Google Search

Sunday, June 17, 2012

પ્રારબ્ધ અને પુરુષાર્થ – હીરાભાઈ ઠક્કર


[1] પુરુષાર્થથી પ્રારબ્ધ બદલાય ?
પ્રારબ્ધકર્મ ભોગવવા માટે પ્રારબ્ધકર્મને અનુરૂપ જ શરીર પ્રાપ્ત થાય છે. તે શરીરકાળ દરમિયાન તમામ પ્રારબ્ધકર્મો ભોગવાઈ રહે પછી જ દેહ પડે છે. ત્યાં સુધી દેહ ધારણ કરી જ રાખવો પડે છે. શરીરકાળ દરમિયાન ભોગવવાનાં પ્રારબ્ધકર્મોના ચાર મુખ્ય વિભાગ પાડી શકાય :
(અ) અતિ તીવ્ર પ્રારબ્ધ
(બ) તીવ્ર પ્રારબ્ધ
(ક) મંદ પ્રારબ્ધ
(ડ) અતિ મંદ પ્રારબ્ધ
(અ) અતિ તીવ્ર પ્રારબ્ધ : અતિ તીવ્ર પ્રારબ્ધનું કર્મફળ ગમે તેટલો પ્રબળ પુરુષાર્થ કરીએ તો પણ અટકાવી શકાતું નથી. જીવાત્માનો જુદી જુદી યોનીઓમાં જન્મ થાય છે તે અતિ તીવ્ર પ્રારબ્ધનું ફળ છે. અતિ તીવ્ર પ્રારબ્ધ કોઈ પણ રીતે ગમે તેવા પ્રબળ પુરુષાર્થથી ફેરવી શકાય જ નહિ. દા…ત, ગધેડામાંથી ઘોડા કે ઘોડામાંથી ઊંટ કે પક્ષી બની શકે નહિ. મનુષ્યને પણ તેનો દેહ અતિ તીવ્ર પ્રારબ્ધધર્મવશાત્ મળેલો છે અને તેમાં કંઈ ફેરફાર કરી શકાય જ નહિ. પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અથવા અતિ ઘોર પાપકર્મનું અતિ તીવ્ર પ્રારબ્ધ બને છે અને તે કદાપિ ટાળી શકાતું નથી. જેમ ધનુષ્યમાંથી છૂટેલું તીર પાછું ખેંચી શકાતું નથી અગર તો થૂંકેલું જેમ ફરી ગળી શકાતું નથી તેમ પૂર્વજન્મમાં કરેલું મહાન પુણ્યકર્મ અગર અતિઘોર પાપકર્મ ફળરૂપે પરિપક્વ થઈને પ્રારબ્ધરૂપે સામી છાતીએ આવીને ઊભું જ રહે છે. અને હસતાં હસતાં કરેલાં પાપ રોતાં રોતાં પણ ભોગવ્યા સિવાય છૂટકો થતો નથી.
(બ) તીવ્ર પ્રારબ્ધ : તીવ્ર પ્રારબ્ધ તીવ્ર પુરુષાર્થથી-પ્રબળ પુરુષાર્થથી કંઈક અંશે ફેરવી શકાય છે. તીવ્ર પ્રારબ્ધને હળવું બનાવવા કરેલો પ્રબળ પુરુષાર્થ ઘણે ભાગે નિષ્ફળ જતો નથી. કારણ કે પ્રારબ્ધ તીવ્ર હોય પણ નવાકર્મોનું સર્જન આપણી ઈચ્છા મુજબ કરી શકીએ છીએ. નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રભુપ્રાર્થના, નામસ્મરણ, સત્સંગ, શાસ્ત્રોનો અભ્યાસ અને તે પ્રમાણે જીવનમાં ઉતારેલું આચરણ અને તે પ્રમાણેનો પુરુષાર્થ દારુણ દુ:ખને હળવું બનાવી શકે છે.
(ક) અને (ડ) : મંદ અને અતિ મંદ પ્રારબ્ધ ; મંદ અને અતિ મંદ પ્રારબ્ધ પ્રબળ પુરુષાર્થથી નિષ્ફળ બનાવી શકાય છે. પ્રારબ્ધવાદીઓના કહેવા પ્રમાણે જો બધું જ પ્રારબ્ધને આધીન હોય તો પછી વેદો, ઉપનિષદો, ગીતા, ભાગવત, રામાયણ વગેરે ધર્મશાસ્ત્રોમાં આપેલા માર્ગદર્શન મુજબનો પુરુષાર્થ તદ્દન નકામો થઈ જાય. એટલા માટે મંદ અને અતિ મંદ પ્રારબ્ધને નિષ્ફળ બનાવવા માટે શાસ્ત્રોએ અને સંતોએ જણાવેલ શાસ્ત્રવિહિત કર્મ (Prescribed action) અને શાસ્ત્રનિષિદ્ધ કર્મ (Prohibited action) ને ખ્યાલમાં રાખીને તે પ્રમાણે શુભ કર્મો કરવાનો, અને અશુભ કર્મોનો ત્યાગ કરવાનો પુરુષાર્થ સતત કરવો જ જોઈએ. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે.
પ્રારબ્ધ કર્મ ‘અદષ્ટ’ ના નામથી ઓળખાય છે. ભૂતકાળમાં – ગયા જન્મોમાં આપણે કરેલાં કર્મો કેવાં પ્રકારનાં છે અને તે કેવા પ્રકારનું પ્રારબ્ધકર્મ બનીને આપણી સામી છાતીએ આવીને ઊભું રહેશે તે આપણે જાણતાં નથી. મનુષ્ય પોતાનાં પ્રારબ્ધકર્મનાં ફળથી અજ્ઞાત હોવાને લીધે પ્રારબ્ધને ‘અદષ્ટ’ એવું નામ આપવામાં આવ્યું છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ જીવનનાં એક જ ત્રાજવામાં બે પલ્લાં છે. એક પલ્લામાં અદષ્ટરૂપી કાટલાં પડેલાં છે અને બીજા પલ્લામાં માણસે પોતાની શક્તિ અનુસાર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થરૂપી દ્રવ્ય ભરવાનું છે.

[2] પ્રારબ્ધ ક્યાં લડાવવું, પુરુષાર્થ ક્યાં કરવો ?
માણસને જીવનકાળ દરમિયાન અનેક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ધન, સ્ત્રી, પુત્ર, બંગલો, મોટર, કીર્તિ, દાન, ધ્યાન, મોક્ષ, ધર્મ વગેરે ઘણી વસ્તુઓ મેળવવાની તેની ઘણી ઈચ્છાઓ અને કામનાઓ હોય છે. શાસ્ત્રોએ આ તમામ ઈચ્છાઓના મુખ્ય ચાર વિભાગ પાડેલા છે :
(અ) ધર્મ
(બ) અર્થ
(ક) કામ
(ડ) મોક્ષ
ઉપર્યુક્ત ચારેય પ્રદાર્થ માણસે પ્રાપ્ત કરવા જોઈએ. ધર્મથી અર્થ પ્રાપ્ત કરવો. અધર્મથી પ્રાપ્ત કરેલો અર્થ અનર્થ બની જાય છે. ધર્મ અને અર્થથી પ્રાપ્ત થયેલ કામનાથી તૃપ્ત થઈને જીવનું આખરી ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. આ ચાર પ્રદાર્થ પૈકી (અ) અને (ડ) ધર્મ અને મોક્ષ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. તેને કદાપિ પ્રારબ્ધ ઉપર છોડાય જ નહિ. જ્યારે (બ) અને (ક) અર્થ અને કામ પ્રાપ્ત કરવાનું માણસે પ્રારબ્ધ ઉપર છોડી દેવું જોઈએ. તેને માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી. પરંતુ આપણે તેની ઊંધી જ દિશામાં ફરીએ છીએ. અર્થ અને કામ પ્રારબ્ધ ઉપર છોડી દેવાને બદલે માણસ તેને માટે સતત રાત-દિવસ પુરુષાર્થ કરે છે અને આખરે પ્રારબ્ધ આગળ ઢીલો પડી જાય છે. જ્યારે ધર્મ અને મોક્ષ જેને માટે માણસે હંમેશા સતત જાગ્રત રહીને પુરુષાર્થ કરવો જોઈએ, તેને તદ્દન પ્રારબ્ધ ઉપર છોડી દે છે, અને તેથી કરીને તે બંને બાજુએ ગોથાં ખાય છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું છે કે : ‘ઊર્ધ્વબાહુ: પ્રવક્ષ્યામિ ન ચ કશ્ચિત શ્રૃણોતિ મે |’
‘બે હાથ ઊંચા રાખીને હું આખા જગતને ચેતવી રહ્યો છું પરંતુ કોઈ મારું સાંભળતું નથી. અર્થ અને કામનો હું શત્રુ નથી. અર્થ અને કામની ઉપાસના ભલે કરો. પણ તે ધર્મની આણમાં રહીને અને મોક્ષની પ્રાપ્તિ માટે” આટલું એક સનાતન સત્ય માનવીને કહેવા માટે ઈતિહાસનો દષ્ટાંત તરીકે ઉપયોગ કરીને મહર્ષિ વ્યાસે આખું મહાભારત રચ્યું છે. નસીબદાર હો તો વાંચી જજો !
[3] ભગવાન પ્રારબ્ધ ભોગવવામાં શું મદદ કરે ?
જેવી રીતે કર્મોને નિયંત્રિત નિષ્કામ કર્મો કરે છે તેવી રીતે પ્રારબ્ધ કર્મને નિયંત્રિત કરવામાં ભક્તિયોગ મદદ કરે છે. ભગવાનની ભક્તિ કરવાથી પ્રારબ્ધ ભોગવવામાં ઘણી જ રાહત થાય છે તે હકીકત છે. શાસ્ત્રો અને સંતો તેની સાક્ષી પૂરે છે. પરંતુ ભગવાનની ભક્તિ એટલે શું ? તે સ્પષ્ટ સમજી લેવું જોઈએ.
ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું કહ્યું કરવું તે. હું મારા બાપની ભક્તિ કરું, તેમનું નામ લીધા કરું, તેમના ગુણ ગાયા કરું, પરંતુ તેમનું કહ્યું ના કરું, તે મને ભણવા બેસવાનું કહે તો ભણવા ના બેસું, તે મને તોફાન ના કરવાનું કહે તો પણ તોફાન કર્યા જ કરું, તો મેં મારા બાપની ભક્તિ કરી ગણાય જ નહિ. ઊલટું, મારા ઊંધા કર્મથી હું તેને ઉદ્વેગ કરાવું તેવું થાય.
ધર્મથી ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે નહિ, અને ભગવાનની ભક્તિ એટલે માત્ર તેનું નામ લેવું, ગુણ ગાવા, ટીલાં-ટપકાં કરવાં કે મંદિરમાં દર્શન કરવા જવું વગેરે એટલું જ સમજે તો તે ભક્તિ ગણાય જ નહિ. માત્ર આખી રાત કાંસી-જોડાં કૂટવાથી ભગત થવાતું નથી. ભગવાને ભક્તનાં લક્ષણો ભગવત ગીતાના બારમા અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં ગણાવ્યા છે. તેમાં ભગવાને એવું નથી કહ્યું કે જે ચાર ફૂટની ચોટલી રાખશે, અગર તો દોઢ ફૂટની દાઢી રાખશે, અગર લૂંગી કે જનોઈ પહેરશે તે જ મારો ભક્ત ગણાશે. ભકતનાં લક્ષણો ભગવાને સ્વમુખે ગીતામાં નીચે પ્રમાણે ગણાવ્યાં છે :
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ: |
નિર્મમો નિરહંકાર: સમદુ:ખ સુખ: ક્ષમી ||
સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દઢનિશ્ચય: |
મયિ અર્પિત મનોબુદ્ધિર્યો મદભક્ત સ મે પ્રિય: ||
વગેરે આગળ ભક્તનાં લક્ષણો ભગવાને ગણાવ્યાં છે, અને એવાં લક્ષણોવાળો માણસ મારો ભક્ત કહેવાશે અને તે મને પ્રિય થશે. આમાંનું એક પણ લક્ષણ આપણામાં ન હોય તો આપણે આપણી જાતને ભક્તમાં ગણાવી શકીએ જ નહિ અને ભગવાનને વહાલા થઈ શકીએ જ નહિ.
હું એમ જાહેર કરું કે હું બિરલા શેઠનો છોકરો છું તો તેથી કરીને બિરલા શેઠની મિલકતોમાંથી મને ભાગ મળે નહિ. પરંતુ ખુદ બિરલા શેઠ ઊઠીને એમ જાહેર કરે કે હું તેમનો દીકરો છું, તો જ મને બિરલા શેઠની મિલકતમાં ભાગ મળે. એમ ખુદ ભગવાન ઊઠીને એમ કહે કે – ‘યો મદભક્ત સ મે પ્રિય: |’ હું ભગવાને કહેલાં લક્ષણો ધરાવતો હોઉં તો જ હું તેમનો ભક્ત ગણાઉં અને નરસિંહ, મીરાંની માફક મને પણ પ્રારબ્ધ ભોગવવામાં ભગવાન મદદ કરે. તેમ છતાં, ભગવાન તો જગતના પિતા છે, અને તેમની તો સારા અગર ખરાબ, ભક્ત અગર અભક્ત એમ તમામ જીવ પ્રત્યે તેમની અનુકંપા દયા તો છે જ, કારણ કે તે તો દયાના સાગર છે.
હું મારા બાપનું કહ્યું ના કરતો હોઉં તો પણ અને તેમના ના કહેવા છતાં તેમની ઉપરવટ થઈને હું ઓટલા ઉપર ચઢીને ભૂસકા મારતો હોઉં અને તેમ કરવા જતાં કોઈ વખત મારો ટાંટિયો ભાંગી જાય તો પણ મારા બાપા મારી ઉપર દયા કરીને મને હાડવૈદ્યને ત્યાં લઈ જાય, ત્યાં જવાનું રિક્ષાભાડું તે ખર્ચે, હાડવૈદ્યની ફી પણ તે આપે, ઘરે લાવીને મને સુંવાળી પથારીમાં સુવાડે, મને પગે તે શેક કરે, દવા પણ પાય, મોસંબી વગેરેનો ખર્ચ કરીને મને ખવડાવે અને ઉદ્વેગ ના થાય તેવાં વચન બોલે, પરંતુ હું તેમની પાસે એવી ગેરવાજબી માગણી કરું કે બાપા મને પગમાં લપકારા મારે છે, સણકા મારે છે, તે તમે લઈ લો. તો મારા બાપા તે પગનું દર્દ ના લઈ શકે; તે દર્દ તો મારે જાતે જ ભોગવવું પડે.
બરાબર એ જ રીતે માણસ ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને કુકર્મ કરે તો તે પાકીને પ્રારબ્ધરૂપે સામું આવે, તે પ્રારબ્ધ તો તેને જાતે જ ભોગવવું પડે. તેના કર્મના કાયદાના અમલમાં જગત પિતા હસ્તક્ષેપ ના કરે. ખુદ ભગવાન રામ પરાત્પર બ્રહ્મ હોવા છતાં જ્યારે તે નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ છોડીને સગુણ સાકાર સ્વરૂપે જગતમાં પધાર્યા ત્યારે તેમણે પણ કર્મના કાયદાની મર્યાદા જાળવી છે અને તે પ્રમાણે વર્ત્યા છે. શ્રી ભગવાન રામ પોતે કહે છે કે : “હું જે દિવસે ચક્રવર્તી રાજા થવાનો હતો અને ગાદીએ બેસવાનો હતો, તે જે દિવસે સવારે મારે કર્મના કાયદાને માન આપીને જટાધારી તપસ્વીના વેશમાં વનમાં જવું પડ્યું છે. ભગવાન રામ પોતાના પિતા દશરથનું તેમના પુત્રના વિયોગે મૃત્યુ થવાનું પ્રારબ્ધ ભોગવવામાં મદદ કરી શક્યા નહિ અને તેમને ઓછામાં ઓછા ચૌદ વરસનું પણ extension – પુનર્જીવન આપી શક્યા નહિ. જે રામના ચરણરજના સ્પર્શ માત્રથી શલ્યાની અહલ્યા થઈ શકે, પથ્થરને પણ જે જીવતદાન આપી શકે તે ભગવાન ખુદ પોતે પોતાના પિતાને જીવનદાન આપી શક્યા નહિ, કારણ કે અહલ્યાનાં પાપ પૂરાં થઈ ગયાં હતાં અને તેનું પ્રારબ્ધ જીવતદાન આપવા તૈયાર થઈ ગયું હતું. જ્યારે રાજા દશરથે શ્રવણનો વધ કરેલો તે પાપ પ્રારબ્ધ બનીને રાજા દશરથને ફળ આપવા સામે ઊભું હતું. તેમાં ખુદ ભગવાન પણ હસ્તક્ષેપ કરે નહિ એટલે તો ભગવાને ગીતામાં સ્પષ્ટતા કરી કે –
ન કર્તુત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ: |
ન કર્મફ્લસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ||
નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુ: |
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવ: ||
ગવર્નરે કાયદો કર્યો હોય કે વાહન ડાબી બાજુએ હાંકવું પછી ખુદ ગવર્નર જો જમણી બાજુએ તેમની મોટર હંકારે તો નાનામાં નાનો પોલીસવાળો તેમની મોટરને રોકી શકે અને તેમાં ગર્વનરનું કાંઈ ચાલે નહિ. ભગવાને કરેલા કર્મનો કાયદો તેનું ચુસ્તપણે પાલન થાય તેમ ભગવાન ઈચ્છે છે તો માણસોએ તેમની આજ્ઞા પ્રમાણે ભક્તિયોગ દ્વારા પોતાનાં પ્રારબ્ધકર્મને ભોગવી લેવાં.

No comments:

Post a Comment