Google Search

Sunday, June 17, 2012

ગીતા પ્રવચનો – વિનોબા


[અધ્યાય : બીજો - આત્મજ્ઞાન અને સમત્વ-બુદ્ધિ]
ભાઈઓ, ગયે વખતે આપણે અર્જુનનો વિષાદયોગ જોયો. અર્જુનના જેવી ઋજુતા અને હરિશરણતા હોય તો વિષાદનો પણ યોગ બને છે. એને જ હૃદયમંથન કહે છે. સંકલ્પકારોની માફક ગીતાની આ ભૂમિકાને અર્જુન-વિષાદયોગ એવું વિશેષ નામ ન આપતાં મેં વિષાદયોગ એવું સર્વસામાન્ય નામ આપ્યું છે; કેમ કે ગીતાને માટે અર્જુન કેવળ એક નિમિત્ત છે. પંઢરીના પાંડુરંગનો અવતાર એકલા પુંડલીકને સારું થયો છે એવું નથી. પુંડરીકને નિમિત્ત બનાવી તે આપણા જડ જીવોના ઉદ્ધારને સારું આજ હજારો વરસોથી ઊભો છે એ આપણે જોઈએ છીએ. એ જ પ્રમાણે ગીતાની કૃપા અર્જુનને નિમિત્તે થઈ હોવા છતાં તે આપણા સૌને સારું છે. એથી ગીતાના પહેલા અધ્યાયને વિષાદયોગનું સામાન્ય નામ જ શોભે છે. અહીંથી ગીતાનું વૃક્ષ વધતું વધતું છેલ્લા અધ્યાયમાંના પ્રસાદયોગરૂપી ફળ સુધી પહોંચવાનું છે. ઈશ્વરની ઈચ્છા હશે તો આપણી આ જેલની કારકિર્દીમાં આપણે પણ ઠેઠ ત્યાં જઈ પહોંચીશું.
બીજા અધ્યાયથી ગીતાની શીખનો આરંભ થયો છે અને શરૂઆતમાં જ ભગવાન જીવનના મહાસિદ્ધાંતો બતાવે છે. જેના પર જીવનની ઈમારત ઊભી કરવાની છે તે જીવનનાં મુખ્ય તત્વો પહેલાં ગળે ઊતરી જાય તો પછી આગળનો રસ્તો સહેલો થઈ જાય એવી દષ્ટિ એમાં રહેલી છે. ગીતાના બીજા અધ્યાયમાંના સાંખ્યબુદ્ધિ શબ્દનો અર્થ હું જીવનના મૂળભૂત સિદ્ધાંત એવો કરું છું. એ મૂળ સિદ્ધાંત હવે આપણે જોવાના છે. પણ તે પહેલાં આ સાંખ્ય શબ્દના પ્રસંગથી ગીતામાં વપરાયેલા પારિભાષિક શબ્દોના અર્થની બાબતમાં થોડો ખુલાસો કરી લેવો સારો.

જૂના શાસ્ત્રીય શબ્દો નવા અર્થમાં વાપરવાની ગીતાની ખાસિયત છે. જૂના શબ્દો પર નવા અર્થોની કલમ બાંધવી એ વિચારક્રાંતિની અહિંસક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં વ્યાસની ખાસ હથોટી બેસી ગયેલી છે. આથી ગીતામાં વપરાયેલા શબ્દોને વ્યાપક સામર્થ્ય મળ્યું હોઈ ગીતા તાજી, નરવી અને પ્રફુલ્લિત રહી છે અને અનેક વિચારકો પોતપોતાની જરૂર તેમ જ પોતપોતાના અનુભવ પ્રમાણે તેમાંથી અનેક અર્થ ઘટાવી શક્યા છે. એ બધા અર્થો જેની તેની ને જે તે ભૂમિકા પરથી સાચા હોઈ શકે. અને તે અર્થોનો વિરોધ કરવાની જરૂર ન રહેતાં આપણે સ્વતંત્ર અર્થ કરી શકીએ છીએ એવી મારી પોતાની દષ્ટિ છે.
આ સંબંધમાં ઉપનિષદમાં એક મજાની વાત છે. એક વખત દેવ, દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેને ઉપદેશમાં ‘દ’ એટલો એક જ અક્ષર આપ્યો. દેવોએ કહ્યું : ‘અમે દેવો કામી રહ્યાં; અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો. અમને પ્રજાપતિએ ‘દ’ અક્ષરથી દમન કરો એમ શીખવ્યું. દાનવોએ કહ્યું : ‘અમે દાનવો ક્રોધી; દયાથી અમે આઘા રહેલા. પ્રજાપતિએ ‘દ’ અક્ષર વડે અમને દયા કરો એમ શીખવ્યું. માનવો એ કહ્યું : ‘અમે માનવો લોભી; અમે સંઘરો કરવા પાછળ પડેલા. ‘દ’ અક્ષરથી દાન કરો એવું પ્રજાપતિએ અમને શીખવ્યું.’ પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા કેમ કે બધાયને તે પોતાના અનુભવમાંથી લાધ્યા હતા. ગીતામાં આવતી પરિભાષાનો અર્થ કરતી વખતે ઉપનિષદમાં આ વાર્તા આપણે ખસૂસ ધ્યાનમાં રાખવી.
[જીવન સિદ્ધાંત – 1. દેહ વડે સ્વધર્માચરણ]
બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત રજૂ થયેલા છે. (1) આત્માની અમરતા અને અખંડતા. (2) દેહની ક્ષુદ્રતા અને (3) સ્વધર્મની અબાધ્યતા. આવા આ ત્રણ સિદ્ધાંતો છે. આમાંનો સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે એટલે કે આચરણમાં મૂકવાનો છે. અને બાકીના બે જ્ઞાતવ્ય છે એટલે કે જાણવાના છે. ગયે વખતે સ્વધર્મની બાબતમાં મેં થોડું કહ્યું હતું. આ સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતાં ખડા થઈ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હસ્તીમાં હતો. આપણાં માબાપ હતાં ને આપણાં પાડોશી પણ હતાં. આમ આપણો જન્મ આ ચાલુ પ્રવાહમાં થાય છે. જે માબાપને પેટે મેં જન્મ લીધો તેમની સેવા કરવાનો ધર્મ જન્મથી જ મને પ્રાપ્ત થયો છે. જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવી મળે છે. આપણા જન્મની સાથે જ આપણો સ્વધર્મ જન્મે છે; બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવુંયે ખોટું નથી. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે. તે પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. કોઈ કોઈ લોકો સ્વધર્મને પત્નીની ઉપમા આપે છે; અને પત્નીનો સંબંધ અવિચ્છેદ્ય એટલે કે તોડ્યો તોડી ન શકાય એવો મનાયો છે તેમ સ્વધર્મનો ને આપણો સંબંધ અવિચ્છેદ્ય છે એવું તેનું વર્ણન કરે છે. મને આ ગૌણ લાગે છે. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેતી નથી. તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. મા ગમે તેવી હોય, મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ છીએ. અને તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હોય નહીં. આ જીવનનો એક મૂળભૂત સિદ્ધાંત ઠરે છે.
સ્વધર્મ એવો સહેજે આવી મળનારો છે કે માણસને હાથે સહેજે તેનું આચરણ અથવા પાલન થયા વગર રહે નહીં. પણ તરેહતરેહના મોહને લીધે એમ થતું નથી, અથવા તેમાં પાર વગરની મુશ્કેલી પડે છે, અને પાલન થાય છે તોયે તેમાં ઝેર ભેળવેલું હોય છે. સ્વધર્મના રસ્તામાં કાંટા પાથરનારા મોહનાં બાહ્ય રૂપોની સંખ્યાનો પાર નથી. છતાં તે બધાં રૂપોનું પૃથક્કરણ કરતાં તે બધાંના મૂળમાં જે એક મુખ્ય વાત જોવાની મળે છે તે સંકુચિત તેમ જ છીછરી એવી દેહબુદ્ધિની છે. હું અને મારી સાથે મારા શરીર સંબંધથી બંધાયેલાં માણસો, તેટલી જ મારી વ્યાપ્તિ. એની બહારના તે બધા મારા નહી, પારકા અથવા દુશ્મન, એવી ભેદની દીવાલ આ સંકુચિત ને છીછરી એવી દેહબુદ્ધિ ઊભી કરે છે. અને એ દેહબુદ્ધિ મારી પોતાની બાબતમાં અથવા જેમને મેં મારાં માન્યાં હોય તેમની બાબતમાં પણ શરીરને જ જુએ છે. દેહબુદ્ધિના આ બેવડા કૂંડાળામાં ફસાઈને આપણે આપણા જીવનમાં જાતજાતનાં ખાબોચિયાં બનાવીએ છીએ. ઘણુંખરું સૌ કોઈ એ ખાબોચિયાં બાંધવાના ધંધામાં જ મંડ્યા રહે છે. કોઈનાં ખાબોચિયાં નાનાં તો કોઈનાં મોટાં એટલો જ ફેર. પણ આખરે એ બધાં મોટાં કે નાનાં પણ ખાબોચિયાં જ રહે છે. આ શરીરની ચામડીથી એ ખાબોચિયાનું ઊંડાણ કે ફેલાવો આગળ વધતો નથી. કોઈ કુટુંબના અભિમાનનું બંધિયાર ખાબોચિયું બાંધી તેમાં મગ્ન રહે છે. તો કોઈ વળી દેશાભિમાનના જરા મોટા ખાબોચિયા સુધી પહોંચે છે. બ્રાહ્મણ-બ્રાહ્મણેતરનાં ખાબોચિયાં, હિંદુ-મુસલમાનનાં ખાબોચિયાં એમ એક યા બીજે નામે ખાબોચિયાંનો સુમાર નથી. જ્યાં જોશો ત્યાં આ બંધિયાર નાનાં કે પછી મોટાં ખાબોચિયાં વગર બીજું જોવાનું નહીં મળે. અરે, આ જેલમાં સુદ્ધાં આપણે રાજદ્વારી કેદીઓ ને ઈતર કેદીઓ એવાં ખાબોચિયાં બનાવ્યા વિના રહ્યા નથી ! કેમ જાણે એ વગર આપણને જીવવાનું ફાવતું જ નથી ! પણ એનું પરિણામ શું આવે છે ? એક જ. હલકા વિચારોનાં જંતુઓ ફેલાયા કરે છે અને સ્વધર્મરૂપી તંદુરસ્તીનો નાશ થયા કરે છે.
[જીવનસિદ્ધાંત – 2. દેહાતીત આત્માનું ભાન]
આવી દશામાં એકલી સ્વધર્મની નિષ્ઠાથી પહોંચી નહીં વળાય. એ માટે બીજા બે સિદ્ધાંતોનું ભાન જાગતું રાખવાની જરૂર છે. આજ મરે કે કાલ મરે એવો આ નબળો દેહ હું નથી. શરીર કેવળ ઉપરનો નજીવો પોપડો છે, એ એમાંનો એક સિદ્ધાંત છે. હું કદીયે ન મરનારો અખંડ તેમ જ વ્યાપક આત્મા છું, એ એમાંનો બીજો સિદ્ધાંત છે. એ બંને મળીને એક સંપૂર્ણ તત્વજ્ઞાન બને છે. ગીતાને આ તત્વજ્ઞાન એટલું બધું અગત્યનું લાગ્યું છે કે તેનું આવાહન તેણે પહેલું કર્યું ને પછી સ્વધર્મનો અવતાર કર્યો. કોઈ કોઈ પૂછે છે કે તત્વજ્ઞાનના આ શ્લોકો શરૂઆતમાં શા માટે ? પણ મને પોતાને એમ લાગે છે કે જેની જગ્યા બિલકુલ બદલી ન શકાય એવા ગીતાના કોઈ શ્લોક હોય તો તે આ શ્લોકો છે. આટલું તત્વજ્ઞાન મનમાં બરાબર ઠસી જાય તો સ્વધર્મ અને તેનું પાલન જરાયે અઘરું નથી; એટલું જ નહીં, પછી સ્વધર્મ સિવાય બીજી કોઈ બાબતનું પાલન કે આચરણ અઘરું થઈ જાય. આત્મતત્વનું અખંડપણું અને દેહનું નજીવાપણું એ બે વાતો સમજવી અઘરી નથી. કેમકે બંને સત્ય વસ્તુઓ છે પણ એ બંને વાતોનો વિચાર કરતા રહેવું જોઈએ, તેમને વારંવાર ચિત્તમાં વાગોળવી જોઈએ. આપણી આ બહારની ચામડીનું મહત્વ ઓછું કરી અંદર રહેલા આત્માને મહત્વનો ગણતાં આપણે શીખવું જોઈએ.
આ દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. બાળપણ, જુવાની અને ઘડપણના ચક્રનો સૌને અનુભવ છે. આજના શાસ્ત્રજ્ઞો આગળ જઈને એટલે સુધી કહે છે કે સાત વરસમાં શરીર તદ્દન બદલાઈ જાય છે અને જૂના લોહીનું એક પણ ટીપું શરીરમાં બાકી રહેતું નથી. આપણા જૂના લોકો માનતા કે બાર વરસમાં જૂનું શરીર મરી જાય છે. અને તેથી પ્રાયશ્ચિત્તો, તપશ્ચર્યા, અધ્યયન વગેરેની મુદત એમણે બાર વરસની ઠરાવેલી. આપણે એવી વાતો સાંભળીએ છીએ કે ઘણાં વરસના વિયોગ પછી દીકરો માને મળ્યો ત્યારે તે તેને ઓળખી ન શકી ! તો શું આવો આ ક્ષણે ક્ષણે પલટાતો ને પ્રતિક્ષણે મરી જનારો દેહ એ તારું સાચું સ્વરૂપ છે કે ? રાત ને દિવસ જેમાં મળમૂત્રની નીકો વહે છે અને તારા જેવો જબરો ધોનરો મળેલો હોવા છતાં જેનું અસ્વચ્છતાનું વ્રત છૂટતું નથી તે તું છે કે ? તે અસ્વચ્છ, તું તેને સ્વચ્છ કરવાવાળો; તે રોગી, તું તેનાં દવાદારૂ કરવાવાળો; તે માત્ર સાડા ત્રણ હાથ જમીન પર પડી રહેનારો ને તું ત્રિભુવનવિહારી; તે નિત્ય પરિવર્તન પામનારો ને તું તેના પલટાઓનો જોવાવાળો સાક્ષી; તે મરવાવાળો ને તું તેના મરણની વ્યવસ્થા જોવાવાળો; આવો તારી ને તેની વચ્ચેનો ભેદ ચોખ્ખો હોવા છતાં તું સંકુચિત શાને રહે છે ? દેહના સંબંધો તેટલા જ મારા એમ શું કહ્યા કરે છે ? અને આવા આ દેહના મરણનો શોક શાને કરે છે ? ભગવાન પૂછે છે, ‘દેહનો નાશ એ વળી શોક કરવા જેવી બાબત હોય ખરી કે ?’
દેહ વસ્ત્ર જેવો છે. જૂનો ફાટી જાય છે તેથી તો નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમનો વળગી રહેતો હોત તો તેનું ઠેકાણું ન રહેત. બધોયે વિકાસ થંભી જાત. આનંદનો લોપ થાત અને જ્ઞાનની પ્રભા ઝાંખી પડી જાત. એથી દેહનો નાશ હરગિજ શોક કરવા યોગ્ય નથી. આત્માનો નાશ થતો હોત તો તે બીના ખરેખર ઘણો શોક કરવા જેવી થાત. પણ આત્મા તો અવિનાશી છે, આત્મા એક અખંડ વહેતો ઝરો છે. તેના પર અનેક દેહ આવે છે ને જાય છે. તેથી દેહની સગાઈમાં ફસાઈને શોક કરવો ને આ મારા ને આ પારકા એવા કકડા પાડવા એ તદ્દન ખોટું છે. બ્રહ્માંડ એક સુંદર વણેલું લૂગડું છે. નાનું છોકરું કાતર હાથમાં લઈ લૂગડાના કકડા કરે તે પ્રમાણે આ દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની છે ખરી કે ? બીજા કોઈ હિંસા છે ખરી કે ? જે ભારતભૂમિમાં બ્રહ્મવિદ્યાનો જન્મ થયો તે જ આ ભૂમિમાં નાનામોટા વાડાઓ અને નાનીમોટી ન્યાતોનો રાફડો ફાટી નીકળેલો જોવાનો મળે છે એ ખરેખર બહુ ખેદની વાત છે. અને અહીં મરણનો તો એટલો બધો ડર ઘર કરીને બેઠો છે કે તેટલો ભાગ્યે જ બીજે ક્યાંયે હશે. ઘણા લાંબા વખતથી ઊતરી આવેલી પરતંત્રતાનું એ પરિણામ છે એમાં જરાયે શક નથી; પણ મરણનો આવો ડર પરતંત્રતાનું એક કારણ છે એ વાત પણ ભૂલી ગયે ચાલે એવું નથી.
અરે ! મરણ શબ્દ કે તેનો ઉચ્ચાર પણ આપણે સહન કરી શકતા નથી ! મરણનું નામ લેવું આપણે ત્યાં અભદ્ર લેખાય છે. ‘અરે, મર એવો બોલ સહી શકતા નથી; અને મરે છે ત્યારે રડે છે’ – એવું જ્ઞાનદેવને બહુ દુ:ખ સાથે લખવું પડ્યું. કોઈ મરી જાય ત્યારે આપણે ત્યાં કેવી રડારોળ ને કેવી બૂમાબૂમ થાય છે ! અને આપણને એમ કરવાનું જાણે ખાસ કર્તવ્ય લાગે છે ! રડવાવાળાંને મજૂરી આપીને ભાડે બોલાવવા સુધી આપણે ત્યાં વાત પહોંચી છે ! મરણ સામું આવી ઊભું હોય છતાં આપણે રોગીને તેની વાત કરતા નથી; દાક્તર કહે કે આ હવે બચે એમ નથી તો પણ માંદાને ભરમમાં રખાય છે; દાક્તર પણ ચોખ્ખું કહેતો નથી અને છેવટ સુધી ગળામાં દવા રેડ્યા કરે છે. રોગીને સાચી વાત જણાવી ધીરજ આપી તેને ઈશ્વરના સ્મરણ તરફ વાળીએ તો તેના પર કેટલો ઉપકાર થાય ! પણ સૌને એક જ ધાક કે ધક્કો લાગવાથી માટલું આગળથી ફૂટી જાય તો ? પણ ફૂટતાં પહેલાં માટલું કેવી રીતે ફૂટવાનું હતું ? અને બે કલાક પછી જે ફૂટ્યા વગર રહેવાનું નથી તે જરા વહેલું ફૂટી ગયું તોયે શું થવાનું હતું ? આનો અર્થ એવો નથી કે આપણે કઠોર અને પ્રેમશૂન્ય થવું. પણ દેહાસક્તિ કંઈ પ્રેમ નથી. ઊલટું દેહાસક્તિમાંથી છૂટ્યા વગર ખરા પ્રેમનો કદી ઉદય થતો નથી.
દેહાસક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે એ વાત સમજાય. અને પછી દેહને તેને લાયકની સાચી પ્રતિષ્ઠા પણ મળ્યા વગર નહીં રહે. પણ આજે દેહની પૂજાને જ આપણે સાધ્ય માની બેઠા છીએ. આપણું સાધ્ય સ્વધર્મનું આચરણ છે એ વાત આપણે સાવ વીસરી ગયા છીએ. સ્વધર્મનું આચરણ બરાબર થાય તે સારું દેહનું જતન કરવું જોઈએ અને તેને ખાવાનું ને પીવાનું આપવું જોઈએ પણ જીભના ચસકા પૂરા કરવાની જરાયે જરૂર નથી. કડછી શિખંડમાં બોળો કે કઢીમાં બોળો, તેને તેનું સુખ નથી કે દુ:ખ નથી. જીભનું એવું થવું જોઈએ તેને રસનું એટલે કે સ્વાદનું જ્ઞાન હોવું જોઈએ પણ તેનું સુખ કે દુ:ખ ન હોવું જોઈએ. શરીરનું ભાડું શરીરને ચૂકવી દીધું કે કામ પત્યું. રેંટિયા પાસેથી સૂતર કંતાવવું છે માટે તેમાં તેલ પૂરવું જોઈએ. તેવું જ શરીર પાસેથી કામ લેવાનું છે માટે તેમાં કોલસો પૂરવો જોઈએ. આ ઢબે દેહનો ઉપયોગ કરવાથી તે અસલમાં ક્ષુદ્ર હોવા છતાં કિંમતમાં વધી શકે અને તેને પોતાને છાજતી પ્રતિષ્ઠા પણ મળે.
પણ દેહને સાધન તરીકે ન વાપરતાં આપણે તેમાં ડૂબી જઈ આત્માનો સંકોચ કરીએ છીએ. એથી મૂળમાં ક્ષુદ્ર એવો દેહ વધારે ક્ષુદ્ર બને છે. એથી જ સંતો ઠોકી ઠોકીને કહે છે કે દેહ અને દેહના સંબંધોને વખોડી કાઢો ને છોડો; નહીં તો કૂતરાં ને ડુક્કરની પૂજા કરવી શી ખોટી ? અરે જીવ ! દેહની અને દેહની સાથે જેમનો સંબંધ બંધાય છે તેમની જ આખો વખત પૂજા કર મા. બીજાંને પણ ઓળખતાં શીખ. સંતો આપણને આ રીતે આપણી જાતને વ્યાપક બનાવવાને આગ્રહ કરે છે. આપણાં સગાંવહાલાં ને મિત્રો સિવાય બીજાંઓની પાસે પોતાનો થોડો સરખોયે આત્મા આપણે લઈ જઈએ છીએ ખરા કે ? જીવને જીવમાં પરોવવો ને આત્માને આત્મામાં ભેળવવો, એવું આપણે કરીએ છીએ ખરા કે ? આપણા આત્મહંસલાને આ પિંજર બહારની હવા આપણે લગાડીએ છીએ ખરા કે ? મારા માની લીધેલા કૂંડાળાને ભેદીને કાલે મેં દસ નવા મિત્રો બનાવ્યા, આજે તેના પંદર થયા, કાલે પચાસ થશે; આમ કરતાં કરતાં એક દિવસ આખું વિશ્વ મારું ને હું આખાયે વિશ્વનો એવો અનુભવ કર્યા વિના હું રહેવાનો નથી, એવું કદી તમારા મનમાં થાય છે ખરું કે ? આપણે જેલમાંથી સગાંવહાલાંને કાગળ લખીએ છીએ તેમાં નવાઈ શી છે ? પણ જેલમાંથી છૂટેલા એકાદ નવા દોસ્તને, રાજદ્વારી કેદી નહીં, ચોર કેદીને એકાદ કાગળ લખશો કે ?
આપણો આત્મા વ્યાપક થવાને ખરેખર તરફડિયાં મારે છે. આખા જગતને ક્યારે ભેટું એમ તેને થયા કરે છે. પણ આપણે તેને ગોંઘી રાખીએ છીએ. આત્માને આપણે કેદી બનાવી રાખ્યો છે. આપણને તે યાદ સરખો આવતો નથી. સવારથી માંડીને સાંજ સુધી આપણે દેહની સેવામાં મચ્યા રહીએ છીએ. એ દેહનું પોષણ કેટલું થયું, તે કેટલો વધ્યો કે તે કેટલો સુકાયો એ વગર આપણે બીજી ફિકર કરતા નથી. જાણે કે આપણે સારું બીજો કોઈ આનંદ જ નથી. ભોગ અને સ્વાદનો આનંદ તો જાનવરો પણ ભોગવે છે. હવે ત્યાગનો અને સ્વાદને તોડવાનો આનંદ કેવો હોય તે તારે જોવું છે કે નહીં ? પોતાને કકડીને ભૂખ લાગી હોય છતાં સામેની ભરેલી થાળી બીજા કોઈ ભૂખ્યાને આપી દેવામાં કેવો આનંદ છે તેનો અનુભવ કરવા માંડ; તેની મીઠાશ ચાખી જો. મા છોકરાને માટે ઘસાય છે ત્યારે તેને આ મીઠાશ થોડી સરખી ચાખવાની મળે છે. માણસ ‘મારું’ કહીને જે સાંકડું કૂંડાળું બનાવે છે તેમાંયે અજાણપણે આત્મવિકાસની મીઠાશ ચાખવાનો તેનો ઉદ્દેશ હોય છે. એ રીતે દેહમાં વીંટળાયેલો ને પુરાયેલો આત્મા થોડો ને થોડા વખત પૂરતો બહાર નીકળે છે. પણ એ બહાર નીકળવાનું કેવું છે ? જેલની કોટડીમાં પુરાયેલા કેદીનું કામને બહાને જેલના ચોગાનમાં નીકળવાનું થાય તેવું. પણ એટલું બહાર નીકળવાથી આત્માનું કામ પાર પડતું નથી. આત્માને મુક્તાનંદ જોઈએ છે.
ટૂંકમાં (1) અધર્મ અને પરધર્મ એમ બંને આડા રસ્તા છોડી સાધકે સ્વધર્મનો સહેલો ને સીધો ધોરી રસ્તો પકડવો. સ્વધર્મની કેડ કદી ન છોડવી. (2) દેહ ક્ષણભંગુર છે એ વાત બરાબર ગોખી રાખી તેને સ્વધર્મના પાલનને અર્થે વાપરવો અને સ્વધર્મને સારું જરૂર પડ્યે ફેંકી દેતાં જરાયે અચકાવું નહીં. (3) આત્માના અખંડપણાનું અને વ્યાપકપણાનું ભાન સતત જાગ્રત રાખી ચિત્તમાંથી સ્વ-પર ભેદ કાઢી નાખવો. જીવનના આ મુખ્ય સિદ્ધાંત ભગવાને બતાવ્યા છે. એને આચરનારો માણસ એક દિવસ આ મનખા દેહના સાધન વડે સચ્ચિદાનંદ પદવી લેવાનો અનુભવ હાથ કરશે એમાં શંકા નથી.
[બંનેનો મેળ સાધવાની યુક્તિ – ફળત્યાગ]
ભગવાને જીવનના સિદ્ધાંત તો બતાવ્યા ખરા, પણ ખાલી સિદ્ધાંત બતાવી મૂકવાથી કામ પાર પડતું નથી. ગીતામાં વર્ણવેલા આ સિદ્ધાંતો ઉપનિષદોમાં અને સ્મૃતિઓમાં એ પહેલાં બતાવેલા છે. ગીતાએ તે ફરી રજૂ કર્યા તેમાં ગીતાની અપૂર્વતા નથી. આ સિદ્ધાંતો આચરવા કેવી રીતે, એ દેખાડવામાં ગીતાની અપૂર્વતા છે. આ મહાપ્રશ્ન ઉકેલવામાં ગીતાનું ખાસ કાબેલપણું છે.
જીવનના સિદ્ધાંત અમલમાં મૂકવાની હથોટી અથવા યુક્તિને જ યોગ કહે છે. સાંખ્ય એટલે સિદ્ધાંત અથવા શાસ્ત્ર, અને યોગ એટલે કળા. યોગીઓએ જીવનની કળા હાથ કરી છે એવી સાખ જ્ઞાનદેવે ક્યારની પૂરેલી છે. ગીતા સાંખ્ય ને યોગ, શાસ્ત્ર ને કળા બંને વડે પરિપૂર્ણ છે. શાસ્ત્ર અને કળા બંને મળીને જીવનનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. એકલું શાસ્ત્ર ખાલી હવામાં અધ્ધર રહેશે. સંગીતનું શાસ્ત્ર સમજાય તોયે ગળામાંથી સંગીત પ્રગટ કરવાની કળા હાથ લાગ્યા વગર નાદબ્રહ્મ પૂરું ખીલી નહીં ઊઠે. આટલા સારું ભગવાને સિદ્ધાંત બતાવ્યા. તેની સાથે તેમનો વિનિયોગ શીખવનારી કળા પણ બતાવી છે. એ કળા કઈ છે ? દેહને તુચ્છ લેખી આત્માનું અમરપણું ને અખંડપણું ધ્યાનમાં રાખી, સ્વધર્મનું આચરણ કરવાની આ કળા કઈ છે ?
કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે. અમે કર્મ કરીએ તો તે કર્મનાં ફળ અમે ચાખ્યા વગર ન રહીએ, અમારો એ હક છે. એ એક વૃત્તિ છે. અને એથી ઊલટી બાજુ, અમને ફળ ચાખવાનાં ન મળવાનાં હોય તો અમે કર્મ કરવાના નથી, એ ઊઠવેઠ અમે શા સારું કરીએ ? એ બીજી વૃત્તિ છે. ગીતા ત્રીજી એક વૃત્તિનું પ્રતિપાદન કરે છે. ગીતા કહે છે, ‘કર્મ તો કરો જ પણ ફળનો અધિકાર રાખશો નહીં.’ કર્મ કરનારને ફળનો હક છે પણ તમારો એ હક રાજીખુશીથી છોડી દો. રજોગુણ કહે છે : ‘લઈશ તો ફળની સાથે લઈશ.’ તમોગુણ કહે છે, ‘છોડીશ, ફેંકી દઈશ તો ફળ સાથે કર્મને પણ ફેંકી દઈશ.’ બંને એકબીજાના પિતરાઈ છે. એનાથી ઉપર જઈ શુદ્ધ સત્વગુણી થાઓ. કર્મ કરી તેનું ફળ છોડો અને ફળ છોડી કર્મ કરો. આગળ કે પાછળ, કર્મ કરતાં પહેલાં કે તે પાર પાડ્યા પછી ફળની આશા રાખો મા.
ફળની આશા રાખો મા એમ કહેતી વખતે કર્મ સારામાં સારું થવું જોઈએ એમ ગીતા ઠોકી ઠોકીને કહે છે. સકામ પુરુષના કર્મ કરતાં નિષ્કામ પુરુષનું કર્મ વધારે સારું થવું જોઈએ, એ અપેક્ષા તદ્દન બરાબર છે. કેમ કે સકામ પુરુષ ફળને વિષે આસક્તિવાળો હોવાથી ફળ બાબતમાં સ્વપ્ન-ચિંતનમાં તેનો થોડોઘણો વખત બગડ્યા વગર નહીં રહે અને તેની થોડીઘણી શક્તિ વેડફાયા વગર નહીં રહે. પણ ફળની ઈચ્છા વગરના પુરુષની એકએક ક્ષણ અને બધી શક્તિ કર્મ પાર પાડવામાં વપરાશે. નદીને રજા હોતી નથી. પવનને વિસામો ખાવાનો હોતો નથી. સૂર્યને હંમેશ બળતા રહેવા સિવાય બીજી પ્રવૃત્તિ નથી. એ જ પ્રમાણે નિષ્કામ કર્તાને સતત સેવાકર્મ વગર બીજી ફિકર હોતી નથી. આમ નિરંતર કર્મમાં મંડ્યા રહેનાર પુરુષનું કામ સારામાં સારું નહીં થાય તો બીજા કોનું થવાનું હતું ? આ ઉપરાંત કુશલતા માટે ચિત્તનું સમત્વ, બીજો એક મોટો જરૂરી ગુણ છે. અને તેના પર નિષ્કામ પુરુષનો ખાસ માલિકીનો હક છે. એકાદું તદ્દન બહારની કારીગરીનું કામ લઈએ તો પણ તેમાં હાથની કુશળતાની સાથે ચિત્તની સમતાનો મેળ હશે તો કામ વધારે સુંદર થશે એ વાત દીવા જેવી ખુલ્લી છે. વારું, વળી સકામ અને નિષ્કામ પુરુષ બંનેની કર્મ કરવાની દષ્ટિમાં જે ફરક છે, તે પણ નિષ્કામ પુરુષના કર્મને વધારે અનુકૂળ છે. સકામ પુરુષ કર્મ તરફ સ્વાર્થની દષ્ટિથી જુએ છે. મારું જ કર્મ અને મારું જ ફળ એવી તેની નજર હોય છે. એથી કર્મમાં જરા બે ધ્યાન થવાય તોયે તેમાં તે નૈતિક દોષ મનાતો નથી. બહુ તો વહેવારુપણાનો દોષ માને છે. પણ નિષ્કામ પુરુષની સ્વકર્મની બાબતમાં નૈતિક કર્તવ્યબુદ્ધિ હોવાથી તેમાં જરાયે ઊણપ ન રહે તે માટે તે ચીવટ રાખે છે. એથી પણ તેનું કર્મ વધારે ખામી વગરનું નીવડે છે. કોઈ પણ રીતે જોતાં ફળત્યાગનું તત્વ અત્યંત કુશળ અને સફળ સાબિત થાય છે. એથી ફળત્યાગને યોગ એટલે કે જીવનની કળાના નામથી ઓળખવો જોઈએ.
નિષ્કામ કર્મની વાત બાજુએ રહેવા દઈ બીજી રીતે જોઈએ તો પણ પ્રત્યક્ષ કર્મમાં જે આનંદ છે તે તેના ફળમાં નથી. સ્વકર્મ કરતાં કરતાં તેમાં જે એક જાતની તન્મયતા થાય છે તે આનંદનો ઝરો છે. ચિત્રકારને કહીએ કે, ‘ચિત્ર કાઢવાનું રહેવા દે. એ માંડી વાળવાને જેટલા જોઈએ તેટલા પૈસા તને આપીશું.’ તો એ આપણી વાત નહીં સાંભળે. ખેડૂતને કહો કે, ‘તું ખેતરમાં જઈશ મા, ઢોર ચારીશ નહીં, કોસ હાંકવાનું માંડી વાળ. અમે તને તારે ત્યાં જોઈએ તેટલું અનાજ ભરી આપીશું.’ હાડનો સાચો ખેડૂત હશે તો એને આ સોદો નહીં ખપે. ખેડૂત સવારના પહોરમાં ખેતરે જાય છે. સૂર્યનારાયણ તેનું સ્વાગત કરે છે. પંખીઓ તેને સારુ ગીતો ગાય છે. ગાય-વાછરડાં તેની ફરતે એકઠાં મળેલાં છે. પ્રેમથી અને ઊલટથી તે તેમના પર હાથ ફેરવી તેમને પંપાળે છે. પોતે રોપેલાં ઝાડ તે જોઈ વળે છે. આ બધાં કાર્યોમાં એક સાત્વિક આનંદ રહેલો છે. એ કર્મનું મુખ્ય અને સાચું ફળ આ આનંદ છે. તેની સરખામણીમાં તેનું બહારનું ફળ છેક ગૌણ બની જાય છે.
ગીતા માણસની નજર કર્મફળ પરથી હટાવી લેવાને કહે છે ત્યારે એ તરકીબથી તેની કર્મ સાથેની તન્મયતા સેંકડો ગણી વધારી આપે છે. ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરનારા પુરુષની પોતાના કામ સાથેની તન્મયતા સમાધિના દરજ્જાની હોય છે. એથી તેને મળતો આનંદ બીજા લોકોના આનંદ કરતાં સોગણો હોય છે. આ રીતે જોતાં નિષ્કામ કર્મ એ જ મોટું ફળ છે એ બીના સમજાય છે. ‘ઝાડને ફળ બેસે છે પણ ફળને બીજું કયું ફળ આવશે ?’ એમ જ્ઞાનદેવે સવાલ કર્યો છે તે તદ્દન બરાબર છે. આ દેહરૂપી વૃક્ષને નિષ્કામ સ્વધર્માચરણ જેવું મજાનું ફળ બેસે પછી બીજા કયા ફળની અને શા સારુ અપેક્ષા રાખવી ? ખેડૂત ખેતરમાં ઘઉં પકવે તે વેચીને જુવાર લાવી તેના રોટલા તેણે શા સારુ ખાવા ? કેળની રસાળ વાડી બનાવી પછી તેમાંનાં કેળાં વેચીને મરચાં લાવી તે શા માટે ખાય ? અરે, એ કેળાં જ ખાને ! પણ લોકમતને આજે એ વાત મંજૂર નથી. કેળાં ખાવાનું સદભાગ્ય સામું આવીને ઊભું હોવા છતાં લોકો મરચાં ખાવા બેસી જાય છે. ગીતા કહે છે, એવું ન કરશો. કર્મ જ ખાઓ, કર્મ જ પીઓ, કર્મ જ પચાવો. જે કંઈ છે તે બધું કર્મ કર્યામાં સમાઈ જાય છે. છોકરાં રમવાનો આનંદ મેળવવાને રમે છે. એથી કસરતનું ફળ તેમને આપોઆપ સહેજે મળે છે. પણ એ ફળ પર તેમની નજર હોતી નથી. તેમનો સર્વ આનંદ રમત રમવામાં હોય છે.
[ફળત્યાગનાં બે ઉદાહરણ]
સંતોએ પોતાના જીવનથી આ વાત ચોખ્ખી બતાવી છે. તુકારામની ભક્તિ જોઈ શિવાજી મહારાજને તેમને માટે ઘણા માનની લાગણી થતી. એક વખત પાલખી વગેરે મોકલી તેમણે તેમનું સન્માન કરવાનું શરૂ કર્યું. પોતાના સ્વાગતનો આવો ઠાઠ જોઈ તુકારામને ખૂબ દુ:ખ થયું. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો, ‘મારી ભક્તિનું આ ફળ ? આને સારુ હું ઈશ્વરની ભક્તિ કરું છું ?’ તેમને થયું કે માન સન્માનનું ફળ બતાવી ઈશ્વર જાણે કે પોતાને અળગા કરવા માગે છે. તેમણે કહ્યું :
‘जाणूनि अंतर । टाकिशील करकर ।
तुज लागली हे खोडी । पांडुरंगा बहु कुडी ।।
મારું અંતર જાણી લઈ તું મારી કચકચ ટાળવાના પ્રયાસ કરીશ. હે પાંડુરંગ, તને આ બહુ બૂરી ટેવ છે. હે ઈશ્વર, તારી ટેવ સારી નથી. તું આવી નજીવી લોભામણી બતાવી મને કાઢવા માગતો હશે. તારા મનમાં તું કહેતો હશે કે આ બલા બારણેથી ટળે તો સારું ! પણ હું કંઈ કાચો નથી. હું તારા પગ જોરથી પકડીને બેસીશ. ભક્તિ ભક્તનો સ્વધર્મ છે અને ભક્તિને બીજાં ફળોના ફણગા ફૂટવા ન દેવા એ જ તેની જીવનકળા છે.
પુંડલીકનું ચરિત્ર ફળત્યાગનો આનાથીયે વધારે આદર્શ બતાવે છે. પુંડલીક માબાપની સેવા કરતો હતો. એ સેવાથી પ્રસન્ન થઈ પાંડુરંગ તેને મળવાને દોડી આવ્યા. પણ પાંડુરંગને છંદે ચડીને હાથમાંની સેવા પડતી મૂકવાનો તેણે ઈન્કાર કર્યો. માબાપની આ સેવા તેની ઊંડી અંતરની મમતાવાળી ઈશ્વરભક્તિ હતી. કોઈક દીકરો બીજાને લૂંટીને માબાપને સુખસગવડ લાવી આપતો હશે; અથવા કોઈક દેશસેવક બીજા દેશોનો દ્રોહ કરી સ્વદેશની ચડતી કરવા ધારતો હશે; પણ એ બંનેની એ ભક્તિ નહીં કહેવાય, આસક્તિ કહેવાશે. પુંડલીક એવી આસક્તિમાં ફસાયો નહોતો. ઈશ્વરની મૂર્તિ સામે આવી ઊભી રહી પણ પરમેશ્વર તેવડો જ હતો કે ? એ રૂપનું દર્શન થયું તે પહેલાં સૃષ્ટિ ખાલી મડદું હતી કે ? પુંડલીકે ઈશ્વરને કહ્યું : ‘હે ભગવાન, તું સાક્ષાત ઈશ્વર મને મળવાને સામો ચાલીને આવ્યો છે તે હું સમજું છું. પરંતુ હું ‘પણ-સિદ્ધાંત’ માનવાવાળો છું. તું એકલો જ ઈશ્વર છે એ વાત મને મંજૂર નથી. તું પણ ઈશ્વર છે ને આ મારાં માબાપ પણ મારે સારુ ઈશ્વર છે. એમની સેવામાં હું છું તે વખતે તારા તરફ ધ્યાન આપી શકતો નથી. માટે તું મને માફ કરજે.’ આમ કહી પાંડુરંગને ઊભા રહેવાને તેણે એક ઈંટ આગળ સરકાવી અને પોતે પોતાના સેવાકાર્યમાં મશગૂલ થઈ ગયો. તુકારામ કૌતુક અને વિનોદમાં કહે છે :
कां रे प्रेमें मातलासी । उभे केलें विठलासी ।।
ऐसा कैसा रे तूं घीट । मांगे भिरकाविली वीट ।।
‘અલ્યા પ્રેમથી કેવો ફાટ્યો છે ! ખુદ વિઠ્ઠલને પણ ઊભો રાખ્યો ! અને ધીટ પણ કેવોં કે પાછું ફરીને જોયા વગર તેને ઊભા રહેવાને પાછળ ઈંટ ફેંકી !’
પુંડલીકે વાપરેલો આ ‘પણ સિદ્ધાંત’ ફળત્યાગની તરકીબનું એક અંગ છે. ફળત્યાગી પુરુષની કર્મસમાધિ જેમ ઊંડી હોય છે, તેમ તેની વૃત્તિ વ્યાપક, ઉદાર અને સમ હોય છે. એથી તરેહતરેહનાં તત્વજ્ઞાનોની જંજાળમાં તે ફસાતો નથી અને પોતાનું જે હોય તેને છોડતો નથી. ‘नान्यदस्तीतिवादिन:’ આ જ છે અને બીજું નથી; એવા વાદવિવાદમાં પણ તે પડતો નથી. ‘આ પણ છે અને તે પણ છે. પરંતુ મારા પૂરતું આ જ છે.’ એવી તેની નમ્ર તેમ જ નિશ્ચયી વૃત્તિ રહે છે. એક વખત એક સાધુ પાસે જઈને એક ગૃહસ્થે તેને પૂછ્યું : ‘મોક્ષને માટે શું ઘર છોડવું જ પડે ?’ સાધુએ કહ્યું : ‘એવું કોણ કહે છે ? જનક જેવાએ રાજમહેલમાં રહીને મોક્ષ મેળવ્યો. પછી તારે જ ઘર છોડવાની જરૂર શી ?’ ત્યાર બાદ બીજો એક ગૃહસ્થ આવીને સાધુને પૂછવા લાગ્યો : ‘મહારાજ, ઘર છોડ્યા વગર મોક્ષ મળે ખરો કે ?’ સાધુએ કહ્યું કે, ‘કોણ કહે છે ? ઘરમાં રહીને એમ આરામથી મોક્ષ મળી જતો હોય તો શુક જેવાએ ઘર છોડ્યું તે શું બેવકૂફ હતા ?’ પછી એ બેઉ ગૃહસ્થોનો ભેટો થયો અને તેમની વચ્ચે ઝઘડો પડ્યો. એક કહે સાધુએ ઘર છોડવાનું કહ્યું છે. બીજો કહે ઘર છોડવાની જરૂર નથી એવું કહ્યું છે. બંને સાધુ પાસે પાછા આવ્યા. સાધુએ કહ્યું : ‘બંને વાત સાચી છે. જેવી જેની વૃત્તિ તેવો તેને માટે રસ્તો. અને જેવો જેનો સવાલ તેવો તેનો જવાબ. ઘર છોડવાની જરૂર નથી એ પણ ખરું છે અને ઘર છોડવાની જરૂર છે એ પણ ખરું છે.’ આનું નામ ‘પણ સિદ્ધાંત’ છે.
પુંડલીકના દાખલા પરથી ફળત્યાગ કેટલી હદ સુધી પહોંચે છે એ જોવાનું મળે છે. ઈશ્વર તુકારામને જે લોભામણી આપીને ટાળવા માગતો હતો તેની સરખામણીમાં પુંડલીકને આપવા ધારેલી લોભામણીની ચીજ કેટલીયે મોહક હતી. પણ તેનાથીયે તે ભરમાયો નહીં. ભરમાઈ જાય તો ઠગાઈ જાત. એક વખત સાધનનો નિશ્ચય થઈ ગયા પછી છેવટ સુધી તેનું પાલન અને તેનો આચાર ચાલુ રહેવો જોઈએ. વચમાં સાક્ષાત્ ઈશ્વરનું દર્શન આડું આવીને ઊભું રહે તો તેને ખાતર સાધન છોડવાનું હોય નહીં. આ દેહ બાકી રહ્યો હોય તો સાધનને માટે છે. ઈશ્વરનું દર્શન તો જ્યારે જોઈએ ત્યારે હાથમાં જ છે. તે ક્યાં જવાનું હતું ? મારું સર્વાત્મકપણું હરી જનારું કોણ છે ? મનમાં ભક્તિની રૂચી છે. તે ભક્તિ પૂરી કરવાને આ જન્મ છે. ‘मा ते संगोडस्त्वकर्मणि’ એ ગીતાવચનના અર્થમાં એવી અપેક્ષા છે કે નિષ્કામ કર્મ કરતાં કરતાં અકર્મની એટલે કે છેવટની કર્મમુક્તિની એટલે જ મોક્ષની વાસના પણ રાખવી નહીં. વાસનામાંથી છુટકારાનું નામ જ મોક્ષ છે. મોક્ષને વાસનાની શી જરૂર ? ફળત્યાગથી આટલો પંથ કાપ્યો એટલે જીવનની કળા સોળે કળાએ સિદ્ધ થઈ જાણવી.
[આદર્શ ગુરુમૂર્તિ]
શાસ્ત્ર બતાવ્યું. કળા બતાવી. પણ એટલાથી પૂરેપૂરું ચિત્ર નજર સામે ઊભું થતું નથી. શાસ્ત્ર નિર્ગુણ છે. કળા સગુણ છે. પણ સગુણ સુદ્ધાં આકાર ધારણ ન કરે ત્યાં સુધી વ્યક્ત થતું નથી. કેવળ નિર્ગુણ જેમ હવામાં અધ્ધર રહે છે તેવું નિરાકાર સગુણનું પણ બને એવો પૂરો સંભવ છે. ગુણ જેનામાં ઠરીને મૂર્તિમંત થયો હોય તેવા ગુણીનું દર્શન એ જ આ મુશ્કેલીનો ઈલાજ છે. તેથી અર્જુન કહે છે : ‘હે ભગવાન, જીવનના મુખ્ય સિદ્ધાંતો તો તમે કહી બતાવ્યા. એ સિદ્ધાંતોને અમલમાં મૂકવાની કળા પણ તમે બતાવી. છતાં હજી મને ચોખ્ખો ખ્યાલ આવતો નથી. હવે મારે ચરિત્ર સાંભળવું છે. સાંખ્યનિષ્ઠા જેની બુદ્ધિમાં સ્થિર થઈ હોય, ફળત્યાગરૂપ યોગ જેના જીવન સાથે વણાઈ ગયો હોય એવા પુરુષનાં લક્ષણો મને વર્ણવી બતાવો. ફળત્યાગનું પૂરેપૂરું ઊંડાણ બતાવનારો, કર્મસમાધિમાં મગ્ન રહેનારો, અઢળ નિશ્ચયને મહામેરુ – જેને સ્થિતપ્રજ્ઞ કહીને ઓળખાવાય તે પુરુષનું બોલવાનું કેવું હોય છે, બેસવા-ઊઠવાનું કેવું હોય છે, ચાલવાનું કેવું હોય છે, તે બધું મને કહો. એ મૂર્તિ કેવી હોય છે ? તેને ઓળખવી કેવી રીતે ? હે ભગવાન, આ બધું કહો.’
અર્જુનના આ સવાલોના જવાબમાં બીજા અધ્યાયના છેવટના અઢાર શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞનું ગંભીર તેમ જ ઉદાત્ત ચરિત્ર ભગવાને વર્ણવ્યું છે. આ અઢાર શ્લોકોમાં ગીતાના અઢારે અધ્યાયનો જાણે કે સાર સંઘર્યો છે. સ્થિતપ્રજ્ઞ ગીતાની આદર્શમૂર્તિ છે. એ શબ્દ પણ ગીતાનો સ્વતંત્ર યોજેલો છે. આગળ પાંચમા અધ્યાયમાં જીવનમુક્તનું, બારમામાં ભક્તનું, ચૌદમામાં ગુણાતીતનું અને અઢારમામાં જ્ઞાનનિષ્ઠનું આવું જ વર્ણન છે. પણ એ બધાં કરતાં સ્થિતપ્રજ્ઞનું વર્ણન વધારે વિસ્તારથી તેમ જ ખુલાસાવાર કરેલું છે. તેમાં સિદ્ધનાં લક્ષણોની સાથે સાધકનાં લક્ષણો પણ બતાવ્યાં છે. હજારો સત્યાગ્રહી સ્ત્રીપુરુષો રોજ સાંજની પ્રાર્થનામાં આ લક્ષણો બોલી જાય છે. દરેકેદરેક ગામમાં અને દરેકેદરેક ઘરમાં એ પહોંચાડી શકાય તો કેટલો આનંદ થાય ! પણ પહેલાં તે આપણા હૃદયમાં વસશે ત્યારે બહાર સહેજે આપોઆપ પહોંચી જશે. રોજ બોલાય તે પાઠ યાંત્રિક બની જાય તો ચિત્તમાં ઠસી જવાની વાત આઘી રહી, ઊલટો તો ભુંસાઈ જાય. પણ એ નિત્યપાઠનો વાંક નથી, મનનના અભાવની ખામી છે. નિત્યપાઠની સાથે સાથે નિત્ય મનન અને નિત્ય આત્મપરીક્ષણ બંનેની જરૂર રહે છે.
સ્થિતપ્રજ્ઞ એટલે સ્થિર બુદ્ધિવાળો પુરુષ એ તો એના નામ પરથી ચોખ્ખું સમજાય છે. પણ સંયમ વગર બુદ્ધિ સ્થિર ક્યાંથી થાય ? એથી સ્થિતપ્રજ્ઞને સંયમની મૂર્તિ કહ્યો છે. બુદ્ધિ આત્મનિષ્ઠ અને અંતર્બાહ્ય ઈન્દ્રિયો બુદ્ધિના તાબામાં એ સંયમનો અર્થ છે. સ્થિતપ્રજ્ઞ બધી ઈન્દ્રિયોને લગામ ઘાલી કર્મયોગમાં રોળવે છે. ઈન્દ્રિયોરૂપી બળદ પાસે તે નિષ્કામ સ્વધર્માચરણની ખેતી વ્યવસ્થિત રીતે કરાવે છે. પોતાના એકેએક શ્વાસોચ્છવાસનો તે પરમાર્થમાં ઉપયોગ કરે છે.
ઈન્દ્રિયોનો આવો સંયમ સહેલો નથી. ઈન્દ્રિયોનો બિલકુલ ઉપયોગ ન કરવાનું એક રીતે સહેલું હોય એમ બને. મૌન, નિરાહાર વગેરે વાતો એટલી બધી અઘરી નથી. અને ઈન્દ્રિયોને બેલગામ છોડી મૂકવાનું તો સૌય કોઈ કરી શકે એવું છે. પણ કાચબો જેમ જોખમની જગ્યાએ પોતાના અવયવ પૂરેપૂરા અંદર ખેંચી લે છે અને વગર જોખમની જગ્યાએ વાપરે છે, તેવી જ રીતે વિષયોપભોગમાંથી ઈન્દ્રિયોને ફેરવીને વાળી લેવી અને પરમાર્થકાર્યમાં તેમનો પૂરો ઉપયોગ કરવો એ સંયમ મહા કપરો છે. એ માટે ભારે પ્રયત્ન જોઈએ. જ્ઞાન પણ જોઈએ. અને એ બધી કોશિશ કરવા છતાં તે હંમેશ પૂરેપૂરો પાર પડે જ એવું નથી. તો શું નિરાશ થઈ મહેનત કરવાનું માંડી વાળવું ? ના. સાધકથી કદી નિરાશ ન થવાય. તેણે પોતાની સાધક તરીકેની બધી યુક્તિ વાપરવી, અને તે અધૂરી પડે ત્યાં ભક્તિનો સાથ લેવો એવી અત્યંત કીમતી સૂચના આ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો વર્ણવતાં ભગવાને આપી રાખી છે. આ સૂચના તદ્દન માપસરના થોડા શબ્દોમાં કરી છે. પણ ઢગલાબંધ વ્યાખ્યાનો કરતાં તેનું મૂલ્ય વધારે છે. કેમકે ભક્તિની જ્યાં ખાસ જરૂર છે ત્યાં જ તે હાજર કરી છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોનું સવિસ્તર વિવરણ આજે આપણે અહીં કરવું નથી. પણ આપણી આખી સાધનામાં ભક્તિની આ અચૂક જગ્યા આપણે ચૂકી ન જઈએ તેટલા ખાતર તેના પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. પૂર્ણ સ્થિતપ્રજ્ઞ આ જગતમાં કોણ થઈ ગયો હશે તે એક ભગવાન જાણે. પણ સેવાપરાયણ સ્થિતપ્રજ્ઞના નમૂના તરીકે પુંડલીકની મૂર્તિ કાયમ મારી આંખો સામે તર્યા કરે છે. મેં તે તમારી આગળ રજૂ કરી છે.
થયું ત્યારે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પૂરાં થયાં અને બીજો અધ્યાય પણ સમાપ્ત થયો. (નિર્ગુણ) સાંખ્યબુદ્ધિ + (સગુણ) યોગબુદ્ધિ + (સાકાર) સ્થિતપ્રજ્ઞ = મળીને સંપૂર્ણ જીવનશાસ્ત્ર બને છે. આમાંથી બ્રહ્મનિર્વાણ અર્થાત મોક્ષ એ સિવાય બીજું શું ફલિત હોય ?
(તા. 28-ફેબ્રુઆરી-1932)

No comments:

Post a Comment