કાલયવન નામના અસુરે મથુરા પર ચઢાઈ કરી. તેણે ભગવાન શ્રીકૃષ્ણને લલકાર્યા આથી તેઓ મથુરાનગરીના મુખ્ય દરવાજેથી બહાર નીકળ્યા. તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે એવું લાગતું હતું કે જાણે પૂર્વદિશામાં ચન્દ્રોદય થઈ રહ્યો હોય. તેમને જોઈને કાલયવને નિશ્ચય કર્યો કે ‘આ જ વાસુદેવ છે કારણ કે નારદજીએ જે જે લક્ષણો બતાવ્યાં હતાં તે બધાં આનામાં છે. તે શસ્ત્ર વિના આ તરફ આવે છે આથી હું તેમની સાથે શસ્ત્ર વિના જ યુદ્ધ કરીશ.’ આમ કહીને જ્યારે કાલયવન શ્રીકૃષ્ણ તરફ દોડ્યો ત્યારે ભગવાન બીજી બાજુ મુખ કરીને રણભૂમિમાંથી ભાગી ગયા. યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનને પકડવા માટે કાલયવન તેમની પાછળ દોડવા લાગ્યો. ભગવાન તેને ખૂબ દૂર પર્વતની એક ગુફામાં દોરી ગયા. કાલયવન પાછળ બૂમો પાડતો આવી રહ્યો હતો કે તમે આમ શા રીતે ભાગો છો ? યદુવંશમાં ઉત્પન્ન થયેલાને આ રીતે ભાગવું શોભતું નથી. પરંતુ ભગવાન એના આક્ષેપો સાંભળતાં સાંભળતાં પર્વતની એ ગુફામાં પેસી ગયા. તેમની પાછળ કાલયવન પણ ગયો.
ત્યાં તેણે એક બીજા માણસને સૂતેલો જોયો. તેને જોઈને કાલયવને વિચાર્યું : ‘જુઓ તો ખરા ! મને આટલે દૂર લઈ આવ્યો અને જાણે તેને કાંઈ ખબર જ ન હોય તેમ સાધુ મહારાજ બનીને સૂતો છે.’ તેવું વિચારી તે મૂર્ખ કાલયવને તેને જોરથી એક લાત મારી. તે પુરુષ ત્યાં ઘણા દિવસથી સૂતેલો હતો. પગની લાત વાગવાથી તે ઊઠ્યો અને ધીરે ધીરે તેણે પોતાની આંખો ખોલી. બાજુમાં જ કાલયવન ઊભેલો જોવા મળ્યો. તેની દષ્ટિ પડતાં જ કાલયવનના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ ગયો અને તે ક્ષણવારમાં બળીને રાખનો ઢગલો થઈ ગયો. પરીક્ષિતને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે શુકદેવજીને પૂછ્યું કે તે પુરુષ કોણ હતો ? તેનામાં એવી કઈ શક્તિ હતી ? તે પર્વતની ગુફામાં શા માટે જઈને સૂતો હતો ? ત્યારે શુકદેવજીએ જણાવ્યું કે તેઓ ઈક્ષ્વાકુવંશના મહારાજા માન્ધાતાના પુત્ર રાજા મુચુકુન્દ હતા. એકવાર ઈન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી બહુ ભયભીત થઈ ગયા હતા. તેમણે પોતાની રક્ષા માટે રાજા મુચુકુન્દને પ્રાર્થના કરી અને તેમણે ઘણા સમય સુધી તેમની રક્ષા કરી.
જ્યારે ઘણા સમય પછી દેવતાઓને સેનાપતિના રૂપમાં કાર્તિકસ્વામી મળી ગયા, ત્યારે દેવતાઓએ રાજા મુચુકુન્દને કહ્યું કે તમે અમારી રક્ષા માટે બહુ જ પરિશ્રમ વેઠ્યો. હવે તમે વિશ્રામ કરો. વીરશિરોમણી ! તમે અમારી રક્ષા માટે મનુષ્યલોકનું પોતાનું અકંટક રાજ્ય છોડી દીધું તથા જીવનની અભિલાષાઓ તથા ભોગોનો પણ પરિત્યાગ કરી દીધો. હવે તમારા પુત્રો, રાણીઓ, ભાઈ-બાંધવો અને મંત્રીઓ તથા તમારા સમયની પ્રજામાંથી અત્યારે કોઈ રહ્યું નથી. બધા જ કાળનો કોળિયો બની ગયા છે. બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે. જેમ ગોવાળો પશુઓને પોતાના વશમાં રાખે છે તેમ તે સહજ રીતે જ તમામ પ્રજાને પોતાને આધીન રાખે છે. આમ કહી દેવતાઓએ રાજા મુચુકુન્દને વરદાન માંગવાનું કહ્યું. રાજા મુચુકુન્દે તેમને વંદન કર્યા અને ખૂબ જ થાકી ગયા હોવાથી નિદ્રાનું વરદાન માંગી લીધું. દેવતાઓએ વરદાન આપતાં કહ્યું કે રાજન ! નિદ્રાધીન અવસ્થામાં જો કોઈ મૂર્ખ તમને જગાડી દે તો તે આપની દષ્ટિ પડતાં તે જ ક્ષણે બળીને ભસ્મ થઈ જશે.
પરીક્ષિત ! આ રીતે કાલયવન ભસ્મ થઈ ગયો. હવે ભગવાને રાજા મુચુકુન્દને દર્શન આપ્યાં. વર્ષાકાળના મેઘ જેવો શ્યામસુંદર તેમનો વિગ્રહ હતો. રેશમી પીતામ્બર ધારણ કરેલું હતું. ચાર ભુજાઓ હતી. ઘુંટણ સુધી વૈજયન્તીમાળા લટકી રહી હતી. હોઠો પર પ્રેમભર્યું હાસ્ય અને નેત્રોમાં અનુરાગ વરસી રહ્યો હતો. રાજા મુચુકુન્દ જોકે બહુ જ બુદ્ધિમાન અને ધીર-પુરુષ હતા. છતાં ભગવાનનું આ દિવ્ય જ્યોતિર્મય સ્વરૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. ભગવાનના તેજથી આશ્ચર્યમાં પડી ગયા.
રાજા મુચુકુન્દે કહ્યું : ‘આપ કોણ છો ? આ કંટકથી ભરેલા ઘોર જંગલમાં આપ કમળ જેવા કોમલ ચરણોથી કેમ ફરી રહ્યા છો ? અને આ પર્વતની ગુફામાં પધારવાનું શું પ્રયોજન હતું ? શું આપ સમસ્ત તેજસ્વીઓનું મૂર્તિમાન તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી ? શું આપ સૂર્ય, ચન્દ્રમા, દેવરાજ ઈન્દ્ર અથવા બીજા કોઈ લોકપાલ તો નથી ? હું તો એવું સમજું છું કે આપ દેવતાઓના આરાધ્યદેવ બ્રહ્મા, વિષ્ણુ તથા શંકર – આ ત્રણેમાંથી પુરુષોત્તમ નારાયણ જ છો. કેમકે, જેમ શ્રેષ્ઠ દીપક અંધકારને દૂર કરી દે છે, તે જ રીતે આપ પોતાની અંગક્રાન્તિથી આ ગુફાનો અંધકાર દૂર કરી રહ્યા છો. પુરુષશ્રેષ્ઠ ! જો આપને યોગ્ય લાગે તો મને આપનાં જન્મ, કર્મ અને ગોત્ર વિશે જણાવો; કેમકે હું સાચા હૃદયથી આ બધું સાંભળવા ઈચ્છું છું. અને પુરુષોત્તમ ! જો આપ મારા વિશે પૂછવા ઈચ્છતા હો તો હું ઈક્ષ્વાકુવંશનો ક્ષત્રિય છું, મારું નામ મુચુકુન્દ છે અને પ્રભુ ! હું યુવનાશ્વનન્દન મહારાજ માન્ધાતાનો પુત્ર છું. ઘણા સમય સુધી જાગતા રહેવાથી હું થાકી ગયો હતો. નિદ્રાએ મારી સમસ્ત ઈન્દ્રિયોની શક્તિ છીનવી લીધી હતી. અર્થાત તેમને નિષ્ક્રિય બનાવી દીધી હતી. આના કારણે હું અહીં નિર્જન સ્થાનમાં એકલો જ સૂતો હતો. હમણાં જ મને કોઈએ જગાડી દીધો. ખરેખર તેનાં પાપોએ જ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ત્યાર પછી શત્રુઓનો સંહાર કરનારા પરમ સુંદર એવા આપે મને દર્શન આપ્યાં. મહાભાગ ! આપ સમસ્ત પ્રાણીઓના વંદનીય છો. આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે. હું આપને વધારે સમય જોઈ શકવાને પણ સમર્થ નથી.’
જ્યારે રાજા મુચુકુન્દે આ પ્રમાણે કહ્યું ત્યારે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા ભગવાન શ્રીકૃષ્ણે હસતાં-હસતાં મેઘ જેવી ગંભીર વાણીથી કહ્યું : ‘પ્રિય મુચુકુન્દ ! મારાં હજારો જન્મ, કર્મ અને નામ છે. તે અનંત છે, તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજકણોની ગણતરી કદાચ કરી શકે, પરંતુ મારાં જન્મ, ગુણ, કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકે એમ નથી. રાજન ! સનક-સનન્દન વગેરે પરમ ઋષિઓ ત્રણે કાળમાં થતાં મારા જન્મોનું વર્ણન કરતા રહે છે, પરંતુ ક્યારેય તેનો પાર પામી શકતા નથી. પ્રિય મુચુકુન્દ ! આમ છતાં હું મારાં વર્તમાન જન્મ, કર્મ અને નામોનું વર્ણન કરું છું, સાંભળો. પહેલાં બ્રહ્માજીએ ધર્મની રક્ષા અને પૃથ્વીને ભારરૂપ અસુરોનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી. તેમની જ પ્રાર્થનાથી મેં યદુવંશમાં વસુદેવજીને ત્યાં અવતાર લીધો છે. અત્યારે હું વસુદેવજીનો પુત્ર છું, તેથી લોકો મને ‘વાસુદેવ’ કહે છે. અત્યાર સુધી હું કાલનેમિ અસુરનો કે જે કંસરૂપે પેદા થયો હતો તથા પ્રલંબાસુર વગેરે અનેક સંતોના દ્રોહી અસુરોનો સંહાર કરી ચૂક્યો છું. રાજન ! આ કાલયવન હતો, જે મારી જ પ્રેરણાથી તમારી તીક્ષ્ણ દષ્ટિ પડતાં ભસ્મ થઈ ગયો. તે જ હું તમારા પર કૃપા કરવા માટે જ આ ગુફામાં આવ્યો છું. તમે પહેલાં મારી બહુ જ આરાધના કરી છે અને હું ભક્તવત્સલ છું. તેથી રાજર્ષિ ! તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લો. હું તમારી તમામ ઈચ્છા, અભિલાષાઓ પૂરી કરી દઈશ. જે પુરુષ મારા શરણમાં આવે છે, તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી, જેના માટે તેને દુ:ખી થવું પડે.’ ભગવાને જ્યારે મુચુકુન્દને આ પ્રમાણે કહ્યું ત્યારે રાજા મુચુકુન્દને વૃદ્ધ ગર્ગાચાર્યજીનું એ વચન યાદ આવી ગયું કે યદુવંશમાં ભગવાન જન્મ લેવાના છે. તેઓ જાણી ગયા કે આ સ્વયં નારાયણ છે. આનંદિત થઈને તેમણે ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી.
મુચુકુન્દે કહ્યું : ‘પ્રભુ ! જગતનાં તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઈ રહ્યાં છે. જેઓ આપનાથી વિમુખ થઈને અનર્થોમાં ફસાયેલા રહે છે અને આપની ભક્તિ કરતાં નથી તેઓ સુખ માટે ઘર-ગૃહસ્થીની ઝંઝટમાં ફસાઈ જાય છે, કે જે તમામ દુ:ખોની જડ છે. આમ સ્ત્રી અને પુરુષ બધા જ ઠગાઈ રહ્યાં છે. સંસારથી સર્વથા અતીત પ્રભો ! આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મભૂમિ છે. આમાં મનુષ્યનો જન્મ થવો બહુ દુર્લભ છે. મનુષ્યજીવન એટલું પૂર્ણ છે કે, તેમાં ભક્તિ માટે કોઈ પણ અસુવિધા નથી. પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરીને પણ જે પોતાની મતિ-ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને તુચ્છ વિષયસુખને માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર-ગૃહસ્થીના અંધારા કૂવામાં પડ્યા રહે છે, ઈશ્વરના ચરણકમળોની ઉપાસના કરતા નથી તેઓ તો બરાબર પશુ જેવા છે, જે તુચ્છ ઘાસના લોભથી અંધાર કૂવામાં પડે છે. ભગવન ! હું રાજા હતો. રાજ્યલક્ષ્મીના મદમાં હું છકી ગયો હતો. આ મરણશીલ શરીરને હું મારો આત્મા-પોતાનું સ્વરૂપ સમજી રહ્યો હતો અને રાજકુમારો, રાણી અને રાજભંડાર તથા પૃથ્વીના લોભ-મોહમાં ફસાયેલો હતો. તે વસ્તુઓની ચિંતા રાત-દિવસ મારા ગળે વળગી હતી. આ પ્રમાણે મારા જીવનનો તે અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ-વ્યર્થ ચાલ્યો ગયો. જે શરીર વાસ્તવમાં ઘડા જેવું માટીનું છે અને દશ્ય હોવાથી તેમની જેમ આપણાથી અલગ પણ છે, તેને જ મેં પોતાનું સ્વરૂપ માની લીધું હતું અને પછી પોતાને રાજા માની બેઠો હતો. આ પ્રમાણે મેં મદાન્ધ થઈને આપના વિશે તો કશું જાણ્યું જ નહીં. રથ, હાથી, ઘોડા અને પાયદળની ચતુરંગિણી સેના તથા સેનાપતિઓથી ઘેરાઈને હું પૃથ્વી પર આમ-તેમ ફરતો રહ્યો.
મારે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, આ પ્રકારના વિવિધ કર્તવ્ય અને અકર્તવ્યની ચિંતામાં પડીને મનુષ્ય પોતાના એકમાત્ર કર્તવ્ય ભગવત્પ્રાપ્તિથી વિમુખ થઈને પાગલ થઈ જાય છે, અસાવધાન થઈ જાય છે. સંસાર સાથે બાંધી રાખનારા વિષયો માટે તેની લાલસા ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લે છે, તે જ પ્રમાણે આપ કાળરૂપે સદા-સર્વદા સાવધાન રહીને એકાએક તે પ્રમાદગ્રસ્ત પ્રાણીને ઉઠાવી લો છો. જે શરીરથી પહેલાં સોનાના રથ પર અથવા મોટા-મોટા ગજરાજો પર ચઢીને ફરતો હતો અને રાજા કહેવાતો હતો, તે જ શરીર તમારા અબાધિત કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવાથી પક્ષીઓની વિષ્ટા, ધરતીમાં દાટી દેતાં સડીને કીડીનો આહાર અને બાળી દેવાથી રાખનો ઢગલો થઈ જાય છે. પ્રભુ ! જેણે બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને જેની સામે લડનાર સંસારમાં કોઈ રહ્યો નથી, જે શ્રેષ્ઠ સિંહાસન પર બેસે છે અને મોટા-મોટા રાજાઓ હવે જેના ચરણોમાં માથું ઝુકાવે છે, તે જ પુરુષ જ્યારે વિષયસુખ ભોગવવા માટે સ્ત્રીઓ પાસે જાય છે, ત્યારે તેમના હાથનું રમકડું, તેમનું પાળેલું પશુ બની જાય છે. ઘણા લોકો વિષયભોગો છોડીને ફરીથી રાજ્ય વગેરે ભોગો મળવાની ઈચ્છાથી જ દાન-પુણ્ય કરે છે અને ‘હું ફરી જન્મ લઈને સૌથી મોટો ચક્રવર્તી રાજા બનું.’ આવી કામના રાખીને તપસ્યામાં સારી પેઠે સ્થિત થઈને શુભ કર્મો કરે છે. આ પ્રમાણે જેની તૃષ્ણા અપાર છે, તે કદાપિ સુખી થઈ શકતો નથી.
પોતાના સ્વરૂપમાં એકરસ સ્થિત રહેવાવાળા ભગવન ! જીવ અનાદિકાળથી જન્મ-મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકી રહ્યો છે. જ્યારે તે ચકરાવામાંથી છૂટવાનો સમય આવે છે, તે જ ક્ષણે સંતોના આશ્રય, કાર્ય-કારણરૂપ જગતના એકમાત્ર સ્વામી એવા આપનામાં જીવની બુદ્ધિ અત્યંત દઢતાપૂર્વક લાગી જાય છે. ભગવન ! હું તો એવું સમજું છું કે આપે મારા ઉપર પરમ અનુગ્રહની વૃષ્ટિ કરી છે. કેમકે, કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના – અનાયાસ જ મારો રાજ્ય-સંબંધ છૂટી ગયો. સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ-સાધના કરવાના ઉદ્દેશથી વનમાં જવા ઈચ્છે છે, ત્યારે તે મમતારૂપી બંધનથી મુક્ત થવા માટે આપને પ્રાર્થના કરે છે. અંતર્યામી પ્રભુ ! આપનાથી શું અછાનું છે ? હું આપના ચરણોની સેવા સિવાય બીજું કોઈ વરદાન ઈચ્છતો નથી. કેમકે, જેની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ-પરિગ્રહ નથી અથવા જે એના અભિમાનથી રહિત છે તે લોકો પણ માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહે છે. ભગવન ! આપ જ કહો કે, મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શ્રેષ્ઠ પુરુષ હશે, જે પોતાને બંધનમાં નાખનારા સાંસારિક વિષયોને માગે ? હે પ્રભુ હું આપનું શરણ લઉં છું. ભગવન ! હું અનાદિકાળથી પોતાનાં કર્મફળોને ભોગવતો-ભોગવતો અત્યંત દીન થઈ રહ્યો હતો, તે કર્મફળોની દુ:ખદ જ્વાળા મને રાત-દિવસ દઝાડતી રહેતી હતી. મારા છ શત્રુ (પાંચ ઈન્દ્રિય અને મન) ક્યારેય શાંત થતા નહતાં. તેમની વિષયોની તૃષ્ણા વધતી જતી હતી. ક્યારેય કોઈ પ્રકારે એક ક્ષણ માટે પણ મને શાંતિ ન મળી. શરણદાતા ! હવે હું ભય, મૃત્યુ અને શોક-રહિત આપનાં ચરણકમળોના શરણે આવ્યો છું. સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી ! પરમાત્મન ! આપ મુજ શરણાગતની રક્ષા કરો.
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : ‘સાર્વભૌમ મહારાજ ! તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ છે. જો કે મેં તમને વારંવાર વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, છતાં પણ તમારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ. મેં જે તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, તે માત્ર તમારી સાવધાનીની પરીક્ષા માટે હતું. મારા જે અનન્ય ભક્તો હોય છે તેમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આસક્ત થતી નથી. જે લોકો મારા ભક્ત નથી, અર્થાત જે ભક્તિ કરતા નથી તે ભલે પ્રાણાયામ વગેરે દ્વારા પોતાના મનને વશ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે, તેમની વાસનાઓ ક્ષીણ થતી નથી. અને રાજન ! તેમનું મન ફરી-ફરીને વિષયો પાછળ દોડે છે. તમે તમારું મન અને બધા મનના ભાવો મને અર્પણ કરી દો, મારામાં જોડી દો અને પછી સ્વચ્છન્દતાથી પૃથ્વી પર વિચરણ કરો. મારામાં તમારી નિર્મળ ભક્તિ અખંડ રહેશે. તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વેળાએ કેટલાક પાપો કર્યા છે તેથી હવે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરતા રહીને તપસ્યા દ્વારા તે પાપોને ધોઈ નાખો. રાજન ! હવે આગળના જન્મમાં તમે બ્રહ્મને જાણનાર થશો અને સમસ્ત પ્રાણીઓના સાચા હિતૈષી, પરમ સુહૃદ બનશો તથા વિશુદ્ધ વિજ્ઞાનઘન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો.’
No comments:
Post a Comment