Google Search

Monday, June 18, 2012

સુપ્રભાત – સંકલિત


[1] આ પણ પસાર થઈ જશે.
આ પણ પસાર થઈ જશે
અનુકૂળતામાં, સુખમાં જ્યારે છકી જવાય અને
પ્રતિકૂળતામાં, દુ:ખમાં જ્યારે ગભરાઈ જવાય
ત્યારે સમતુલા અને સમભાવ જાળવવા વિચારો કે
આ પણ પસાર થઈ જશે.
સર્વ સ્થિતિમાં,
સુખમાં કે દુ:ખમાં,
ધનિક અવસ્થામાં કે નિર્ધન અવસ્થામાં,
રોગી સ્થિતિમાં કે નિરોગી સ્થિતિમાં,
પ્રશંસા પામતા હો ત્યારે કે તિરસ્કૃત થતા હો ત્યારે,
લાભ થતો હોય ત્યારે કે ખોટ જતી હોય ત્યારે,
આ એક જ સૂત્ર પર દષ્ટિ રાખો કે,
આ પણ પસાર થઈ જશે…
[2] ટૅકનોલોજીમાં થઈ રહેલી પ્રગતિને ગુરુ આવકારતા હતા, પણ તેની મર્યાદાઓ વિશે પણ તે સભાન હતા. તેમણે કહ્યું : ‘જીવનનો ઉદ્દેશ મનુષ્યને પૂર્ણપણે વિકસિત કરવાનો છે, પણ આજકાલ લોકો વસ્તુઓને પૂર્ણ વિકસિત કરવામાં લાગી પડેલા છે.’
[3] પ્રસન્નતા
કોલાહલ અને ધમાલ વચ્ચે શાંત ભાવથી વિચરો
અને યાદ કરો કે નીરવતામાં કેટલી નિરાંત રહી છે.
બને ત્યાં સુધી નમી પડ્યા વિના સહુ
સાથે નરમાશથી સંબંધ જાળવી રાખો.
તમારું સત્ય શાંતિથી અને સ્પષ્ટતાથી કહો. બીજાઓની, અબુધ ને
અણસમજુની વાત પણ સાંભળો. તેમને પણ કાંઈક કહેવાનું હોય છે.
વાચાળ અને આક્રમક લોકોથી બચો;
તેઓ તો જીવ ખાઈ જતા હોય છે.
તમે જો હંમેશાં તમારી સરખામણી બીજાઓ સાથે કર્યા
કરશો, તો તમે ઘમંડી અને કટુ બની જશો. કારણકે તમારાથી
મોટા અને તમારાથી નાના માણસો તો હંમેશાં રહેવાના.
તમારી સફળતાઓ તેમ જ તમારી યોજનાઓનો પણ આનંદ માણો.
તમારા પોતાના કાર્યમાં રસ લો, પછી ભલે
તે ગમે એટલું સામાન્ય હોય. કારણકે સમયની
ચડતી-પડતીમાં એ એક જ સ્થાયી સંપત્તિ છે.
તમારી વ્યાવહારિક બાબતોમાં સાવધાન રહો,
કારણકે દુનિયા છેતરપિંડીથી ભરી પડી છે –
પણ તેથી જગતમાં જે કાંઈ સારું છે તેની સામે
આંખ બંધ કરી ન દેશો. જગતમાં એવા કેટલાય માણસો છે,
જેઓ ઊંચા આદર્શો માટે ઝઝૂમી રહ્યા છે,
અને જીવન સર્વત્ર વીરતાથી સભર છે.
તમે છો તેવા જ સ્વાભાવિક રહો. ખાસ તો,
પ્રેમનો દેખાવ ન કરો. એજ રીતે પ્રેમ વિશે વક્રદ્રષ્ટિ
પણ ન રાખો, કારણકે તમામ નીરસતા અને
નિર્ભ્રાન્તિ વચ્ચે તે એક જ ઘાસની જેમ નિત્ય છે.
અવસ્થાની સલાહ સહાનુભૂતિપૂર્વક સંભાળો.
જુવાનીની વાતોને ગરિમાપૂર્વક છોડતા રહો.
અચાનક ઘેરી વળતી વિપત્તીથી બચવા આત્મબળનું સંવર્ધન કરો.
પણ અનિષ્ટની આશંકાઓથી પરેશાન ન બનો.
ઘણા ભય તો થાક અને એકલતામાંથી ઊભા થતા હોય છે.
હિતકારી અને તંદુરસ્ત યમનિયમ પાળવા ઉપરાંત તમારી જાત
પ્રત્યે સૌમ્ય બનો. આ વૃક્ષો અને તારાઓ છે એવાં જ તમે આ
વિશ્વનાં સંતાન છો. અહીં નિવાસ કરવાનો તમારો અધિકાર છે.
અને તમારી સામે એ સ્પષ્ટ હોય કે ન હોય,
આ વિશ્વ જે રીતે પ્રગટ થવું જોઈએ એ રીતે જ પ્રગટ થઈ રહ્યું છે,
એટલા માટે ભગવાનની સાથે સુલેહ કરો, પછી
ભગવાન વિશેની તમારી કલ્પના ગમે તે હોય.
અને આ જીવનની ધાંધલ-ધમાલમાં તમારી મહેનત અને
મહત્વાકાંક્ષા ગમે તે હોય, તમારા આત્મા સાથે પણ સુલેહ જાળવજો.
તમામ છલના, વેઠ અને છિન્નભિન્ન સ્વપ્નો છતાં,
આ જગત હજુ પણ સુંદર છે.
સજાગ રહો.
પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરો.

No comments:

Post a Comment