Google Search

Monday, June 18, 2012

મુક્તાવલિ – ગુલાબરાય સોની


[1]
અર્વખર્વ અરૂ ધન મિલે ઉદય અસ્તમેં રાજ,
તુલસી હરિ ભક્તિ બીન સબે નરક કો સાજ
(તુલસીદાસ)
કરોડો અબજો રૂપિયાની સંપત્તિ આપણે મળી જાય. સત્તા એટલી મળે કે જ્યાં સૂર્યાસ્ત જ ન થાય. જેમ બ્રિટીશ સલ્તનત હતી, દુનિયાભરમાં રાજ્ય ચાલતું હતું. એક દેશમાં સૂર્યાસ્ત થાય તો બીજા દેશમાં સૂર્યોદય થયો હોય. આટલી સમૃદ્ધિ હોય પણ જો એક ભગવદભક્તિ ન હોય તો તુલસીદાસ કહે છે એ બધો નરકનો સામાન છે.
ધનદોલતથી શું સુખ મળે ? સુખ કોઈ વસ્તુ નથી કે બજારમાં વેચાતી હોય ! જેનો કીલોનો ભાવ હોય ! તે તો અંત:કરણમાંથી પ્રગટ થાય છે. બહારથી સુખને રોપી પણ નથી શકાતું. એ મળે છે ફક્ત ભગવાન પાસેથી. તે સિવાય કોઈ જગ્યાએ સુખ કે શાન્તિ ઉપલબ્ધ નથી.
બસરામાં સંત રાબિયા નામની સ્ત્રી થઈ ગઈ. તદ્દન અકિંચન. તેની પાસે કંઈ જ સાધનો નહીં. ઝૂંપડી જેવા ઘરમાં એક માટીનો કૂંજો ને પવાલું. તેમાંથી પાણી પીવાનું, વજુ કરવાનું, એક સાદડી જેની પર નમાજ કરવાની અને રાત્રે સૂઈ જવાનું. એક મોટા મૌલવી મલીક-બીન-દીનાર મળવા આવ્યા. રાબિયાની ગરીબી જોઈ તેમણે કહ્યું : ‘મારા કેટલાક શિષ્યો શ્રીમંત છે જો તું કહે તો તને સાધન સામગ્રી વસાવી આપશે.’ રાબિયા બોલી : ‘મલીક સાહેબ, તમારા મુરીદોનો ખુદા અને મારો ખુદા શું જુદો છે ? જો તેમ ન હોય તો મારો રબ મારી જરૂરતનું પોતે આપશે. તેને ખબર છે કે રાબિયાને શાની જરૂર છે. હું શા માટે બીજા પાસે માંગુ ?’ રાબિયાની આવી ખુમારી જોઈ મલીક-બીન-દીનાર ચૂપ થઈ ગયા. એક શબ્દ બોલી ન શક્યા.
[2]
સુખં યદિ વ દુ:ખં પ્રિયં યદિ વા અપ્રિયમ,
પ્રાપ્તં પ્રાપ્તમુપાસિત હૃદયેના પરાજીત:
(મહાભારત)
સંસારમાં સુખ અને દુ:ખ તો આવ્યા જ કરે. આપણને ગમતું પણ આવે અને ન ગમતું પણ આવે. જે પણ સ્વરૂપે આવે તેને પ્રભુનો પ્રસાદ સમજી સ્વીકારી લેવું જોઈએ. જો હૃદયથી હારી ગયા તો વિજયની આશા કેમ રાખી શકશું ? સુખ અને દુ:ખ તો તડકો અને છાંયો છે જે આવે અને જાય.
ઉપરનું સૂત્ર મહાભારતનું છે. આમાં પણ સુખ દુ;ખની જ વાત છે. સંસારમાં સૌને સુખી થવું છે. દુ:ખ કોને જોતું હોય ? પણ થાય છે એવું કે ‘ન માંગે દોડતું આવે’ તેમ ન માગવા છતાં દુ:ખ તો આવે જ છે. ભગવાનના પરમ ભક્તોને પણ અપાર દુ:ખ પડ્યા છે. શાસ્ત્રોમાં અનેક દ્રષ્ટાંતો છે. સ્વયં ભગવાન અવતાર ધરીને પૃથ્વી પર આવ્યા ત્યારે તેમને પણ દુ:ખો પડ્યા. રામને રાજ્યને બદલે વનવાસ મળ્યો, કૃષ્ણ ભગવાનને દ્વારિકાની ભરી રાજસભામાં સત્રાજીતે ચોર કહ્યા. એથી વધુ બીજુ કયું અપમાન હોઈ શકે ? છતાં કોઈ અવતાર અથવા કોઈ ભક્ત લેશ પણ ડગ્યા નથી.
સોક્રેટિસ સત્યની, ન્યાયની વાતો કરતા જે રાજ્યસત્તાને ન ગમ્યું અને પકડીને જેલમાં નાખી દીધા. સત્તાવાળાઓએ શર્ત મૂકી કે પ્રજાને તમે જે વાતો કરો છો તે બંધ કરો તો મુક્ત કરી દઈએ અન્યથા ઝેરનો કટોરો પીવો પડશે. સોક્રેટિસે કહ્યું જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે, પ્રજાને સત્યની વાતો કરતો રહીશ. ફરી ફરી ઝેર પીવાનું આવશે તો પી જઈશ પણ મારા આત્માને છેતરીને અસત્ય વાતો નહીં કરું. એમને પ્રિય કે અપ્રિય જેવું નહોતું. મહત્વ સત્યનું હતું અને ખરેખર ઝેરનો પ્યાલો પી મૃત્યુને વ્હાલું કર્યું.

No comments:

Post a Comment