Google Search

Sunday, June 17, 2012

મનને શાંત રાખવાની કળા (ભાગ-2) – જ્યોતિ થાનકી


આ રીતે વાતાવરણમાંથી આવતા અને માણસના મનનો કબજો જમાવી તેની પાસે કામ કરાવી જતા વિચારોથી માણસનું જીવન સભાનપણે ચાલતું હોય છે. માણસે જો પોતાની જાત ઉપર પ્રભુત્વ મેળવવું હોય તો તેણે પોતાના વિચારો પર પણ પ્રભુત્વ મેળવવું જોઈએ. શ્રી માતાજીએ જણાવ્યું હતું કે જે લોકોને ધ્યાન અને એકાગ્રતા કરવાની ટેવ હોય છે, તેઓ મનની એકાગ્રતાથી સંબંધિત વિચારોને આકર્ષતા હોય છે. એટલે કે એમને જેવા પ્રકારના વિચારો જોઈતા હોય તેવા વિચારોને તેઓ એકાગ્રતા દ્વારા પોતાની અંદર બોલાવી શકે છે. ગમે તેવા આડેધડ આવતા વિચારો નહીં પણ પોતાની ઈચ્છા મુજબના વિચારોને માણસ પોતાની અંદર કેન્દ્રિત કરી શકે છે. શ્રી માતાજી વિચારોને સામૂહિક મિલકત અને સામૂહિક સમૃદ્ધિ કહે છે. જેમ સૂર્યપ્રકાશ સહુ માટે સુલભ છે એમ બધા જ પ્રકારના વિચારો પણ સહુ માટે સુલભ છે. પણ વિચારોને પોતાની અંદર બોલાવતાં અને તેનો ઉપયોગ કરતાં માણસને આવડવું જોઈએ. મનની એકાગ્રતાથી એ શક્ય બને છે. કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા, કોઈ પ્રશ્નને સ્પષ્ટરૂપ આપવા, કંઈ નવું સર્જન કરવા, વિચારોને સંગઠિત કરી શકાય છે. એ માટે શ્રી માતાજી માણસમાં ધ્યાનની, ચિંતનની, પૃથક્કરણની નિષ્કર્ષ તારવવાની, માનસિક સંગઠનની ટેવને જરૂરી ગણાવે છે. નહીંતર માણસનું મન જાહેર ચોરા જેવું જ રહે છે જેમાં માણસોની સતત અવરજવરની જેમ વિચારોની અવરજવર ચાલુ જ હોય છે.
વિચારોને સંગઠિત કરવા માટે માણસે વિચારોને કેળવવા પડે છે. સ્નાયુઓને કેળવવા માટે જેમ કસરત કરવી પડે છે, તેમ વિચારોને પણ કેળવવા પડે છે. જો માણસ વિચારોને કેળવે નહીં તો એક વિચાર આવે, પછી તુરત જ તેનો વિરોધી બીજો વિચાર મનમાં આવે. જો માણસ જાગૃત ન હોય તો એને ખબર જ પડતી નથી કે આવા પરસ્પર વિરોધી વિચારો તેના મનમાં કેમ આવે છે. શ્રી માતાજી કહે છે : ‘જો માણસ આ વિચારોના ચોક્કસ પારસ્પરિક સંબંધ સમજવા માટે તે વિચારોને સ્પષ્ટતાપૂર્વક સંગઠિત કરવા માટે પ્રયત્ન કરે તો થોડા જ વખતમાં તેનું માથું દુ:ખવા લાગે છે. તે પ્રયત્ન અંધારા અજાણ્યા અરણ્યમાં માર્ગ શોધવાના પ્રયત્ન જેવો છે.
તો પછી વિચારો પર કાબૂ મેળવવા માટે માણસે શું કરવું જોઈએ, એ વિષે માર્ગદર્શન આપતાં શ્રી માતાજી કહે છે : ‘દરેક જણની ચેતનાએ સૈદ્ધાન્તિક દષ્ટિએ એક ગળણીનું કામ કરવું જોઈએ. તમે જે વસ્તુ સ્વીકારવા માગતા હો, તેનો જ તમારે વિચાર કરવો જોઈએ. ઔપચારિક સત્તા આપ્યા સિવાય તમારે કોઈ પણ વિચારને લાગણીમાં અથવા કાર્યમાં પરિવર્તિત ન થવા દેવા જોઈએ.’ માણસે વિચાર આવે કે તુરત જ કાર્યમાં ધસી પડવું ન જોઈએ. વિચારોને કાર્યાન્વિત કરતાં પહેલાં માણસે એ વિચારોને તપાસી લેવા જોઈએ. પોતાની ચેતનાના દર્પણમાં એ વિચારોના રૂપને જોયા પછી જ તેને કાર્યમાં પરિણત કરવા જોઈએ. માણસે પોતાના ભટકતા અને અનિશ્ચિતતાની દુનિયામાં આથડતા મનને એકાગ્ર કરવું જોઈએ. પરંતુ જ્યારે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે મનને એમાં ભયંકર કંટાળો આવે છે. સામાન્ય માણસ જો પહેલી વાર મનને કોઈ વસ્તુ કે વિચાર પર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરે તો એ પ્રયત્ન ઘણો બધો આકરો અને કષ્ટદાયી લાગે છે, કેમકે થોડી જ સેકંડોમાં મન તો અનેક જગ્યાએ ભટકવાનું શરૂ કરી દેતું હોય છે. એટલે પછી થાકીને માણસ એ પ્રયત્ન છોડી દે છે. પણ જો તે કંટાળ્યા વગર સતત પ્રયત્ન ચાલુ રાખે તો ધીમે ધીમે મન એકાગ્ર થતાં શીખે છે. અને પછી તો તેને એકાગ્ર થવાની એવી ટેવ પડી જાય છે કે કોઈ પણ બાબતમાં તે પ્રયત્ન વગર જ એકાગ્ર થઈ શકે છે. મનને શિસ્તબદ્ધ કેળવવા માટે અભ્યાસની જરૂર છે. શ્રી માતાજી કહે છે : ‘માણસે પોતાની વિચાર કરવાની રીત વ્યવસ્થિત કરવા માટે, એક નાની સરલ વસ્તુની સફળ રચના કરવા માટે, વર્ષો સુધી સંભાળ રાખવી પડે છે. ખૂબ ચોક્કસ બનવું પડે છે. સમજદાર રહેવું પડે છે. પસંદગી કરવી પડે છે. ઘડતર કરવું પડે છે.’ તેઓ એમ પણ કહે છે કે જ્યાં સુધી માણસનું મન શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત નથી હોતું ત્યાં સુધી એને વિચારો પર કાબૂ આવી શકતો નથી.
મનને સંગઠિત અને શિસ્તબદ્ધ બનાવવા શું કરવું જોઈએ ? આ વિષે શ્રી માતાજીએ વાર્તાલાપમાં કહ્યું હતું, ‘તમારે મનની ગતિને અને આંદોલનોને બંધ કરી દેવાં જોઈએ, જેથી માનસિક સપાટી સુંવાળી બનશે. તમે કોઈ પુસ્તકનું કોરું પાનુ ઉઘાડો, જેમાં કશું જ લખ્યું ન હોય, એવું તમારું મસ્તિષ્ક કોરું બની જવું જોઈએ. માણસના મસ્તિષ્કમાં એક કાળું નાનું બિંદુ નાચતું હોય છે.’ એક વાર એક સાધકે શ્રી અરવિન્દ આગળ પોતાના મનની ફરિયાદ કરી કે, ‘મને વિચારો ખૂબ સતાવે છે.’ ત્યારે શ્રી અરવિન્દે એના મસ્તક પર હાથ ફેરવીને એક નાના કાળા નાચતા બિંદુને પકડ્યું અને જાણે કોઈ જીવડાને ફેંકી દેતા હોય તેમ તેને પકડીને ફેંકી દીધું અને તે માણસનું મન શાંત અને તેજોમય બની ગયું. શ્રી માતાજીએ જણાવ્યું કે જો માણસ આ ક્રિયા કરી શકે તો એનું મગજ તદ્દન શાંત બની જાય છે.
મનને શાંત કરવા માટે પ્રબળ સંકલ્પ હોવો જરૂરી છે. માણસને એમ લાગવું જોઈએ કે હવે એને મનની દખલ બિલકુલ નથી જોઈતી. આવી સ્થિતિમાં માણસ પહોંચે પછી મનની શાંતિ માટે તેણે શું કરવું જોઈએ, એનું માર્ગદર્શન આપતાં શ્રી માતાજી કહે છે : ‘એ પછી જેમ ઘોંઘાટ કરનારા માણસોને તમે કહો છો, તેમ જ્યારે તમારું મન અનેક સૂચનો આપતું હોય ત્યારે તેને તમારે કહેવું જોઈએ, ‘શાંત રહે. શાંતિ રાખ.’ અને તમારે મનની વાત બિલકુલ સાંભળવી ન જોઈએ, જો તે બહુ ઘોંઘાટ કરવા લાગે તો તેને કહી દેવું કે, ‘ચૂપ રહે, શાંત થા.’ તમારે એની સાથે બહુ ઘોંઘાટ કરવો જોઈએ નહીં. અને જે લોકો ઘોંઘાટ કરતા હોય છે એનું અનુસરણ પણ તમારે ન કરવું જોઈએ.’
શ્રી માતાજી મનને કાર્ય કરવાનું સાધન ગણાવે છે. મન એ તો સંકલન કરવાનું સાધન છે. એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન નથી. એ દરેક ક્ષણે સંકલનાઓ કર્યા જ કરતું હોય છે. એ કંઈ જ્ઞાન હોતું નથી. સાચું જ્ઞાન તો આત્મામાંથી સહજપણે સ્ફુરે છે અને પછી મન એ જ્ઞાનને માનસિક વાઘા પહેરાવીને શબ્દનું રૂપ આપે છે. અલબત્ત વિચારો જ્ઞાનનું વહન કરે છે. પણ તેથી વિચારો એ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન વિચારોથી પણ પર છે. છતાં વિચારોમાં શક્તિ જરૂર રહેલી છે. તેમને સ્વતંત્ર રૂપ પણ હોય છે. એ વિષે ઉદાહરણ આપીને શ્રી માતાજીએ સમજાવ્યું હતું કે, ‘જ્યારે તમે કોઈના વિષે વિચાર કરો ત્યારે તમારો વિચાર એક રૂપ ધારણ કરીને તે વ્યક્તિને શોધી કાઢવા નીકળી પડે છે. જો તમારી એવી તીવ્ર ઈચ્છા હોય કે અમુક માણસ તમને મળવા આવે અને તમારી વિચારશક્તિ બરાબર ઘડાયેલી હોય તો વિચારનું એ રૂપ વ્યવહારમાં પોતાને સાકાર કરવાનો પ્રયત્ન કરે છે અને તે વ્યક્તિના વાતાવરણમાં જઈને કાર્ય કરે છે. તે વ્યક્તિનામાં તમને મળવાની ઈચ્છા પ્રેરે છે.’ પરંતુ વિચારનો જન્મ અને સિદ્ધિ વચ્ચે અમુક સમયગાળો રહે છે. પછી ઘણી વાર તો એવું બને છે કે વિચારનું ફળ સિદ્ધિ રૂપે આવે ત્યારે તેને માટેની ઈચ્છા રહી હોતી નથી. અથવા તો આપણે કરેલા વિચારને પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ વાત આપણે ભૂલી ગયાં હોઈએ છીએ. દરેક ક્ષેત્રમાં આ રીતે વિચારોનાં સ્વરૂપો સ્વતંત્રપણે વિચરતાં રહે છે, અને કાર્ય કરતાં રહે છે. જાગૃત વ્યક્તિ પોતાના વિચારોનાં સ્વરૂપો દ્વારા કાર્ય કરતી રહે છે.
માણસે હમેશાં કોઈપણ પરિસ્થિતિમાં સાચા મનોવલણમાં રહીને કાર્ય કરવું જોઈએ. તો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. જો કદાચ માણસ વિપરીત સંજોગોમાં મૂકાઈ જાય તો પણ એના સાચા મનોવલણને પરિણામે એ ટકી શકે છે. એટલું જ નહીં પણ વિધ્નો અને વિરોધોની સામે ટક્કર ઝીલી પોતાના કાર્યને ચાલુ રાખી શકે છે. શ્રી માતાજી કહે છે : ‘કોઈ પણ સંજોગો ઊભા થાય એની વચ્ચે પણ તમે તો શક્ય સર્વોચ્ચ મનોભાવ ધારણ કરી શકો, અર્થાત્ તમારી મર્યાદામાં જે સર્વોચ્ચ ચેતના હોય તેના સંપર્કમાં તમારી ચેતનાને મૂકી શકો, જો તમે એ નિરપેક્ષ ભાવે કરી શકો, તો તે સંજોગોમાં જે કંઈ તમારા માટે બને તે ઉત્તમ બને. ધારો કે કોઈ માણસ તમારી હત્યા કરવા આવે, તમે બેબાકળા કે વિહવળ બની જાઓ અને સામાન્ય ચેતનામાં ઊતરી પડો તો તે સફળ થાય, પણ તમે એક ક્ષણ તમારી ચેતનાથી ઊંચે ચઢો, ભયભીત સ્થિતિમાં પણ તમે ભગવાનને પોકાર કરો, તો તે વ્યક્તિ તમને કંઈ વધુ ન કરી શકે. સહેજ-સાજ ઘા પહોંચાડે. અને જો તમે સાચી ચેતનામાં, સાચા મનોવલણમાં, ભગવાનની ભરી ભરી ચેતનામાં હો તો તમને એક આંગળી પણ ન અડાડી શકે.’ માણસ જો ભગવાનની ચેતનામાં રહીને જ જીવતો હોય તો એ હમેશાં મનોમય ભૂમિકાથી ક્યાંય ઊંચે હોય છે. એ સ્થિતિમાં એને કોઈ વિચારો દખલ કરી શકતા નથી કે કાર્યમાં પ્રેરી શકતા નથી. એના કાર્યની પ્રેરણા સીધી ભગવાનમાંથી જ આવતી હોય છે.
પરંતુ આપણા મોટાભાગના વિચારો સપાટી પરના હોય છે. જ્યારે લેખકો, વૈજ્ઞાનિકો, સંશોધકો વગેરેના ખ્યાલો, સિદ્ધાંતો અંગેના જે વિચારો હોય છે, તે ઘણે દૂરથી અને ઉપરથી આવતા હોય છે. અને મન તેને રૂપ આપે છે. શ્રી માતાજી કહે છે કે, ખરો લેખક, સારો વિચારક, સાચો વક્તા પોતાના મસ્તિષ્કમાં વિચારોને ઘડતો નથી, પણ એને એ માટેની ઉપરથી પ્રેરણા આવે છે અને તે મનમાં પ્રવેશ કરતી વખતે શબ્દોમાં કંડારાય છે. પણ વિચારોનું મૂળ ઊર્ધ્વમાં રહેલું હોય છે. વિશુદ્ધ વિચારો પણ મનોમય ભૂમિકામાં સર્જાતા નથી. એનાં મૂળ પણ ઘણા ઉપરના પ્રદેશમાં રહેલાં હોય છે. તેમ છતાં પણ આ વિશુદ્ધ વિચારો પણ છે તો વિચારો જ. જ્ઞાન નહીં. જ્ઞાનનો પ્રદેશ તો એનાથી પણ ઉપરની ભૂમિકામાં રહેલો છે. આથી માણસે જો જ્ઞાન મેળવવું હોય તો ઊર્ધ્વ ચેતનામાં જવું જોઈએ. પણ મોટે ભાગે માણસો સામાન્ય ચેતનામાં જ રહેતાં હોય છે. સામાન્ય ચેતનામાં માણસ સાચું-ખોટું, સારું-ખરાબ વગેરેની તુલના કર્યા કરતો હોય છે. શ્રી માતાજી કહે છે કે, જ્યારે તમે આવું વલણ અપનાવો ત્યારે તમારે ચોક્કસ જાણવું કે તમે ભૂલ કરી રહ્યા છો. એમાં સાચી વસ્તુ તો તમારે આ કરવી જોઈએ : ‘થોડીવાર મૌન રહેવું, વસ્તુઓને નિહાળવી, થોડી થોડી કરીને તમારી અંદર તેની યાદી રાખવી, જ્યારે આવી રીતે તમે બધી વસ્તુઓને તમારી અંદર, શાંતિથી ક્ષુબ્ધ થયા વગર સમાવી શકશો અને તમારી ચેતનાના ઉચ્ચતમ ભાગ પાસે સ્વસ્થતાથી રજૂ કરી શકશો, પ્રયત્નપૂર્વક તમારી અંદર નીરવતા સ્થાપી શકશો, રાહ જોશો તો કદાચ ધીમેથી, ઘણે દૂરથી, ખૂબ ઊંચાઈએથી પ્રકાશ જેવું કંઈક વ્યક્ત થશે, ત્યાર પછી તમે સત્ય વિષે થોડું જ્ઞાન મેળવ્યું હશે.’ જ્યારે જ્ઞાન મળે છે ત્યારે પછી ભૂલ થવાની શક્યતા જ રહેતી નથી. ત્યારે માણસની ચેતના અને દષ્ટિ બદલાઈ ગયાં હોય છે. એના પરિણામે તેની જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય છે. પછી એના જીવનમાં દરેક વસ્તુ સુંદર અને આનંદપ્રદ બની રહે છે.

No comments:

Post a Comment