Google Search

Sunday, June 17, 2012

વિભૂતિઓનું વર્ણન – શ્રીમદ્ ભાગવત


ઉદ્ધવજીએ કહ્યું : ‘ભગવન્ ! આપ સ્વયં પરબ્રહ્મ છો, ન આપનો આદિ છે કે ન અંત. આપ આવરણરહિત અદ્વિતિય તત્વ છો. સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ, રક્ષા અને પ્રલયના કારણ પણ આપ જ છો. આપ નાના-મોટા બધા પ્રાણીઓમાં રહેલા છો, પરંતુ જે લોકોએ પોતાનાં મન અને ઈન્દ્રિયોને વશમાં કર્યા નથી તે આપને જાણી શકતા નથી. જે આપને જાણે છે તે જ યથાર્થરૂપે આપની ઉપાસના છે. મોટા મોટા ઋષિ-મહર્ષિઓ આપનાં જે રૂપ અને વિભૂતિઓની પરમભક્તિ સાથે ઉપાસના કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તે વિભૂતિઓ કઈ છે તે આપ મને કહો.
સમસ્ત પ્રાણીઓના જીવનદાતા પ્રભુ ! આપ ભૂતમાત્રના આત્મા છો અને સર્વભૂતોમાં ગુપ્ત રીતે બિરાજો છો. ભગવન્ ! આમ છતાં આપની માયાથી મોહિત જીવો સર્વમાં રહેલા આપને જોઈ શકતા નથી, પરંતુ આપ બધાંને જુઓ છો. અચિંત્ય ઐશ્વર્યસંપન્ન પ્રભુ ! પૃથ્વી, સ્વર્ગ, પાતાળ તથા બધી દિશાઓમાં આપની પ્રભાવયુક્ત જે જે વિભૂતિઓ છે, આપ કૃપા કરીને મને જણાવો. હે પ્રભુ ! હું આપનાં આ ચરણકમળની વંદના કરું છું, જે સમસ્ત તીર્થોને તીર્થત્વ પ્રદાન કરનારાં છે.’
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : ‘પ્રિય ઉદ્ધવ ! તમે પ્રશ્નનો મર્મ સમજનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો. જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવ-પાંડવોના યુદ્ધનો સમય આવી પહોંચ્યો ત્યારે યુદ્ધ માટે તત્પર થયેલા અર્જુને મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. અર્જુનના મનમાં એવો વિચાર આવ્યો કે કુટુંબીઓને મારવા, અને એ પણ રાજ્યને માટે, અત્યંત નિંદનીય કૃત્ય છે, અને અધર્મ છે. સાધારણ પુરુષની જેમ તે એવું વિચારતો હતો કે “હું મારનારો છું અને આ બધા મરનારા છે” આવું વિચારીને તેણે યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. ત્યારે મેં રણભૂમિમાં અનેક યુક્તિઓથી પરમવીર અર્જુનને સમજાવ્યા હતા. તે સમયે અર્જુને મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, જે તમે પૂછી રહ્યા છો.

ઉદ્ધવજી ! હું સમસ્ત પ્રાણીઓનો આત્મા, હિતૈષી, સુહૃદ અને ઈશ્વર – નિયામક છું. હું જ આ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં છું અને તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ પણ હું જ છું. ગતિશીલ (ચાલનારા) પ્રાણીઓમાં ચાલવાની શક્તિ હું છું, ગણના કરનારાઓમાં કાળ હું છું, ગુણોની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ હું છું, ગુણવાનોનો સ્વાભાવિક ગુણ હું છું. ગુણવાળા પદાર્થોમાં વસેલો ક્રિયાશક્તિ-પ્રધાન સૂત્રાત્મા હું છું. જ્ઞાનશક્તિપ્રધાન મહતત્વ હું છું. સૂક્ષ્મ વસ્તુઓમાં જીવાત્મા હું છું, મુશ્કેલીથી વશમાં થનાર મન હું છું. વેદોનો અભ્યાસ કરનાર વેદપુરુષ બ્રહ્મા હું છું, મંત્રોમાં ‘અ ઉ મ’ આ ત્રણે માત્રાઓથી યુક્ત પ્રણવ હું છું. અક્ષરોમાં અકાર અને છંદોમાં ત્રિપદા ગાયત્રી હું છું. સઘળા દેવતાઓમાં ઈન્દ્ર, આઠ વસુઓમાં અગ્નિ, દ્વાદશ આદિત્યોમાં વિષ્ણુ અને એકાદશ રુદ્રોમાં શંકર હું છું. બ્રહ્મર્ષિઓમાં ભૃગુ, રાજર્ષિઓમાં મનુ, દેવર્ષિઓમાં નારદ અને ગાયોમાં કામધેનુ હું છું. હું સિદ્ધેશ્વરોમાં કપિલ, પક્ષીઓમાં ગરુડ, પ્રજાપતિઓમાં દક્ષ પ્રજાપતિ અને પિતૃઓમાં અર્યમાં છું. પ્રિય ઉદ્ધવ ! દૈત્યોમાં દૈત્યરાજ પ્રહલાદ, નક્ષત્રોનો અધિપતિ અને વનસ્પતિઓને પુષ્ટ કરનાર ચંદ્રમા હું છું. યક્ષ તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર હું છું. ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી, જળચરોમાં પ્રભુ વરુણ હું છું. ઉષ્ણતા અને પ્રકાશ આપનારાઓમાં સૂર્ય તથા મનુષ્યોમાં રાજા હું છું.
અશ્વોમાં ઉચ્ચૈ:શ્વા, ધાતુઓમાં સુવર્ણ, દંડ આપનારાઓમાં યમ અને સર્પોમાં વાસુકિ હું છું. નિષ્પાપ ઉદ્ધવ ! હું નાગરાજોમાં શેષનાગ, શિંગડાંવાળા અને દાઢવાળાં પ્રાણીઓમાં તેમનો રાજા સિંહ, આશ્રમોમાં સંન્યાસ અને વર્ણોમાં બ્રાહ્મણ હું છું. તીર્થો અને નદીઓમાં ગંગા, જળાશયોમાં સમુદ્ર, અસ્ત્ર-શસ્ત્રોમાં ધનુષ્ય તથા ધનુર્ધરોમાં ત્રિપુરારી શંકર હું છું.
નિવાસસ્થાનોમાં સુમેરુ, દુર્ગમ સ્થાનોમાં હિમાલય, વનસ્પતિઓમાં પીપળો અને ધાન્યોમાં જવ હું છું. પુરોહિતોમાં વસિષ્ઠ, વેદવેત્તાઓમાં બૃહસ્પતિ, સઘળા સેનાપતિઓમાં કાર્તિકસ્વામી અને સન્માર્ગે ચાલનારાઓમાં બ્રહ્માજી હું છું. પંચમહાયજ્ઞોમાં બ્રહ્મયજ્ઞ (સ્વાધ્યાયયજ્ઞ) હું છું, વ્રતોમાં અહિંસા વ્રત અને શુદ્ધ કરનારા પદાર્થોમાં નિત્યશુદ્ધ વાયુ તથા અગ્નિ, સૂર્ય, જળ, વાણી તથા આત્મા હું છું. યોગોમાં મનોનિરોધરૂપી સમાધિયોગ હું છું, જીતવાની ઈચ્છા રાખનારાઓની ગુપ્ત મંત્રણા હું છું, આત્મા-અનાત્મા વિવેકની ચર્ચામાં બ્રહ્મવિદ્યા હું છું, તત્વોને માટે નિર્ણય આપનારો વાદ-વિવાદરૂપી વિકલ્પ હું જ છું. (કારણકે આજ સુધી કોઈ પણ તત્વોના સંબંધમાં તત્વોની સંખ્યા આટલી જ છે, એવો નિર્ણય થઈ શક્યો નથી.) સ્ત્રીઓમાં મનુપત્ની શતરૂપા, પુરુષોમાં સ્વાયંભુવ મનુ, મુનીશ્વરોમાં નારાયણ અને બ્રહ્મચારીઓમાં સનત્કુમાર હું છું. ધર્મોમાં સંન્યાસ-ધર્મ, કલ્યાણકામી પુરુષોની અંતર્મુખવૃત્તિ હું છું, કોઈ વાતને ગોપનીય રાખવા માટે મધુરવાણી અને મૌન હું છું, જેમના શરીરથી સ્ત્રી-પુરુષનું જોડકું ઉત્પન્ન થયું, તે પ્રજાપતિ બ્રહ્મા હું છું. હંમેશાં સાવધાન રહીને જાગનારાઓમાં સંવત્સરરૂપ કાળ હું છું, ઋતુઓમાં વસંત, મહિનાઓમાં માર્ગશીર્ષ અને નક્ષત્રોમાં અભિજિત હું છું. યુગોમાં સતયુગ, વિવેકીઓમાં મહર્ષિ દેવલ અને અસિત, વ્યાસોમાં શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસ તથા કવિઓમાં મનસ્વી શુક્રાચાર્ય હું છું. ષડગુણૈશ્વર્યોમાં વાસુદેવ હું છું. મારા પ્રિય ભક્તોમાં તમે (ઉદ્ધવ) હું છું, કિમ્પુરુષોમાં હનુમાન, વિદ્યાધરોમાં સુદર્શન (જે નંદબાવાને અજગરના રૂપમાં આવીને ગળી ગયો હતો) હું છું.
રત્નોમાં પદ્મરાગ (લાલ), સુંદર પદાર્થોમાં કમળની કળી, તણખલામાં દર્ભ અને હવિષ્યોમાં ગાયનું ઘી હું છું. વ્યવસાયશીલ પુરુષોમાં રહેનારી લક્ષ્મી, છળ-કપટ કરનારાઓની દ્યુતક્રીડા, સહનશીલજનોની તિતિક્ષા અને સાત્વિક પુરુષોમાં રહેનારો સત્વગુણ હું છું. બળવાનોનો ઉત્સાહ અને પરાક્રમ તથા ભગવદભક્તોનું ભક્તિયુક્ત નિષ્કામ કર્મ હું છું. વૈષ્ણવોના આરાધ્ય વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, નારાયણ, હયગ્રીવ, વરાહ, નૃસિંહ અને બ્રહ્મા – આ વિગ્રહોમાં પ્રથમ અને શ્રેષ્ઠ વિગ્રહ વાસુદેવ હું છું. ગંધર્વોમાં વિશ્વાવસુ અને અપ્સરાઓમાં પૂર્વચિત્તિ હું છું. પર્વતોમાં સ્થિરતા અને પૃથ્વીમાં શુદ્ધ ગંધ-તન્માત્રા હું છું. જળમાં રહેલ રસ-તન્માત્રા, તેજસ્વીઓમાં રહેલી સૂક્ષ્મ તેજસ્વિતા, અગ્નિ, સૂર્ય, ચન્દ્રમા અને નક્ષત્રોમાં પ્રભા તથા આકાશનો એક માત્ર ગુણ શબ્દ હું છું.
ઉદ્ધવજી ! બ્રાહ્મણ ભક્તોમાં બલિ, વીરપુરુષોમાં અર્જુન હું છું; અને પ્રાણીઓમાં તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય મારી વિભૂતિઓ છે. હું જ પ્રાણીઓમાં ચાલવાની, બોલવાની, મળત્યાગની, પકડવાની, આનંદ-ઉપભોગની શક્તિ છું. સ્પર્શની, દર્શનની, સ્વાદની, સાંભળવાની અને સૂંઘવાની શક્તિ પણ હું જ છું. સમસ્ત ઈન્દ્રિયોની ઈન્દ્રિય શક્તિ હું જ છું. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અહંકાર, મહતત્વ, પંચમહાભૂત, જીવ, અવ્યક્ત પ્રકૃતિ, સત્વ, રજ, તમ – આ બધા વિકારો અને તેમનાથી પર રહેનારા બ્રહ્મ – આ બધું હું છું. આ બધાં તત્વોની ગણના, લક્ષણો દ્વારા તેમનું જ્ઞાન તથા તત્વજ્ઞાન દ્વારા તેનું ફળ પણ હું જ છું. હું જ ઈશ્વર છું, હું જ જીવ છું, હું જ ગુણ છું અને ગુણી પણ હું જ છું. હું જ સર્વનો આત્મા છું અને સર્વરૂપ પણ હું છું. મારા સિવાય કોઈ પણ પદાર્થ ક્યાંય નથી.
જો હું ગણવા લાગું તો કદાચ પરમાણુઓની ગણતરી થઈ જાય, પરંતુ મારી વિભૂતિઓની ગણના થઈ શકે એમ નથી. કેમ કે, જ્યારે મારા રચેલાં કોટિ-કોટિ બ્રહ્માંડોની પણ ગણતરી થઈ શકતી નથી ત્યારે મારી વિભૂતિઓની ગણતરી કઈ રીતે થઈ શકે ? એમ સમજો કે, જેનામાં પણ તેજ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌંદર્ય, સૌભાગ્ય, પરાક્રમ, તિતિક્ષા અને વિજ્ઞાન વગેરે શ્રેષ્ઠ ગુણ હોય તે મારા જ અંશ છે.
ઉદ્ધવજી ! મેં તમારા પ્રશ્ન પ્રમાણે સંક્ષેપમાં વિભૂતિઓનું વર્ણન કર્યું. આ બધી પરમાર્થ-વસ્તુ નથી, મનનો વિકારમાત્ર છે. કેમકે, મનથી વિચારેલી, વાણીથી બોલેલી કોઈ પણ વસ્તુ પરમાર્થ (વાસ્તવિક) હોતી નથી. તે તો એક કલ્પના જ હોય છે. તેથી તમે વાણીને વશમાં કરો, મનના સંકલ્પ-વિકલ્પ બંધ કરો, પ્રાણોને વશમાં કરો અને ઈન્દ્રિયોનું દમન કરો તથા સાત્વિક બુદ્ધિ દ્વારા સાંસારિક બાબતોનું ચિંતન છોડી દો. પછી તમારે સંસારના જન્મ-મૃત્યુરૂપી દુ:ખમય માર્ગમાં ભટકવું નહીં પડે. જે સાધક બુદ્ધિ દ્વારા વાણી અને મનને પૂરી રીતે વશમાં કરતો નથી, તેનાં વ્રત, તપ અને જ્ઞાન એ રીતે ક્ષીણ થઈ જાય છે, જેમ કાચા ઘડામાં ભરેલું જળ. તેથી મારા પ્રિય ભક્તે મારા પરાયણ થઈને ભક્તિયુક્ત બુદ્ધિથી વાણી, મન અને પ્રાણોનો સંયમ કરવો જોઈએ. આવું કર્યા પછી તેને કાંઈ કરવાનું શેષ રહેતું નથી. તે કૃતકૃત્ય થઈ જાય છે.

No comments:

Post a Comment