Google Search

Monday, June 18, 2012

પ્રસન્નતાની પાંખડીઓ – ફાધર વાલેસ


[1] અપરિગ્રહ
વૃદ્ધ સ્ત્રી દાતણનો રોજનો ઢગલો વેચવા શેરીના નાકે બેઠી હતી, અને રોજ કરતાં આજે થોડીક વારમાં આખો ઢગલો વેચાઈ ગયો હતો એમાં એક ઘરાક આવીને નિરાશ થયો કે આજે દાતણ નહિ મળે એટલે વૃદ્ધાને કહેવા લાગ્યો : ‘માજી, આજે જલ્દી જલ્દી તમારો માલ વેચાઈ ગયો. હજી બહુ વહેલું છે એટલે જઈને બીજો ઢગલો લાવીને આજે તમારી કમાણી બમણી કરો.’
વૃદ્ધાએ જવાબ આપ્યો : ‘બમણી કમાણી ? એની મારે શી જરૂર છે ? આજે આજનું તો મળી ગયું, અને કાલે કાલનું મળી જશે. બમણી કમાણી કોને જોઈએ ?’ – આનું નામ તે સાચો અપરિગ્રહ.
[2] ધર્મ
જિજ્ઞાસુએ ગુરુની પાસે જઈને પૂછ્યું : ‘ધર્મ એટલે શું ?’ ગુરુએ કહ્યું : ‘એ સમજાવતાં મને ચાળીશ વર્ષ લાગે. પણ તમને ઉતાવળ હોય તો પાંચ મિનિટમાં તમને સમજાવી શકે એવા ગુરુ તમને બતાવું.’
જિજ્ઞાસુએ બીજા ગુરુને પૂછ્યું : ‘ધર્મ એટલે શું ?’
ગુરુએ કહ્યું : ‘ધર્મ એટલે સૌનું કલ્યાણ.’
‘અને સૌનું કલ્યાણ એટલે શું ?’
‘એ સમજાવતાં મને ચાલીશ વર્ષ લાગશે.’ – ઉતાવળે આંબા ન પાકે.
[3] મહોરની ગરજ
ગરજવાળાએ ભગવાનને પ્રાર્થના કરી : ‘હે ભગવાન, તુ અનંત છે, સર્વવ્યાપી છે, સર્વસમર્થ છે. તારા માટે એક યુગ તો એક ઘડી છે, અને હજાર વર્ષ તો એક જ મિનિટ છે. તો મને એક હજાર સોનામહોર આપ !
ભગવાને જવાબ આપ્યો : ‘એક મિનિટ ઊભો રહે !’
[4] ડાહ્યો
ગુરુએ જાહેરાત કરી : ‘કાલે દેશનું બધું પાણી આપવાનું બંધ થશે અને પરમ દિવસે નવું પાણી અપાશે. જે જે આ નવું પાણી પીશે તે બધાં ગાંડા થઈ જશે.’ અને ગુરુ જતા રહ્યા.
કોઈએ એની વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. ફકત એક માણસ માની ગયો અને પોતાના ઘરમાં વાસણો ભરીને સારું પાણી રાખ્યું.
નવું પાણી આવ્યું અને બધા લોકો ગાંડા થતા રહ્યા. ગાંડું બોલતા અને ગાંડુ કાઢતા, પણ બધાં એવું કરતાં એટલે કોઈને કંઈ ખોટું થતું હોય એમ લાગ્યું નહિ. ફક્ત ડાહ્યો રહેલો માણસ એ જોતો અને જોઈને દુ:ખી થતો. એ બધાને સમજાવવા ગયો કે આ તો ગાંડપણ છે, એ છોડીને ફરી બધાં ડાહ્યાં થઈ જાઓ. પણ એની વાત સાંભળીને બધાં હસતાં, અને ઊલટું, એ ગાંડો છે એમ બધાં કહેતાં.
ડાહ્યા માણસે ડાહ્યા રહેવા માટે ઘણું સહન કર્યું, ઘણા પ્રયત્નો કર્યા પણ એનું જીવન અસહ્ય બની ગયું. આખરે પોતાનું પાણી ઢોળીને એણે નવું પાણી પીધું અને એ ગાંડો થયો ત્યારે એ ડાહ્યો થયો હતો એનો ઉત્સવ બધા લોકોમાં ઊજવાયો.
શું, હું એકલો ડાહ્યો છું અને બધાં ગાંડાં છે ? એ વિચાર આવે ત્યારે જાગૃતિનું પહેલું પગલું આવ્યું સમજવું.
[5] શોધ
ધર્મબોધ પછી ભગવાન બુદ્ધ બેઠા હતા. એમની બાજુમાં એમના પટ્ટ શિષ્ય આનંદ ઊભા હતા અને જિજ્ઞાસુઓને એક પછી એક ભગવાનને પ્રશ્નો પૂછવા આવવા દેતા હતા.
એક જિજ્ઞાસુએ આવીને બુદ્ધને પ્રશ્ન પૂછ્યો : ‘શું, ભગવાન છે ?’
બુદ્ધે જવાબ આપ્યો : ‘ના.’
બીજાએ આવીને પૂછ્યું : ‘શું ભગવાન છે ?’
જવાબ મળ્યો : ‘હા’
થોડી વારમાં ત્રીજાએ પૂછ્યું : ‘શું ભગવાન છે ?’
અને બુદ્ધે મૌન રહીને જવાબ આપ્યો નહિ.
બધા ગયા પછી આનંદે આશ્ચર્ય બતાવીને પોતાનો પ્રશ્ન પૂછ્યો : ‘શું, ત્રણે માણસ એનો એ જ પ્રશ્ન પૂછે અને આપે દરેકને સાવ જુદા જુદા જવાબ આપ્યા તેથી શું સમજવું ?’
બુદ્ધે જવાબ આપ્યો : ‘પહેલો માણસ નાસ્તિક હતો અને નાસ્તિક રહેવાનો હતો. એની સાથે ચર્ચા કરવાનો શો અર્થ ? બીજો માણસ આસ્તિક હતો અને આસ્તિક રહેવાનો જ હતો. એને બીજાઓને આસ્તિક બનાવવા દલીલો જોઈતી હતી. પણ દલીલ કરવાનો શો અર્થ ? ત્રીજો માણસ સત્ય શોધતો હતો. અને સત્ય શોધનારને સત્ય શોધતો રહેવા દેવો જોઈએ. – માણસ એવો જવાબ.
[6] દૂર
આદિ કાળમાં સ્ત્રીપુરુષો હંમેશાં નીચે વળેલાં રહેતાં અને ચારે પગે ચાલતાં, કારણકે આખી પૃથ્વીની આસપાસ ભગવાન નીચે ને નીચે પથરાયેલો હતો.
એક દિવસ એક ખેડૂતે ખેતી કરતાં પાવડો ઊંચો કર્યો એટલે ભગવાનને વાગ્યું.
ખેડૂત કહે : ‘હે ભગવાન, માફ કરજો. મારું ધ્યાન નહોતું.’
ભગવાન કહે : ‘કંઈ નહિ, તારું કામ કરતો રહે.’
ખેડૂત કહે : ‘પગે પડું છું પણ તમે જરા ઊંચા થાઓ તો સગવડ પડે.’ અને ભગવાન સહેજ દૂર ઉપર તરફ ગયા.
ખેડૂતનો પાવડો ફરીથી બેધ્યાનપણાથી ઊંચો થયો અને ભગવાનને વાગ્યો.
‘માફ કરજો, ભગવાન. મારું ધ્યાન નહોતું.’
‘કંઈ નહિ. હું આ વધારે ઊંચો થાઉં છું. જેથી તને સગવડ રહે.’
ત્રીજી વાર જ્યારે ભગવાનને વાગ્યું ત્યારે એને લાગ્યું કે હું દૂર જાઉં તો સારું. એટલે એ ઊંચે ને ઊંચે આકાશમાં જતો રહ્યો. હવે સ્ત્રીપુરુષો ઊભાં ટટ્ટાર થયાં, વૃક્ષો મોટાં થયાં, પર્વતો ઊંચા થયા, પક્ષીઓ ઊડી શક્યાં અને આખી પૃથ્વી ફળી ઊઠી.

No comments:

Post a Comment