Google Search

Saturday, June 9, 2012

સાધનાનાં અંગ – વિનોબા ભાવે


સાધનાની દષ્ટિએ જ્યારથી મારો પ્રયાસ આદરાયો ત્યારથી રોજ પરોઢિયે ઊઠીને સંકલ્પ કરતો કે અત્યારે મંગળ પ્રભાત છે તો એક શુભ સંકલ્પ કરું છું. પછી આખો દિવસ એ સંકલ્પ મુજબ સાધનામાં વીતતો. સાંજને ટાણે પંખી માળામાં પાછું ફરે એ જ રીતે ચિત્તને પાછું અંદર ખેંચી લેતો. આખો દિવસ જે કાંઈ સાધના થઈ તેને ભગવદચરણોમાં ધરી દેતો. ત્યાર પછી રાતે સૂવા જતો ત્યારે સઘળા સંકલ્પો છોડી દઈ સમાધિમાં લીન થઈ રહ્યો છું, એ ભાવનાપૂર્વક સૂઈ જતો. આ અભ્યાસ અત્યાર સુધી આમ જ ચાલ્યો. સંકલ્પ, સાધના, સમર્પણ અને સમાધિ – આ આખા દિવસનો કાર્યક્રમ રહેતો.
સૂરદાસે કહ્યું છે ‘सूर क्रूर इहि लायक नाहीं ।’ હું ક્રૂર તો નહીં, પરંતુ કઠોર જરૂર છું. પરંતુ ‘इहि लायक नाहीं’ હવે હું નથી રહ્યો. ભગવાનની પ્રીતિ માટે હવે હું ભારે લાયક બની ગયો છું. એની પ્રીતિ મને નિરંતર મળી રહી છે. અને એની પ્રીતિના અનુભવ વગર મારો એક દિવસ પણ નથી જતો.
હું કઠોર છું, એનો મને પસ્તાવો નથી. કારણ કે કઠોરતા મારી ઢાલ છે. ગાંધીબાપુએ પોતા વિષે લખ્યું કે શરમાળપણું એમની ઢાલ છે. હું શરમાળ નથી. આક્રમણખોરોનો મને કદી ભય નથી લાગ્યો. પરંતુ હું ભારે કઠોર છું. નારિયેળની જેમ, એ મારી ઢાલ છે. નારિયેળ ઉપરથી ભારે સખત હોય છે. પરંતુ એની ભીતર રસ ભર્યો છે. આજે મારી આંખોમાંથી જે રીતે આંસુ વહે છે એ જ રીતે સાબરમતી આશ્રમમાં હતો, ત્યારે પણ વહેતાં. આજે સૌની સામે વહે છે, ત્યારે એકાંતમાં ઝરતાં. પરમેશ્વર સિવાય બીજો કોઈ મારો ઉદ્દેશ નથી. પરંતુ મેં મારું જીવન ભારે કઠોર બનાવી લીધું હતું. વહેવારમાં એ કઠોરતા દોષ મનાય છે, પરંતુ ક્યાંક એ ગુણ પણ બની જાય છે. જે વિષ સૌને માટે મારક હોય છે, તે ભગવાન શંકર માટે નામસ્મરણ કરવાનું સાધન બની જાય છે.
હું એક ગુણ લઈને ચાલ્યો, એની સાથે કેટલાય દોષો પણ લઈ આવ્યો. એ જે એક ગુણ હતો તે હતો – સત્યની ખોજ માટેની તાલાવેલી – સત્યનિષ્ઠા. મારી કઠોરતા વિષે લોકોની ટીકાટીપ્પણી મારા કાન પર પડતી, તો પણ ત્યારે મને એ કઠોરતા દોષ નહોતી લાગતી. આજે પણ મારા એ પાછલા જીવન પર નજર નાંખું છું તો હું એનો ભારે આભાર માનું છું. કોઈને પહેલેથી જ ગોપીઓની જેમ ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો વાત વેગળી છે, પરંતુ જો એવું ન હોય તો આજે પ્રેમના નામે જે વસ્તુ ચાલે છે, તે સાવ ખોટી છે. હું આ પ્રેમનું કોઈ મૂલ્ય જોતો નથી. પ્રેમ ભારે દુર્લભ ચીજ છે. જ્યાં સુધી પારસ્પરિક સંબંધમાં નિષ્કામતા નથી આવતી, ત્યાં સુધી પ્રેમનો જે આભાસ વર્તાય છે, તે બાધક જ હોય છે, સાધક નહીં. આશ્રમનું જે રીતનું જીવન હતું, તેને કારણે મને અનુભવાયું કે જીવન એકરસ અને અખંડ છે અને જેવી રીતે કોઈ માણસ ગરીબ થઈ જાય અને એકેક કરીન સૌ સગાંવહાલાં એને છોડીને જતાં રહે એ રીતે મારા દોષો પણ એકેક કરીને મને છોડતા ગયા. પહેલાં હું જે સાધના કરતો તે કેવળ ભાવરૂપ જ હતી. ગાંધીબાપુના આશ્રમમાં આવ્યા બાદ મને દષ્ટિ પણ પ્રાપ્ત થઈ.
પ્રાર્થના
સામૂહિક પ્રાર્થનાની આદત મને ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં આવ્યા બાદ પડી. તે પહેલાં વ્યક્તિગત પ્રાર્થના પણ ચોક્કસ સમયે નહોતો કરતો. ભક્તિભાવે કોઈ પાઠ કરી લેતો કે ગાઈ લેતો. એમાં સહજવૃત્તિ હતી. પરંતુ સૌની સાથે બેસીને ચોક્કસ સમયે પ્રાર્થના કરવાની વૃત્તિ નહોતી. નાનપણમાં મને સંધ્યાઉપાસના પણ શીખવાડેલી. મને એ મોઢે હતી, પરંતુ હું કહેતો કે જેનો અર્થ હું ન જાણતો હોઉં એ બોલ્યા કરું એ મને નહીં ફાવે. એ દિવસોમાં મારી ભક્તિભાવના ઓછી વિકસી એવું હું નથી માનતો. પરંતુ ગાંધીજી પાસે સવાર-સાંજ પ્રાર્થના થતી. એમાં અનેક સજ્જનો સાથે બેસતા. ધીરે ધીરે ચિત્ત પર એની અસર પડી. હું એ પ્રાર્થનાની એટલી અસર નથી માનતો, જેટલી સત્સંગની માનું છું. બાપુને પ્રશ્ન પુછાતો કે પ્રાર્થનામાં ચિત્ત ન ચોંટે, ઊંઘ આવી જાય તો શું કરવું ? બાપુ કહેતા કે તો ઊભા રહેવું. લોકો સત્યનિષ્ઠ હતા. પ્રાર્થનામાં રોજ બે-ચાર લોકો ઊભા રહેતા. ઊભા રહેવાથી પણ ચિત્ત એકાગ્ર થઈ જાય એવું કાંઈ નક્કી નથી હોતું. બાપુ પોતાના ચિત્ત વિષે પણ કહેતા. બાપુના જમાનામાં ઘણી પ્રાર્થનાઓ ચાલી. પ્રાર્થનાના ઘણાખરા શ્લોકો હું જાણતો હતો. એમાં કેટલાય શ્લોકો એવા હતા જે હું કદી ન ગાતો કે ન તો એને હું પ્રાર્થનાને લાયક માનતો; તો પણ હું એને શ્રદ્ધાપૂર્વક બોલતો રહેતો પરંતુ મને એનું વિશેષ આકર્ષણ નહોતું. એ અંગે બાપુ સાથે ચર્ચા પણ થતી રહી, પરંતુ અગાઉથી ચાલ્યા આવે છે તો ભલે ચાલતા, એમ કહી એ ગવાતા રહ્યા.
જ્યારે હું જેલમાં ગયો, ત્યારે સવારની પ્રાર્થનાના એ બધા શ્લોકો છોડીને મેં ઈશાવાસ્ય ઉપનિષદનો મારો ગદ્યાનુવાદ શરૂ કર્યો. ત્યારે મારું ચિંતન એના પર જ ચાલતું હતું. મારી આ પ્રાર્થનામાં ઘણા લોકો આવતા. સાંજે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોવાળા શ્લોકો મને ખૂબ ગમતા, એટલે એ ચાલુ રાખ્યા. પછી જેલમાંથી છૂટીને પવનાર આશ્રમમાં પણ ઈશોપનિષદ જ બોલતો રહ્યો. સમસ્ત દેશમાં કે દુનિયામાં એક જ પ્રાર્થના ચાલે, એકતાની આ વિચિત્ર ભાવના મને કાંઈ ગમતી નથી. એકતા તો અંદરની ચીજ છે. પ્રાર્થના માટે વચનવિશેષનો મારો કોઈ આગ્રહ નથી. એટલે જ મેવો જાતિ સાથે કામ કરતો, ત્યારે કુરાન અને ગીતાનો ઉર્દૂ તરજુમો ભણતો. ભજનો પણ ઉર્દૂ જ ગાતો. લોકોને જે સહજ સમજાઈ જાય એ જ મને સારું લાગતું. બાપુના જમાનામાં સર્વધર્મ પ્રાર્થના પણ ચાલી. જ્યાં નિરનિરાળા ધર્મભાષાના લોકો ભેળા થતા હોય ત્યાં એ યોગ્ય પણ છે, તેમ છતાંય એ ખિચડી જેવું થઈ જાય છે. એમાં ભગવાનને ખુશ કરવાને બદલે માણસને ખુશ કરવાનો વિચાર મુખ્ય બની ગયો. માનવ પણ ભગવાનનું જ રૂપ છે એમ વિચારીએ તો એને અયોગ્ય પણ ન કહેવાય. આ બધાને અંતે મને થયું કે મૌન પ્રાર્થના જ સૌથી શ્રેષ્ઠ છે. એમાં સૌનું સમાધાન થઈ શકે અને ઊંડામાં ઊંડો અર્થ કાઢી શકાય. મારા અનુભવે મને આવું લાગ્યું.
મૌન, નિદ્રાજય અને સ્વપ્નજય
આમ તો મૌનનો મારો અભ્યાસ ખૂબ જૂનો. ચિંતન માટે મન પૂરી રીતે મોકળું રહે એ જ મુખ્ય હેતુ હતો. 1927માં મેં મૌનવ્રત પાળ્યું. પરંતુ ત્યારનું મારું મતલબી મૌન હતું. રાતની પ્રાર્થના બાદ બે મહિના માટે મેં મૌનનો સંકલ્પ કરેલો. પછી તો બે મહિના બાદ પણ હંમેશા માટે એ ચાલુ રહ્યું. પરંતુ આશ્રમની બહાર જતો ત્યારે મૌનનો આગ્રહ નહોતો રાખતો. પરંતુ ધુળિયા જેલના ચિંતન બાદ બધે જ આ નિયમ પાળવાનો આગ્રહ સેવ્યો. મારા મૌન પાછળ કોઈ સ્થૂળ કારણ નહોતું. એનું મુખ્ય કારણ હતું – ગીતાનો આઠમો અધ્યાય. એમાં કહ્યું છે કે જીવનભર પ્રભુનું સ્મરણ ચાલ્યું હશે, તો અંતકાળે એ યાદ આવશે, કારણ કે એ આખા જીવનનું પરિણામ હશે. એટલે મને થયું કે આ અંતિમ કાળનું નાટક રોજ ચાલવું જોઈએ. અંત ઘડી ક્યારે આવશે, કોને ખબર. પરંતુ આમ જોઈએ તો રોજ જ આપણા જીવનનો અંત આવે છે. આમ તો નિદ્રા પણ મરવાની પૂર્વ પ્રક્રિયા જ છે, એ આપણો રોજનો અનુભવ છે. એટલે રોજ સૂવા ટાણે અંતઃકાળનું નાટક કરતાં રહીએ તો અંતઃકાળના સમયે બાજી આપણા હાથમાં રહેશે.
આ નિર્ણય લીધો કે તરત જ સભાઓનો, સેવાનો વિચાર આવ્યો. વર્ધામાં તો સભા રાત્રે નવ વાગે શરૂ થાય, તે બાર વાગ્યા સુધી ચાલે. પરંતુ મેં નિર્ણય પાકો રાખ્યો અને ઘોષણા કરી દીધી કે સાયંપ્રાર્થના પછી મારું મૌન રહેશે. પહેલે દિવસે તો મને વિલક્ષણ અનુભવ થયો. બોલવાનું બંધ હતું, એટલે વાચન શરૂ થયું. વાંચ્યા પછી કેવળ ધ્યાન અને ચિંતન કરતો. એનાથી કેટલી શાંતિ મળે છે, એનો મને અનુભવ નહોતો. સાચે જ, અદ્દભુત અનુભવ થયો. પરિણામે વિચારોના વિકાસનું એક શાસ્ત્ર જ જાણે મને મળી ગયું. જેવી રીતે જમીનમાં બી વાવી દઈ ઉપર માટી નાંખી દઈએ તો બી દેખાતું નથી, પરંતુ ભીતર એ વિકસતું રહે છે અને ત્રીજે દિવસે તો એમાંથી અંકૂર ફૂટે છે. એ જ રીતે પ્રાર્થના, ધ્યાન, ચિંતન કરનારા માણસ પર નિદ્રારૂપી માટી નાંખી દઈએ તો ક્યારેક જાગૃતિમાં જે પ્રશ્નોના ઉકેલ ન મળતા હોય તે નિદ્રામાં મળી જાય છે. સમાધિમાં ગરકાવ થઈ જવાથી વિચારોનો વિકાસ થાય છે, પરંતુ ઊંડા ઊતર્યા બાદ પણ જે ફળ ન મળે, તે ક્યારેક નિદ્રાની પ્રક્રિયામાં મળી જાય છે. મારો અનુભવ રહ્યો કે આ રીતે પ્રાર્થના પછી મનમાં કોઈ પણ વિચાર રાખ્યા વગર સૂઈ જઈએ તો મૌન, ધ્યાન, આધ્યાત્મિક ચિંતન – આ બધાની યોગ્યતા એ નિદ્રામાં આવે છે. શંકરાચાર્યે કહ્યું છે – ‘निद्रा समाधि स्थितिः’ | આમ મારા મૌનનો અનુભવ ઉત્તરોત્તર દઢ થતો ગયો.
નિદ્રાજય અને સ્વપ્ન પર કાબૂ – આ બે મારા ખાસ વિષય છે. આખો દિવસ આપણે જે કાંઈ કરીએ તે એ રીતે કરીએ કે એની અસર ઊંઘ પર ન પડે અને સ્વપ્ન માટે એ કારણરૂપ ન બને. જેના વિષે આપણને સપનાં આવતાં હોય છે, તેમાં કાં તો આપણી આસક્તિ હોય છે, કાં નફરત હોય છે. રાગ અને દ્વેષ. નાનપણમાં મારા પિતાજીના એક ભાઈબંધ ખૂબ સરસ શતરંજ રમે. એ મને પણ રમવા બોલાવતા. મને શતરંજ માટે આદર છે, કારણ કે એમાં નસીબ પર નથી રમવાનું અને બીજું, બંને પક્ષો પાસે સમાન બળ હોય છે. બીજું એક કારણ છે – शतरंज को साज काठ को सबै समाज – એમાં બધાં લાકડાનાં પ્યાદાં હોય છે. એમાં મિથ્યાત્વ છે, અદ્વૈત છે અને બુદ્ધિનો ખેલ છે, નસીબનો નહીં. તો હું રમવા જતો હતો. પરંતુ એક રાતે મને સપનામાં એ રમત આવી. બીજે દિવસે સવારે ઊઠ્યો અને નક્કી કર્યું કે હમણાં ખેલ ખતમ ! જે ચીજ એવી માથા પર ચઢી જાય કે સપનામાં પણ આવવા માંડે, એ ચીજને કાપવી જ રહી. મને પણ સ્વપ્નોમાં ઈશ્વરના સંકેત મળે છે. પરંતુ હું તો સ્વપ્ન આવે એને જ ખોટું માનું છું. જાગૃત અવસ્થા કરતાં સ્વપ્નસૃષ્ટિમાં વધારે ગોટાળા ચાલે છે. એટલે એના પર ધ્યાન દેવું ન જોઈએ. હું તો ભગવાનને કહું છું કે તું કાંઈ સૂચના સંકેત આપવા માંગતો હો તો આમ છાનોમાનો શું કરવા, જાગતો હોઉં ત્યારે જ આપને !
ધ્યાન
ધ્યાનના વિવિધ પ્રકાર છે. કોઈ ભગવાનને મા રૂપે, પિતા રૂપે, ગુરુ રૂપે નિહાળે છે. મને ભગવાનને મા રૂપે જોવાની ટેવ છે. મારા જીવનમાં મિત્રભાવના વિશેષ રૂપે છે. ગુરુ માટે મનમાં ભારે આદર છે અને ઈશ્વર માટે ગુરુભાવ પણ છે. પરંતુ આ પણ એક ઉપાધિ છે, એમ સમજીને (1964માં) આ ત્રણેય ભાવનાઓનું વિસર્જન કરી દીધું. ત્યારે મને ટાઈફોઈડ થયેલો. એ માંદગીમાં મારું ધ્યાન ખૂબ ચાલ્યું. શરૂના ચાર-પાંચ દિવસ તો હું ધ્યાનમાં મસ્ત હતો. ત્યારે આ ત્રણેય ભાવનાઓને ઉપાધિ માનીને મેં છોડી દીધી. પરંતુ પુરાણી ટેવ હોવાને કારણે ભગવાનનું મા કે ગુરુરૂપનું ક્યાંક વર્ણન વાંચી લઉં તો મારી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પરંતુ એ આંસુને પણ ઉપાધિ સમજવાં જોઈએ, પછી ભલેને એ ગમે તેટલાં પવિત્ર કેમ ન હોય ! પરંતુ આવી ઉપાધિ ધ્યાનમાં કામ આવે છે. એને ઉપાધિ સમજીને છોડી દઈએ તો એથી લાભ નથી થતો. માણસને અમુક હદ સુધી ઉપાધિઓની જરૂર પડતી હોય છે. ભગવાનના ગુણોના ધ્યાન તથા અનુશીલન માટે મૂર્તિ પણ મદદરૂપ થઈ શકે છે. મેં એ રીતે મૂર્તિઓનું ધ્યાન કર્યું છે.
નાનો હતો ત્યારે મહારાષ્ટ્રના સંતોના ભજનોનો પરિચય હતો અને અસર પણ એમની હતી. અને વિઠોબા માટે ભક્તિ હતી. થોડા દિવસ વિઠોબાનું ધ્યાન ચાલ્યું તો મને સમજાયું કે વિઠોબા સમાજની ચોથી અવસ્થા છે. સમાજની પહેલી અવસ્થામાં બધા પાસે લાઠી હતી અને સૌને એકમેકને પીટવાનો અધિકાર હતો. બીજી અવસ્થામાં એકમેક પર પ્રહાર નહીં પણ ન્યાયાધીશ કે સરકાર જે કોઈ ચુકાદો આપે તે માનવાની વાત આવી. ત્રીજી અવસ્થામાં સરકાર પાસે પણ દંડશક્તિ નહીં રહે. બધાં શસ્ત્રો ભગવાનને સમર્પણ થશે. ભગવાન ગદાચક્ર લઈને સજ્જનોનાં રખોપાં કરશે. દુર્જનોનું ખંડન કરશે. ચોથી અવસ્થામાં ભગવાન પણ શસ્ત્રસંન્યાસ લેશે. એ દંડ નહીં કરે, ક્ષમા આપશે. વિષ્ણુનો આ અવતાર વિઠોબા હાથમાં શસ્ત્રો નહીં ધરે. કહેવાનો સાર આ છે કે મૂર્તિનું ધ્યાન ધરતાં એના કોઈ ગુણનું દર્શન થાય, એ જ ધ્યાનમાં રહે છે. વડોદરાના જ્યુબીલીબાગમાંની બુદ્ધની મૂર્તિનું પણ હું ધ્યાન ધરતો.
બ્રહ્મ-વિદ્યા-મંદિરમાં મારા નિવાસ સામે ગંગામૂર્તિ હતી. તો રાત-દિવસ એનું ધ્યાન ચાલતું. એની દષ્ટિમાં કારુણ્ય, ચહેરા પર પ્રસન્નતા, વક્ષમાં વાત્સલ્ય અને કમરમાં સામર્થ્ય નિહાળવા મળ્યું. પત્થરની મૂર્તિમાંથી ગુણોનો સમુચ્ચય પ્રાપ્ત થયો. મેં ભરત-રામ (ભરત-રામ મંદિરની મૂર્તિ)નું પણ ધ્યાન કર્યું છે. સાર એટલો જ કે મૂર્તિનું ધ્યાન ધરતી વખતે પણ એમાંથી ગુણદર્શન થાય એટલો જ હેતુ રહેતો. હું મારી ઓરડીમાં ચિત્ર રાખવાનું સ્થૂળરૂપે પસંદ નથી કરતો, માનસિક રૂપે પસંદ કરું છું. એનાથી વાંધો નથી આવતો. જેમકે ઈશુનું ધ્યાન પ્રેમના પ્રકર્ષના પ્રતીકરૂપે છે. એમણે સમાજ માટે બલિદાન આપ્યું. એમાં પરમેશ્વરના પ્રેમ તથા પરમત્યાગનું ધ્યાન થયું. પરંતુ ચિત્ર કે મૂર્તિ રાખવાનું મને રુચતું નથી. સ્વચ્છતાને મેં ધ્યાનયોગ માન્યો. આધ્યાત્મિક દષ્ટિએ સ્વચ્છતા ધ્યાનમાં આવી તો મેં એને ધ્યાનયોગ રૂપે સ્થાપી. 1970માં બ્રહ્મવિદ્યા-મંદિરમાં સફાઈનું કામ શરૂ કર્યું. એમાં ચિત્તની સ્થિતિનો જે અનુભવ આવ્યો તે લગભગ ધ્યાન સમીપનો, લગભગ સમાધિ સમીપનો જ હતો ! એટલે મેં એને ધ્યાન નામ આપી દીધું. બાકી બીજું ધ્યાન મનને તાણ્યા કરવાનું છે. તો મારું કહેવું છે કે મનને તાણવું જ શા માટે ? ગાફેલ ન રહેવું. મન આમ તેમ ભાગે તો એની પાછળ રહી એ ક્યાં ક્યાં જાય છે તે સાક્ષીરૂપે જોતાં રહેવું.
મન જ ન રહે
વાસ્તવમાં આપણને બહાર કે અંદરનો કશો ડર નથી, ડર રહે છે આપણા ચિત્તમાં. ચિત્તથી મોકળા થઈ જઈએ તો વાત ખતમ. પદયાત્રામાં એક વાર સેંકડો લોકોમાં એક બહેન પોતાના બાળક સાથે આવી અને મને પગે લાગી. ત્યારે એના બાળકના નાકમાંથી લીંટ નીકળી રહી હતી. મારી ઓઢેલી ચાદરથી એનું નાક લૂંછી હું આગળ ચાલ્યો. સહજ પ્રેરણા મુજબ હું વર્ત્યો. મુકામ પર પહોંચીને ઉચિત-અનુચિત અંગે ચિંતન ચાલ્યું. એક તો માને સમજાવી શકત કે બાળકને ગંદું ન રખાય. બીજું, કાંઈ પણ કીધા કરાવ્યા વગર ચાલતો રહેત. તો જે થયું તે ઉચિત કે અનુચિત ? તો અંદરથી અવાજ આવ્યો કે બહુ જ ઉચિત કામ કર્યું. તે દિવસનાં જમીનની વહેંચણી જેવાં ભારે પુણ્યકાર્યથી પણ આ કામ વધારે પુણ્યશાળી હતું. કારણ કે એમાં ઉપાધિ નહોતી. હું મોટો છું અને એ ગંદો છે, એવું કોઈ ભાન નહોતું. મુખ્ય વાત મને સમજાઈ ગઈ કે જ્યાં સુધી અંતર્મુખ અને બહિર્મુખ વચ્ચે વિરોધ રહેશે, ત્યાં સુધી ‘મુખ’ જ નહીં બને. ભગવાન તો અંદર-બહાર બધે જ છે. નરી આંખે એ દેખાય, તોય આપણે કહીએ કે આંખો બંધ કરીને એને જોઈશું. હકીકતે જે કાંઈ ડર છે તે ચિત્તનો છે, મનનો છે. મનથી મુક્ત થઈ ગયા તો કામ પૂરું !
તેંત્રીસ વર્ષની ઉંમરે મને અનોખો અનુભવ થયો. એનું વર્ણન શબ્દોમાં હું ક્યારેય ન કરી શક્યો. પરંતુ ત્યાર બાદ મારું મન ઉન્મન સમું બની ગયું છે. હું ચિંતન માટે સહજતાથી બેસું છું ત્યારે મન રહેતું જ નથી, માત્ર હું જ રહું છું. એનાથી પણ વધારે સાચી રીતે કહેવું હોય તો ‘હું’ને છોડીને કેવળ ‘હોઉં’ છું. ‘હું’ એટલે કોઈ વિશિષ્ટ, આગવું. ત્યારે એ વિશિષ્ટાવસ્થા નથી રહેતી. ખુલ્લા આકાશ સમી સ્થિતિ થઈ જાય છે. મારે તો જેને અનેકાગ્રતા કહેવાય છે, તે જ સાધવી પડે છે. એકાગ્રતા માટે કશું નથી કરવું પડતું. એ તો સધાયેલી હોય જ છે. કોઈ કહે કે મનને અટકાવી દો તો એ તો અટકેલું જ છે. ક્યારેક વાત કરવાની હોય એટલા માટે એને ખોલું. વળી વાત કરતી વખતે પણ પોતાને અલગ રાખીને જ વાત કરું છું. જેવી રીતે માણસ પાણીની ઉપર-ઉપર તરે છે, પાણીમાં ડૂબતો નથી – ડૂબશે તો એ જશે. એવી રીતે બોલવામાં, ચાલવામાં, હસવામાં, કામ કરવામાં હું ઉપર તરું છું, અંદર ડૂબતો નથી. આમ તેમ કશુંક જોઈ લઉં છું. એક વિવાદ છે. પણ એકેક વસ્તુના દર્શન સાથે ચિત્ત પર કશી અસર થતી નથી.
गुणोपासना
નાનપણમાં હું બીજાને ખૂબ ચકાસતો રહેતો. ફલાણામાં આ દોષ છે અને ઢીકણામાં આ દોષ છે, એની ભારે ચર્ચા અમારામાં થતી રહેતી. બુદ્ધિ કામ તો કરે જ. દરેક માણસમાં કાંઈક ને કાંઈક દોષ દેખાતો જ હતો. કોઈ નિર્દોષ નહોતું દેખાતું અને પોતાનો દોષ પણ દેખાતો નહોતો. સૌનું પૃથ્ક્કરણ પૂરું થાય તો પોતાના તરફ ધ્યાન જાય ને ! પછી સંતોનું સાહિત્ય વાંચવામાં આવ્યું. તુકારામ મહારાજે ગાયું કે બીજાના દોષો શું જોઉં, મારામાં જ ક્યાં ઓછા પડ્યા છે ! ત્યારે આ વાત ધ્યાનમાં આવી. પછી બાપુની વાત આવી – બીજાના નાના ગુણ મોટા કરીને જોવા અને પોતાના દોષ મોટા કરીને જોવા. परगुणपरमाणूम् पर्वतीकृत्य नित्यम् । – મેં એક વાર બાપુને પૂછ્યું, આનો સત્ય સાથે મેળ કેવી રીતે બેસે ? તો એમણે કહ્યું – આ તો સ્કેલ છે. નકશામાં બે ઈંચને આપણે પચાસ માઈલ ગણીએ છીએ, એવું જ આ છે. બીજાના ગુણ ઓછા હોય તો પણ વધારે માનવાથી એ ‘રાઈટ સ્કેલ’ નીકળશે. માણસને બીજાના ગુણો અને પોતાના દોષો ઓછા કરીને જોવાની ટેવ છે, એટલે ‘સ્કેલ’ કરવો પડે. બૌદ્ધિક પ્રશ્નનો એમણે બૌદ્ધિક જવાબ દીધો. પછી મારી પ્રક્રિયા શરૂ થઈ. પછી તો ધ્યાનમાં આવ્યું કે પોતાનો જે દોષ દેખાય છે, તે હકીકતે આપણો નથી. એ તો દેહ સાથે જોડાયેલો છે. એ જ રીતે બીજાના દોષો પણ એમના પોતાના નથી, દેહની સાથે ખાક થવાના છે.
1918ની પુરાણી વાત. મહારાષ્ટ્રમાં પદયાત્રા દરમ્યાન ઉત્તર ભારતના એક યાત્રાળુ મારી સાથે ચારેક દિવસ રહેલા. એની સાથે મારી ચર્ચા ચાલી કે ભગવાને આ દરેકમાં ગુણદોષ મૂકવાનો ધંધો કેમ કર્યો હશે ? તો એ કહે – ભગવાન ભારે સ્વાર્થી છે. જો એ દરેક મનુષ્યને નિર્દોષ રાખે, પરિપૂર્ણ ગુણ આપી દે તો માણસ ભગવાનને યાદ જ ન કરે. એટલે ભગવાને પોતાના મતલબ માટે આ ખેલ રચ્યો છે. મારા મનમાં આ વાત બેસી ગઈ. ભાવાર્થ એ કે મનુષ્યમાં જો દોષ ન હોય તો નમ્રતા નહીં રહે. એટલે આપણે દરેકના ગુણ જ ગાવા. મેં મારી એક નવી શોધ કરી છે. પાગલની ખોજ છે. હું કહું છું કે આપણે બીજાના દોષો તો ન જ જોવા, પણ આપણાય તે ન જોવા. દોષ અનંત છે. તેમ છતાંય એકાદો ગુણ તો હોય જ. પરમેશ્વરના અંશરૂપ ગુણ દરેકમાં હોય જ છે અને ગમે તેટલો મહાપુરુષ હોય તો પણ એ દોષમુક્ત નથી હોતો. ભગવાને દરેકને દોષદાન અને દરેકને ગુણદાન દીધાં. ગુણ બારી છે અને દોષ ભીંત છે. કોઈ ગમે તેટલું ગરીબ હોય તોય એના ખોરડાની અંદર જવાનું કોઈક બારણું તો હોય જ છે. એ છે ગુણ. એના દ્વારા જ હૃદયપ્રવેશ થશે, બાકી તો ભીંત સાથે અથડાવાનું જ રહે. ત્યારથી હું મારા પણ ગુણ જ ગાઉં છું. લોકો કહે કે તમે તો ઘમંડી છો. આત્મ-પ્રશંસા કરો છો પરંતુ गोविंद के गुण गाना – એ જ અસલી ચીજ છે. એટલે મેં એકાદશ વ્રત સાથે બારમું ‘अनिंदा-व्रत’ જોડી દીધું. આમ તો અહિંસામાં એ આવી જાય છે, તો પણ આ વ્રતનો સ્વતંત્રરૂપે નિર્દેશ કરવાની જરૂરિયાત મને લાગી.
મધરાતે મારી ઊંઘ પૂરી થઈ જાય ત્યારે ઊઠીને હું ધ્યાનમાં બેસું છું. આ મારી કાયમની ટેવ છે. આ રીતે એક વખત ધ્યાનમાં બેઠો તો મને નવો વિચાર સૂઝ્યો – ‘प्रातिभं दर्शनम’ કે આપણે પુરાણા નથી. આજે આપણે બિલકુલ ‘નવા માણસ’ છીએ. કાલનો વિન્યો મરી ગયો, નિદ્રા બાદ એ નવો બન્યો. નિદ્રા એટલે મૃત્યુ. આ વિચારથી મને ભારે તાજગી અનુભવાઈ. આપણે સૌ જો આ ભાવ જગાડી શકીએ કે આપણે આજે નવા છીએ, તો તાજગી કાયમ રહેશે, નવા દર્શન થશે.
પરિચિત લોકો માટે માણસના મનમાં ધારણાઓ બેસી જાય છે, એને કાઢવાનું મુશ્કેલ પડતું હોય છે. પરંતુ મને એ જરૂર સધાયું છે. એ માટે મારી સરળ યુક્તિ છે. હું એવી ધારણાઓ બનાવતો જ નથી. મને લાગે છે કે મારી સામે એક જ માણસ આવીને નથી ઊભો રહેતો, પ્રતિક્ષણ બદલાતો એ નવલો માણસ છે. આને માટે આધ્યાત્મિક અપરિચય જોઈએ. આપણને તો એના આ જન્મનાં દશ-વીસ વર્ષોનો જ પરિચય છે. પરંતુ એ તો અનેક જન્મોમાંથી ગુજર્યો છે. એ પુરાણપુરુષ છે. એ કોઈ મનુષ્ય નથી, એ તો એક પ્રવાહ છે. એ ગૂઢ તત્વ છે. જેને એ પોતે નથી જાણતો, તો પછી આપણે શું જાણવાના ? હરપળે માણસ નવો નવો હોય છે. એટલે દરેક માટે એક પ્રકારનો આદરયુક્ત અલગાવ હોવો જોઈએ, અંતર હોવું જોઈએ. પ્રેમ માટે એકમેક નિકટ રહેવા છતાંય અંતર કાયમ રાખવું જોઈએ. આધ્યાત્મિક અનાસક્તિ અનુભવવી. આ એક ભારે સુંદર દર્શન છે. આ ઘડ મારા મનમાં બેસી ગઈ છે.

No comments:

Post a Comment