Google Search

Thursday, June 14, 2012

કર્મ અને લેણદેણના બંધનમાંથી કોણ બચી શકે ? – કાન્તિલાલ કાલાણી


એક પ્રચલિત વાર્તા છે. શેઠ અને શેઠાણી ભીંત ખોદાતી હોય એવો અવાજ આવ્યો, એટલે જાગી ગયાં. ઘરમાં પ્રવેશવા ચોર ભીંતમાં બાકોરું પાડતો લાગે છે, તેનો ખ્યાલ આવી જતાં શેઠ-શેઠાણી સાવધાન થઈ ગયાં. શેઠે શેઠાણીને મંદ અવાજે કહ્યું : ‘ચોરનો સામનો કરવામાં આપણે નહિ ફાવીએ. હું કહું તેમાં તારે ઉમંગભેર સહકાર આપવો. બીજી કોઈ માથાકૂટ ન કરવી. ગાંધીજીએ સૂતરને તાંતણે સ્વરાજ્ય મેળવ્યું, તો મારે સૂતરને તાંતણે ચોરને ઠેકાણે કરી દેવો છે.’ શેઠાણી ચતુર હતાં. શેઠની હોંશિયારી પર તેમને વિશ્વાસ હતો. તેમણે કહ્યું : ‘તમે કહેશો તેમ કરીશ.’
શેઠ પોતાની યોજનાને અમલમાં મૂકવા ભીંત પાછળ ઊભેલો માણસ પણ સાંભળે તેમ મોટેથી બોલવા લાગ્યા : ‘શેઠાણી, સાંભળો છો ? જ્યોતિષીની વાત સાચી પડવાની લાગે છે. તેમણે કહેલું કે ફાગણ સુદ ચૌદશે આપણે ઘરે સામે ચાલીને પુત્ર આવવાનો છે. મને પચાસ વર્ષ થયાં, પણ ઘોડિયું ન બંધાયું તે ન જ બંધાયું. જ્યોતિષીએ કહેલું કે તમને જે પુત્ર પ્રાપ્ત થવાનો છે તે રાત્રિને સમયે તમારા ઘરમાં પ્રવેશશે. તેને વધાવી લેજો. રાત્રિ તો વીતવા આવી અને દીકરો થઈને કોઈ આવ્યું નહિ. મારી ઊંઘ ઊડી ગઈ છે એટલે કદાચ અત્યારે છોકરો દરવાજો ખટખટાવે તો નવાઈ નહિ.’
મધ્યરાત્રિ વીતી ચૂકી હતી. વાતાવરણમાં ગહન શાંતિ હતી. કોઈ ધીમે અવાજે વાત કરતું હોય તોપણ ઘરની બહાર રહેલું માણસ સાંભળી શકે. શેઠ મોટેથી બોલતા હતા તે ચોરને કાને પડ્યું એટલે તે દીવાલ ખોદતાં અટકી ગયો. તેને થયું કે આ શેઠના ઘરમાં દીકરો થઈને જવા જેવું છે. સીધો વારસદાર થઈ જાઉં તો ચોરીની લપ તો છૂટે. તે રાત્રે તેણે કપડાં પણ સારાં પહેર્યાં હતાં. ઉંમર પણ એટલી કે કોઈને છોકરા તરીકે સ્વીકારવાનું મન થાય. ક્ષણ વાર તેને થયું કે ભીંતમાં બાકોરું પાડવાને બદલે બારણાંની સાંકળ જ ખખડાવું; પણ પછી ડર લાગ્યો. થોડી વારમાં બધું શાંત પડી ગયું. કલાકેક જવા દીધો. પછી ફરી કોશની મદદથી બાકોરું પાડવા માંડ્યો. શેઠ-શેઠાણીએ એવો ડોળ કર્યો કે તેમને કાંઈ ખબર જ નથી. ચોર ઘરમાં દાખલ થઈ ગયો. શું થાય છે તે જોવા એક ખૂણામાં ઊભો રહ્યો. થોડી વારમાં શેઠ પથારીમાં બેઠા થઈ કહે : ‘શેઠાણી ! મને સ્વપ્નું આવ્યું કે દીકરો ઘરમાં આવી ગયો છે. આપણે તેનો પુત્ર તરીકે સ્વીકાર કરીએ તે પહેલાં તેની પૂજા કરવાનું જ્યોતિષીએ કહ્યું છે. તમે બધી તૈયારી કરો.’
લાલચુ ચોરને શેઠની વાતમાં રસ પડ્યો. તેને થયું કે બન્ને જાગી ગયાં છે એટલે ચોરી તો નહિ થાય, માટે દીકરો થઈ જવામાં જ મજા છે ! શેઠાણી દીવો પ્રગટાવે તેની રાહ જોયા વિના જ તેણે કહ્યું : ‘હું આવી ગયો છું. મારે શું કરવાનું છે તે કહો.’
શેઠે કહ્યું : ‘દીકરા, તું આવી ગયો ! અમે કેવા ભાગ્યશાળી છીએ કે તું સામેથી આવ્યો ! હવે એક કામ કર. આ થાંભલા પાસે તું ઊભો રહે. પહેલાં અમે તારી પૂજા કરી લઈએ, પછી જ પુત્ર તરીકે તારો સ્વીકાર થાય.’ ચોર એ માટે તૈયાર થઈ ગયો. તે થાંભલા પાસે ઊભો રહ્યો. મનોમન તે રાજી થતો હતો.
શેઠે કહ્યું : ‘શેઠાણી, ઘરઆંગણે રહેલા પીપળાની તમે જેવી રીતે પૂજા કરો છો, તેવી પૂજા આવનાર દીકરાની કરવાની છે. તમે પીપળાની પૂજા કરતી વખતે એકસો આઠ પ્રદક્ષિણા કરી હતી. વળી પાતળો સૂતરનો દોરો વાપર્યો હતો. છોકરાની પૂજા કરવાની છે, એટલે છોકરાના આખા શરીરે તાંતણા વીંટાય તેટલી વાર આપણે બંનેએ થાંભલાની ચારેબાજુ ફરવું પડશે.
પછી શેઠ-શેઠાણીએ ધૂપ-દીપ કર્યાં. કંકૂ-પૂજાપો તૈયાર કર્યો. શેઠાણી સૂતરનું બંડલ લઈ આવ્યાં. ચોરને શેઠનો દીકરો બનવું હતું એટલે ડાહ્યોડમરો થઈ થાંભલાને અડી ઊભો રહ્યો. શેઠ-શેઠાણી સૂતરનો દોરો લઈને પ્રદક્ષિણા કરવા લાગ્યાં. ચોર મનોમન હરખાતો હતો. બન્નેએ પગથી શરૂઆત કરી અને થોડી વારમાં તો ગળા સુધી સૂતરના તાંતણાથી બાંધી દીધો ! બીજી બધી વિધિ પતાવી દીધી, પણ આરતી ઉતારવાની બાકી રાખી. શેઠે ચોરને કહ્યું : ‘બ્રાહ્મણની સૂચના છે કે પ્રાત:કાળે આરતી કરવાનું કહ્યું છે, એટલે રાહ જોવી પડશે. વળી બ્રાહ્મણને પણ બોલાવવો પડશે. એની હાજરીમાં જ સંકલ્પ થાય.’ આકાશમાં અજવાળાં ઊતર્યાં એટલે શેઠ બ્રાહ્મણને બોલાવી લાવવાના નિમિત્તે ઘેરથી નીકળ્યા અને બ્રાહ્મણને બદલે ત્રણ પોલીસને લઈને આવ્યા. પુત્ર થવા આવેલો ચોર પકડાઈ ગયો !
વાચકોને ચોર મૂર્ખ લાગશે. ચોર તો લાલચનો માર્યો સૂતરને તાંતણે બંધાણો હતો, આપણે તો કર્મના અને લેણદેણના મજબૂત દોરડાથી બંધાયેલા છીએ, છતાં આપણને એમ લાગે છે કે આપણે શાણા છીએ અને ચોર અક્કલ વગરનો છે ! દોરડું જેમ અનેક ધાગાનું બનેલું છે, તેમ જીવ અનાદિ હોવાથી અત્યાર સુધીમાં અનેક વાર શરીર ધારણ કરી ચૂકેલો છે. જોકે તેની તેને સ્મૃતિ નથી, પણ જીવ જ્યારે જ્યારે મનુષ્યશરીર ધારણ કરે ત્યારે તે દરેક ક્રિયામાં હુંપણાના અને મારાપણાના ભાવ ભેળવે છે એટલે તેની દરેક ક્રિયા કર્મમાં પરિણમે છે. કર્મ ત્રણ પ્રકારનાં છે : પ્રારબ્ધ કર્મો, સંચિત કર્મો અને ક્રિયમાણ કર્મો. ક્રિયમાણ કર્મો વર્તમાનકાળમાં થાય છે. તેમાં જે તીવ્ર કર્મો હોય તેનું ફળ જલદી મળે છે. મંદ કર્મો સંચિતમાં જાય છે અને મધ્યમકર્મોનું ફળ આ જન્મે ન મળે તો તે પ્રારબ્ધમાં પરિણમે છે. આયુષ્યના અંત સુધીમાં જે સંચિત કર્મો ભોગવટામાં નથી આવતા તે કર્મોનું પ્રારબ્ધમાં રૂપાંતર થઈ જાય છે. મનુષ્ય જે કર્મો કરે છે તેનું કેવું અને કેટલું ફળ મળશે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. એટલે મનુષ્ય કર્મ પ્રત્યે જેટલી જાગૃતિ રાખવી જોઈએ તેટલી રાખતો નથી. શેઠના ઘરમાં પેસેલા ચોરને જેમ સૂતરના તાર વીંટળાતા ગયા, તેમ મનુષ્યોને કર્મના અને લેણદેણના દોરડા વીંટળાતા જાય છે અને તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાને બદલે મનુષ્યજન્મમાં જ અનેક જન્મોનાં બીજ વાવી દે છે !
આપણાં શાસ્ત્રો ચોર્યાશી લાખ યોનિઓની વાત કરતા, ત્યારે આજના વિજ્ઞાનીઓ એક કરોડ ચાળીસ લાખ યોનિની વાત કરે છે. મનુષ્ય સિવાયની તમામ યોનિઓમાં નવાં કર્મો કે નવાં લેણદેણ ઊભાં કરવાનો અવકાશ નથી, કારણ કે તેમનામાં હુંપણાના અને મારાપણાના ભાવ નથી. મનુષ્ય સિવાયના તમામ દેહધારીઓ માત્ર પ્રારબ્ધ કર્મોનો ભોગવટો કરે છે; મનુષ્યને બુદ્ધિ અને વાણી મળેલી છે, તેને લીધે તે આયોજન કરી શકે છે અને પોતાના વિચારો વાણી દ્વારા વ્યક્ત કરી શકે છે. તેને સમયનું ભાન હોવાથી અને તેને મળેલ મન, બુદ્ધિ, ચિત્ત અને અહં વિકસિત અવસ્થામાં હોવાથી મનુષ્યજન્મમાં અનેક ભવ નિર્માણ થઈ જાય છે.
મનુષ્યશરીર ગ્રહણ કરનાર જીવ રૂઢિઓ, માન્યતાઓ અને અંધશ્રદ્ધાને છોડી શકતો નથી. જે કુળ કે સંપ્રદાયમાં તેનો જન્મ થયો હોય તેને તે છોડી શકતો નથી; તે સૌથી મોટી ભૂલ એ કરે છે કે પોતે જીવ હોવા છતાં પોતાને નામરૂપ માની લે છે અને સમગ્ર જીવન નામની પ્રતિષ્ઠા વધારવામાં અને શરીરની તેમજ શરીર સાથે સંકળાયેલા સંબંધીઓની સુખસગવડો પ્રાપ્ત કરવામાં પૂરું કરી નાખે છે. અપવાદરૂપ મનુષ્યોને જ પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. લગભગ તમામ મનુષ્યો અસત એવા નામરૂપવાળા શરીરને જ સત ગણીને તમામ વહેવાર કરતા હોય છે. સત એટલે જે શાશ્વત, સનાતન છે, અનાદિ છે અને અસત એટલે જેનું સર્જન થાય છે, જે મર્યાદિત સમય માટે જ રહે છે અને જેનું બંધારણ સમયાંતરે વેરવિખેર થઈ જાય છે. જીવ, આત્મા અને પરમાત્મા સતરૂપ છે, જ્યારે શરીર અસત છે. જીવ કે આત્મા સતરૂપ હોવા છતાં અસત એવા શરીરને પોતાનું સ્વરૂપ સમજીને તમામ વ્યવહાર કરતો હોય તો તે સતને ન ઓળખી શકે, છતાં સત શબ્દનો ઉપયોગ કરે.
ઉંમરલાયક બધા મનુષ્યો જાણે છે કે તેમને જે શરીર મળ્યું છે તે કાયમ ટકવાનું નથી; કાયમીપણું જીવમાં છે અને જીવની હાજરીને કારણે શરીરનું મહત્વ છે, પણ આ જગતના સકલ વહેવારો નામ અને શરીર દ્વારા ચાલતા હોવાથી નામરૂપમાં હુંપણું અને મારાપણું દઢ થઈ ગયું છે; એટલે મનુષ્ય પોતે જીવ છે, સતરૂપ છે, એવું માનતો નથી. તે શરીરના જન્મને પોતાનો જન્મ અને શરીરના મૃત્યુને પોતાનું મૃત્યુ ગણે છે. કેટલાક મનુષ્યો નિષ્કામ કર્મની વાતો કરે છે. પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવાં તેને તેઓ નિષ્કામ કર્મ કહે છે, પણ આ મનુષ્યો ભગવાનની પ્રત્યેક જીવમાં હાજરી છે એવું સ્વીકારવાને બદલે તેમની વૈકુંઠમાં કે સ્વર્ગમાં હાજરી છે એવું પ્રતિપાદન કરે છે. લોકસમુદાય શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથો વાંચે છે અને ધાર્મિક પ્રવચનો સાંભળે છે, પણ તે પ્રમાણે આચરણ કરતા નથી. દિનપ્રતિદિન નીતિમત્તાનાં ધોરણો કથળતાં જાય છે; ધર્મ અને સંપ્રદાયના નામે દંભ વધી રહ્યો છે; પ્રામાણિકતાનું ધોરણ નીચે ગયું છે; માણસાઈમાં ઓટ આવી છે. આ પ્રકારના મનુષ્યો કર્મનાં અને લેણદેણનાં બંધનોમાંથી કેવી રીતે છૂટી શકે ?
ભક્ત કે આત્મપ્રધાન વ્યક્તિ જગતની કોઈ લાલચમાં પકડાતી નથી. તેની અંતર્ગત સમજણશક્તિ પડેલી છે અને નિત્ય સત્સંગ અને અનુભવીના સંગને કારણે તેનામાં એટલી જાગૃતિ આવી ગઈ હોય છે કે કોઈનામાં ઊંડો ઊતરતો નથી કે કોઈના ભાગ્યમાં ભળતો નથી એટલે સૂતરના તાંતણા જેવા સંબંધોની પકડમાંથી યુક્તિપૂર્વક મુક્ત થઈ જાય છે અને સંબંધિત જીવને તેની જાગ્રતાવસ્થા દરમિયાન સ્થૂળ શરીર અને ઈન્દ્રિયોથી છૂટો પડી પરમાત્માને શરણે મૂકી દે છે. આ રીતે આત્મા નિશ્ચયાત્મક સ્થિતિમાં રહીને લોભ, લાલચ, મોહ, મમતા કે મારાપણાના ભાવમાં પકડાઈ જતો નથી. તે કોઈનો કે કશાયનો ત્યાગ કરતો નથી કે કોઈને પોતાના માનતો નથી. તે સૌને પરમાત્માના ગણી પરમાત્મા માટે જ કાર્ય કરે છે અને પોતાના અવતરણના હેતુને સિદ્ધ કરવા દશ્ય વિભાગનો ઉપયોગ કરે છે.
આત્મપ્રધાન વ્યક્તિએ કે ભક્તે જે પાઠ ગ્રહણ કર્યો છે તેનું નાટક ભજવવાનું છે. તેણે કોઈમાં કે કશાયમાં ભળવાનું નથી. આત્મા કે ભક્ત સમજે છે કે પોતે પરમાત્માના સંકલ્પથી જ આ જગતમાં આવ્યો છે અને તેના દ્વારા જે ક્રિયા થઈ રહી છે તે પરમાત્માના સંકલ્પને કારણે જ છે. વળી તે પરમાત્માની અખંડ હાજરી સમજતો હોવાથી પોતાના ગુણધર્મ નિર્મલતા અને વ્યાપકતાને સમજણપૂર્વક વળગી રહે છે. તેની પાસે સ્પષ્ટ દર્શન છે કે પિંડ અને બ્રહ્માંડમાં પરમાત્માની શક્તિઓ જ કામ કરી રહી છે અને આ શક્તિઓ સહાય કરે છે. આવી સ્થિતિએ પહોંચેલા આત્માને કર્મો અને લેણદેણના સંબંધો બંધનરૂપ બનતાં નથી. ચોરને ચોરી કરવાની કે શેઠના પુત્ર થઈ બધું હડપ કરી જવાની લાલચ હતી, એટલે શેઠ સર્જિત પ્રપંચમાં તે પકડાઈ ગયો, એવી રીતે મોટા ભાગના મનુષ્યો કાયારૂપી માયામાં, શરીરના સંબંધોમાં, નામરૂપની પ્રતિષ્ઠા વધારવામાં અને સુખસગવડોમાં એટલા બધા પકડાઈ જાય છે કે મનુષ્ય જેવું દુર્લભ જીવન પશુના જીવનની જેમ પસાર થઈ જાય છે તેનું તેને ભાન રહેતું નથી. શેઠ-શેઠાણી કેવી ચતુરાઈ પ્રયોજી ચોરને ફસાવે છે તેની સામાન્ય જીવોને વાત કરે છે, પણ પોતે કર્મના ફંદામાં અને લેણદેણની જાળમાં સપડાઈ રહ્યો છે તેનો વિચાર કરતો નથી !
આત્મા પાસે સ્વલક્ષી દષ્ટિ છે. તેને સત્સંગ અને અનુભવીનો સંગ મળે છે, એટલે ચોરને અને સામાન્ય મનુષ્યોને જે નથી દેખાતું તે આત્માને વિચારરૂપી આંખથી દેખાય છે. તેને યથાર્થતાનું દર્શન થાય છે, એટલે તે કોઈ પણ પ્રકારના બંધનમાં લપટાતો નથી. આ જ આત્માનું આત્માપણું છે.

No comments:

Post a Comment