કામનાઓમાંથી મુક્તિ અધ્યાત્મપથનો પાયો છે અને કામનાના સ્વરૂપની સ્પષ્ટ સમજ કામનાઓમાંથી મુક્તિનો રાજમાર્ગ છે. સમજનો અભાવ માનવીને બાંધે છે અને સમજ માનવીને મુક્ત કરે છે. તેથી હવે આપણી સમક્ષ પ્રશ્ન થાય છે ‘કામનાનું સ્વરૂપ કેવું છે ?’
કામના (Desire) અને જરૂરિયાત (Need), બંનેમાં મૂળભૂત ભિન્નતા છે. આમ છતાં કાલક્રમની દષ્ટિથી અને કામનાના બીજની દષ્ટિએ વિચારીએ તો કામનાઓના પાયા જરૂરિયાતમાં છે. જરૂરિયાતના છોડ પર કામનાની કલમ લાગે છે. ખોરાક આપણી જરૂરિયાત છે. આ બીજ છે, પાયો છે. પરંતુ આ સીધીસાદી જરૂરિયાત કાળાંતરે કામનાનું સ્વરૂપ ધારણ કરે છે. ખોરાક શરીરની જરૂરિયાત છે, પરંતુ ખોરાકની કામના-આસક્તિ મનોમય રચના છે. સલામતી જરૂરિયાત છે. કીર્તિ દ્વારા સલામતી મળશે, તેવી મનોમય રચના બને છે અને સલામતીની જરૂરિયાત કીર્તિની કામનાનું સ્વરૂપ ધારણ કરે છે. આમ પ્રાથમિક જરૂરિયાતો નવા સ્વરૂપે કામનાઓમાં પરિવર્તિત કે વિકસિત બને છે.
પશુઓ વિશેષતઃ જરૂરિયાતો પ્રમાણે જીવે છે. તેમનામાં કામનાઓનું તત્વ બહુ વિકસ્યું હોતું નથી. માનવમાં જરૂરિયાતો કરતાં પણ કામનાઓનું સ્વરૂપ ઘણું વિકસી જાય છે. માનવ માટે જરૂરિયાતોની પ્રાપ્તિ ગૌણ અને કામનાઓનો ભોગ પ્રધાન બની જાય છે. પશુ માટે આથી ઊલટું જરૂરિયાતોની પરિપૂર્તિ પ્રધાન અને કામનાઓની પૂર્તિ ગૌણરૂપે હોય છે. આમ શા માટે બને છે ? જરૂરિયાતોમાંથી કામનાઓ નિષ્પન્ન કેવી રીતે થાય છે ? કામનાઓ જન્મે છે, વધે છે અને વિકસે છે કેવી રીતે ? જરૂરિયાતોમાં અભાવનું તત્વ ભળે છે; એટલે જરૂરિયાતો કામનાનું સ્વરૂપ ધારણ કરે છે.
હવે પ્રશ્ન એ છે કે અભાવ શું છે ?
અભાવ એટલે જીવનમાં કાંઈક ઉણપ છે, કાંઈક અધૂરપ છે, તેવી લાગણી. અભાવ એટલે આંતરિક ખાલીપો (Inner Vanity). સ્વરૂપતઃ માનવી આત્મા છે અને આત્મા પરિપૂર્ણ છે. માનવ મૂળભૂત રીતે પરિપૂર્ણ હોવા છતાં કોઈક અગમ્ય કારણસર તે પોતાના આત્મસ્વરૂપને ભૂલી જાય છે. આ સ્વરૂપવિસ્મરણમાંથી કાલ્પનિક ‘અભાવ’ જન્મે છે. જે પરિપૂર્ણ છે તે સ્વરૂપવિસ્મરણને કારણે ઉણપ કે અધૂરપ અનુભવે છે. તે જ ‘અભાવગ્રંથિ’ છે. જે પૂર્ણ છે તેને ઈચ્છા ન હોય. જે અભાવ અનુભવે છે, તેને અભાવની પૂર્તિ માટે તાલાવેલી જાગે છે. અભાવને ભરવાનો આ પ્રયત્ન તે જ કામના છે. આમ કામનાઓના પાયામાં અભાવ છે અને અભાવના પાયામાં સ્વરૂપનું અજ્ઞાન છે. માનવી સ્વરૂપતઃ પરિપૂર્ણ હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે અભાવ અનુભવે છે અને અભાવને ભરવા માટે ઈચ્છાઓ-કામનાઓ જન્મે છે.
અભાવ એટલે જીવનમાં કાંઈક ઉણપ છે, કાંઈક અધૂરપ છે, તેવી લાગણી. અભાવ એટલે આંતરિક ખાલીપો (Inner Vanity). સ્વરૂપતઃ માનવી આત્મા છે અને આત્મા પરિપૂર્ણ છે. માનવ મૂળભૂત રીતે પરિપૂર્ણ હોવા છતાં કોઈક અગમ્ય કારણસર તે પોતાના આત્મસ્વરૂપને ભૂલી જાય છે. આ સ્વરૂપવિસ્મરણમાંથી કાલ્પનિક ‘અભાવ’ જન્મે છે. જે પરિપૂર્ણ છે તે સ્વરૂપવિસ્મરણને કારણે ઉણપ કે અધૂરપ અનુભવે છે. તે જ ‘અભાવગ્રંથિ’ છે. જે પૂર્ણ છે તેને ઈચ્છા ન હોય. જે અભાવ અનુભવે છે, તેને અભાવની પૂર્તિ માટે તાલાવેલી જાગે છે. અભાવને ભરવાનો આ પ્રયત્ન તે જ કામના છે. આમ કામનાઓના પાયામાં અભાવ છે અને અભાવના પાયામાં સ્વરૂપનું અજ્ઞાન છે. માનવી સ્વરૂપતઃ પરિપૂર્ણ હોવા છતાં સ્વરૂપના અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે અભાવ અનુભવે છે અને અભાવને ભરવા માટે ઈચ્છાઓ-કામનાઓ જન્મે છે.
ઈચ્છાપૂર્તિનો પ્રયત્ન વસ્તુતઃ આત્મપ્રાપ્તિનો પ્રયત્ન છે. પોતાના સ્વરૂપ-આત્મસ્વરૂપના વિસ્મરણમાંથી જન્મેલા અભાવને ભરવાનો પ્રયત્ન તે જ કામનાપૂર્તિનો પ્રયત્ન છે. કામનાઓની પરિપૂર્તિ દ્વારા આપણે, ભલે બેભાનપણે પણ આપણા આત્માને – આપણા સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે, કારણ કે કામનાની પૂર્તિના પ્રયત્ન દ્વારા આપણે આપણા સ્વરૂપને કદી પામી શકીએ નહિ. દર્પણમાં પ્રતિબિંબિત થયેલાં અગ્નિ પાસે બેસીને કોઈ ઉષ્ણતા પામી શકે નહીં. તે માટે તો બિંબસ્વરૂપ મૂળભૂત અગ્નિ પાસે પહોંચ્યે જ છૂટકો. જળમાં પ્રતિબિંબિત ચંદ્રને જોઈને કોઈ માનવી જળમાં પડે તો તે જળમાં ચંદ્રને પામી શકે નહિ, કારણ કે તે ચંદ્ર નથી, પરંતુ ચંદ્રનું આભાસી પ્રતિબિંબ છે. સાચો ચંદ્ર તો આકાશમાં છે. તેમ ઈચ્છાપૂર્તિ વખતે જે સુખાનુભૂતિ અનુભવાય છે, તે આત્માનંદ નથી, પરંતુ આત્માનંદનો આભાસ કે પ્રતિબિંબ છે. માનવ કામનાઓની પૂર્તિ દ્વારા સુખાનુભૂતિ દ્વારા આત્માનંદને પામવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમાંથી આત્માનંદ મળી શકે નહિ, કારણ કે તેમાં આત્માનંદનો આભાસ છે, યથાર્થ આત્મા કે આત્માનંદ નથી.
કામનાઓની પૂર્તિ અર્થાત ભોગના વારંવારના અભ્યાસથી ભોગના સંસ્કારો ચિત્તમાં દઢ બનતા જાય છે. કામનાઓનું જોર વધતું જાય છે, તેમાં આ સંસ્કારો પણ એક મોટું પરિબળ છે. કામનાઓની પૂર્તિમાં સુખાનુભૂતિ થાય છે અને કામનાઓની અપૂર્તિમાં ભય અને દુઃખનો અનુભવ થાય છે. આ અનુભવો સંસ્કારો રૂપે ચિત્તમાં સંગ્રહિત રહે છે. આ સંસ્કારો કામનાઓના જોરને વધારે છે. આ સંસ્કારોના જોરથી કામનાઓ આપણા ચિત્તમાં દઢીભૂત બનતી જાય છે. કામનાઓના ભોગ સાથે મોહનું તત્વ પણ સંકળાયેલું રહે છે. કામનાઓના ભોગની અને કામનાઓમાંથી મુક્તિની ઘટનાને યથાર્થતઃ સમજવા માટે ‘મોહ’ની ઘટનાને સારી રીતે સમજી લેવી જોઈએ.
માનવચિત્ત અનેકવિધ ઘટકોનું બનેલું એક સંકુલ છે. તેમાં બે પરસ્પર વિરોધી પરિબળો કાર્ય કરે છે. એક પરિબળ વિવેક છે, જે વ્યક્તિને સારા-નરસાની, સત-અસતની સમજ આપે છે, તેનો નિર્ણય અને અમલ કરાવે છે. વિવેક માનવજીવનનો જાગ્રત રખેવાળ છે. બીજું પરિબળ છે – અંધવૃત્તિઓ, અંધ આવેગો અને અજાગ્રત ગ્રંથિઓ. આ પરિબળ સુખોપભોગના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે. પોતાની કામનાઓની તૃપ્તિ તેમની એકમાત્ર પ્રેરણા છે. વિવેક પ્રકાશનું કિરણ છે અને અંધ કામનાઓ અંધકારની સેના છે. આ બંને પરિબળો વચ્ચે સતત સંઘર્ષો ચાલે છે. અંધ કામનાઓ પોતાની તૃપ્તિ ચાહે છે, પરંતુ વિવેક તેમના પર અંકુશ મૂકે છે. જે અયોગ્ય છે તેનો વિવેક ઈન્કાર કરે છે. વિવેકના આ અંકુશથી બચવા માટે, પોતાની તૃપ્તિ માટે કામનારૂપી અંધ આવેગો વિવેકને ઝાંખો પાડી દેવા માટે એક યુક્તિ અપનાવે છે. આ યુક્તિ છે – મોહ. ‘મોહ’ શબ્દ સંસ્કૃત ધાતુ ‘मुह’ પરથી બન્યો છે. ‘मुह’ એટલે મૂર્છિત થવું, બેભાન બની જવું. આમ મોહ એ બેહોશીની પ્રક્રિયા છે, મૂર્છિત થવાની પ્રક્રિયા છે. સામાન્ય અર્થમાં મૂર્છિત થવું એટલે બાહ્યચેતનાનો લોપ થવો. પરંતુ ‘મોહ’ શબ્દ અન્ય અર્થમાં વપરાય છે. બેભાનાવસ્થામાં બાહ્ય ચેતનાનો સર્વથા લોપ થાય છે. મોહની અવસ્થામાં બાહ્યચેતનાનો સર્વથા લોપ થતો નથી. મોહાવસ્થામાં વ્યક્તિની ચેતના ધૂંધળી બની જાય છે. તેની વિવેકશક્તિ ક્ષીણ બની જાય છે.
અંધ કામનાઓ પોતાના વેગની તૃપ્તિ માટે એવી તરકીબ પ્રયોજે છે કે જેથી તૃપ્તિ આડે આવનાર વિવેકને ધૂંધળો કરી શકાય. વિવેકલુપ્ત થવાની આ અવસ્થા મોહાવસ્થા છે. આમ મોહ એટલે અંધ આવેગોના વેગથી વિવેકનું દબાઈ જવું. હવે જોઈએ કે મોહની આ પ્રક્રિયા કેવી રીતે ઘટે છે. મોહની ઘટનામાં બે પ્રક્રિયાઓ બને છે. એક શારીરિક અને બીજી માનસિક. પ્રાકૃતિક પરિબળોએ મોહની અવસ્થા ઊભી કરવાનું એક તંત્ર ઊભું કર્યું છે, જે શરીર અને મન, બંને ભૂમિકા પર કામ કરે છે. બંને મોરચા પરથી વિવેકને દાબી દેવા માટે આક્રમણ થાય છે. જ્યારે કામનાઓના અંધ આવેગનો વેગ વધે છે ત્યારે શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એક વિશિષ્ટ પ્રકારનો સ્ત્રાવ છોડે છે. આ સ્ત્રાવ લોહીમાં ભળે છે. લોહીમાં ભળીને તે મગજ સુધી પહોંચે છે. આ સ્ત્રાવમાં એક એવો ગુણધર્મ છે, જે મગજના વિવેક સાથે સંબંધિત કેન્દ્રની કાર્યક્ષમતા શિથિલ કરી નાખે છે અને આવેગના કેન્દ્રને ઉત્તેજિત કરે છે. જેમ દારૂ પીવાથી, તેમાં રહેલો આલ્કોહોલ લોહીમાં ભળીને મગજ સુધી પહોંચે છે અને મગજના વિવેક સાથે સંબંધિત કેન્દ્રને શિથિલ કરી નાખે છે તથા આવેગના કેન્દ્ર કે કેન્દ્રોને ઉત્તેજિત કરે છે. આ જ રીતે મોહની પ્રક્રિયા માટે શરીરની અંદર જ અંતઃસ્ત્રાવી રસોની એક વ્યવસ્થા છે. આ પણ એક જાતનો દારૂ જ છે, જે શરીરમાં જ ઉત્પન્ન થાય છે અને પ્રાકૃતિક રીતે જ કાર્ય કરે છે.
મોહનું જેમ શારીરિક પાસું છે, તેમ મોહનું માનસિક પાસું પણ છે. અંધ કામનાઓનો તીવ્ર વેગ પોતાના બળથી માનસિક વિવેકને દાબી દે છે. આવેગનું પણ એક બળ હોય છે અને અંધ આવેગનું અંધ બળ હોય છે. કામનાના વેગની આંધીથી વિવેકનો પ્રકાશ ઝાંખો બની જાય છે; એટલે જેમ શારીરિક તેમ માનસિક ભૂમિકાએ પણ મનોમૂર્છાની ઘટના બને છે. આ મોહની અવસ્થા ચિત્તને આંશિક મૂર્છામાં નાખી દે છે અને વિવેકના નિયંત્રણને બળપૂર્વક હરાવીને અંધ આવેગ પોતાની તૃપ્તિ માટે આગળ ધસી આવે છે. શારીરિક અને માનસિક, બંને ભૂમિકા પરની મોહમૂર્છાની ઘટના સાથે થાય છે એટલે મોહનું જોર પ્રબળ બને છે. અંધ આવેગનો ભોગ પૂરો થાય એટલે મૂર્છાની શારીરિક અને માનસિક ભૂમિકા પરની પ્રક્રિયા બંધ પડે છે, કારણ કે તેનું કાર્ય તત્કાલ પૂરતું પૂરું થયું હોય છે. વ્યક્તિ પુનઃ વિવેક પ્રાપ્ત કરે છે, પરંતુ ત્યારે ઘણું મોડું થયું હોય છે. મોહાવસ્થાનું એક લક્ષણ એ પણ છે કે તે અવસ્થા દરમિયાન જે વિષય પ્રત્યે મોહ થયો હોય તે હોય તેના કરતાં વધુ આકર્ષક, વધુ સુંદર અને વધુ મૂલ્યવાન લાગે છે. આ પણ મોહની પ્રક્રિયાનો જ એક ભાગ છે. આ પણ અંધ આવેગની ચાલાકીનો જ એક ભાગ છે. વિવેકની મોહ દ્વારા પરાજિત થવાની ઘટના વારંવાર બને તો તે વ્યક્તિની વિવેકશક્તિ અને સંકલ્પશક્તિ કાળાંતરે ક્ષીણ બની જાય છે અને વ્યક્તિ કામનાઓના આવેગોનું પ્યાદું બની જાય છે.
કામનાઓનું જ્યારે દમન થાય છે ત્યારે તેઓ ચિત્તના ઊંડાણમાં ચાલી જાય છે અને અસ્વાભાવિક સ્વરૂપ ધારણ કરે છે. આનો અર્થ એમ નથી કે ઈચ્છાઓનો સ્વચ્છંદ ભોગ થવા દેવો. ઈચ્છાઓ-કામનાઓનો સ્વચ્છંદ ભોગ તો પશુતા છે, કદાચ પશુતાથી પણ નિમ્ન કોટિની અવસ્થા છે. દમન અને ભોગ, બંને માર્ગ ત્યાજ્ય છે. તો માર્ગ શું છે – જાગરણ, સમજ, ઊર્ધ્વીકરણ, ચેતનાના ઉચ્ચતર સ્તરોમાં પ્રવેશ આદિ વિધાયક ઉપાયો જ સાચો વિકલ્પ આપી શકે તેમ છે. આવેગો, ગ્રંથિઓ આદિ વધુ તીવ્ર સ્વરૂપની માનસિક ક્રિયાઓ પણ વસ્તુતઃ કામનાઓમાંથી જન્મે છે. આવેગો અને ગ્રંથિઓ આપણી કામનાઓના સ્વરૂપને અસ્વાભાવિક અને કવચિત વિકૃત તથા વધુ તીવ્ર બનાવી મૂકે છે. દા….ત, લઘુતાગ્રંથિથી પીડાતો માનવી, જ્યારે લઘુતાગ્રંથિ કામવૃત્તિ સાથે જોડાય ત્યારે, વધુ અસ્વસ્થ બની જાય છે. તેની કામવૃત્તિનું સ્વરૂપ પણ વિકૃત બની જાય છે અને સમસ્યા વધુ વકરે છે. કામના કે ઈચ્છા પાપ નથી, પરંતુ તેનું સ્વરૂપ એવું છે કે તેમાંથી અનેક પાપો જન્મી શકે છે. તેથી જ તો ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કામને મહાપાપી કહ્યો છે, કારણ કે તે અનેક પાપોનું દ્વારા બની શકે છે. કામનાઓ પાપ નથી, પરંતુ અજ્ઞાન છે અને અજ્ઞાન સર્વ પાપોનો પાયો છે. કામનાઓનો વેગ માનવીને વિવેકહીન બનાવી મૂકે છે અને વિવેકહીન વ્યક્તિ કયું પાપ ન આચરે ?
વસ્તુતઃ માનવ વ્યક્તિત્વ ઘણું ગહન અને રહસ્યપૂર્ણ છે. આપણે આપણા અંતરને બહુ ઓછું સમજીએ છીએ. આપણે આપણા મનની ગતિને યથાર્થતઃ જાણતા નથી. આ બ્રહ્માંડ જેટલું રહસ્યપૂર્ણ છે, તેટલું જ આપણી અંદર રહેલું બ્રહ્માંડ પણ રહસ્યપૂર્ણ છે. માનવની આંતરચેતનાનો તાગ લઈ શકાય તેમ નથી. આમ હોવાથી આપણે કદી એમ ન કહી શકીએ કે આપણે કામનાઓના સ્વરૂપને સર્વથા સમજી લીધું છે. આપણી કામનાઓના સ્વરૂપને ગમે તેટલા ઊંડાણથી સમજીએ તોપણ તે સમજમાં ઘણી અધૂરપ, ઘણી ખામી રહી જ જવાની. કામનાઓ અજ્ઞાનનું પરિણામ છે અને આપણાં બંધનનું કારણ છે – આટલું સ્પષ્ટ અને નિશ્ચયાત્મકરૂપે સમજીને આપણે કામનાઓથી મુક્ત થવા તરફ અભિમુખ બનીએ તે જ ઈષ્ટ છે.
No comments:
Post a Comment