Google Search

Saturday, June 9, 2012

શાંતિમય ક્રાન્તિનું પાઠ્યપુસ્તક : ગીતા – મનસુખ સલ્લા


ગીતાએ માનવજીવનનું રહસ્ય એવી અદ્દભુત રીતે પ્રગટ કર્યું છે કે સદીઓ અને સહસ્ત્રાબ્દીઓ પછી પણ તેની પ્રેરણા અખંડ છે. ગીતાને વિવિધ રીતે મૂલવવામાં આવી છે – કર્મયોગરૂપે, જ્ઞાનયોગરૂપે, અનાસક્તિ યોગના ગ્રંથ તરીકે. જેમ હિમાલયને જે દિશાએથી જુઓ, જે શિખર પરથી જુઓ તે ભવ્ય અને સુંદર લાગે અને અભિભૂત કરે તેવું ગીતાનુંયે છે. એટલે તિલક, અરવિંદ, ગાંધીજી અને વિનોબાજીનાં અર્થઘટનો પણ ભવ્ય અને સુંદર બન્યાં છે. ગીતામાં બધાં ઉપનિષદોનો સાર સમાઈ જાય છે. એટલે ગીતા મનુષ્યજાતનો મહાગ્રંથ છે.
ગીતાને સાધનાની દષ્ટિએ, પ્રજાસમૂહના નવપ્રસ્થાનની દષ્ટિએ, અધ્યાત્મની દષ્ટિએ, વ્યવસ્થાપનની દષ્ટિએ એમ અનેક રીતે મૂલવવાનું શક્ય છે. અભ્યાસી તેટલાં અર્થઘટનો ખમી શકે તેવું ગીતાનું સઘન, વ્યવસ્થિત અને અર્થગંભીર પોત છે. એટલે ગીતા નિત્યનૂતન લાગે છે. વિનોબાજીની ખૂબી એ છે કે તેમણે કોઈ તત્વ કે વિચારને ઉપસાવવાને બદલે આ બધાંની વચ્ચે કેવો સંવાદ, સામંજસ્ય અને એકરૂપતા છે તે સિદ્ધ કર્યું છે. વળી વિનોબાજી સાધક તેટલા જ સિદ્ધ પણ છે એથી ગીતાનું એમનું અર્થઘટન બંને રીતે થયું છે તે મોટો લાભ છે. વિનોબાજીએ ધૂળિયાની જેલમાં, 1932માં ગીતાપ્રવચનો આપ્યાં હતાં. શ્રોતાઓ તરીકે અહિંસક સત્યાગ્રહના સૈનિકો હતા. વિનોબાજી જેવા મહાપ્રજ્ઞ, બહુશ્રુત, ભારતીય સંસ્કૃતિ, સંત સંસ્કૃતિ અને ગાંધીવિચારનાં પાયાનાં મૂલ્યોને પચાવનાર અને તેને આગવી રીતે રજૂ કરનારા જીવનસાધકે આ પ્રવચનો સાધનાની ભૂમિકાએથી આપ્યાં છે. સામે 200-300 શ્રોતા છે તેમ તેમની અંદરનો સદાજાગ્રત મોક્ષાર્થી શ્રોતા પણ છે. તો જગતકલ્યાણને ઝંખનારો, જીવન અને સૃષ્ટિ સંતુલનને સમગ્ર દષ્ટિએ પરખનારો વક્તા છે. આ પ્રવચનો જેટલાં બહાર થયાં છે તેટલાં જ જાણે અંદર થયાં છે. દર રવિવારે આપ્યાં હોવા છતાં વિનોબાજીના ચિત્તમાં એક અખંડ ધારાની જેમ વહ્યાં છે. એની અમૃતમયી ગંગા આજ સુધી આપણને પાવન કરી રહી છે.
વિનોબાજીની લાક્ષણિકતા એ છે કે વ્યક્તિચેતનાથી વિશ્વચેતના સુધીની ગતિને તેઓ સળંગ પ્રવાહરૂપે જોઈ શકે છે. એટલે ક્રાંતિ વ્યક્તિજીવનમાં થાય અને વિશ્વજીવ સુધી વિસ્તરે, તેનું જાણે આ પાઠ્યપુસ્તક છે. મનુષ્યજીવનની આજ સુધીની યાત્રામાં ઘણું આરોહણ થયું છે, પરંતુ પર્યાપ્ત નહિ. હજી લાંબી મજલ બાકી છે. એટલે ક્રાંતિ અનિવાર્ય છે. મનુષ્ય-ચેતનાનું આમૂલાગ્ર પરિવર્તન એ ગીતાનું રહસ્ય છે. એટલે બહારથી દેખાતા સગુણ-નિર્ગુણના, જ્ઞાની-ભક્ત-કર્મવીરના, ભક્ત અને સંન્યાસીના ભેદો આખરે કેમ ઓગળી જાય છે, બધું એકરૂપ, અખંડ કેમ બની જાય છે એ દર્શાવવામાં વિનોબાજીની સઘળી ચિંતનશક્તિ, શબ્દશક્તિ, દષ્ટાંતશક્તિ યોજાઈ છે. અત્યંત કઠિન વિચારને હસ્તામલકવત રજૂ કરવાની વિશદતા તેમને સહજ છે. ગીતા જીવવાની સાધનામાંથી વિનોબાજીને દરેક અધ્યાયનાં શીર્ષકો સૂઝ્યાં છે. એ ગીતાનાં નથી, વિનોબાજીનાં છે. એ શીર્ષક જે તે અધ્યાયનું અર્થઘટન પણ છે. એટલે પ્રેમયોગ કે શુદ્ધિયોગ જેવા શબ્દો તેમને સૂઝી આવે છે. કારણ કે વ્યાવહારિક અને આધ્યાત્મિકની ઉપરછલ્લી ભેદદષ્ટિનો તેમણે પરિહાર કર્યો છે. બંનેમાં તેઓ ગીતાની અભેદ દષ્ટિ સ્થાપે છે. ગીતા વિનોબાજી માટે કેવળ વિચારગ્રંથ નથી, જીવનનો ગ્રંથ છે. તેથી તેઓ પ્રત્યેક શ્લોક, પ્રત્યેક વિચાર, પ્રત્યેક અધ્યાયને સમગ્રતાના અને અખંડતાના સંદર્ભમાં જુએ-મૂલવે છે.
સાચી ક્રાંતિ એ છે કે જે કેવળ રાજકીય કે સામાજિક પરિવર્તન ન રહેતાં વ્યક્તિના જીવનમાં સમૂળું પરિવર્તન સિદ્ધ કરે. પરંતુ ગાંધીજી પહેલાંનો અને પછીનો (ચીન અને આફ્રિકાના દેશોમાં) ખ્યાલ તો એ રહ્યો કે ક્રાંતિ હિંસક જ હોય. મહાત્મા ગાંધીએ હિન્દનું સ્વાતંત્ર્ય અહિંસક માર્ગે મળી શકે તે સિદ્ધ કર્યું. પરંતુ એ પૂર્ણ શાંતિમય ક્રાંતિ નહોતી. ગાંધીજીના આદર્શ મુજબની એ ક્રાંતિ નહોતી. ભારતે અધૂરી અને મર્યાદિત હેતુ પૂરતી જ અહિંસા અપનાવી હતી. મહાત્મા ગાંધી જેવા લોકનાયકની દોરવણી છતાં આવું કેમ બન્યું. તેનાં મૂળિયાં તપાસીએ તો માલૂમ પડશે કે જન-જનના જીવનમાં શાંત ક્રાંતિ સિદ્ધ કરવાનું કામ ઘણું મર્યાદિત પ્રમાણમાં જ થઈ શક્યું હતું. એટલે ગાંધીજીના અવસાન પછી રાષ્ટ્ર જુદે માર્ગે વળી ગયું. આ કરુણતા અને વિરોધના મૂળમાં વ્યક્તિજીવનમાં શાંત ક્રાંતિ થાય અને એ સમાજજીવનમાં ઊતરે, એ ગાંધીજી-વિનોબાજીના જીવનની તાલીમ, તાલાવેલી અને તપશ્ચર્યા પ્રજાજીવનમાં પચી નહોતી. ગાંધીજી અને વિનોબાજીના જીવનનો મૂલાધાર ગીતા છે એ સર્વવિદિત છે. તેઓ પોતાના જીવનમાં આરોહણ કરી શક્યા પણ ભારતીય પ્રજાએ એ આરોહણ કરવાનું હજુ બાકી છે. એને માટે શાંત ક્રાંતિના પાઠ્યપુસ્તક તરીકે દરેક નાગરિકે ગીતા અપનાવવી રહી.
ગાંધી-વિનોબા (અને બીજા સાધકો)ના જીવનમાં ગીતા દ્વારા જે સિદ્ધ થયું તે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ તેટલું પૂરતું નથી. ગીતાને જો પાઠ્યપુસ્તક ગણતા હોઈએ તો તેનાં તમામ વિચારો અને મૂલ્યોને જાતે તપાસવાં – મૂલવવાં – પચાવવાં જરૂરી ગણાય. આ હેતુની સિદ્ધિ માટે વિનોબાજીએ ‘ગીતા પ્રવચનો’માં જે અર્થઘટનો કર્યાં છે, યુગાનુકૂળ નૂતનપ્રતિપાદનો કર્યાં છે તે સમજવાનાં રહે. એ અભ્યાસ પાછળ જીવનમાં ક્રાંતિની અભીપ્સા હોવી જોઈએ. તેમ જ એ સ્પષ્ટ છે કે વ્યક્તિના, સમાજના અને વિશ્વના જીવનમાં શાંતિમય ક્રાંતિ સિદ્ધ થાય – કારણ કે આ ત્રણેય અંગો અભિન્ન અને એકરૂપ છે.
વિનોબાજીએ આ પ્રવચનોમાં એક વિચાર વારંવાર ઘૂંટ્યો છે કે હિંસા અને અસત્યનું મૂળ સ્વહિતબુદ્ધિ (સેલ્ફસેન્ટર્ડનેસ) છે. તેમાંથી તીવ્ર રાગ, તીવ્ર લાલસા, તીવ્ર વેરનો જન્મ થાય છે. મનુષ્યજાતનો મૂળભૂત કોયડો એ છે કે કુટુંબ, સગાંઓ, પોતાનાંઓથી ઘેરાયેલાં રહેવા છતાં વ્યાપક કેમ થવું ? સ્વહિતબુદ્ધિના મૂળમાં તીવ્ર ફળાસક્તિ છે. એટલે ક્રાંતિને નામે હિંસા થાય છે. કારણ કે ચિત્તશુદ્ધિ નથી હોતી. ગીતા-પ્રવચનો ચિત્તશાંતિ અને ચિત્તશુદ્ધિને આજના સંદર્ભમાં સમજાવે છે, તે તેની વિશેષતા છે. ચિત્તની દોલાયમાન સ્થિતિ, મોહ-વ્યામોહ અને સમગ્ર દર્શનને બદલે ખંડદર્શનને કારણે આપણું દર્શન ધૂંધળું બને છે. એ અર્થમાં અર્જુન આપણા સૌનો પ્રતિનિધિ છે. તેને વિચારોના ગમે તેટલા વાઘા પહેરાવાય તો પણ મૂળ મર્યાદા યથાવત રહે છે. તેથી ગમે તેટલા ઉમદા હેતુથી પણ બહારની ક્રાંતિ થાય તેમાં ઉપર ઉપરનાં પરિવર્તનો થાય છે. તેમાંથી પ્રતિક્રાંતિ જન્મે છે. હિંસાનું વિષચક્ર ફરતું રહે છે. આ વૈશ્વિક કોયડાનો ગીતાનો જવાબ એ છે કે ક્રાંતિ કેવળ બહાર નથી કરવાની, હૃદયમાં કરવાની છે. એટલે ગીતા કેવળ ઉત્સાહ નથી પ્રેરતી, સાથે સાથે સમજ પણ પ્રેરે છે.
વ્યક્તિ, સમાજ અને જગત એક જ વિશ્વદેહનાં અંગો છે, એ ખ્યાલ કેવળ અધ્યાત્મક્ષેત્રનો જ નથી, આજે સૃષ્ટિ સંતુલનશાસ્ત્ર (ઈકોલોજી)નો અભ્યાસ પણ એ જ તારણ પર પહોંચે છે. એ માટે વિનોબાજી વ્યક્તિગત જીવનમાં શાંતિમય ક્રાંતિ માટે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને નિષ્કામ સ્વધર્માચરણ ઉપર ભાર મૂકે છે. એનો વિકાસ તેઓ વિકર્મ અને અકર્મ સુધી જુએ છે. મનુષ્યજીવનમાં આ ક્રાંતિ શક્ય છે અને તે વીસમી સદીના કેટલાક ભારતીય મહાનુભાવોનાં જીવનમાં સિદ્ધ થયેલી જોઈ શકાય છે. (દા..ત, ગાંધીજી, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ, વિનોબાજી વગેરે.) વ્યક્તિ માત્રે આ આરોહણ કરવાનું છે. વિનોબાજીમાં યુગાનુરૂપ અર્થઘટનની અદ્દભુત શક્તિ છે. તેઓ આ માટે યજ્ઞ, દાન અને તપ એ ગીતાના ત્રણ શબ્દોને પ્રયોજે છે. મનુષ્યજીવન યાપનમાં વ્યક્તિને, સમાજને અને વિશ્વશરીરને ઘસારો પહોંચે છે. એ ઘસારો ભરપાઈ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. દેહાસક્તિ છોડવા તપ કરવાનું છે. સ્વહિતબુદ્ધિમાંથી મોહ અને ભયનું નિર્માણ થાય છે. એમાંથી છુટાય તો જીવનમાં ક્રાંતિ શક્ય બને. એને માટે તપ છે. મનુષ્ય ઉપર સમાજનું અપાર ઋણ છે. સમાજશરીરનો ઘસારો ભરપાઈ કરવા દરેક મનુષ્યે સમાજની સેવા કરવાની છે. કિશોરલાલ મશરૂવાળાના શબ્દોમાં કહીએ તો સમાજના ધારણ, પોષણ અને સત્વ સંશુદ્ધિમાં ફાળો આપવાનો છે. વ્યક્તિ આવી સમાજનિષ્ઠા કેળવે તો હિંસા, દમન, શોષણ, લોભ કે લાલસાને અવકાશ ન રહે. એટલે વિનોબાજીએ તપ અને દાન શબ્દનો નવો જ અર્થ સિદ્ધ કર્યો છે. વ્યક્તિનું આ સામાજિક કર્તવ્ય જ સમાજને સાત્વિક અને સમૃદ્ધ રાખી શકે છે. આજની સામાજિક, આર્થિક સમસ્યાઓના મૂળમાં આવી નિષ્ઠાનો અભાવ કારણભૂત છે તે જોઈ શકાશે. સામાજિક વિષમતા, અન્યાય, હિંસા પાછળ વ્યક્તિની દાનની સમાજનિષ્ઠાનો અભાવ છે. તેથી નાનો ફાળવી ગયેલ વર્ગ અને હાંસિયામાં ધકેલી દેવાયેલો, અભાવમાં સબડતો વિશાળ વર્ગ ઊભો થયો છે. આ વિગ્રહનો ઉપાય હિંસા નથી, ગીતા-પ્રબોધિત સમાજનિષ્ઠા છે. આમાં ધ્યેય અને પદ્ધતિ બંનેનું સૂચન મળે છે.
મનુષ્ય જન્મ્યો ત્યારે વિશ્વ હતું, તેના મૃત્યુ પછી પણ વિશ્વ હશે. મનુષ્યના અસ્તિત્વ ઉપર વિશ્વના અનંત ઉપકાર છે. એટલે સજીવ-નિર્જીવ તમામ તત્વો સાથે મનુષ્યે સંવાદી-આત્મીય સંબંધ રાખવાનો છે. તેને ઘસારો પહોંચે તેનું વળતર ચૂકવવાની જાગૃતિ રાખવાની છે. એને માટે વિનોબાજીએ ‘યજ્ઞ’ શબ્દને નૂતન પરિમાણ આપ્યું છે. દુર્ભાગ્યે યંત્રોદ્યોગ અને ટેકનોલોજીના વિકાસ સાથે મનુષ્ય કુદરતનો લૂંટારો અને ખાઉધરો બન્યો છે. નારાયણ દેસાઈ કહે છે તેમ તેમાંથી ‘લઉં લઉં સંસ્કૃતિ’ પેદા થઈ છે. સૃષ્ટિના સ્વામી હોવાના અહંકારથી વર્તનારા મનુષ્યે પરમાણુ બૉમ્બ, બે મહાયુદ્ધો, જમીન, હવા, પાણી, વનોને નિઃસત્વ બનાવવાનાં આકરાં પરિણામો મેળવ્યાં છે. એટલે વિનોબાજી સૃષ્ટિ-સંતુલન અને સંવાદિત માટે ગીતાનો ‘યજ્ઞ’ શબ્દ યોજે છે. ક્યાં પશુહિંસાના યજ્ઞો અને ક્યાં સૃષ્ટિશરીરનો ઘસારો પૂરો કરવાની આ યજ્ઞનિષ્ઠા ! યજ્ઞની આ નૂતન વ્યાખ્યા અહીં જ નથી અટકતી, વિનોબાજીનું આર્ષદર્શન એ છે કે તેઓ યજ્ઞમાં દાન અને તપને એકરૂપ થયેલાં જુએ છે.
ગીતાના દસમા અધ્યાયમાં ‘વિભૂતિયોગ’નું અર્થઘટન વિનોબાજીએ આ દષ્ટિએ કર્યું છે. તેના વર્ણનમાં વિનોબાજી કવિ બની ગયા છે. ‘આ રીતે આ સૃષ્ટિમાં વિવિધ રૂપે – પવિત્ર નદીઓ રૂપે, મોટા મોટા વિશાળ પર્વતોને રૂપે, ગંભીર સાગરને રૂપે, વત્સલ ગાયને રૂપે, ઉમદા ઘોડાને રૂપે, દિલદાર સિંહને રૂપે, મીઠી કોયલને રૂપે, સુંદર મોરને રૂપે, સ્વચ્છ એકાંતપ્રિય સર્પને રૂપે, પાંખો ફફડાવનાર કાગડાને રૂપે, તડફડાટ કરતી જ્વાળા રૂપે, પ્રશાંત તારાઓને રૂપે સર્વત્ર પરમાત્મા ભરેલો છે.’ આ વિભૂતિવર્ણન પૂજાગાન બની ગયું છે. એ જેટલું પરમાત્માને પ્રગટ કરે છે તેટલું જ બીજા છેડેથી ઈકોલોજીને સમજાવે છે. કુદરત મનુષ્યને અનેક વસ્તુઓ આપે છે, તેનું સંરક્ષણ-સંવર્ધન કરવું એ પણ સ્વધર્મ છે તેવું નૂતન અર્થઘટન વિનોબાજી સ્થાપે છે. આવી ક્રાંતિ હૃદયમાંથી સર્જાય છે અને હૃદયો સુધી પહોંચે છે. તેમાં હિંસા, હરીફાઈ, નફો કે સ્વાર્થને સ્થાન જ નથી રહેતું. ત્રિગુણ ચર્ચામાં વિનોબાજી સ્પષ્ટ કરે છે કે તમોગુણ અને રજોગુણનાં કર્મો છોડવાનાં છે. ફળત્યાગથી કરાતાં કર્મોમાં હિંસા, અસત્ય, ચોરી, સ્વાર્થને સ્થાન નથી. આવું અર્થઘટન ગીતા સાથે સુસંગત છે. પરંતુ વિનોબાજીના દર્શનની સમગ્રતા એ છે કે તેઓ ઉત્પાદક શરીરશ્રમને વ્યાપક અર્થમાં યજ્ઞરૂપ ગણાવે છે. અને શરીરશ્રમને તમોગુણના નાશ માટે અને બુદ્ધિની તીવ્રતા અને શુદ્ધિ માટે અનિવાર્ય ગણાવે છે. આ દર્શનનું ગૌરીશંકર એ છે કે વિનોબાજી યજ્ઞનો આવો વ્યાપક અર્થ કરે છે : ‘સાધના અને સેવા મૂળમાં જુદી-જુદી વસ્તુઓ નથી… યજ્ઞના સાધનરૂપ થનારાં કર્મો તે બધાં પણ યજ્ઞ જ છે…. સૃષ્ટિની સેવા અને સાધના એ બંનેને માટે જુદા જુદા કાર્યક્રમની જરૂર નથી.’ આવી નિષ્ઠાપૂર્વકનું નિષ્કામ કર્મ એ શાંતિમય ક્રાંતિ છે. અને તેમાં ગીતા અને ગીતાપ્રવચનો માર્ગ અને ધ્યેય બંને સૂચવે છે, તે તેની આગવી વિશેષતા છે.
વિનોબાજીએ આ દેશને અનેક ઉત્તમગ્રંથ પ્રદાન કર્યાં છે. પરંતુ ‘ગીતા-પ્રવચનો’ તેમાં સર્વોત્કૃષ્ટ અને સર્વકાલીન છે. એનું અર્થઘટન અને સંદેશો આટલાં સરળ, વિશદ અને સમગ્રતાથી ભાગ્યે જ અન્ય કોઈએ પ્રગટ કર્યાં છે. જાણે માતા બાળકને પડખે બેસાડીને પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં સમજાવી રહી ન હોય ! ‘ગીતા-પ્રવચનો’માં યુગે યુગે નવાં અર્થઘટનો માટેની ગુંજાશ હોવાથી તાજગીપૂર્ણ જ રહેવાનાં. શાંતિમય ક્રાંતિના પાઠ્યપુસ્તક તરીકે, નૂતન માનવના નિર્માણ માટે તે સર્વકાળે પ્રસ્તુત રહેવાનાં.

No comments:

Post a Comment