Google Search

Thursday, June 14, 2012

સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી


[1] મૌનનો મહિમા
સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંત:કરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે.’ એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને પરિચય છે.
અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છુપાવે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચાર્યે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે. ઘણી વેળા માણસ બોલવાને અધીરો બને છે. ‘મારે પણ બોલવું છે’ એવી ચિઠ્ઠી ક્યા પ્રમુખને નહીં મળી હોય ? પછી તેને વખત આપવામાં આવ્યો હોય તે તેને સારુ પૂરતો નથી થતો. વધારે બોલવા દેવાની માગણી કરે છે, ને છેવટે રજા વિના પણ બોલ્યા કરે છે ! આ બધાના બોલવાથી જગતને લાભ થયેલો ભાગ્યે જ જોવામાં આવે છે. તેટલા વખતનો ક્ષય થયેલો તો સ્પષ્ટ જોઈ શકાય છે.
આ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે એમ લાગ્યા વિના રહેતું નથી કે આપણે ક્રોધથી ભરેલાં માનવીઓ જો મૌનની ઉપયોગિતા સમજીએ તો જગતની લગભગ અડધી આપત્તિ ઓછી થઈ જાય. આધુનિક સુધારો આવી પડ્યો તે પહેલાં ચોવીસ કલાકમાંથી પાંચ-છ કલાક તો શાંતિના આપણને મળતા જ હતા. આધુનિક સુધારાએ આપણને રાતનો દિવસ કરતાં ને સુવર્ણસમ શાંતિને બદલે પાર વિનાનાં હોહા ને શોરબકોર કરતાં શીખવ્યું. આપણે આપણા પ્રવૃત્તિમય જીવનમાં દિવસમાં ઓછામાં ઓછા બે કલાક પણ એકાંતમાં ગાળી શકીએ અને એ પરમ મૌનનો અવાજ સાંભળી શકીએ તો કેવું સારું ! એ ઈશ્વરી રેડિયો તો હંમેશાં વાગી જ રહ્યો છે, માત્ર એ સાંભળવા માટે આપણા કાન ને મન તૈયાર કરવાં રહે છે. પણ એ રેડિયો મૌન વિના સંભળાય એવો નથી.
ખ્રિસ્તી સંત ટેરેસાએ મૌનના સુંદર પરિણામનું સરસ વર્ણન કરતાં કહ્યું છે : ‘તમારી બધી ઈન્દ્રિયો એકદમ ભેગી મળીને એકતાન બનતી તમને લાગશે; મધમાખો મધપૂડામાં પાછી ફરીને મધ બનાવવાનું કામ કરવા પુરાઈ રહે એના જેવી એ લાગશે : અને આને સારુ તમારે પ્રયત્ન કે કાળજી નહીં કરવા પડે. આમ તમારો આત્મા પોતા પ્રત્યે જે બળજબરી કરે તેનું સુફળ ઈશ્વર તેને આપે છે; અને તેને ઈન્દ્રિયો પર એટલું પ્રભુત્વ આપે છે કે એ આત્મા જ્યારે સ્વસ્થ, અંતર્મુખ થવા માગે ત્યારે એક નિશાની કરતાંવેંત ઈન્દ્રિયો એનું માની જાય છે ને બાહ્ય વસ્તુઓ પરથી પાછી વળીને અંતર્મુખ બની જાય છે. સંકલ્પનું બળ પહેલી વાર અજમાવતી વખતે તે જલદી જલદી પાછી ફરે છે. આખરે, એવા ઘણા પ્રયત્ન પછી, ઈશ્વર એ ઈન્દ્રિયોને સંપૂર્ણ સમત્વ અને સંપૂર્ણ નિદિધ્યાસનની સ્થિતિએ પહોંચાડે છે.’
એ મૌન મારા શરીર તેમ જ આત્માને બંનેને આવશ્યક થઈ પડ્યું છે. મૂળ તો મનનો બોજો હળવો કરવાને એ લીધેલું. વળી મારે લખવાને સારુ વખત જોઈતો હતો. પણ કેટલાક વખત સુધી મૌન રાખ્યા પછી મેં એની આધ્યાત્મિક ઉપયોગિતા જોઈ. મારા મનમાં એકદમ ઝબકારાની પેઠે ઊગી આવ્યું કે એ વખતે હું ઈશ્વરપ્રણિધાન સારામાં સારું કરી શકું છું અને હવે મને લાગે છે કે મૌન મારે સારુ સ્વભાવસિદ્ધ વસ્તુ છે. મારા જેવા સત્યના શોધકને સારુ મૌન મોટી મદદરૂપ થાય છે. મૌનની સ્થિતિમાં આત્માને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ દેખાય છે અને પહેલાં મનની પકડમાંથી સરી જતું તેમ જ ભ્રામક ભાસનારું ઓગળીને સ્ફટિક જેવું સાફ સૂઝવા લાગે છે. આપણું જીવન સત્યની લાંબી તેમ જ કઠણ ખોજના સ્વરૂપનું છે અને આત્માને પોતાના સંપૂર્ણ ઉચ્ચ સ્વરૂપને પામવાને અંતરની નિરાંત ને આરામની જરૂર રહે છે.
[2] અપરિગ્રહનો ધર્મ
સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને ‘જોઈતી’ વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતા નથી, અથવા જાણવા છતાં પાળતા નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુ:ખો અનુભવીએ છીએ. ધનાઢ્ય ને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢો ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બંને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે; કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો. પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા પૂરતું સહેજે મળી રહે અને બંને પક્ષ સંતોષનો પાઠ શીખે.
આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઈક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટિના સત્યાગ્રહી, જિજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતાં જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચારપૂર્વક ઘટાડો છે. જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે….. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાંત અને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે, એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય ? એ પાંજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે ? ત્રીજાને કેમ હણે ? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે. ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઈએ.
આટલું યાદ રાખવા યોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે છે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતો હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઈત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે; આ ખરું વચન હોય – અને ખરું છે જ – તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટ ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઈ મંદતાને તો નહીં જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઈએ. પણ તે પ્રવૃત્તિ સાત્વિક હોય, સત્ય તરફ લઈ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહીં. અહીં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજપ્રાપ્ત છે.
એટલે બધું તજો, એ ઈશ્વરને અર્પણ કરો, ને એ રીતે જીવો. એ ત્યાગમાંથી જીવવાનો અધિકાર મળે છે. એમાં નથી કહેલું કે ‘બીજા સૌ પોતાના ભાગનું કામ કરશે ત્યારે હું પણ કરીશ.’ એમાં તો કહેલું છે કે ‘બીજાની ફિકર નહીં કરતા. પહેલાં તમારું કામ કરો ને બાકીનું ઈશ્વર પર છોડી દો.’ ઈશુ, મહમદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ એ બધા પુરુષોએ હજારો બલકે લાખો માણસોના ચારિત્ર્ય પર પ્રભાવ પાડી તેને ઘડ્યું છે. તે બધા આ પૃથ્વી પર જીવ્યા તેથી તે વધારે સમૃદ્ધ જ થયેલી છે. અને એ સૌએ ગરીબી એટલે કે અપરિગ્રહનો સમજપૂર્વક અંગીકાર કર્યો હતો.
મહાસૂત્ર એ છે કે… જે વસ્તુ કરોડોને નથી મળી શકતી તે વસ્તુનો આપણે ત્યાગ કરવો. આ પ્રમાણે ત્યાગ કરવાની શક્તિ આપણામાં એકાએક નથી ઊતરી આવવાની. પહેલી તો આપણે એવી મનોવૃત્તિ કેળવવી પડશે કે જે કરોડોને ન મળી શકે એવી વસ્તુઓ અને સગવડો લેવાની ના પાડવી; અને ત્યાર પછી તુરત બીજી આવશ્યકતા એ છે કે એ વૃત્તિને અનુરૂપ આપણા જીવનક્રમમાં જેમ બને તેટલો જલદી ફેરફાર કરી નાખવો.
ટૂંકમાં, આજની ફિકર આપણે રાખીએ તો કાલની ફિકર કરવાવાળો ઈશ્વર બેઠો છે.

No comments:

Post a Comment