Google Search

Friday, June 15, 2012

ઊર્ધ્વ મનના આવિષ્કાર – પુષ્કર ગોકાણી


એક ભજનમાં તુલસીદાસજી કહે છે :
અજામીલ ગીધ વ્યાધ, ઈનમેં ન કોઈ સાધ;
પંછીનહુ પદ પઢાત, ગણિકા શી તારી.
તું દયાલુ, દીન હું, હું પાપી, હું ભિખારી;
હું પ્રસિદ્ધ પાતકી, તું પાપપુંજહારી.
જીવનભર પાપ આચર્યાં અને અજામીલ મૃત્યુ જીતી ગયો; જીવનભર અસંખ્ય યાત્રીઓને લૂંટ્યા-માર્યા છતાં વાલ્મીકિ ભવસાગર તરી ગયા; જીવનભર માંસભક્ષણ કરનાર જટાયુ પરમાત્માને પામ્યો; પક્ષીને રોજ ભગવન્નામ શિખવાડનાર જીવંતી વેશ્યા પણ પ્રભુધામમાં પહોંચી. વેશ્યાગામી બિલ્વમંગળ પણ જીવનની તીવ્ર વાસનાને જીતી પરમપદ પામ્યા; જગનો ચોરટો – જેસલ પણ પોતાનું પાપ પ્રકાશી, એ અલખને પામી ગયો. પક્ષીઓને મારી ગુજરાન કરનાર સજાગ રીતે માતાપિતાની સેવા કરી વ્યાધ નિજસ્વરૂપને પામ્યો. લૂંટારા અંગુલિમાને અસંખ્ય હત્યાઓ કરી, છતાં બોધિને પામ્યો.
જીવનમાં સાંસારિક પાપોથી ઘેરાયેલા એવા ઘણા નીચ જીવો પણ પરમાત્માને પામ્યા છે. જીવનભર જેણે ઘોર કર્મો કર્યાં છે તેવા માનવો પણ પરમાત્માને પામી શક્યા હોય તો, આપણે જે જીવનના ક્ષુલ્લક બનાવોમાં અનીતિમાં ફસાયા હોઈએ, તેને પરમાત્મા મેળવવા શું મુશ્કેલ છે ? કદાચ ઉપર્યુક્ત દષ્ટાંતોમાં વણાયેલા એ પ્રભુપદ પામી જનારાઓ કરતાં સામાન્યજનો બહુ જ ઓછા પાપી હોય છે. તેથી આપણે માટે પણ પરમાત્માનાં દ્વાર ઉઘાડાં છે ! વધારે નજીક છે ! ખૂબ સરળ છે ! આપણે ફક્ત તે તરફ ડગલું ભરવાની જરૂર છે. આપણે તે તરફ એક ડગલું ભરીશું તો તે આપણી નજીક હજાર ડગલાં આવશે. આવા પાપીઓ પરમાત્માને કેમ મેળવી શક્યા ? એમના જીવનને પરમાત્મા તરફ લઈ જનાર બળ કયું ? એમના જીવનમાં કોઈ કોઈ એવા પ્રસંગ બન્યા જેથી તેઓ ધાર્મિક બન્યા છે, તેટલું જ માત્ર કારણ નથી. દરેક મનુષ્યના જીવનમાં તેની આંખ ઉઘાડી દે તેવા બનાવો બનતા જ હોય છે. અજામીલ, વાલ્મીકિ, અંગુલિમાન, જેસલ આ સર્વને પરમાત્મા તરફ લઈ જનાર તેમનું મન હતું. તેને વૈજ્ઞાનિકોએ ‘ઊર્ધ્વ મનસ’ને નામે ઓળખ્યું છે. મહર્ષિ અરવિંદે તેને ‘અતિમનસ ચેતના’ એવું નામ આપ્યું છે.
આપણા મનને, સમજવા માટે આપણે કેટલાક ભાગ પાડ્યા છે. એક સપાટી ઉપરના મનનો ભાગ છે ‘જાગ્રત મન’. નિદ્રા કે ધ્યાન સિવાય તે મન સદા જાગ્રત રહે છે, તે સમગ્ર મનનો વીસમો ભાગ હશે એવું માનસશાસ્ત્રીઓ માને છે. તેની નીચે એવો જ મનનો ભાગ છે, જેને તેઓ ‘અજાગ્રત મન’ કહે છે. એમાં મનની ન ભોગવાયેલી વૃત્તિઓ સંઘરાય છે. આ અજાગ્રત મન મનુષ્યની ટેવ-ખાસિયત કે સ્વભાવ ઘડે છે. મનુષ્ય લોભી છે કે ઉદાર, ક્રોધી છે કે શાંત, ઉતાવળો છે કે ધીર, ચંચળ છે કે સંયમી આ સર્વ એ અજાગ્રત મનની દેણગી હોય છે. તેમાં વારસાગત, જાતિગત, સમાજગત, દેશગત સંસ્કારો પણ ભરેલા હોય છે.
તેની નીચે છે તે અવચેતન મન છે, જેમાં યુગોથી ભરાયેલી, સંઘરાયેલી આપણી વૃત્તિઓ ભરી પડી હોય છે. આપણામાં રહેલી પશુતા, અપાર હિંસકતા, ભોગેચ્છા, વ્યભિચાર, સંકુચિત વૃત્તિઓ વગેરે ત્યાં પડી છે. તે અવચેતન મન બધા જ માનવીઓમાં લગભગ એકસરખું હોય છે. તેને કારણે મનુષ્ય વિવેકમાં, સમાજિક સંયમમાં રહે છે; અરસપરસ વ્યવહાર કરી શકે છે. જો કે આવી સાવચેતી સ્વપ્નમાં છૂટી જાય છે અને મનુષ્ય તેથી જ સ્વપ્નમાં યથેચ્છ વિહાર કરી, અકલ્પ્ય ભોગો ભોગવતો હોય છે, હિંસા આચરતો હોય છે, પાશવી બનતો હોય છે ! આવું કંઈ વારંવાર બનતું નથી; કારણ કે તેની ઉપર, તે અવચેતન મન ઉપર અજાગ્રત મનનો થોડોઘણો સ્વત: કાબૂ રહે છે. સામાન્ય રીતે આવતાં સ્વપ્નમાં, નોકર માલિકને નીચે દેખાડતો, પુત્ર પિતાને ધમકાવતો હોય કે વહુ કે દેરાણી પોતાની સાસુ અથવા જેઠાણીને સંભળાવતી હોય તેવાં સ્વપ્ન આવતાં હોય છે. ભૂખ્યો પકવાન જમતો હોય છે. ગરીબ અમીરાઈ કરતો હોય છે, મધ્યમ વર્ગનો માનવી પોતાની ઈચ્છિત સગવડો મેળવી શકતો હોય છે; કારણ કે એ અજાગ્રત મન ઉપર સ્વ: કે આંશિક રીતે જાગ્રત મનનો પહેરો હોય છે. આમ અવચેતન મન ઉપર અજાગ્રત મનનો આંશિક કાબૂ હોય છે, અને અજાગ્રત મન ઉપર જાગ્રત મનનો આંશિક કાબૂ હોય છે. તેવી જ રીતે જાગ્રત મન ઉપર અજાણતાં જેનો આંશિક કાબૂ હોય છે, તે ઊર્ધ્વ મન, અતિમનસ ચેતના. આપણે આ ઊર્ધ્વ મનનો હવે પરિચય કરવો જોઈશે.
આ ઊર્ધ્વ મન અથવા અતિમનસ ચેતનાને કારણે જ અજામિલ, ગીધ, વ્યાધ, બિલ્વમંગળ, વાલ્મીકિ, અંગુલિમાન કે પેલી જીવંતી વેશ્યા પરમપદને પામી શક્યાં. તેઓ ઊર્ધ્વમનનો સાદ પારખી ગયાં. ‘આ ઉર્ધ્વ મન કેવું છે, કેવી રીતે તેનો સહયોગ કરવો’ એ બધું ધર્મ છે. સાચી ધાર્મિકતા ઊર્ધ્વ મનને કાર્યશીલ કરવામાં શરૂ થાય છે. ઊર્ધ્વ મન પાસે નાતજાત, ઊંચનીચ કે સાંપ્રદાયિક ભેદ નથી. આપણે સહેલાઈથી ઊર્ધ્વ મનને ઓળખી શકીએ છીએ. અજાણતાં તેવા પ્રયોગો કરતાં જ હોઈએ છીએ. ફ્રેડરીક નિત્શે (1844-1900)એ આ ઊર્ધ્વ મન પરત્વે પાશ્ચાત્યોનું ધ્યાન દોર્યું. આપણા ઋષિ-મુનિઓએ તો યુગોથી એ ચેતનાનો પ્રત્યય મેળવ્યો હતો. ‘ધિયો યોન: પ્રચોદયાત’ એ મંત્રથી તેઓએ તેને આવાહન આપ્યું હતું. હિંદીઓએ આ મંત્રને પોતાના જીવનના સંસ્કારરૂપ ગણ્યો ને ઉપનયન સંસ્કારથી જીવનમાં વણી લીધો. બૌદ્ધોએ અને જૈનોએ તેને અનુક્રમે પ્રજ્ઞા-પારમિતા અને શક્તિનું સ્વરૂપ આપી તેને જીવનની ઈષ્ટ, અભીપ્સિત પરમ ગતિના સોપાનરૂપ ગણ્યું છે. નિત્શેએ ઊર્ધ્વ મનને સંશોધન કરવાનું બીજ નાખ્યું અને મહર્ષિ અરવિંદે તેનો પ્રયોગ કર્યો તેને સંસ્કારીને.
આ ઊર્ધ્વ મન કે અતિમનસ ચેતના આપણામાં જ દટાયેલી પડેલી છે. આપણે સભાન બનીને તેને ખુલ્લી કરવાની છે. જેમ બાળકમાં યુવાનીની પ્રબળ શક્તિ દટાયેલી હોય છે તેમ જ આપણા મનમાં રાખમાં ભારેલા અંગારાની જેમ એ પ્રબળ ઊર્ધ્વ મન દટાયેલું છે. તેને દટાયેલું રહેવા દેવું કે તેમાંથી તે અંગારો કાઢી પ્રકાશની ચિનગારી આપવી તે આપણા હાથમાં છે. આ ઊર્ધ્વ મન આપણને સતત દોરતું હોય છે. એને આપણે ‘અંતરાત્માના અવાજ’ને નામે ઓળખી શકીએ. અંતર-આત્માના અવાજને હમણાં યથેચ્છ વર્તન માટે વગોવ્યો છે તે આત્માના અવાજની આ વાત નથી. માણસ જ્યારે પણ કાંઈક ખોટું કાર્ય કરશે ત્યારે આ આંતરમન – અતિમનસ ચેતના, આ ઊર્ધ્વ મન તેને પળભર અટકાવશે. એના અવાજને અવગણીને મનુષ્ય પ્રમાદ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, યથેચ્છ વાસના અને સ્વછંદ વર્તન કરતો હોય છે. આ એ આત્માના અવાજ – ઊર્ધ્વ મન પરત્વે આપણે જાગ્રત થવાનું છે. દિવસમાં આપણો વ્યવસાય શરૂ કરતાં પહેલાં શાંત ચિત્તે એકાંતમાં બેસીને તે ઊર્ધ્વમન સાથે અનુસંધાન કરવાનું છે. ભાવના દ્વારા એવા વિચાર કરી તેની તરફ આપણી જાતને આપણે ખુલ્લી કરવાની છે, અને પછી વ્યવસાય, નોકરી કે અન્ય કાર્ય કરતી વખતે તેનું વારંવાર અનુસંધાન કરવાનું છે, તેને પડકારતા રહેવાનું છે, તેની તરફ સભાન બનવાનું છે.
વારંવાર આવતા આ ઊર્ધ્વ મનના પડકારને સતત અવગણ્યા કર્યાથી પછી તે ઊર્ધ્વ મનના અવાજને ઓળખી શકાતો નથી. તે જાણે કે ક્ષીણ પડી ગયો હોય તેમ લાગે છે; તેથી જ હવે તેને વારંવાર પડકારીને, તેનું અવધાન રાખીને દિવસ વ્યતીત કરવાથી તેને પ્રજાળી શકાશે. એટલે અરવિંદ આશ્રમના શ્રી માતાજી કહે છે કે, દિવસમાં તમે પાંચ મિનિટ પૂરતું એમ વિચારો કે હા ભાઈ, જગતમાં અતિમનસ શક્તિ – ઊર્ધ્વ મન જેવું કાંઈક છે ખરું, અને તે મારી અંદર આવિર્ભાવ કરે તો તો બહુ સારું થાય. પછી બાકીના વખતમાં તમે બીજી જ વસ્તુઓનો વિચાર કર્યા કરો (ને તેના પ્રત્યે જરાય સભાન રહેવા પ્રયત્ન ન કરો) તો એ શક્તિ તમારામાં આવે અને ગંભીર રીતે કામ કરે એવું બનવાનો સંભવ ઓછો છે. શ્રી અરવિંદ આ વસ્તુ સ્પષ્ટ કરે છે. એ એમ નથી કહેતા કે આ બધું તમે કરશો. એ કરનાર તો દિવ્ય ઈચ્છાશક્તિ છે એમ તેઓ કહે છે. એટલે મારી પાસે આવીને એમ ના કહેશો કે ‘અરે, આ તો મારાથી નથી થતું !’ આ અતિમાનસનું ઉતરાણ તમારે કરવાનું નથી, પણ તમારે તમારા સ્વરૂપનો વિસ્તાર થાય, તમારી ચેતનામાં એ ઊર્ધ્વમન વિસ્તરી શકે તે માટે એક તીવ્ર ઈચ્છા અને લગની પૂરતા પ્રમાણમાં ટકાવી રાખવાનાં છે, સતત તે પ્રત્યે સજાગ રહેવાનું છે. જેમ આપણને દાઢ દુ:ખતી હોય તો તેની સ્મૃતિ દરેક કાર્યમાં કેમ સતત રહ્યા જ કરે છે, તેવી રીતે આપણા દરેક કાર્યમાં એ ઊર્ધ્વ મન – અતિમનસ પ્રત્યે આપણી સ્મૃતિ રહે – સભાનતા રહે તો ઘણું છે. પછી એ ઊર્ધ્વ મન તમારે માટે કાર્ય કરશે, તમને અમૃતદ્વારે લઈ જશે.
આપણામાં જ રહેલી શક્તિઓને આપણે ઓળખવાની છે. તે માટે નિત્શે, રજનીશ, કૃષ્ણમૂર્તિ વગેરે મહાનુભાવો પોકારી પોકારીને આપણા મનમાં રૂઢિગત, જાતિગત, દેશગત, સમાજગત અને કુટુંબગત બંધાયેલી ગાંઠોને છોડી નાખવાનું કહે છે. આપણાં મૂલ્યો અને આપણામાં રહેલી આ માન્યતાને આપણે તોડી દૂર કરવાં જોઈશે, જેથી એ સર્વથી મુક્ત બનેલું મન, ઊર્ધ્વ ચેતનાને સ્વીકારી શકે. આપણી ભીરુતાએ જ અનેક તથાકથિત સંપ્રદાયો, તેના વિધિનિષેધો અને બંધનો સ્વીકારાવી આપણને પંગુ બનાવી દીધા છે, જેને કારણે શાશ્વત સુખ માટે આપણે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, વિહાર કે તીર્થસ્થાનોમાં દોડીએ છીએ. ભૌતિક સાધનો ધન, દોલત, કીર્તિ, સત્તા વગેરેમાં સુખને શોધીએ છીએ. શ્રીમન્નારાયણે – ‘બિન માગે મોતી મિલે’ નામના પુસ્તકમાં એક મધુરી કથા દ્વારા આપણામાં રહેલી ઊર્ધ્વ ચેતનાનો ઈશારો કર્યો છે :
એક નાનકડો બાળક શુભ ચાંદનીમાં પોતાનો પડછાયો પકડવા આમતેમ ઘૂંટણીએ દોડી રહ્યો હતો. પડછાયાને પકડવા હાથ લંબાવે, ક્યારેક આગળ વધે, ક્યારેક પાછો ફરે; પણ એ પડછાયો પકડાય જ નહિ. તેની મા ઘણા સમય સુધી આ કૌતુક જોઈ જોઈને હસી રહી હતી, આનંદિત થતી હતી. પરંતુ જ્યારે બાળક થાકી ગયું ત્યારે માને દયા આવી. તે બાળક પાસે આવી. બાળકના એક હાથને પકડીને તેણે બાળકના પોતાના શિર પર ઉપર મૂકી દીધો. બાળકે જોયું તો પડછાયો તેની પકડમાં આવી ગયો હતો. તે ખિલખિલાટ હસી પડ્યું. માએ તરત જ એને ચૂમ્યું અને હૈયાસરસું ચાંપ્યું. આ ખેલ આપણે ખેલી રહ્યા છીએ. દુનિયામાં અમરત્વ પ્રાપ્ત કરવાના આપણે ભાતભાતના અને જાતજાતના ઉપાયો કરીએ છીએ, પણ તે હાથમાં આવતું નથી. પરંતુ જેણે આત્મસ્વરૂપને ઓળખ્યું છે તેઓ આ ફંદામાં પડતા નથી. અમરત્વ તો એમના અંતરમાં સમાઈ ગયું છે. તે પોતાનો અનંત આંતરઆનંદ દુનિયાને પણ વહેંચતો રહે છે અને જગતની સેવામાં પોતાની સઘળી શક્તિઓ ન્યોછાવર કરી દે છે.
કહતે હૈં ઈશ્વરને તુમકો રૂપ દિયા નિજ રૂપ સમાન,
માનવ ! તેરી શક્તિ અતુલ, તૂ ઢાલ શકે નૂતન ભગવાન.
મહાભારતના ઋષિકવિએ પણ કથન કર્યું છે : ‘ન માનુષાત શ્રેષ્ઠતરં હિ કિંચિત’ અર્થાત મનુષ્યથી અધિક શ્રેષ્ઠ અન્ય કોઈ નથી. હા, એ વખાણ આપણામાં રહેલ ઊર્ધ્વ મન અને મનની પાર પામવાની શક્તિનાં છે. હજુ આપણે તેનો વધુ પરિચય કરવાનો બાકી રહ્યો છે. ભગવદગીતામાં અને ઉપનિષદમાં ભગવાન કૃષ્ણ કહે છે કે ઉપર મૂળ અને શાખ નીચે હોઈ, જે કદી નાશ થતું નથી અને છાંદસ (અભિલાષા) જેનાં પાંદડાં છે એવું એ પીપળાનું વૃક્ષ છે, તેને જેણે જાણ્યું છે તે પુરુષ ખરો વેદવેત્તા (જાણનારો) છે. સત્વ, રજ અને તમ જેવા ગુણથી પોષણ પામેલી અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધરૂપી વિષયોના અંકુર જેમાંથી ફૂટેલા છે, એવી તેની શાખાઓ ઊંચે અને નીચે ફેલાયેલી છે, અને છેવટે કર્મ (સંસ્કાર)નું રૂપ પામનારાં તેનાં મૂળો નીચે પણ મનુષ્યલોકમાં (મનના લોકમાં) વધતાં વધતાં લાંબે સુધી પહોંચે છે. ઉપર પણ મૂળ અને નીચે પણ મૂળ હોય તેવું શું હોય ? આપણું મન એવું છે જેને ઉપર પણ મૂળ છે અને નીચે પણ મૂળ છે !
જાગ્રત મનની નીચે અધોમન છે, અવચેતન અને અચેતન મન છે. તેની સમજણ મેળવવા આપણે અગાઉના પ્રકરણોમાં વાત કરી છે. હવે આપણે જેનું મૂળ ઉપર છે તે મનના અતિમનસ – ઊર્ધ્વ મનને સમજવા યત્ન કરીએ છીએ. કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે કે, ‘આ સનાતન પીપળો ઊંચો મૂળવાળો અને નીચે શાખાવાળો છે; તે જ પ્રકાશમાન કહેવાય છે, તે જ બ્રહ્મ કહેવાય છે, (તેને જે સમજે છે) તે જ અમૃત કહેવાય છે. મૃત્યુને તે જીતી જાય છે તેને આધારે આ બધા લોકો રહ્યા છે અને તેનાથી પર કાંઈ નથી, તે જ આત્મા છે. (તે જ તમે અને હું છીએ.)’ મનને જે આવી રીતે સમજે છે, તે પૂર્ણતાને પામે છે, મુક્ત થાય છે, પરમાત્માને મેળવે છે, અમરતાને પ્રાપ્ત થાય છે.
આપણાં સ્વપ્ન, આપણો સ્વભાવ, આપણું વ્યક્તિત્વ, આપણા સાહજિક કામક્રોધાદિ ભાવો ઉપર આપણા અંતરમન – અજાગ્રત મનની મોટી અસર હોય છે. વ્યવહારમાં આપણે જે કાંઈ કરતાં રહીએ છીએ તેની પાછળની વૃત્તિ – આ આંતર મનમાંથી જન્મે છે ને આપણું જાગ્રત મન તેની ઉપર વિવેકની પાળી બાંધી સઘળો વ્યવહાર સમુચિત કરાવે છે. અચાનક જાગ્રત મનની પકડ છટકી જાય ત્યારે આપણે ક્રોધ કરી લઈએ છીએ, આપણાથી લાલચમાં લપટાઈ જવાય છે, આપણે લોભ કરીએ છીએ, આપણી વાસનાને આપણે છૂટો દોર આપીએ છીએ અને એવું ઘણું ઘણું કરી લઈએ છીએ. આપણા જાગ્રત મનની પકડ છૂટી પડી જતાં આપણે જે કાંઈ અનૈતિક કરવા લાગીએ છીએ ત્યારે દરેક પ્રસંગે ઊર્ધ્વ મન આપણને ચેતવે છે, આપણને માર્ગદર્શન આપે છે પણ આપણે એ ઊર્ધ્વ મનનો અવાજ ગણકારતાં નથી. ધીમે ધીમે આપણે કાંઈક બૂઠા બની જઈએ છીએ – નીંભર થઈ જઈએ છીએ અને એથી મનનો અવાજ ક્ષીણ પડી જાય છે. આપણે (તમસ) અજાગ્રત, અવચેતન મનની પકડમાં આવી જઈ વ્યવહાર કરવા લાગી જઈએ છીએ. જો કે તેમ કરતાં આપણું અંતર (ઊર્ધ્વ મન) ડંખતું હોય છે. તેને કારણે તો જીવનમાં વિસંવાદ જન્મે છે. આપણા અંતરમાં એક લડાઈ જન્મે છે. આપણો એક હિસ્સો આપણને ઊંચે લઈ જવા યત્ન કરે છે અને એક હિસ્સો આપણને સ્વાભાવિક વિષય-વિકાર-વાસના તરફ લઈ જવા ખેંચે છે. આ કુરુક્ષેત્રની લડાઈ આપણામાં સદાય લડાતી રહે છે. જેની અસર પછી આપણા શરીર ઉપર, કૌટુંબિક સંબંધો ઉપર અને સમાજ ઉપર પડે છે.
કુદરત પોતાનાં તત્વોનાં આંદોલનો અખંડ બદલ્યા કરે છે, અને એમ કરીને સઘળા પ્રકારની આકૃતિઓ, વર્ણો અને રૂપો ઉત્પન્ન કરે છે. મનુષ્ય પણ પોતાની સૃષ્ટિમાં અર્થાત પોતાના શરીરમાં તે જ પ્રમાણે નિત્ય કર્યા કરે છે. માત્ર વિચાર કરવાથી પોતાના શરીરની ગમે તે વસ્તુનાં આંદોલનોને તે બદલી શકે છે, અને પોતાના શરીરમાં પોતાની ધારેલી ગમે તે સ્થિતિને ઉત્પન્ન કરી શકે છે. આ વિચાર દ્વારા આંદોલનોમાં ફેરફાર કરી શરીર દ્વારા દરેક પ્રકારનાં કાર્ય કરવા માટે દરેક મનુષ્ય સરખો જ શક્તિશાળી છે.
પરમાત્માને મેળવવા માટે આપણે ઊર્ધ્વમનના રાજમાર્ગમાંથી પસાર થવું પડે છે. ઈમર્સન આ ઊર્ધ્વ મનને ‘અધિઆત્મા’ કહે છે. તે લખે છે કે ‘મનુષ્ય, જેમાં સર્વ કલ્યાણ અને સર્વજ્ઞાન ભરેલાં છે એવા મંદિરના પ્રવેશદ્વાર જેવો છે. આપણે સામાન્ય રીતે જેને માણસ કહીએ છીએ અને જે ખાય છે, પીએ છે, ઝાડ રોપે છે, હિસાબ-કિતાબ કરે છે, પોતાના વ્યવસાય કે મજૂરી કરે છે તે મનુષ્યનું સાચું સ્વરૂપ પ્રગટ કરતો જ નથી. એ તો મનુષ્યની બાહરી અવળી રજૂઆત કરે છે. આપણે કાંઈ તેને માન આપતા નથી. પણ જેનું આ અંગ છે તેને માન આપીએ છીએ. માણસ પોતાના કાર્ય દ્વારા આ આત્માને પ્રગટ કરે છે, અને આપણે તેને નમીએ છીએ. અધિ આત્મામાં રહેલા અનંત, ગંભીર તથા સર્વ ઈશ્વરીય ગુણધર્મો સામે આપણે નતમસ્તક થઈ જઈએ છીએ.’ આપણે આ અધિ આત્મા કે અંત:કરણના અવાજ તરફ સજાગ બનવાનું છે. તે અવાજને આપણે ઉત્તેજન આપવાનું છે; જેથી તે અવાજને આપણે પૂર્ણપણે સાંભળી શકીએ, તેને કારણે આપણા વિકારો, વિષયો, ભોગ વગેરે તરફથી આપણું ધ્યાન વિમુખ બને. આપણે કામ-ક્રોધાદિ વિકારો સામે લડવાનું નથી; તેની ઉપેક્ષા કરવાની છે. તેઓ આપણી નીચે ગતિ કરાવતાં અજાગ્રત મન સાથે જોડાયેલાં જ રહે છે. આપણે તો આપણો સઘળો પ્રયત્ન ઊર્ધ્વ મન તરફ સજાગ રહેવા માટે કરવાનો છે. જેથી ધ્યાનમાં સ્થિરતા આવે ને અચાનક એ દ્વાર ખૂલી જાય, જે સદાય ખુલ્લાં હતાં.
ધ્યાનમાં પણ કંઈ કરવાનું રહેતું નથી. ધ્યાનના સમયમાં, ધ્યાન કરનાર પોતાનું ધ્યાન અંતરમાં ફરી કરાતા ધ્વનિ ઉપર, આપણા શ્વાસોચ્છવાસ ઉપર કે આંખો અંદર અંધકારમાં દૂર સુધી જોવામાં કરે છે. કઠ ઉપનિષદમાં યમ કહે છે કે ‘પરમાત્માએ ઈન્દ્રિયોની બહારની બાજુ ઉઘાડી છે, તેથી મનુષ્ય બહાર જુએ છે, પણ અંદરના આત્માને જોતો નથી. કોઈ બુદ્ધિમાન મનુષ્ય જ અમરપણાને ઈચ્છે છે અને બહાર જતી ઈન્દ્રિયોને પાછી વાળી અંતરાત્માને જુએ છે.’

No comments:

Post a Comment