આપવા હળવેથી સ્પર્શે છે. તે પણ નાઈલાજે. પરંતુ દુ:ખિતોનું કલેશહરણ એટલી સહજતા અને નજાકતતાથી થાય છે કે ચંદ્રકિરણોને પણ એ આત્મીય પ્રેમ સમજવો કઠણ થાય. એ સ્પર્શ પાસે મલય પર્વત પરથી વહેતો મંદ મંદ વાયુ પણ તીવ્ર લાગે. તે હાથ સદા મોકળા અને ખાલી. ચંદનનું વૃક્ષ ફળ ન આપે તો યે તેની સર્વાંગ શીતળતાને કારણે તે સદા સાર્થક જ હોય છે. અધિક વાગ્જાળ શા માટે ? શીલ એ સજ્જનોનો સ્વભાવ – તેવા એના એ કરતલ.
હવે મનની વાત કરીએ તો અત્યાર સુધી આ જે વિસ્તાર કર્યો તે કોનો વિલાસ હતો ? શાખા અને વૃક્ષ, પાણી અને સમુદ્ર, સૂર્ય અને તેજ, અવયવ અને શરીર, રસ અને જળ શું જુદા-જુદા રહી શકે ? આ જે બાહ્ય લક્ષણો કહ્યાં તે મનના જ ધર્મ છે. બીને જમીનમાં રોપ્યું તે જ વૃક્ષરૂપે વિકસે છે. તે રીતે ઈંદ્રિયોરૂપે મન જ પ્રકટ થાય છે. જો મનમાં જ અહિંસા નહીં હોય તો બહાર ક્યાંથી પ્રકટવાની ? કોઈ પણ વૃત્તિ પ્રથમ મનમાં ઉઠે છે અને પછી તેનું વાણી, દષ્ટિ, હાથમાં પ્રાકટ્ય થાય છે. જે મનમાં નથી તે વાણીમાં ક્યાંથી આવશે ? બી વગર અંકુર ક્યાં ? સૂત્રધાર નથી તો કઠપૂતળીઓને કોણ નચાવશે ? મન નથી ત્યાં ઈન્દ્રિયો શક્તિહીન. ઝરણાનાં ઉગમમાં જ પાણી નથી તો તેનો પ્રવાહ ક્યાંથી બને ? જીવ ગયો કે દેહ ચેષ્ટા ક્યાંથી કરવાનો ? તે રીતે ઈન્દ્રિયોના વ્યાપારના મૂળમાં મન રહેલું છે અને ઈન્દ્રિયોરૂપી દ્વારથી તે જ વ્યવહાર કરતું રહે છે. મનની અંદર જે છે તે જ ઈન્દ્રિયોના વ્યાપારરૂપે બહાર પ્રકટે છે. પક્વ ફળની સુગંધથી વાતાવરણ ભરાઈ જાય તે રીતે મનમાં અહિંસાએ થાણું જમાવ્યું કે ઈન્દ્રિયો અહિંસાની એ પૂંજી લઈ લેવડદેવડનો વ્યાપાર શરૂ કરી દે છે. સમુદ્રમાં ભરતી આવી કે તે આસપાસના ખાડાઓને ભરી દે તે રીતે ચિત્ત, સ્વસંપત્તિથી ઈન્દ્રિયોને સંપન્ન કરી દે છે. મહેતાજી બાળકનો હાથ પકડીને પોતે જ અક્ષરો લખતો હોય છે, તે રીતે મન પોતાનું દયાલુત્વ હાથ-પગની ક્રિયાઓ દ્વારા પ્રકટ કરી અહિંસાનો પ્રાદુર્ભાવ કરે છે. અહીં ઈન્દ્રિયોના નિમિત્તે મનના વ્યવહારનું જ મેં નિરુપણ કર્યું. આ રીતે મન-કાયા-વાચાથી જેણે બધા પ્રકારની હિંસાનો ત્યાગ કર્યો છે તે જ્ઞાનનું મંદિર જ છે. એટલું જ નહીં તે મૂર્તિમંત જ્ઞાન જ છે. આપણે કાનથી અહિંસાની વાતો સાંભળીએ છીએ, ગ્રંથનો આધાર લઈ તેનું નિરુપણ કરીએ છીએ. તેને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા થાય તો તે પુરુષને જોવો.
આમ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું. મારાથી તેનો અધિક વિસ્તાર થઈ ગયો. લીલો ચારો દેખાડ્યો કે ઢોર પોતાનો માર્ગ ભૂલી જાય કે આકાશમાં પવનનો સાથ મળતાં પક્ષી યથેચ્છ વિહાર કરે તે પ્રમાણે પ્રેમની સ્ફૂર્તિ અને તેમાં જુદા-જુદા રસોનો આસ્વાદ ભળ્યો કે મારી બુદ્ધિ વહી ગઈ. પરંતુ તેવી વાત નથી. ‘અહિંસા’ શબ્દ તો ત્રણ જ અક્ષરોનો છે. પરંતુ તેના અંગેના મતમતાંતરોના પાર નથી. તે સહુની સ્પષ્ટતા ન થાય તો નિ:શંક ચીજ હાથમાં ન આવે. રત્નપારખુ ઝવેરીની પાસે સ્ફટિકની શી કિંમત ? ત્યાં તો શાલિગ્રામનું જ કામ. તેથી અહીં જે વિશેષ અધિકારી શ્રોતાવર્ગ ઉપસ્થિત છે તેમનો ખ્યાલ ન કરવાથી કેમ ચાલે ? લીલ જામેલાં પાણી તરફ હંસ નજર પણ નથી નાખતો. વાદળો પાછળ ઢંકાયેલી ચાંદની ચકોરને નથી ખપતી. હું જો નિર્વિવાદ અને નિ:શંક નિરુપણ નહીં કરું તો તમે તે તરફ ધ્યાન નહીં આપો. તમારા જેવા સંતજનોની કૃપા તથા પ્રેમનો ભૂખ્યો હું આ ગ્રંથ નિરુપણ કરવા બેઠો છું. તમને ગીતા પ્રિય છે એટલે મેં તેનો આધાર લીધો છે. મારા માટે ગીતા ગ્રંથ નથી પરંતુ તમારી સોંપેલી થાપણ છે. તમારી કૃપા પ્રાપ્ત કરવા મેં ગીતાને નિમિત્ત બનાવી છે. તમારા જેવા રસિકજનો પાસે જુદા-જુદા મતોની વ્યાખ્યા કરી. તેમાં બહુ લાંબો વિસ્તાર થયો હોય તો મને ક્ષમા કરશો. કોળિયો ભરતાં કાંકરો આવ્યો અને તેને કાઢવામાં સમય ગયો કે રસ્તામાં મળેલા ચોરને હાથતાળી દઈને ઘરે પાછા ફરવામાં બાળકને મોડું થાય તો મા ગુસ્સે થાય કે હર્ષિત થાય ? પરંતુ તમે મને ક્ષમા આપી દીધી છે એટલે હવે બસ કરું છું.

No comments:

Post a Comment