Google Search

Thursday, June 14, 2012

જીવન જીવવાની કલા – જ્યોતિ થાનકી


પૃથ્વી ઉપર માણસને મળેલું જીવન અમૂલ્ય છે. આ જીવન અનંત શક્યતાઓથી ભરેલું છે. સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. જો માણસને તેનો ઉપયોગ કરતાં આવડે તો તે દરેક ક્ષણ તેને આગળ ને આગળ લઈ જનારી છે. માણસને જીવન જીવતાં આવડે તો સ્વર્ગ શોધવા પૃથ્વીની બહાર જવું પડે તેમ નથી. આ જીવનમાં જ સ્વર્ગ રહેલું છે, અને જો જીવતાં ન આવડે તો નર્ક પણ આ જીવનમાં જ છે. એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ પોતાના જીવનને નર્ક બનાવવા ઈચ્છે નહીં; પરંતુ જીવન કેવી રીતે જીવવું એનું એને જ્ઞાન નથી મળ્યું અને પરિણામે તેની અનિચ્છાએ તેના જીવનનું વહેણ કળણ ને કાદવ પ્રત્યે વહેતું થઈ જાય છે. પછી જ્યારે તેને સમજ મળે છે, સાચું જ્ઞાન મળે છે, ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હોય છે અને જીવનની બાજી તેના હાથમાંથી સરી ગઈ હોય છે. આ સંદર્ભમાં શ્રી માતાજી કહે છે : ‘સાચી રીતે જિંદગી જીવવી એ ઘણી જ કઠિન કલા છે. અને જો માણસ સાવ નાનો હોય ત્યારથી જ શીખવાની શરૂઆત ન કરે, પ્રયત્ન ન કરે તો તે સાચી રીતે જાણી શકે નહીં – ફક્ત પોતાના શરીરને તંદુરસ્ત રાખવાની કળા, પોતાનું મન શાંત રાખવું અને હૃદયમાં શુદ્ધ ભાવ રાખવો, આ વસ્તુઓ જ સરળ રીતે જીવવા માટે અનિવાર્ય છે. હું સુખસગવડમાં કેમ રહેવું એ નથી કહેતી. અદ્દભુત રીતે કેમ રહેવું એમ પણ નહીં. હું તો ફક્ત શિષ્ટ રીતે કેમ જીવવું તે કહું છું.’
બાળકો નાનાં હોય છે, ત્યારે તેમને ઘણી બધી બાબતો શીખવવામાં આવે છે. કેમ બેસવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે કપડાં પહેરવાં વગેરે વગેરે શીખવવામાં આવે છે; પરંતુ કેવી રીતે એકાગ્રતા કરવી, કેવી રીતે પોતાના વિચારોનું નિરીક્ષણ કરવું, કેવી રીતે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવવો, કેવી રીતે સારી રીતે ઊંઘવું વગેરે બાબતો વિષે તેમને કંઈ જ શીખવવામાં આવતું નથી. પરિણામે બાળકો મોટાં થાય ત્યારે જો તેમને બાહ્ય રીતભાતનું કે શિષ્ટાચારનું શિક્ષણ આપવામાં આવ્યું હોય તો તેમનું બાહ્ય આચરણ વ્યવસ્થિત બને છે; પણ તેથી કંઈ તેમનું આંતરિક જીવન વ્યવસ્થિત કે સુગ્રથિત બનતું નથી.
વાર્તાલાપમાં શ્રી માતાજી બાળકોને કહે છે, ‘તમને કોઈ પ્રકારનું આવું શિક્ષણ આપ્યું નથી. વધારામાં તમને બહુ ઓછી વસ્તુઓનું શિક્ષણ આપવામાં આવ્યું છે. તમને ઊંઘતાં પણ શીખવાડ્યું નથી. લોકો માને છે કે તેમણે ફકત પથારીમાં આડા પડવાનું અને પછી ઊંઘી જવાનું પણ આ સાચું નથી… મોટા થયા પછી, ખૂબ સહન કર્યા પછી, ઘણી ભૂલો કર્યા પછી, ખૂબ મૂર્ખાઈઓ કર્યા પછી ને જ્યારે માણસ વૃદ્ધ થઈ જાય અને વાળ ધોળા થઈ જાય ત્યારે કોઈ વસ્તુ કેમ કરવી તે શીખે છે….. તમે રોગમાં સપડાઓ છો. કંટાળી જાઓ છો. તમારે શું કરવું તેની તમને ખબર નથી. કોઈએ તમને કદી શીખવાડ્યું નથી. સાદામાં સાદી પ્રાથમિક વસ્તુ શીખવા માટે પણ વર્ષોનાં વર્ષો લાગે છે. દા..ત, સુઘડ રહેવાનું. માતાપિતા આ વસ્તુ શીખવાડતાં નથી. કેમકે તમને એકલાને તમારી જાત ઉપર છોડી દેવામાં આવે તો તમે સમજી શકશો કે સહુથી સાદી વસ્તુ શીખવા માટે પણ તમારે વરસો જોઈએ. વર્ષોનો અનુભવ હોય છતાં જો તમે એના વિષે વિચારશો નહીં તો કદી શીખી શકશો નહીં.’
નાનપણથી જ માણસને સાચું જીવન જીવવાનું કોઈ જ માર્ગદર્શન મળતું હોતું નથી. બાળકો જે જુએ છે, જે વાતાવરણ તેમની આસપાસ પ્રવર્તે છે, તેના દ્વારા તેઓ ઘડાય છે, અને પછી સમાજના ઢાંચામાં ગોઠવાઈ જાય છે. માણસો શા માટે જીવી રહ્યા છે, જીવનની પાછળનો હેતુ શો છે એ જાણ્યા વગર જ જીવી નાંખતા હોય છે. કેવી રીતે જીવન જીવવું એનું જ્ઞાન બહુ ઓછા લોકોને હોય છે. શ્રી માતાજી કહે છે : ‘સામાન્ય લોકો જીવવું એટલે શું, તે જાણ્યા વગર જ જીવનમાં પ્રવેશ કરતા હોય છે. કેવી રીતે જીવવું એ ડગલે ને પગલે શીખવવું પડતું હોય છે. પોતે શું સિદ્ધ કરવા માગે છે, એ જાણ્યા પહેલાં તેમણે ઓછામાં ઓછું કેમ ચાલવું તે જાણવું પડે છે. જેમ નાના બાળકને કેમ ચાલવું તે શીખવવામાં આવે છે તેમ માણસે કેવી રીતે જીવવું તે શીખવું પડે છે. કેમ જીવવું એ ખરેખર કેટલા લોકો જાણે છે ?’
આ અજ્ઞાનને કારણે માણસ પોતાના જીવનમાં વારંવાર ભૂલો કરે છે. ઠોકરો ખાય છે. અનેક પ્રકારના કડવા અનુભવોમાંથી પસાર થાય છે. અસંખ્ય મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠે છે. પણ આ બધું શા માટે થાય છે એનો વિચાર માણસ ભાગ્યે જ કરે છે. મોટે ભાગે માણસોનું જીવન ભૂલો અને અનુભવોના પુનરાવર્તનોથી ભરેલું હોય છે. આ વિષે શ્રી માતાજીએ કહ્યું હતું : ‘મોટાભાગના માણસો પોતે શા માટે જન્મ્યા છે, તે જાણ્યા સિવાય જ જન્મે છે, જીવે અને મરી જાય છે. તેઓ કશું જ શીખ્યા વગર આવ્યા ને ચાલ્યા ગયા. આવા માણસોની સંખ્યા ઘણી મોટી છે.’ કેમકે તેમને ખબર જ નથી કે તેઓ શા માટે જીવી રહ્યા છે. જન્મ ધારણ કર્યો એટલે જીવવાનું છે અને પછી બધા માણસો મરી જાય છે, તેમ પોતે પણ મરી જવાનું છે. આવા મનુષ્યોની વાત કરતાં શ્રી માતાજી કહે છે : ‘તેઓ ખાલીખમ પ્રાણીઓ છે. શૂન્યતા કરતાં વધારે કંટાળાજનક બીજું કશું નથી. તેથી તેઓ એ શૂન્યતાને વિક્ષેપથી ભરી દેવા માગે છે. તેઓ તદ્દન નકામા બની જાય છે અને જ્યારે તેમનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેમણે પોતાના અસ્તિત્વનો બગાડ કરી નાંખ્યો હોય છે. સર્વ શક્યતાઓ ગુમાવી દીધી હોય છે. જીવન વેડફી નાંખ્યું હોય છે…. મોટાભાગના માણસોની આ દશા છે. તેઓ વિચાર કરતા નથી કે પોતાની જાતને કદી પૂછતા પણ નથી કે હું શા માટે જન્મ્યો છું ? પૃથ્વી શા માટે સર્જાણી છે ? હું શા માટે જીવું છું ? આ બાબતોમાં તેમને જરા પણ રસ હોતો નથી. તેમને રસ પડે છે, સારું સારું ખાવામાં, મજાક મશ્કરી કરવામાં, સારી સ્ત્રીને પરણવામાં, બાળકો પ્રાપ્ત કરવામાં, પૈસા કમાવવામાં, કામનાઓના દષ્ટિબિન્દુથી બને તેટલા લાભ મેળવવામાં, અને સહુથી વધારે તો વિચાર ન કરવામાં, કોઈ પ્રશ્નો ન પૂછવામાં, સર્વ મુશ્કેલીઓ ટાળવામાં અને પછી દુ:ખ અને અગવડ ભોગવ્યા વગર જ જગતમાંથી ચાલ્યા જવામાં. આ છે સામાન્ય સ્થિતિ. માણસો આને બુદ્ધિશાળી હોવું કહે છે. જગત આ રીતે સનાતન કાળ માટે ગોળ ચક્રમાં ફર્યા કરે છે. જેથી તે કદી પ્રગતિ ન કરે. આ બધા માણસો કીડીઓ જેવા છે. તેઓ આવે છે, પેટ પર ચાલે છે. મરી જાય છે. ચાલ્યા જાય છે. પાછા આવે છે, ફરી પેટ પર સરકે છે, મૃત્યુ પામે છે, પાછું તેનું તે જ. આમ સનાતન કાળ સુધી ચાલી શકે. પણ સદભાગ્યે કેટલાક માણસો એવા છે કે જે આ બધાનું કાર્ય કરે છે અને જગતને વિકાસના માર્ગે આગળ લઈ જાય છે.
જન્મવું, જીવવું અને મરી જવું. આ ગોળ ચક્રાવામાં જીવન સૈકાઓ સુધી ફર્યા કરે તો એ જીવનનો અર્થ શો ? એવા જીવનમાં કોઈ પ્રગતિ નથી. એથી એમાં સાચો આનંદ પણ નથી હોતો. એ જીવનનું કોઈ લક્ષ્ય નથી, એથી જીવનની કોઈ નિશ્ચિત ગતિ પણ નથી હોતી. આમ નિરંતર ચક્રાવામાં, જન્મોજન્મ ઘાંચીના બળદની જેમ એકનો એક બોજો ઉઠાવીને ફરતા રહેતા જીવનને એના સાચા ધ્યેય પ્રત્યે ગતિમાન કરવા માટે આગળનું પ્રકરણ ‘નિરંતર પ્રગતિનો માર્ગ’ છે. એ માર્ગે ચાલવાથી જીવનરસ, માધુર્ય અને આનંદથી છલકાતું બની રહેશે.

No comments:

Post a Comment