[1] જીવનનો હેતુ શો છે ? : જીવનની અગત્યતા જીવવામાં જ છે. જ્યારે ભય હોય, જ્યારે આપણા સમગ્ર જીવનને અનુકરણ અને નકલ કરવાની તાલીમ વડે જ ઘડવામાં આવ્યું હોય ત્યારે શું આપણે વાસ્તવમાં જીવીએ છીએ ? આવી પરિસ્થિતિમાં જીવવું શું યોગ્ય જણાય છે ? શું કોઈના આધિપત્યને (દાસત્વને) અનુસરવામાં જ જીવન છે ? જ્યારે તમે કોઈકને અનુસરો છો ત્યારે શું તમે જીવતા હો છો – ભલે તે કોઈ મહાન સંત હોય કે મહાન રાજનેતા હોય અથવા મહાન વિદ્વાન હોય ?
જો તમે તમારી રીતે નિરીક્ષણ કરશો તોપણ તમે તે જોઈ શકશો કે તમે અન્ય કોઈકનું અનુસરણ કરવા સિવાય બીજું કશું જ કરતા નથી. અનુસરવાની આ પ્રક્રિયાને આપણે ‘જીવવું’ કહીએ છીએ અને ત્યારબાદ તેને અંતે તમે કહો છો, ‘જીવનનું મહત્વ શું છે ?’ હવે તમારા માટે જીવનનું કોઈ મહત્વ નથી રહ્યું. જ્યારે તમે અન્યના આધિપત્યને, એ બધા આધિપત્યને એક બાજુ મૂકો તો જ જીવન મહત્વનું બને, સાર્થક બને. પરંતુ આધિપત્યને બાજુએ મૂકવું મુશ્કેલ છે.
તમારા પર કોઈનીય સત્તા હોય તે આધિપત્ય છે. આ આધિપત્યથી મુક્તિ મેળવવી એટલે શું ? તમે કાયદાનો ભંગ કરી શકો, પણ તે આધિપત્યથી મુક્તિ નથી. મન કેવી રીતે આધિપત્યનું સર્જન કરે છે, એ પ્રક્રિયાને સમજવી જરૂરી છે. આપણામાંની પ્રત્યેક વ્યક્તિ ગૂંચવણમાં છે અને તેથી તેને એવી ખાતરી મેળવવાની ઈચ્છા છે કે તેનું જીવન યોગ્ય રીતે જિવાઈ રહ્યું છે – આવી બધી પ્રક્રિયાને સમજવામાં મુક્તિ છે, કારણ કે આપણે ગૂંચવણમાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શું કરવું તે આપણને કોઈ કહે, તેથી જ આપણું આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક ગુરુઓ દ્વારા શોષણ થાય છે. જ્યાં સુધી આપણે નકલ કરતા રહીશું, અનુકરણ કરતા રહીશું કે અનુસરતા રહીશું ત્યાં સુધી આપણે જીવનના મહત્વને જાણતા નથી. આપણે તો સફળતાની પાછળ પડ્યા છીએ, તેથી આપણે જીવનના મહત્વને કેવી રીતે જાણી શકીએ ? અને એ જ તો આપણું જીવન છે. આપણે સફળતા ઈચ્છીએ છીએ, આપણે આંતરિકપણે અને બાહ્યપણે સંપૂર્ણ સલામતી ઈચ્છીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે કોઈ આપણને એમ કહે કે આપણે જે કરીએ છીએ તે સાચું છે અને જે રસ્તાને આપણે અનુસરીએ છીએ તે મુક્તિ (મોક્ષ) તરફ લઈ જાય છે….. આપણે જીવનભર ગઈકાલની અથવા હજારો વર્ષ જૂની એવી પરંપરાને અનુસરીએ છીએ, અને આપણો દરેક અનુભવ આવું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય તેવા આધિપત્યની હેઠળનો હતો. આમ, આપણે જીવનનું મહત્વ જાણતા નથી. આપણે જે કાંઈ જાણીએ છીએ તે ભય છે – કોઈ શું કહેશે તેનો ભય, મૃત્યુનો ભય, ઈચ્છિત વસ્તુ ન મળવાનો ભય, કાંઈક ખોટું કરી બેસવાનો ભય, સારું કરવાનો ભય. આપણાં મન બહુ જ ગૂંચવાઈ ગયેલાં છે. સિદ્ધાંતોમાં ફસાઈ ગયેલાં છે, તેથી આપણા માટે જીવનનું મહત્વ શું છે તે આપણે કહી શકતા નથી.
જીવન તો કોઈ અસાધારણ ચીજ છે. પ્રશ્નકર્તા જ્યારે એમ પૂછે છે કે જીવનનું મહત્વ શું છે, ત્યારે તેની એક વ્યાખ્યા વિશે પૂછે છે. તે જે કાંઈ જાણકારી મેળવે તે વ્યાખ્યા-માત્ર છે, એટલે કે કેવળ શબ્દો, નહીં કે વાસ્તવિક ગહન મહત્વ, જીવનની અસાધારણ સમૃદ્ધિ નહીં. એ સૌંદર્યમય સંવેદનશીલતા નહીં, જીવનનું અગાધ મહત્વ નહીં !
[2] જીવનનું ધ્યેય શું છે ? : જીવનનો અર્થ શો છે ? જીવનનો હેતુ શો છે ? શા માટે તમે આવો પ્રશ્ન પૂછો છો ? આ પ્રશ્ન તમે ત્યારે પૂછો છો કે જ્યારે તમારી અંદર અવ્યવસ્થા હોય, તમારા વિશે ભીતર ગૂંચવણ હોય, અનિશ્ચિતતા હોય. તમે અનિશ્ચિતતા સાથે જોડાયેલા હોવાથી તમે એવી કોઈક વસ્તુ ઈચ્છો છો કે જેથી તમે સ્પષ્ટ થઈ શકો. તમે જીવનમાં કોઈ એવી વસ્તુ ઈચ્છો છો કે જે ચોક્કસ લક્ષ્ય બને, ધ્યેય બને, કારણ કે તમારી જાતે તમે અંદરથી બિલકુલ અનિશ્ચિત છો. જીવનનું ધ્યેય શું છે તે નહીં, પણ આપણે જે ગૂંચવણ, દુઃખ તથા ભય જેવી બાબતોમાં છીએ તેને સમજવું મહત્વનું છે. આપણે આ ગૂંચવણને સમજતા નથી, જેની સાથે આપણે જીવી રહ્યા છીએ. પરંતુ તેનાથી માત્ર છુટકારો મેળવવા ઈચ્છીએ છીએ. આ જ હકીકત છે ને તે અહીં જ છે. જેને ખરેખર ચિંતા છે, જે વાસ્તવમાં નિસબત ધરાવે છે તે જીવનનો હેતુ શો છે એમ નથી પૂછતો, તેને નિસબત હોય છે એ ગૂંચવણ, એ દુઃખને દૂર કરવા સાથે કે જેમાં તે ફસાયેલ છે.
[3] જીવનનો પૂરો મર્મ સમજવા માટે આપણે આપણા જટિલ જીવનની રોજિંદી હાડમારીને સમજવી જોઈએ, આપણે તેનાથી ભાગી શકીએ નહીં. આપણે જેમાં જીવીએ છીએ તે સમાજને આપણે સહુએ સમજવો જોઈએ. આ સમજ કોઈ દાર્શનિક, કોઈ ગુરુ કે શિક્ષક દ્વારા નથી મેળવવાની. જીવવાની આપણી રીતમાં પરિવર્તન થવું જ જોઈએ, જીવન પૂરેપૂરું બદલાઈ જવું જોઈએ. મને લાગે છે કે આ જ સહુથી વધારે મહત્વની વાત છે અને બીજું કોઈ કામ કરવાને બદલે આપણે એ જ કામ કરવું જોઈએ.
[4] પ્રશ્નકર્તા : આપણે જીવીએ છીએ, પરંતુ શા માટે જીવીએ છીએ તે આપણે જાણતા નથી. અમારામાંથી ઘણાને એમ લાગે છે કે જાણે જીવનનો કોઈ અર્થ નથી. શું તમે અમને જીવવાનો અર્થ અને હેતુ જણાવી શકો ?
કૃષ્ણમૂર્તિ : હવે, તમે આ પ્રશ્ન શા માટે પૂછો છો ? તમે શા માટે મને જીવનનો અર્થ, તેનો હેતુ જણાવવા માટે કહો છો ? જીવનનો અર્થ આપણે શો કરીએ છીએ ? શું જીવનનો કોઈ અર્થ કે હેતુ છે ? શું જીવવું એ જ જીવનનો હેતુ નથી ? શું જીવવું એ જ જીવનનો અર્થ નથી ? આપણે વધારે શા માટે ઈચ્છીએ છીએ ? કારણ કે આપણે આપણા જીવનથી ખૂબ જ અસંતુષ્ટ છીએ, આપણું જીવન એકદમ પોકળ, તકલાદી, નીરસ છે અને તેમાં એકની એક પ્રવૃત્તિ વારંવાર કરીને આપણે કંટાળી ગયા છીએ અને તેથી આપણે કાંઈક વધારે ઈચ્છીએ છીએ, આપણે જે કાંઈ કરીએ છીએ તેથી વિશેષ કાંઈક ઈચ્છીએ છીએ. આપણું રોજિંદુ જીવન એટલું ખાલી, મંદ અને અર્થહીન છે, એટલું અસહ્યપણે કંટાળાજનક અને મૂર્ખતાપૂર્ણ છે કે જેથી આપણે એમ કહીએ છીએ કે જીવનનું કાંઈક તો મહત્વ હોવું જોઈએ, તેનો કોઈક અર્થ હોવો જોઈએ અને તેથી તમે આ પ્રશ્ન પૂછો છો.
કૃષ્ણમૂર્તિ : હવે, તમે આ પ્રશ્ન શા માટે પૂછો છો ? તમે શા માટે મને જીવનનો અર્થ, તેનો હેતુ જણાવવા માટે કહો છો ? જીવનનો અર્થ આપણે શો કરીએ છીએ ? શું જીવનનો કોઈ અર્થ કે હેતુ છે ? શું જીવવું એ જ જીવનનો હેતુ નથી ? શું જીવવું એ જ જીવનનો અર્થ નથી ? આપણે વધારે શા માટે ઈચ્છીએ છીએ ? કારણ કે આપણે આપણા જીવનથી ખૂબ જ અસંતુષ્ટ છીએ, આપણું જીવન એકદમ પોકળ, તકલાદી, નીરસ છે અને તેમાં એકની એક પ્રવૃત્તિ વારંવાર કરીને આપણે કંટાળી ગયા છીએ અને તેથી આપણે કાંઈક વધારે ઈચ્છીએ છીએ, આપણે જે કાંઈ કરીએ છીએ તેથી વિશેષ કાંઈક ઈચ્છીએ છીએ. આપણું રોજિંદુ જીવન એટલું ખાલી, મંદ અને અર્થહીન છે, એટલું અસહ્યપણે કંટાળાજનક અને મૂર્ખતાપૂર્ણ છે કે જેથી આપણે એમ કહીએ છીએ કે જીવનનું કાંઈક તો મહત્વ હોવું જોઈએ, તેનો કોઈક અર્થ હોવો જોઈએ અને તેથી તમે આ પ્રશ્ન પૂછો છો.
ચોક્કસપણે જે માણસ જીવનની પૂર્ણતામાં જીવે છે, જે દરેક વસ્તુને યથાર્થ સ્વરૂપમાં જુએ છે, પોતાની પાસે જે કાંઈ છે તેનાથી સંતુષ્ટ છે તે ગૂંચવાયેલો નથી; તે સ્પષ્ટ હોવાથી એમ નથી પૂછતો કે જીવનનો હેતુ શો છે. તેને માટે જીવવું એ જ આરંભ છે અને એ જ અંત છે. આપણી મુશ્કેલી એ છે કે આપણું જીવન ખાલી હોવાથી આપણે જીવનનો હેતુ શોધવા ઈચ્છીએ છીએ, તેને માટે મથામણ કરીએ છીએ. જીવનનો આવો કોઈ પણ વાસ્તવિકતા વગરનો હેતુ કેવળ બૌદ્ધિક કર્મથી વિશેષ કશું જ નથી. મંદ મન અને ખાલી હૃદય ધરાવતો કોઈ મૂર્ખ જ્યારે જીવનના આવા હેતુ પાછળ પડે છે ત્યારે તે હેતુ પણ અર્થહીન – ખાલી જ હોય છે. આપણો હેતુ આપણું જીવન સમૃદ્ધ કેવી રીતે બનાવવું એ છે. આ કોઈ ગૂઢ વાત હોય તેવું નથી. જ્યારે તમે એમ કહો છો કે જીવનનો હેતુ ખુશ રહેવાનો છે, જીવનનો હેતુ ઈશ્વર શોધવાનો છે ત્યારે નિઃસંદેહપણે ઈશ્વરને શોધવાની આ ઈચ્છા એ જીવનથી પલાયન છે, અને તમારો ઈશ્વર એક મનઘડંત વસ્તુ-માત્ર છે. જેને તમે જાણતા હો તેના પ્રત્યે તમે કાંઈક કરી શકો. જો તમે ઈશ્વર સુધી પહોંચવા માટેની કોઈ નિસરણી બનાવવા માગતા હો તો ચોક્કસપણે તે ઈશ્વર નથી.
વાસ્તવિકતાને કેવળ જીવનમાં જ સમજી શકાય, પલાયનમાં નહીં. જ્યારે તમે જીવનનો હેતુ શોધો છો ત્યારે હકીકતમાં તમે પલાયન કરો છો, અને જીવન શું છે તે સમજતા નથી. જીવન સંબંધ છે, જીવન સંબંધમાં ચાલતી ક્રિયા છે; જ્યારે હું આ સંબંધને સમજતો ન હોઉં અથવા જ્યારે તેમાં ગૂંચવાઈ જાઉં ત્યારે હું તેનો સંપૂર્ણ અર્થ શોધું છું. શા માટે આપણાં જીવન આટલાં બધાં ખાલી છે ? શા માટે આપણે આટલા એકાકી અને હતાશ છીએ ? કારણ કે આપણે ક્યારેય આપણી ભીતર જોયું નથી અને ક્યારેય આપણી જાતને સમજ્યા નથી. આપણે ક્યારેય આપણી જાત સાથે, ખુદ પાસે એ કબૂલ નથી કરતા કે આપણે જે કાંઈ જાણીએ છીએ એ સઘળું આ જ છે અને તેથી તેને પૂરેપૂરું અને પરિપૂર્ણપણે સમજવું જોઈએ. આપણે ખુદથી ભાગવું પસંદ કરીએ છીએ અને તેથી જ આપણે જીવનનો હેતુ સંબંધોથી દૂર ક્યાંક શોધીએ છીએ. જો આપણે મિલકત સાથે, માન્યતા અને કલ્પના સાથે આપણી ક્રિયાને સમજવાની શરૂઆત કરીએ, આ ક્રિયા જ આપણો તે બધા સાથેનો સંબંધ છે, ત્યારે આપણને જણાશે કે સંબંધ પોતે જ પોતાનો લાભ દર્શાવે છે. તમારે તે શોધવો પડતો નથી. તે પ્રેમને શોધીને મેળવવા જેવું છે. શું તમે શોધીને પ્રેમને મેળવી શકો ? પ્રેમને કેળવી શકાતો નથી, તમે કેવળ સંબંધોમાં જ પ્રેમ મેળવી શકો, સંબંધોની બહાર નહીં અને આપણને એ પ્રેમ નથી મળ્યો અથવા આપણી પાસે પ્રેમ ન હોવાથી આપણે જીવનનો હેતુ જાણવા ઈચ્છીએ છીએ. પ્રેમને તેની આગવી શાશ્વતતા છે. પ્રેમ હોય ત્યારે ઈશ્વરની શોધ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પ્રેમ જ ઈશ્વર છે.
આપણાં મન વિવિધ સૂક્ષ્મતાઓ અને અંધવિશ્વાસના ગણગણાટથી એકદમ ભરેલાં છે અને તેથી જ આપણાં જીવન આટલાં ખાલી છે અને તેથી જ આપણી પોતાની ઉપરનો, ખુદને અતિક્રમીને પામી શકાય તેવો હેતુ શોધીએ છીએ. જીવનનો હેતુ શોધવા માટે આપણે આપણા સ્વયંના દરબારમાંથી પસાર થવું જોઈએ. આપણે સભાનપણે અથવા અભાનપણે બાબતો જેવી છે તેનો સામનો કરવાનું ટાળીએ છીએ અને તેથી આપણે પેલે પારનો, આપણા પોતાનાથી ઉપરનો દરવાજો ખોલવા માટે ઈશ્વરની જરૂર અનુભવીએ છીએ. જેઓના હૃદયમાં પ્રેમ નથી હોતો તેમના દ્વારા જ જીવનના હેતુ વિશે પ્રશ્ન કરવામાં આવે છે. પ્રેમ હંમેશાં કાર્યમાં જ મળે છે. કર્મ સાથેનો સંબંધ એ જ પ્રેમ છે.
No comments:
Post a Comment