રાષ્ટ્રગીત એટલે રાષ્ટ્રની સામુહિક આકાંક્ષા અભિવ્યકત કરતું ગીત. રાષ્ટ્રગીતમાં રાષ્ટ્રનો સમૂહઆત્મા (Group soul) પોતાની અભ્યર્થના વ્યકત કરે છે. રાષ્ટ્રગીતના સ્વરૂપ દ્વારા આપણે તે રાષ્ટ્રની અને રાષ્ટ્રના લોકોની તત્કાલીન સંસ્કૃતિ અને મનોદશા સમજી શકીએ છીએ.
સામાન્ય રીતે એવી માન્યતા પ્રચલિત છે કે રાષ્ટ્ર (Nation) ની વિભાવના પ્રાચીન ભારતમાં વિકાસ પામી ન હતી. રાજકીય રીતે ભારત એક રાષ્ટ્ર ન હોય તેમ બની શકે, પરંતુ ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દષ્ટિથી ભારત બહુ પ્રાચીનકાળથી એક રાષ્ટ્ર હતું અને સતત એક રાષ્ટ્ર રહ્યું છે. વેદમાં અનેક સ્થાન પર ભારતવર્ષનો, આર્યવર્તનો એક રાષ્ટ્ર તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
યજુર્વેદના બાવીશમા અધ્યાયના બાવીશમા અનુવાક તરીકે પ્રાચીન ભારતનું, વૈદિકકાળના ભારતનું રાષ્ટ્રગીત સંગ્રહિત છે.
आ ब्रह्मन ब्राह्मणो ब्रह्मवर्चसी जायतामा राष्ट्रे
राजन्य: शूर ईषव्योडतिव्याधी महारथो जायतां
द्रोग्ध्रीधेनुर्वोढानडवानाशु: सप्ति: पुरन्ध्रिर्योषा जिष्णू
रथेष्ठा: सभेयो युवास्य यजमानस्य वीरो जायतां
निकामे निकामे न: पर्जन्यो वर्षतु फलवत्यो न
ओषधय: पचयन्तां योगक्षेमो न कल्यताम्
(यजुर्वेद ; 22-22)
राजन्य: शूर ईषव्योडतिव्याधी महारथो जायतां
द्रोग्ध्रीधेनुर्वोढानडवानाशु: सप्ति: पुरन्ध्रिर्योषा जिष्णू
रथेष्ठा: सभेयो युवास्य यजमानस्य वीरो जायतां
निकामे निकामे न: पर्जन्यो वर्षतु फलवत्यो न
ओषधय: पचयन्तां योगक्षेमो न कल्यताम्
(यजुर्वेद ; 22-22)
“હે ભગવાન ! અમારા રાષ્ટ્રમાં બ્રહ્મતેજથી તેજસ્વી બ્રાહ્મણો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં શૂરવીર, બાણાવળી, શત્રુઓને પરાસ્ત કરનાર, મહારથી ક્ષત્રિયો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં ગાયો પુષ્કળ દૂધ આપનારી હો; બળદો બળવાન હો; ઘોડાઓ શીઘ્રગામી હો. અમારા રાષ્ટ્રમાં સ્ત્રીઓ વિનયશીલ અને સંસ્કારી હો. અમારા રાષ્ટ્રમાં રથમાં બેસનાર વીરો વિજયશીલ હો. અમારા રાષ્ટ્રમાં યજમાનને વીર અને સભામાં બેસવા યોગ્ય યુવાન પુત્રો ઉત્પન્ન થાઓ. અમારા રાષ્ટ્રમાં જ્યારે જ્યારે વરસાદ જોઈએ ત્યારે ત્યારે વરસાદ (મન માગ્યા મેઘ વરસે). અમારા રાષ્ટ્રમાં ફળથી ભરપૂર વનસ્પતિ-ઔષધીઓ પાકે. અમારું સૌનું યોગક્ષેમ ઉત્તમ સ્વરૂપે સંપન્ન થાઓ.’
વેદનો ભાગ હોવાથી આ રાષ્ટ્રગીત મંત્રસ્વરૂપ છે. આ મંત્રના ઋષિ આ મંત્રમાં પોતાની વ્યક્તિગત નહિ, પરંતુ સમગ્ર રાષ્ટ્રની અભ્યર્થના વ્યકત કરે છે, ઋષિનો અંતરાત્મા સમગ્ર રાષ્ટ્રના અંતરાત્મા સાથે એકતા સાધે છે. ઋષિની વ્યક્તિગત ચેતના રાષ્ટ્રની ચેતના સાથે એક થઈને આ અભ્યર્થના કરે છે, તેથી આ અભ્યર્થના વ્યક્તિની નહિ, પરંતુ રાષ્ટ્રીય અભ્યર્થના બની શકી છે.
હવે આપણે જોઈએ કે આ અભ્યર્થનામાં ઋષિ શું શું માગે છે.
સૌ પ્રથમ તો આપણે એ નોંધવું જોઈએ કે આ મંત્રમાં ઋષિ પોતાના માટે કશું માગતા નથી. ઋષિ સમગ્ર રાષ્ટ્ર માટે માગે છે, પ્રાર્થે છે. આ પ્રાર્થના ‘સ્વ’ ને અતિક્રમીને થયેલી પ્રાર્થના છે. ‘સ્વ’ ને અતિક્રમીને થયેલી પ્રાર્થના ‘સ્વ’ ની પ્રાર્થના કરતાં અનેકગણી બલપૂર્ણ હોય તે સ્વાભાવિક છે. ‘સ્વ’ ના કેન્દ્રનું ભેદન થયા પછી જે પ્રાર્થના આવે છે તે પ્રાર્થનાનું પોત જ જુદું હોય છે, તે પ્રાર્થનાનું તેજ જ અનેરું હોય છે. આ પ્રાર્થના અહંની પ્રાર્થના નથી, અહંમુક્ત અવસ્થાની પ્રાર્થના છે, તેથી જ તે મંત્રની ભૂમિકાએ પહોંચેલી પ્રાર્થના છે, અને તેથી જ વેદમાં સ્થાન પામેલી પ્રાર્થના છે. ઋષિ આ પ્રાર્થના કોને સંબોધીને કરે છે ? ઋષિ આ પ્રાર્થના ક્યા દેવને સંબોધીને કરે છે ?
ઋષિ આ પ્રાર્થના અન્ય કોઈ દેવ કે દેવીને ઉદ્દેશીને કરતાં નથી, પરંતુ પરબ્રહ્મ પરમાત્માને ઉદ્દેશીને કરે છે. ‘બ્રહ્મ’ તે પરમાત્માનું એક ઉત્તમ નામ છે અને વૈદિક ઋષિઓને આ નામ ઘણું પ્રિય હોય તેમ લાગે છે. બ્રહ્મ અર્થાત્ પરબ્રહ્મ પરમાત્મા પરમદેવ છે, દેવોના પણ દેવ છે. અહીં ઋષિ જે પ્રાર્થના કરે છે, તે પરમ કોટિની પ્રાર્થના છે અને તેથી તે ઉચિત રીતે જ પરમદેવ બ્રહ્મને ઉદ્દેશીને કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ પ્રાર્થનામાં ઋષિ પોતાના રાષ્ટ્ર માટે પરબ્રહ્મ પરમાત્મા પાસે શું શું માગે છે ?
(1) અમારા રાષ્ટ્રમાં બ્રાહ્મણો તેજથી સંપન્ન હો.
અહીં ‘બ્રાહ્મણ’ શબ્દજ્ઞાતિવાચક નથી. જે બ્રહ્મજ્ઞાન પામવા માટે ઉદ્યત બને તે બ્રાહ્મણ છે. ઋષિ પોતાના રાષ્ટ્ર માટે બ્રહ્મજ્ઞાનીઓની માગણી કરે છે. જે સૌથી મહત્વપૂર્ણ માગણી હોય તે સૌથી પહેલા ક્રમમાં મૂકવામાં આવે, તેવી પરંપરા છે. ઋષિ અહીં સૌથી પહેલી અર્થાત સૌથી મહત્વપૂર્ણ માંગણી કરે છે. – બ્રહ્મજ્ઞાનથી સંપન્ન બ્રાહ્મણોની. પ્રાર્થનાની આ પ્રથમ પંક્તિમાં જ ભારતીય સંસ્કૃતિનું કેન્દ્રસ્થ તત્વ, ભારતીય સંસ્કૃતિનો આત્મા અભિવ્યક્ત થાય છે. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ કેન્દ્રી સંસ્કૃતિ છે. ભારત અને ભારતીય સંસ્કૃતિનો પાયો જ અધ્યાત્મ છે. અધ્યાત્મ વિનાનું ભારત કલ્પી શકાય તેમ નથી. તેથી જ ઋષિના હૃદયમાંથી સર્વ પ્રથમ પ્રાર્થના નીકળે છે – અમારા રાષ્ટ્રમાં બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો ઉત્પન્ન થાઓ. ઋષિ બરાબર જાણે છે કે બીજું બધું હોય, પણ અધ્યાત્મ ન હોય તો ભારત ભારત નહિ રહે. ભારતની ભારતીયતા અધ્યાત્મ પર પ્રતિષ્ઠત છે.
(2) અમારા રાષ્ટ્રમાં શૂરવીર અને વિજયશીલ ક્ષત્રિયો ઉત્પન્ન થાઓ.
કોઈપણ રાષ્ટ્ર સંરક્ષણની ઉચિત વ્યવસ્થા વિના ટકી શકે નહિ. ભારતીય સમાજનો પાયો અધ્યાત્મ છે, પરંતુ અધ્યાત્મમાં જ ભારતીય સમાજની ઈતિશ્રી નથી. સમાજ અને સંસ્કૃતિની રક્ષા પણ થવી જોઈએ. તેથી ઋષિ પોતાના રાષ્ટ્ર માટે શૂરવીર અને વિજયશીલ ક્ષત્રિયો માટે પ્રાર્થના કરે છે. ક્ષત્રિયો સમાજની વાડ છે, રાષ્ટ્રના રક્ષકો છે. બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતિ વધે છે અને વિકસે છે; ક્ષત્રિયો દ્વારા તે સંસ્કૃતિનું રક્ષણ થાય છે.
(3) અમારા રાષ્ટ્રમાં પુષ્કળ દૂધ આપનારી ગાયો ઉત્પન્ન થાઓ.
ઋષિઓ પલાયનવાદી અધ્યાત્મપુરુષો નથી. ઋષિઓ જગતને મિથ્યા ગણીને બેસી રહેનાર કર્મવિમુખ પુરુષો નથી. રાષ્ટ્રના નાગરિકો માટે અન્ન, વસ્ત્ર અને રહેઠાણનો ઉચિત પ્રબંધ હોય તે આવશ્યક છે, તેથી ઋષિઓ રાષ્ટ્રની પ્રાથમિક શારીરિક જરૂરિયાતોની અવગણના નથી કરતા. પરંતુ સાથે સાથે ભૌતિક સુખસુવિધાઓમાં રાચવાનું પણ શીખવતા નથી. શારીરિક જરૂરિયાતો આવશ્યક છે, પરંતુ તેમાં જીવનની ઈતિશ્રી નથી. ઋષિ આ પ્રાર્થનામાં પરબ્રહ્મ પરમાત્મા પાસે પ્રાર્થે છે – પુષ્કળ દૂધ આપનારી ગાયો. ઋષિઓ સોનાચાંદીની ખાણો નથી માગતા, ઋષિઓ વિશાળ મહેલો માટે પ્રાર્થના નથી કરતા, ઋષિઓ માગે છે – દૂધાળ ગાયો. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ગાયને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, સોનાચાંદીને નહિ. આ એક માગણીમાં ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતા વ્યકત થાય છે.
(4) અમારા રાષ્ટ્રમાં બળવાન બળદો ઉત્પન્ન થાઓ.
બળદ દ્વારા ખેતી થાય છે, અને ખેતીમાંથી અનાજ આદિ પદાર્થો ઉત્પન્ન થાય છે. ઋષિ અહીં બળદ દ્વારા ખેતી અને ખેતપેદાશો માટે પ્રાર્થના કરે છે. ભારત ખેતીપ્રધાન છે, અને ગઈકાલ સુધી ખેતી બળદ પર આધારિત હતી, તેથી બળદ ખેતીનું કેન્દ્ર અને પ્રતીક પણ ગણાય છે. ઋષિ બળવાન બળદો દ્વારા સમૃદ્ધ ખેતી માટે પ્રાર્થના કરે છે.
(5) અમારા રાષ્ટ્રમાં વેગવાન ઘોડાઓ ઉત્પન્ન થાઓ.
ઘોડો ગમનાગમન (Communication) નું સાધન છે, તેથી વેગવાન ઘોડાઓ દ્વારા ઋષિ વાહનવ્યવહારના ઉચિત પ્રબંધની પ્રાર્થના કરે છે. વૈદિકકાળમાં ઘોડા યુદ્ધમાં પણ ઉપયોગી હતા, તેથી ઘોડા દ્વારા યુદ્ધ માટેના એક ઉત્તમ સાધનની પ્રાર્થના પણ કરવામાં આવે છે.
(6) અમારા રાષ્ટ્રમાં સ્ત્રીઓ વિનયશીલ અને સંસ્કારી હો.
સંસ્કારી સ્ત્રીઓ સંસ્કારી સમાજનો પાયો છે. સમાજના સંસ્કારનું ઘડતર માતારૂપે સ્ત્રીઓ કરે છે. “જે કર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.’ આ ઉક્તિનો અર્થ પણ એ જ છે કે બાળકોના ઘડતર દ્વારા સ્ત્રી સમાજને ઘડે છે. અહીં ઋષિ વિનયશીલ અને સંસ્કારી સ્ત્રીઓ માટે પ્રાર્થના કરે છે, તે વસ્તુત: સંસ્કારી સમાજ માટેની જ પ્રાર્થના છે. સંપત્તિ હોય અને સંસ્કારિતા ન હોય તો તે સંપત્તિ વિનાશના માર્ગે દોરી જાય છે. સમાજજીવનના આ સત્યને ઋષિ બરાબર જાણે છે, તેથી જ તેઓ સંસ્કારી સ્ત્રીઓ માટે પ્રાર્થના કરે છે.
(7) અમારા રાષ્ટ્રમાં યજમાનોને ઘેર વીર અને સભામાં બેસવાને યોગ્ય યુવાનપુત્રો ઉત્પન્ન થાઓ.
યજમાન એટલે યજ્ઞ કરનાર. વૈદિક કાળમાં તો યજ્ઞ જીવનનો અનિવાર્ય ભાગ હતો તેથી સમાજના સૌ સભ્યો યજમાનો જ હતા. ઋષિ યજમાનો માટે યુવાનપુત્રોની માંગણી કરે છે. કેવા યુવાનપુત્રો ? વીર અને સભામાં બેસવાને યોગ્ય. સભામાં બેસવાને યોગ્ય એટલે સંસ્કારી. સંસ્કારી યુવાનો જ સભામાં, સૌની વચ્ચે બેસી શકે. સભામાં અસભ્ય કે મુર્ખને સ્થાન ન મળે. કોઈ યુવાન વીર હોય, પરંતુ સંસ્કારી ન હોય તો તેની વીરતા ક્રૂરતા બની જાય છે તેથી અહીં ઋષિ માત્ર વીરયુવાનોની નહિ, પરંતુ સંસ્કારી વીર યુવાનોની માંગણી કરે છે.
(8) અમારા રાષ્ટ્રમાં વિજયની આકાંક્ષાવાળા મહારથીઓ ઉત્પન્ન થાઓ.
જે રાષ્ટ્રમાં વિજયની આકાંક્ષાવાળા મહારથીઓ હોય તે રાષ્ટ્ર જ ટકી શકે છે. વિજયની આકાંક્ષાવાળા (જિષ્ણૂ) નો અર્થ અહીં આક્રમક નહિ પરંતુ પ્રાણવાન છે, ઉત્સાહપૂર્ણ છે.
(9) અમારા રાષ્ટ્રમાં આવશ્યકતા પ્રમાણે વરસાદ વરસે.
જે રાષ્ટ્રની ભૂમિ પર જ્યારે અને જેટલો વરસાદ જોઈએ ત્યારે અને તેટલો વરસાદ વરસે તે રાષ્ટ્રને પોતાની આવશ્યકતાઓની ખેંચ પડતી નથી. અનાજ, ઘાસચારો, ઘી, દૂધ, પેયજલ અને ભરપૂર નદીઓ – આ બધું વરસાદ પર આધારિત છે તેથી ઋષિ માગ્યા મેઘની માંગણી કરે છે.
(10) અમારા રાષ્ટ્રમાં વૃક્ષો, વેલીઓ અને વનસ્પતિ ફળથી ભરપૂર હો.
રાષ્ટ્રને અનાજ, ફળો, ઔષધી, ઘાસચારો, લાકડું આદિ જરૂરિયાતો વનસ્પતિ પાસેથી મળે છે, તેથી ઋષિ વનસ્પતિની માંગણી કરે છે, એટલું જ નહિ પણ ફળથી ભરપૂર વનસ્પતિની માંગણી કરે છે.
(11) અમારા રાષ્ટ્રમાં સૌનું યોગક્ષેમ સારી રીતે સંપન્ન થાઓ.
યોગ એટલે જે જોઈએ તેની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થયું હોય તેની જાળવણી. ઋષિ પરબ્રહ્મ પરમાત્મા પાસે પોતાના રાષ્ટ્રના સૌ માટે યોગ અને ક્ષેમ – બંનેની પ્રાર્થના કરે છે. વસ્તુત: આ અગિયાર માગણીઓ દ્વારા ઋષિ પોતાના રાષ્ટ્ર માટે ચાર તત્વોની જ માંગણી કરે છે.
(1) અધ્યાત્મ (2) સંસ્કારિતા (3) જીવનની સાત્વિક પ્રાથમિક જરૂરિયાતો (4) સંરક્ષણ
(1) અધ્યાત્મ (2) સંસ્કારિતા (3) જીવનની સાત્વિક પ્રાથમિક જરૂરિયાતો (4) સંરક્ષણ
આ પ્રાર્થનામાં ઋષિએ રાષ્ટ્ર માટે માગવા યોગ્ય બધું જ માગી લીધું છે, પરંતુ ન માગવા યોગ્ય કશું જ માગ્યું નથી. કોઈ પણ ડાહ્યો માનવ પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેશબંધુઓ માટે આ સિવાય બીજું શું માગે ? આથી અધિક બીજુ શું માગે ? ઋષિએ આ પ્રાર્થનામાં પોતાના રાષ્ટ્ર માટે સંપત્તિની માગણી કરી છે, પરંતુ એ સમજવું આવશ્યક છે કે ઋષિ કેવા પ્રકારની સંપત્તિની માંગણી કરી છે.
સંપત્તિના બે પ્રધાન ઉપયોગ છે.
(1) જીવનની સાત્વિક પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ સંપત્તિ દ્વારા થાય છે. અન્ન, દૂધ, ફળો, રહેઠાણ, વસ્ત્રો, સંરક્ષણ – આ આવશ્યકતાઓ સાત્વિક અને પ્રાથમિક આવશ્યકતા છે. રાષ્ટ્રના બધા નાગરિકોને આ આવશ્યકતાઓ મળવી જોઈએ.
(1) જીવનની સાત્વિક પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ સંપત્તિ દ્વારા થાય છે. અન્ન, દૂધ, ફળો, રહેઠાણ, વસ્ત્રો, સંરક્ષણ – આ આવશ્યકતાઓ સાત્વિક અને પ્રાથમિક આવશ્યકતા છે. રાષ્ટ્રના બધા નાગરિકોને આ આવશ્યકતાઓ મળવી જોઈએ.
(2) સંપત્તિ દ્વારા ભોગવિલાસ પણ મળે છે, સંપત્તિ ભોગવિલાસ માટે સાધન બની શકે છે. અહીં ઋષિ જે પ્રાર્થના કરે છે, તેના સ્વરૂપ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ઋષિ સાત્વિક અને પ્રાથમિક આવશ્યકતાઓની પુર્તિ માટે જરૂરી સંપત્તિની જ માગણી કરે છે. ભોગ વિલાસ માટે સંપત્તિની માગણી આ પ્રાર્થનામાં નથી, એ તો સ્પષ્ટ જ છે.
ઋષિ ગાયો, બળદો, ધનધાન્ય, વરસાદ આદિની માગણી કરે છે, પરંતુ સોનું, ચાંદી, હીરામાણેક, વિશાળ મહેલો કે મખમલના વસ્ત્રોની માંગણી કરતા નથી. ઋષિની આ પ્રાર્થના ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. આ પ્રાર્થનામાં પ્રાચીન ભારતની રાષ્ટ્રીય આકાંક્ષા અભિવ્યકત થાય છે, તેથી આ મંત્ર પ્રાચીન ભારતનું રાષ્ટ્રગીત છે.
No comments:
Post a Comment