Google Search

Friday, June 15, 2012

તપસ્વિની – દિગંબર સ્વાદિયા


ચાલીસ બેતાલીસ વર્ષો પહેલાંનો એ પ્રસંગ આજે પણ મારા સ્મૃતિપટ ઉપર તાજો છે. એ દિવસોમાં હું આકાશવાણી, દિલ્હીના સમાચાર વિભાગમાં નોકરી કરતો હતો. એ વર્ષોમાં અધિક માસ આવ્યો ત્યારે થોડા દિવસ હરદ્વાર-ઋષિકેશમાં ગાળવા જવાની અમને ઇચ્છા થઇ. જરૂરી તૈયારી કર્યા પછી મારાં પત્ની કલ્પના અને બે ભૂલકાં – અર્ચના અને સુધાંશુ – સાથે મેં પ્રસ્થાન કર્યું. હરદ્વારના ગુજરાતી સમાજમાં ઉતરવાની સગવડ થઇ ગઇ. સાંજના ‘હર કી પૌડી’નાં ભક્તિ-સભર વાતાવરણમાં થતી ગંગાજીની આરતીનાં દર્શન કર્યાં. ગંગાના ધસમસતા પ્રવાહમાં ફૂલોના પડિયામાં દીપ પ્રગટાવીને તેને નદીમાં તરતો મૂકવાની અને પાણી ઉપર તેને હાલક ડોલક ઝૂલતો જતો જોવાની ખૂબ મજા આવી. કનખલ, ભારત માતા મંદિર,અને અન્ય આશ્રમો પણ જોયા.
હરદ્વારથી ઉ.પ્ર.રોડવેઝની બસમાં રૂષિકેશ પહોંચ્યા. ત્યાં ‘મુનિ કી રેત’ ખાતે શ્રી શિવાનંદ આશ્રમ છે
એની મને ખબર હતી. હકીકતમાં દિલ્હી નોકરી માટે જવાનું થયું એ પહેલાંનાં પાંચેક વર્ષો અગાઉ કેવળ જિજ્ઞાસા ખાતર મેં સ્વામી શિવાનંદજીને લખેલા એક પત્રનો તેમણે મને જવાબ લખ્યો હતો અને આશ્રમ
જોવા આવવાનું સૂચન પણ કર્યું હતું. સંજોગોવશાત ત્યારે જઇ શક્યો નહોતો. આથી સહ-કુટુંબ ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાંનો ભવ્ય ગંગા કિનારો, કિનારે બંધાયેલું આલિશાન ગુજરાત ભવન, સ્વામીજીની કુટિર,
આશ્રમની હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, અન્નક્ષેત્ર, સડકની સામે ટેકરી ઉપર આવેલું શ્રી વિશ્વનાથ મંદિર, ભોજનાલય, સ્વામીજીની સમાધિ, યોગ વેદાંત મુદ્રણાલય વગેરે જોઇને અમે ખૂબ પ્રસન્નતા અનુભવી. ત્યાંથી થોડે દૂર લક્ષ્મણ ઝૂલા હતો. (હવે તો આશ્રમ પાસે જ શિવાનંદ ઝૂલા પણ બની ગયો છે.) સામે પાર પરમાર્થ નિકેતન, ગીતા ભવન વગેરે આશ્રમો દેખાતા હતા અને ત્યાં જવા માટે એ વખતે હોડીની નિ:શુલ્ક સેવા મળતી હતી.
મંદિરનાં પ્રાંગણમાં જ એક વિશાળ સત્સંગ ખંડ હતો. અમને કહેવામાં આવ્યું હતું કે એ ખંડમાં ‘ૐ નમો નારાયણાય’નો અખંડ જાપ ચાલે છે અને અમે પણ તેમાં ભાગ લઇ શકીએ છીએ. એ ખંડમાં દિવ્ય જીવન સંઘના વિદ્વાન સ્વામીઓનાં ગીતા, યોગ તેમજ અન્ય વિષયો પર પ્રવચનો થતાં અને અમે તેમાં હાજરી આપતા. એ પ્રસંગે સ્વામી કૃષ્ણાનંદજી, સ્વામી અધ્યાત્માનંદજી વગેરેનાં પ્રેરક પ્રવચનો સાંભળવાનો લહાવો લીધો હતો. એ પછી તો અનુકૂળતા મળતી એ પ્રમાણે આશ્રમની મુલાકાતે ઘણી વાર જવાનું થયું છે.
એ હોલમાં પ્રવેશતાં જ ડાબી અને જમણી તરફ સંગેમરમરની બે અત્યંત મનમોહક પ્રતિમાઓ જોઇ શકાતી હતી. એમાંથી એક ચામુંડા માતાની હતી. બીજી મા સરસ્વતીની હતી એવું સ્મરણ થાય છે. એ મૂર્તિઓ જોઇને હું ખૂબ પ્રભાવિત થયો હતો. એ કોણે અને ક્યારે બનાવી હશે એ જાણવાની સ્વાભાવિકપણે મને
ઉત્કંઠા હતી; ત્યાં જ એક સ્વામીજીએ મને સમજાવ્યું કે દેશ વિદેશથી અનેક સાધકો સ્વામીજીના સાન્નિધ્યમાં સાધના કરવા આવતાં રહેતાં હતાં. એ રીતે થોડાં વર્ષો પહેલાં જર્મનીથી એક સાધિકા તેમનાં દર્શને આવી
હતી. અહીંનું વાતાવરણ અને સ્વામીજીની પ્રતિભા જોઇને તેણે સ્વદેશ પાછા ફરવાનો વિચાર માંડી વાળ્યો અને સ્વામીજીની અનુમતિ મેળવીને તે આશ્રમની સેવામાં ઓતપ્રોત થઇ ગઇ. સ્વામીજીએ તેને દીક્ષા આપી અને તેને ‘ઉમા’ નામ આપ્યું એવું તેમણે મને કહ્યું હોવાનું સ્મરણ થાય છે. કાલાંતરે સ્વામીજીએ સમાધિ લીધા પછી તેનું મન ઉદાસ રહેવા લાગ્યું. તેને આસપાસના પહાડોમાં જઇને એકાંતમાં સાધના ચાલુ રાખવાનો વિચાર આવ્યો. ખૂબ મનોમંથન પછી અને આશ્રમના વરિષ્ઠ સ્વામીઓની સલાહ લઇને તે આસપાસના કંદરાઓ ઘૂમી વળી. છેવટે તેને લક્ષ્મણ ઝૂલાથી થોડે દૂર એક પહાડ ઉપર એક અવાવરૂ ગુફા મળી આવી. તેના આગળના પ્રવેશ માર્ગ આડા મોટા પત્થરો પડ્યા હતા. તેની પાછળના ભાગમાં એક સાંકડું
બાંકોરું હતું પણ તેની આગળ પણ કાંટાં ઝાંખરાંનાં ઝૂંડ હતાં. તેમણે હિંમત હાર્યા વિના એ રસ્તો સાફ કર્યો અને ધીમેથી એ અંધારી ગુફામાં પ્રવેશ્યાં.
ત્યાર પછી તેમણે ગુફા અંદરથી સાફ કરી અને તેનાં પ્રવેશદ્વાર પાસે નાનકડી ઝાંપી બનાવી. તેમના શિલ્પકામના શોખને ગુફામાં પણ થોડો વખત પોષ્યો અને બીજી એકાદ બે પ્રતિમાઓ બનાવી. તેમને સંગીતનો શોખ હતો એટલે તેમની સિતાર પણ ત્યાં પડી હતી. તેમણે પૂજાસ્થાન બનાવીને ત્યાં ધૂપ દીપ વગેરે રાખ્યાં. એ જ ગુફાની બહાર સહેજ ઊંચાઇ પર બીજી એક બખોલ હતી જ્યાં તેમણે પોતાનો નિવાસ રાખ્યો હતો. નીચેના પરમાર્થ નિકેતનના સહકારથી એકાદ બે સ્થાનિક માણસો જંગલમાંથી જડીબુટ્ટી લાવી, માતાજીની સૂચના પ્રમાણે ખાંડીને તૈયાર કરતા એવું અમે જોઇ શક્યા. ગુફામાં નાનું પૂજાસ્થાન પણ બનાવવામાં આવ્યું હતું.
આવાં તપસ્વિનીનાં દર્શન કરવાની મને ઇચ્છા થઇ પણ અજાણી ભોમકામાં એકલા સાહસ નહિ કરવાની મને સલાહ મળી. એ દિવસોમાં રાજકોટથી મોટી ઉમરનાં કેટલાંક બહેનો અધિક માસ નિમિત્તે આશ્રમમાં ઉતર્યાં હતાં અને તેઓએ પણ મારી સાથે તપસ્વિનીનાં દર્શને આવવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં તેમને ચઢાણનાં જોખમોની વાત કરી પણ તેમણે હિંમત બતાવી. અમારો કાફલો સવારના નવેક વાગ્યા પછી ઉપડ્યો. લક્ષ્મણ ઝૂલા પાર કરીને નિર્ધારિત કેડીએ અમે ચઢાણ શરુ કર્યું. કાચો રસ્તો હતો એટલે આ બધાંને સંભાળપૂર્વક ચાલવાનું અમે કહ્યું. આટલા કાફ્લામાં પુરુષોમાં હું એકલો જ હતો એટલે સાવધ રહેવું પડતું. એકાદ કલાક પછી સામેની ભેખડ નીચે એક વીરડો દેખાયો, જેમાં ઠંડું સ્વચ્છ પાણી પહાડમાંથી આવતું હતું. અમે સહુએ પાણી પીધું અને હાથ-મોં પણ ધોયાં તો ય પાણી ઘટ્યું કે ઢોળાયું નહીં. તાજામાજા થઇને અમે આગળ ચાલ્યા અને વીસેક મિનિટમાં યથાસ્થાને પહોંચ્યા.
ગુફા બંધ હતી. જો કે ઝાંપીમાંથી અંદર દીવો બળતો જોઇ શકાતો હતો; સિતાર પડી હતી અને એકાદ બે મૂર્તિઓ બનેલી જોવા મળતી હતી. બહાર બેસીને જડીબુટ્ટી ખાંડતા બે માણસોને અમે માતાજી વિશે પૂછ્યું તો
તેમણે ઉપરની નાની ગુફા તરફ આંગળી ચીંધીને કહ્યું કે ‘તેઓ ત્યાં છે. તમે ચઢાણની શરૂઆત કરી હશે ત્યાં જ તેમને તમારા આવવાની જાણ થઇ ગઇ હતી.’ અમે ગુફા જોવાની ઇચ્છા પ્રદર્શિત કરી. બહારથી તાળું હતું.
બરાબર એ જ વખતે ઉપરની ગુફા આગળ પડેલી મોટી શિલાની પાછળ શ્વેત વસ્ત્રે લપેટેલાં એ માતાજીએ ડોકું કાઢ્યું. અમે સહુએ પ્રણામ કર્યાં, અમારી સાથે આવેલાં બહેનો તો ભાવવિભોર બનીને તેમનો ચરણસ્પર્શ કરવા અને તેમને ચરણે પૈસા ધરવા અધીરાં થયાં પણ તેમણે અમને એમ કરતાં વાર્યાં. ત્યાં રહેલા માણસોએ અમને તેમની સાથે માત્ર હિન્દીમાં જ બોલવાની સૂચના આપી. મેં તેમને ગુફામાં જઇને દર્શન કરવા દેવા માટે વિનંતી કરી. તેમણે પેલા માણસોને તાળું ખોલી દેવા કહ્યું. અમે ગુફામાં દર્શન કર્યાં. અંદર અદ્દભૂત શાંતિ હતી. અમે બહાર આવ્યાં પછી માતાજીએ અમને કહ્યું, ‘આપ સબ લોગ બહોત દૂર સે આયે હૈં…. વાપસ જાને મેં ભી સમય લગેગા…ધૂપ હો ગઇ હૈ ઔર આપ કે સાથ છોટે બચ્ચે હૈં ઇસ લીયે અબ આપ લોગ આરામ સે લૌટ જાઇયે.’
અમને એટલી સૂચના આપીને તેઓ પાછાં અંતર્ધ્યાન થઇ ગયાં. અમે દસેક મિનિટ આરામ કરીને નીચે ઉતરવા લાગ્યાં. રસ્તો કાચો અને પથરાળ હતો એટલે ખૂબ આસ્તેકથી ઉતરવાનું હતું. વચ્ચે થોડી વાર વિશ્રામ કરતાં કરતાં દોઢેક કલાક પછી અમે હેમખેમ પાછાં ફર્યાં ત્યારે કોઇ દૈવી શક્તિનો સાક્ષાત્કાર થયાની અનુભૂતિ થતી હતી.

No comments:

Post a Comment