મનોવિજ્ઞાનની એક શાખા છે – પ્રાણી મનોવિજ્ઞાન (Animal Psychology). યુરોપ અને અમેરિકાના પ્રાણી મનોવિજ્ઞાનીઓની એક ટુકડીએ ખૂબ વિશિષ્ટ પ્રયોગ કર્યો. વિશ્વમાં વાંદરાઓની અનેક જાતિઓ છે. આમાંથી ચાર જાતિઓ અન્ય જાતિઓ કરતાં વધુ વિકસિત છે અને માનવથી નજીક છે. આ ચાર જાતિઓ આ પ્રમાણે છે – ચિંપાંઝી, ગોરીલા, ગબ્બન અને ઉરાંગઉટાંગ.
પેસિફીક મહાસાગરમાં અનેક ટાપુઓ છે. આ ટાપુઓમાં ઘોર જંગલો છે અને આ જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં ચિંપાંઝી વાંદરાઓ વસે છે. આમાંના મોટાભાગના ટાપુઓમાં માનવ વસતિ નથી. પ્રાણી મનોવિજ્ઞાનીઓની આ ટુકડી આમાંના એક ટાપુ પર ચિંપાંઝીઓના અભ્યાસ માટે ગઈ. આ પ્રાણીમનોવિજ્ઞાનીઓ આ ટાપુ પર છ મહિના રહ્યા. આ છ માસ દરમિયાન તેઓએ ચિંપાંઝીઓનો એક સમૂહ પસંદ કર્યો અને તેમને અનેક આવડતોનું શિક્ષણ આપ્યું. આ ચિંપાંઝીઓની કક્ષા, તેમનું શિક્ષણ, તેમનો વિકાસ આદિ સર્વ હકીકતોની વ્યવસ્થિત નોંધ તૈયાર કરી.
છ માસ પછી મનોવિજ્ઞાનીઓ અન્ય ટાપુ પર ગયા. આ ટાપુ પહેલા ટાપુથી લગભગ સો કિ.મી. દૂર હતો. તે ટાપુ પર પણ તે જ કક્ષાના ચિંપાંઝીઓની વસતિ હતી. મનોવિજ્ઞાનીઓએ જે આવડતો પ્રથમ ટાપુના ચિંપાંઝીઓની વસતિ હતી, તે જ આવડતો તેઓ આ નવા ટાપુના ચિંપાંઝીઓને શીખવવા માંડ્યા. પ્રથમ ટાપુના ચિંપાંઝીઓને જે આવડતો હસ્તગત કરતાં છ માસ થયા હતા, તે સર્વ આવડતો આ નવા ટાપુના ચિંપાંઝીઓ માત્ર એક માસમાં શીખી ગયા. આ પરિણામ જોઈને પ્રાણીમનોવિજ્ઞાનીઓ હેરત પામી ગયા. એક મહિના પછી આ પ્રાણીમનોવિજ્ઞાનીઓ ત્રીજા ટાપુ પર ગયા. અહીં પણ તેમણે ચિંપાંઝીઓનો એક સમૂહ પસંદ કર્યો. પ્રથમ બે ટાપુઓના ચિંપાંઝીઓને જે આવડતો શીખવી હતી, તે જ અહીંના ચિંપાંઝીઓને શીખવવાનું શરૂ કર્યું. આ તૃતીય ટાપુના વાંદરાઓ તે સર્વ આવડતો માત્ર એક સપ્તાહમાં અર્થાત બહુ ઝડપથી શીખી ગયા. પ્રાણીમનોવિજ્ઞાનીઓ એથી વધુ હેરત પામ્યા. આ શિક્ષણકાર્ય પૂરું થયું પછી પ્રાણીમનોવિજ્ઞાનીઓની એક પરિષદ ભરાઈ. તેમાં આ પ્રયોગનાં પરિણામોની વિગતવાર વિચારણા થઈ.
પ્રથમ ટાપુના ચિંપાંઝીઓ કરતાં દ્વિતીય ટાપુના ચિંપાંઝીઓની શીખવાની ઝડપ ઘણી વધુ જણાઈ અને તૃતીય ટાપુના ચિંપાંઝીઓની શીખવાની ઝડપ તો તેમનાથી પણ ઘણી વધુ જોવા મળી. આમ બનવાનું કારણ શું ? આ ત્રણેય ટાપુઓ વચ્ચે લગભગ 100 કિ.મી.નું અંતર હતું. ચિંપાંઝીઓ વચ્ચે કોઈ ભૌતિક વિનિમય તો શક્ય જ નથી. તો પછી આ શૈક્ષણિક ભિન્નતાનું કારણ શું છે ? ભિન્ન ભિન્ન ટાપુઓ પર ચિંપાંઝીઓ વચ્ચે ભૌતિક વિનિમય તો નથી જ, તો પછી કોઈ આંતરિક વિનિમય હોવો જોઈએ. આ ચિંપાંઝીઓનું એક સામૂહિક મન હોવું જોઈએ. આ સામુહિક મન દ્વારા તેમની વચ્ચે વિનિમય શક્ય બને છે. અનેક કોમ્પ્યુટરને એક સાથે સાંકળી લેવામાં આવે છે. ત્યાર પછી કોઈ એક કમ્પ્યુટરમાં જે કાંઈ કાર્ય કરવામાં આવે તે સર્વ સંબંધિત કમ્પ્યુટર્સમાં આપોઆપ પહોંચી જાય છે. કાંઈક આવું જ આ ચિંપાંઝીઓનાં મનમાં બન્યું. આ સર્વ ચિંપાંઝીઓનાં મન એક સામૂહિક મન દ્વારા અન્યોન્ય સંકળાયેલાં છે. પ્રથમ ટાપુના ચિંપાંઝીઓને જે શીખવવામાં આવ્યું તે આ સામૂહિક મનના માધ્યમથી અન્ય ટાપુ પરના સૌ ચિંપાંઝીઓનાં મન સુધી પહોંચી ગયું. આ સામૂહિક મનરૂપી સંપર્કસૂત્ર હોવાથી જ દ્વિતીય ટાપુના ચિંપાંઝીઓ ઝડપથી શીખી ગયા અને તૃતીય ટાપુના ચિંપાંઝીઓ તો તેથી પણ વધુ ઝડપથી શીખી ગયા.
યંગ એક બહુ મોટા મનોવિજ્ઞાની હતા. પ્રારંભમાં તો યંગ ફ્રોઈડના શિષ્ય હતા, પરંતુ પછી તેઓ તેમનાથી છૂટા પડી ગયા હતા. ફ્રોઈડે અજાગ્રત મનનો સિદ્ધાંત આપ્યો છે. ફ્રોઈડથી આગળ વધીને યંગ એમ કહે છે કે અજાગ્રત મનના બે ભાગ છે – વ્યક્તિગત અજાગ્રત મન અને જાતિગત અજાગ્રત મન. જેમ વ્યક્તિને પોતાનું અજાગ્રત મન હોય છે, તેમ જાતિને પણ પોતાનું અજાગ્રત મન હોય છે. જાતિના સર્વે સભ્યો આ જાતિગત અજાગ્રત મન દ્વારા અન્યોન્ય સંકળાયેલા રહે છે. આ અજાગ્રત મન જાતિના સર્વે સભ્યો વચ્ચેનું સંપર્કસૂત્ર છે. જો ચિંપાંઝીઓમાં જાતિગત અજાગ્રત મનરૂપી સંપર્કસૂત્ર છે, તો માનવજાતિમાં આવું જ કે સંભવતઃ આનાથી પણ વધુ વિકસિત જાતિગત અજાગ્રત મનરૂપી સંપર્કસૂત્ર ન હોય ? હોય જ અને છે જ.
ભારતીય અધ્યાત્મવિદ્યા, ભારતીય તત્વજ્ઞાન અને તદનુસાર ભારતીય મનોવિજ્ઞાનમાં આ સત્યનો વધુ વિશદ સ્વરૂપે વધુ સ્પષ્ટ સ્વરૂપે સ્વીકાર થયો છે. ‘પિંડે સો બ્રહ્માંડે’ આ સિદ્ધાંત દ્વારા આ જ સત્ય અભિવ્યક્ત થાય છે. વ્યક્તિગત શરીર (Individual body) વૈશ્વિક શરીર (Cosmic body) સાથે અને તે રીતે સર્વ વ્યક્તિગત શરીર સાથે સંલગ્ન છે. વ્યક્તિગત પ્રાણ (Individual Vital) વૈશ્વિક પ્રાણ (Cosmic Vital) સાથે સંલગ્ન છે. અને તેના દ્વારા સર્વ વ્યક્તિગત પ્રાણ સાથે સંલગ્ન છે. વ્યક્તિગત મન (Individual Mind) વૈશ્વિક મન (Cosmic Mind) સાથે સંલગ્ન છે અને તેના દ્વારા સર્વ વ્યક્તિગત મન સાથે સંલગ્ન છે. વ્યક્તિગત આત્મા (Individual Soul) વૈશ્વિક આત્મા (Cosmic Soul) અર્થાત પરમાત્મા સાથે સંલગ્ન છે અને તેના દ્વારા સર્વ વ્યક્તિગત આત્મા સાથે સંલગ્ન છે. આનો અર્થ એમ થયો કે આપણાં સૌની વ્યક્તિગત ચેતના મહાન સામૂહિક ચેતના સાથે સંલગ્ન છે અને તે સંબંધ દ્વારા આપણી વ્યક્તિગત ચેતના સર્વ વ્યક્તિગત ચેતના સાથે સંલગ્ન છે. આ સમગ્ર અસ્તિત્વમાં સંપૂર્ણ અલાયદું એવું કશું જ નથી. અહીં સૌ અન્યોન્ય જોડાયેલાં જ છીએ.
આપણે એક સદવિચાર દ્વારા કે એક સતકર્મ દ્વારા સમગ્ર વૈશ્વિક ચેતનાને અને અનેક વ્યક્તિગત ચેતનાને પ્રભાવિત કરીએ છીએ. અને અનેક વ્યક્તિગત ચેતનાઓ અને સમગ્ર વૈશ્વિક ચેતના આપણી ચેતનાને પ્રભાવિત કરે છે. એક સરોવરમાં એક નાનો પથ્થર ફેંકીએ તો તેના પરિણામરૂપે તરંગો ઊઠે છે અને આ તરંગાવલી દૂરદૂર સુધી ફેલાતી રહે છે, તે રીતે આપણે સૌને અને સૌ આપણને પ્રભાવિત કરે છે. સભાનપણે કે અભાનપણે આ પ્રભાવ-પ્રક્રિયા સતત ચાલુ જ છે.
એક વનસ્પતિશાસ્ત્રીએ થોરની એક કાંટા વિનાની જાત બનાવી છે. તેનો ઈતિહાસ સમજવા જેવો છે. એક કૂંડામાં કાંટાવાળા થોરનો એક છોડ હતો. આ વનસ્પતિશાસ્ત્રી ખૂબ પ્રેમથી તે છોડ પર હાથ ફેરવતા અને સાથે કહેતા : ‘ભાઈ, તારે તારા રક્ષણ માટે હવે કાંટાની જરૂર નથી. તારા પર કોઈ જોખમ નથી. હું તારી રક્ષા કરીશ. તારે હવે કાંટાની કોઈ જરૂર નથી. તું કાંટાને છોડી દે. તું કાંટા વિના પણ સલામત જ છે.’ વનસ્પતિશાસ્ત્રીએ પોતાની આ વાત હૃદયપૂર્વક અને નિત્ય કહેવાનું ચાલુ રાખ્યું અને સૌના આશ્ચર્ય વચ્ચે એક દિવસે તે થોરના છોડે પોતાના કાંટા છોડવાનું ચાલુ કરી દીધું અને આખરે તે છોડ કાંટાથી મુક્ત થયો. આશ્રમમાં એક વૃક્ષ કાપવું પડે તેમ હતું. કાપનાર ભાઈઓ આવ્યા. તેમણે જોયું, તો વૃક્ષની એક ડાળી પર મધપૂડો છે. તેમણે કહ્યું, ‘આવતીકાલે અમે એક મધ પાડનાર ભાઈને લઈ આવશું. તે ભાઈ આ મધપૂડો પાડી નાખે, પછી અમે આ વૃક્ષ કાપી શકીશું.’ બીજે દિવસે વૃક્ષ કાપનાર ભાઈઓ એક મધ પાડનાર ભાઈને લઈને આવ્યા. તેમણે જોયું તો મધ ઊડી ગયું છે. બધી જ મધમાખીઓ બાજુના એક બીજા વૃક્ષ પર નવો મધપૂડો બનાવવામાં સંલગ્ન છે. આવતી કાલે આ મધપૂડો અહીંથી પાડવાનો છે – અમારા આ નિર્ણયનો સંદેશ આ મધમાખીઓ સુધી પહોંચ્યો કેવી રીતે ? કોઈક અજ્ઞાત સ્વરૂપનો ચેતનાગત સંપર્કસેતુ છે જ !
આપણે સૌ એક મહાન સામૂહિક ચેતનાના સાગરના તરંગો છીએ. પ્રત્યેક તરંગ સાગર અને અન્ય તરંગો સાથે સંલગ્ન છે !
No comments:
Post a Comment