Google Search

Sunday, June 17, 2012

શ્રી રામ સ્તુતિ – વિનયપત્રિકા


હે મુર્ખ મન ! સદા-સર્વદા વારંવાર શ્રીરામનામનો જ જપ કર; એ સંપૂર્ણ સૌભાગ્ય અને સુખની ખાણ છે તથા વેદોનો નિચોડ છે – એમ સમજીને પૂર્ણ વિશ્વાસપૂર્વક સદા શ્રીરામનામ બોલ્યા કર. || 1 ||
કૌશલરાજ શ્રીરામચન્દ્રજીના શરીરની ક્રાંતિ એકદમ તાજા નીલા રંગના કમળ સમાન છે; તે કામદેવને ભસ્મ કરવાવાળા શંકરના હૃદયરૂપી કમળમાં રમણ કરનાર ભ્રમર છે. તે જાનકીરમણ, સુખધામ, સમગ્ર વિશ્વના એકમાત્ર પ્રભુ, યુદ્ધમાં દુષ્ટોનો નાશ કરવાવાળા અને પરમ દયાળુ છે. || 2 ||
તે દાનવોના વનને માટે અગ્નિ સમાન છે. પુષ્ટ અને ઘૂંટણસુધી લાંબા હાથમાં સુંદર ધનુષ અને પ્રચંડ બાણ ધારણ કરેલ છે. તેમના હાથ, ચરણ, મુખ અને નેત્રો લાલ કમળની સમાન કમનીય છે. તે સદગુણોના સ્થાન અને અનેક કામદેવોની સુંદરતાના ભંડાર છે. || 3 ||
જુદી જુદી વાસનાઓરૂપી કુમુદિનીનો નાશ કરવાને માટે સાક્ષાત સૂર્ય અને કામ, ક્રોધ, મદ આદિ કમળોનાં વનને નાશ કરવાને માટે હિમ સમાન છે. લોભરૂપી અત્યંત વિફરેલા હાથીને માટે વનરાજ સિંહ અને ભક્તોની ભલાઈને માટે રાક્ષસોનો સંહાર કરીને સંસારનો ભાર ઉતારનાર છે. || 4 ||
જેમનું નામ કેશવ છે, જે કલેશોનો નાશ કરનાર છે, બ્રહ્મા અને શિવ દ્વારા જેમના ચરણયુગલ વન્દિત થાય છે અને જે ગંગાજીના ઉત્પત્તિસ્થાન છે. સદા આનંદના સમૂહ, મોહનો વિનાશ કરનાર અને ભયાનક ભવસાગરથી પાર જવા માટે જહાજ રૂપ છે. || 5 ||
શ્રીરામજી શોક અને સંશયરૂપી મેઘોના સમૂહને છિન્નભિન્ન કરવાને માટે વાયુરૂપ અને પાપરૂપી કઠીન પર્વતોને તોડવાને માટે વજ્રરૂપ છે. જેમનું અનુપમ નામ સંતોને કામધેનુની સમાન ઈચ્છિત ફળ આપનારું તથા શાંતિ પમાડનારું અને કલિયુગના ભારે પાપોનો નાશ કરવામાં શરમ નથી રાખતું. || 6 ||
આ શ્રીરામનામ ધર્મરૂપી કલ્પવૃક્ષનો બગીચો, ભગવાનના ધામમાં જવાવાળા પથિકો માટેનો પથ તથા સમસ્ત સાધન અને સિદ્ધિઓનો મૂળ આધાર છે. ભક્તિ, વૈરાગ્ય, વિજ્ઞાન, શમ, દમ, દાન આદિ મોક્ષના અનેક સાધન – બધા આ રામનામને આધીન છે. || 7 ||
જેમણે આ ઘોર કળિયુગને જોઈને નિત્ય નિરંતર શ્રીરામનામરૂપી નિર્દોષ અમૃતનું પાન કર્યું – તેમણે બધા તપ કરી લીધાં, બધા યજ્ઞ અનુષ્ઠાનો કરી લીધાં, સર્વસ્વ દાન આપી દીધું અને વિધિપૂર્વક બધા વૈદિક કર્મો પણ કરી લીધાં. || 8 ||
અનેક ચાંડાળ, દુષ્કર્મી, ભીલ અને યવનાદિ કેવળ રામનામના પ્રચંડ પ્રતાપથી શ્રી હરિના પરમધામમાં પહોંચી ગયા અને તેમની બુદ્ધિને વિકારોએ સ્પર્શ સુદ્ધાં ન કર્યો. હે તુલસીદાસ ! બધી આશા અને ભય છોડીને સંસારરૂપી બંધન તોડવા માટે તીક્ષ્ણ તલવાર સમાન શ્રીરામનામનો સદા જપ કર. || 9 ||

No comments:

Post a Comment