Google Search

Thursday, June 14, 2012

ઊઘડતાં દ્વાર અંતરનાં – અનુ. ઈશા કુન્દનિકા


[1] ક્યારેય, કદી પણ તમારાં મન અને હૃદયને બંધ કરી દેતાં નહિ. નવી બાબતથી, અજાણી કે ચીલાચાલુથી ભિન્ન બાબતથી કદી ગભરાતાં નહિ. અંત:સ્ફુરણાને, અંત:પ્રેરણાને સાંભળવા તૈયાર અને સજ્જ થાઓ, એ કદાચ એવું કાંઈ સંપૂર્ણપણે નવું ઉદ્દઘાટિત કરે, જેને કોઈ રૂપ કે ઘાટ ન હોય અને જેને તમારે શબ્દોય પહેરાવવા પડે. આ આધ્યાત્મિક માર્ગમાં બૌદ્ધિક ગર્વ આડખીલી બની શકે, સત્યને ખરેખર અવરોધક બની શકે. તમને જેની જરૂર છે તે તો છે અંત:પ્રેરણા અને અંત:સ્ફુરણા, બૌદ્ધિકતા નહિ. બૌદ્ધિકતા બહારથી આવે છે, અંત:પ્રેરણા અને અંત:સ્ફુરણા અંદરથી આવે છે અને બહારના કશાનો તેની પર પ્રભાવ પડતો નથી. તમારી વિદ્યા અંદરથી આવવા દો; તમારી અંદર જે સઘળું છે તેમાંથી જ તે બહાર લઈ આવો. તમારી અંદર કેટલું બધું છે એ જોઈ તમે ચકિત થઈ જશો. એને કોઈ સીમા નથી કારણ કે, એ મારામાંથી આવે છે અને હું અસીમ છું; મારા થકી જે છે તે સઘળું અસીમ અને શાશ્વત છે.
[2] દરેક પરિસ્થિતિમાં બધોયે વખત સમતુલા હોય એ મહત્વનું છે. તમે જોશો કે તમે જે કાંઈ કામ ઉપાડો તે મારી દોરવણી હેઠળ કરવામાં આવે ત્યારે તેમાં પૂરેપૂરી સમતુલા હોય છે. એટલા માટે જ જરાયે જોર-જબરદસ્તી કર્યા વિના તમારે જીવનને આપમેળે ઊઘડવા દેવું જોઈએ. તમે એમ કરો ત્યારે કશું જ ખોટું બની શકે નહિ; કશું જ કસમયનું બની શકે નહિ. એનો અર્થ એવો નથી કે તમારે કશું કરવું નહિ ને ખાલી બેસી રહેવું અને આશા રાખવી કે બધું તમારા ખોળામાં આવી પડશે. તમારે સતત જાગ્રત રહેવાનું છે. તમારે તમારી ચેતનાને ઊંચી ભૂમિકાએ રાખવાની છે. ઉત્તમોત્તમની પ્રતીક્ષા કરવાની છે, શ્રદ્ધા રાખવાની છે કે બધું બરોબર, એકદમ જ બરોબર છે. તમારે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી મારી સમીપ રહેવાનું છે. સંશયની છાયા સરખી ન રહે એ રીતે તમારે જાણવાનું છે કે હું તમારો સદાયનો ભોમિયો અને સાથી છું. તમારે જાણવાનું છે કે તમારા માર્ગો, મારા વડે ને ફક્ત મારા વડે જ દિશાંકિત થાય છે, જેથી તમારું દરેક પગલું સુદઢ અને નિ:સંશય હોય અને તમે જે કાંઈ કરો તે પ્રેમથી કરતાં હો.
[3] અવારનવાર, દરેક જણને સંસારમાંથી પોતાની જાતને પાછી ખેંચી લઈ, સમજની પાર જે એક શાંતિ રહેલી છે, તે પામવાની જરૂર પડે છે. દરેક જીવને સુસ્થિર થવાની જરૂર પડે છે, અને એ ફક્ત શાંતિ અને નીરવતામાં જ બની શકે. એક વાર અંદરનું સ્થૈર્ય સુસ્થાપિત થાય પછી તમે ગમે ત્યાં જાઓ અને ગમે તે કરો, બહારની ગેરવ્યવસ્થા અને ગૂંચવણો તમને કશી અસર કરી શકશે નહિ. એ પરમોચ્ચ તત્વના ગુહ્ય પ્રદેશમાં પ્રવેશ છે; એ મારી સાથેની એકતાની પ્રાપ્તિ છે. જ્યારે તમને એમ લાગે કે તમે સાવ છેડે આવી ગયાં છો અને હવે એક ડગલું પણ આગળ જઈ શકાય તેમ નથી તેવે વખતે તે તમને ચાલતાં રહેવાની શક્તિ આપે છે. શ્રદ્ધા વડે આ અજ્ઞાતમાં ભરેલા પગલાં જ અદ્દભુત કાર્યો કરે છે અને અનેક જિંદગીઓમાં પરિવર્તન લાવે છે. એ પગલાં જ અશક્યને શક્ય બનાવે છે અને મારા રાજ્યને, એ મહિમાવાન નૂતન સ્વર્ગ અને નૂતન ધરાને પૃથ્વી પર લઈ આવે છે. આ લક્ષ્ય પ્રતિ હંમેશાં ગતિ કરતાં રહો. બદલાવાની જરૂર હોય ત્યારે બદલાઓ, અને શીઘ્ર બદલાઓ. હું તમારી સાથે જ છું, હંમેશાં મારામાંથી શક્તિ મેળવો.
[4] દુનિયામાં આ સમયે જે બધી અરાજકતા અને અંધાધૂંધી છે તેનો અનેક લોકો જવાબ શોધી રહ્યાં છે. દિવસે દિવસે બધું વણસતું જાય છે, પણ એથી ડરો નહિ. પરિસ્થિતિ વધારે સારી થઈ શકે તે પહેલાં વધારે ખરાબ થવી જ જોઈએ. ગૂમડું ફૂટે તે પહેલાં ખૂબ પાકે છે અને પછી બધાં ઝેર નીકળી જાય છે અને સફાઈ થાય છે. ધિક્કાર, લોભ, ઈર્ષ્યા અને સ્વાર્થનાં ઝેર નીકળી જાય અને નિરામયતા આવે તે પહેલાં દુનિયામાં જે પરિસ્થિતિ છે તેની પરાકાષ્ઠા આવવી જોઈએ. તમે અંદરથી સંપૂર્ણ શાંતિમાં હો એમ હું ઈચ્છું છું. તમારું મન મારામાં સ્થિત રાખશો તો એ તમને મળશે, તમે તમારી ચેતનાને ઊંચે લઈ જઈ શકશો અને તમને કેવળ ઉત્તમોત્તમ જ નજરે પડશે. દુનિયાની પરિસ્થિતિમાં તમારી જાતને તમે ગૂંથાઈ જવા દેશો, તો એને મદદ નહિ કરી શકો. તમારે રોગથી મુક્ત રહેવું જોઈએ, નહિ તો તમને એનો ચેપ લાગશે અને તમે કોઈ પણ પ્રકારની મદદ કરી શકવાની સ્થિતિમાં નહિ રહો. મને તમારી મદદની જરૂર છે, તમે મુક્ત હો એ મારી જરૂર છે. તમે પૂર્ણતયા શાંતિમાં હો એ મારી જરૂર છે. પછી હું તમારો ઉપયોગ કરી શકીશ.
[5] એકીસાથે એક જ દિવસ જીવો. આવતી કાલની તૈયારી કરવા આગળ ધસી જવાનો પ્રયત્ન ન કરો; કારણ કે આવતીકાલ તો કદાચ ક્યારેય ન આવે. આજનો દિવસ પૂર્ણપણે માણો, એ તમારો છેલ્લો દિવસ હોય એ રીતે માણો. તમે જે અદ્દભુત બાબતો કરવાની ઝંખના સેવી હોય તે બધું કરો, અવિચારીપણે કે બેફામપણે નહિ, પણ ખરેખરા આનંદથી. નાના બાળક જેવાં બનો, જે આવતી કાલનો વિચાર કરતું નથી. ગઈકાલે શું બન્યું તે ભૂલી ગયું છે અને બસ જીવે જ છે, જાણ કે વર્તમાન ક્ષણ તે જ એકમાત્ર મહત્વનો સમય હોય. આ વર્તમાન ક્ષણ જ તમે જાણેલી સૌથી ઉત્તેજનામય ક્ષણ છે. એટલે એક પળ પણ વ્યર્થ ન જવા દો. પગના અંગૂઠા પર તત્પર ઊભાં રહો, કોઈ પણ ક્ષણે ગમે તે બને તે માટે તૈયાર હો, એ રીતે જીવો. આ પ્રમાણે તમે જીવો છો ત્યારે, કાંઈ પણ બને તે પરત્વે તમે ખુલ્લાં અને તૈયાર હો છો. પરિવર્તનો આવશે અને એ ઘણી ત્વરાથી આવશે. આ પરિવર્તનો એક પછી એક જેમ આવતાં જાય તેમ, ઊંડી કૃતજ્ઞતાના ભાવમાં હૃદયને ઉત્સાહિત કરી દો. જે કોઈ પરિવર્તન આવે તેમાં હંમેશ અતિ ઉત્તમ જ નિહાળો.
[6] હું ક્યાંક બીજે હોત અને મારે બીજું કશુંક કામ કરવાનું હોત તો કેટલું સારું થાત – એવું વિચારવામાં કદી સમય કે શક્તિ વેડફતાં નહિ. તમારી સ્થિતિનો સ્વીકાર કરો અને પ્રતીતિપૂર્વક સમજી લો કે તમે જ્યાં છો અને જે કરો છો તે માટે ચોક્કસ કારણો છે. કશું જ આકસ્મિક નથી. તમારે કેટલાક પાઠ શીખવાના છે, અને તમે જે પરિસ્થિતિમાં છો તે તમને એટલા માટે આપવામાં આવી છે કે તમે એ પાઠ બને તેટલી ઝડપથી શીખી શકો અને આ આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધી શકો. એટલું તો નક્કી છે ને કે તમે ઘરેડમાં ફસાઈ રહેવા માગતાં નથી, ભલેને એ ઘરેડ બહુ સલામત અને સુરક્ષિત લાગતી હોય ! ઘરેડ એ તમારી જો પસંદગી હોત, તો વિચાર કરો કે જીવન કેવું નીરસ અને નિષ્પ્રાણ બની જાત ! અજ્ઞાતમાં નિર્ભયપણે આગળ વધવા, અને હું તમારો સાથી અને માર્ગદર્શક છું એવા પરમ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે પછીનું પગલું ભરવા તમે તૈયાર હો, ત્યારે જીવન ઉત્તેજના અને અપેક્ષાઓથી ભરપૂર રહે છે. ભય ન રાખો, હું સદાય તમારી સાથે જ છું.
[7] તમારી એક પછી એક પરીક્ષાઓ ને કસોટીઓ થઈ રહી હોય, અને બધા લોકો, બધી બાબતો તમારી વિરુદ્ધ છે એમ તમને લાગતું હોય ત્યારે તમે ખરેખર ચાહી શકો છો ? બધું સરળપણે ચાલતું હોય ત્યારે તો પ્રેમ કરવાનું બહુ આસાન છે. પણ જ્યારે તમને એમ લાગે કે બધું તમારી વિરુદ્ધમાં છે ત્યારે તમે હૃદય બંધ કરવા તરફ, પ્રેમનો પ્રવાહ અટકાવી દેવા તરફ ઢળો છો. એમ છતાં તમે જો પ્રેમ કરી શકો તો ખાતરી રાખજો કે એ મારો દિવ્ય પ્રેમ છે, જે તમારી અંદર અને તમારામાંથી વહે છે અને છેવટ જતાં આ અદ્દભુત પ્રેમનો જ વિજય થશે. પ્રેમ કદી હિંમત હારતો નથી. એ એક રીતે પ્રયત્ન કરશે, બીજી રીતે પ્રયત્ન કરશે અને છેવટે જીત મેળવીને જ જંપશે. પ્રેમ મૃદુ છે, પણ સાથે તે શક્તિશાળી અને ખંતીલો પણ હોય છે. પાણીની જેમ એ કઠોરમાં કઠોર હૃદયમાંથી પણ માર્ગ કાઢી શકે છે. એટલે કદી ‘ના’નો જવાબ ન સ્વીકારો, પ્રેમ કરો, કરતાં જ રહો અને માર્ગને ઊઘડતો જુઓ.
[8] જીવનનાં તમારાં મૂલ્યો ક્યાં છે ? જે આજે છે ને કાલે નથી એવાં ભૌતિક મૂલ્યો જ ફક્ત જો તમારાં હોય, તો પછી પીંજરામાંની ખિસકોલીની જેમ તમે તમારું જીવન આમતેમ દોડવામાં ખર્ચી નાખશો, કશે પહોંચશો નહિ. પણ તમે જો આત્માના માર્ગ ખોળતાં હો તો તમારે ભીતરમાં એની શોધ કરવી જોઈએ; અને એ કેવળ શાંત નિસ્પંદ થઈને તમારી અંદર ઊંડાણમાં જે અમૂલ્ય ખજાના છે તેને બહાર ખેંચી લાવવાથી જ થઈ શકે. બહાર એ તમને મળશે નહિ, કારણ કે જીવનમાં જે મહત્વનું છે તે બધું તમારી અંદર જ છે. મહત્વની બાબતો સંબંધે પસંદગી કરવાને તમે સ્વતંત્ર છો. કોઈ તમારે માટે પ્રયત્ન કરવાનું કે તમને પ્રભાવિત કરવાનું નથી કારણ કે દરેક જીવને સ્વતંત્ર ઈચ્છાશક્તિ મળેલી છે. જીવનને તમે સફળ બનાવો છો કે એનો ગૂંચવાડો કરી મૂકો છો એનો આધાર તમારી પર જ છે. પ્રકાશ સામે જ છે; એને કેમ ન અનુસરો ? પ્રેમ સામે જ છે; એને કાં ન સ્વીકારો ? તમારાં સમગ્ર હૃદય, મન, પ્રાણ અને શક્તિથી જ્યારે તમે શોધ કરો છો, ત્યારે તમને આપવામાં કશું બાકી રાખવામાં આવતું નથી.
[9] તમારી ચેતનામાં આ એક વાત ધારણ કરી રાખો કે દરેક વસ્તુમાંથી શુભ નીપજે છે અને દરેક અનુભવ તમને એટલા માટે આપવામાં આવે છે કે તમને વિકસવામાં અને વિશાળ થવામાં સહાય મળે. જાતઅનુભવ વિના તમે તમારા માનવબંધુઓને સમજી નહિ શકો કે તેમના પ્રત્યે ખુલ્લાં નહિ થઈ શકો, તમે અતડાં થઈને ઊભાં રહેશો, ન્યાય તોળશો અને તિરસ્કાર પણ કરશો. અનુભૂતિઓ ને અનુભવો ભલે ગમે તેટલાં વિચિત્ર કે આકરાં લાગતાં હોય, પણ તે તમને એક હેતુ અર્થે આપવામાં આવ્યાં હોય છે, એટલે સમય લઈને એ હેતુ શોધી કાઢો. દરેક બાબત પાછળ મારો હાથ જોવાનો, કશું જ આકસ્મિક નથી અને નસીબ કે સદભાગ્ય જેવી કોઈ વસ્તુ નથી એ જોવાનો પ્રયત્ન કરો. ઊંડેથી સમજી લો કે જીવનની ઉત્તમમાં ઉત્તમ કે નિકૃષ્ટમાં નિકૃષ્ટ બાબતોને તમે જ તમારા ભણી ખેંચી લાવો છો. એ શાંતિ, પ્રસન્ન ગાંભીર્ય કે નિષ્કંપતા હોઈ શકે, અથવા પછી અવ્યવસ્થા અને ગૂંચ-ગરબડ હોઈ શકે. એ અંદરથી આવે છે, તમારી ચેતનાની અવસ્થામાંથી આવે છે એટલે તમારા પરિવેશને દોષ ન દો. ગોકળગાય એનું બધું જ, એનું ઘર પણ સાથે ઊંચકીને ચાલે છે. તમે બધું જ તમારી અંદર લઈને ચાલો છો, અને એનું બહાર પ્રતિબિંબ પડે છે.
[10] કોઈ વાર, ક્યારેય એમ નહિ માનતાં કે તમારી પાસે આપવા માટે કશું નથી. આપવા માટે તો પાર વગરની સંપત્તિ તમારી પાસે છે અને તમે એના વિશે જેમ ઓછો વિચાર કરશો તેમ તે કાર્ય વધારે સારી રીતે થશે. તમે જેમ જેમ બીજાંઓને માટે વધુ વિચારતાં, બીજાંઓ માટે વધુ જીવતાં થશો, બીજાંઓની સેવામાં જાતને સંપૂર્ણપણે ભૂલી જશો અને જીવનમાંથી તમને શું મળી શકે એનો વિચાર સરખો નહિ કરો તેમ તમે વધારે સુખી થશો. એક હાથે આપીને બીજા હાથે લઈ લેવા જેવું કદી કરશો નહિ. તમે જ્યારે કશુંક આપો, ભલેને એ ગમે તે હોય, એની સાથે શરતો ન જોડો. એનો મુક્તપણે ઉપયોગ થવા દો. તમે જ્યારે આપો ત્યારે ભરપૂરપણે, મુક્તપણે, પૂરા હૃદયથી આપો અને પછી એને ભૂલી જાઓ. એ ભેટ ભૌતિક હોય કે આધ્યાત્મિક, સ્થૂલ હોય કે સૂક્ષ્મ, દરેક સ્તરની ભેટને આ સિદ્ધાંત લાગુ પડે છે. આપવામાં હંમેશાં ઉદાર થાઓ, તમને ખોટ પડશે એવો ભય રાખો મા. એમ કરશો તો એ સાચું આપવાપણું નહિ રહે. તમે જ્યારે સાચેસાચ આપશો, ત્યારે તમને કશાની ખોટ નહિ પડે.

No comments:

Post a Comment