મહાભારતમાં ઉદ્યોગપર્વ સર્વોત્તમ ગણાય છે કારણ કે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહેલ વચનો ઉદ્યોગપર્વ અંતર્ગત ‘પ્રજાગરપર્વ’માં આવેલ છે. તેથી જ મહાભારતમાં ‘ઉદ્યોગપર્વ એ સાર છે’ તેમ પંડિતો કહે છે. ઉત્તરા અને અભિમન્યુના લગ્ન થયા પછી વિરાટ રાજાના સભાગૃહમાં મેળાવડો હતો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘હે રાજા-મહારાજાઓ, દુર્યોધને છળકપટ કરીને પાંડવોનું રાજ્ય પડાવી લીધું. પાંડવોને તેર-તેર વર્ષો સુધી પાર વિનાનાં દુ:ખ આપ્યાં તે તમારાથી અજાણ નથી. પરંતુ હસ્તિનાપુરના રાજ્ય ઉપર પાંડવોનો વંશપરંપરાનો હક્ક છે માટે વગર તકરારે દુર્યોધને તેમનું રાજ્ય તેમને પાછું આપવું જોઈએ. અને જો સદભાવપૂર્વક પાછું ન આપે તો બંને પક્ષનું હિત સધાતું હોય એવો કોઈ માર્ગ આપણે બધા મળી વિચારી કાઢીએ તો સારું.’ ત્યારે પાંડવો, શ્રીકૃષ્ણ, બળરામ, સાત્યકી, દ્રુપદરાજા વગેરેએ વિચારી એવું નક્કી કર્યું કે – આપણે એક દૂતને હસ્તિનાપુર મોકલી સંધિનો પ્રસ્તાવ મૂકીએ. પછી દ્રુપદરાજાએ પોતાના વૃદ્ધ ચતુર પુરોહિતને મોકલી સંધિના બધી પ્રકારના પ્રયત્નો કરવા કહ્યું.
દ્રુપદરાજાનો પુરોહિત દૂત બનીને હસ્તિનાપુર આવી પહોંચ્યો. તેણે આવીને જોયું તો દુર્યોધને મોટું લશ્કર ભેગું કર્યું હતું. પુરોહિતે બંને પક્ષ વચ્ચે સંધિ સધાય તે માટે ખૂબ પ્રયત્ન કરી જોયો પણ તેથી કાંઈ વળ્યું નહિ. ત્યારે ધૃતરાષ્ટ્રે પુરોહિતને કહ્યું કે – તમે પાંડવો પાસે જાઓ હું સંધિ કરવા માટે તમારી પાછળ સંજયને મોકલું છું. પુરોહિત પાછો ફર્યો. ધૃતરાષ્ટ્રે સંજયને દૂત બનાવીને મોકલ્યો. પાંડવો પાસે આવી સંજયે કહ્યું : ‘તમે આ રાજ્ય લેવાનું માંડીવાળો, યુદ્ધનો વિચાર પણ છોડી દો. તમે તો સદા ધર્મમાં મતિ રાખનારા છો, તમારા માટે તો ભોગતૃષ્ણા નહિ પરંતુ ક્ષમા જ ભૂષણરૂપ છે. રાજ્ય માટે સંબંધીઓ સાથે યુદ્ધ કરવાનું તમને શોભે નહિ…’ વગેરે વચનો કહ્યાં. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : ‘અમે અમારું પૈતૃક રાજ્ય નથી માગતા પરંતુ ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય આપે તો બસ છે. નહિ તો અમારે રાજ્ય માટે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. યુદ્ધથી વિમુખ થવું એ તો ક્ષત્રિયની કાયરતા કહેવાય અને આ તો વળી ધર્મયુદ્ધ છે. મારું હૃદય તો યુદ્ધની ના પાડે છે છતાંયે ધર્મના રક્ષણ માટે આ કરવું પડે છે. આ બધું સાંભળી છેવટે સંજય ત્યાંથી પાછો ફર્યો. હસ્તિનાપુર આવી બધા જ સમાચાર ધૃતરાષ્ટ્રને કહ્યા અને સંજયે હવે ઘેર જવાની રજા માગી અને ધૃતરાષ્ટ્ર પાસે વિદાય લીધી.
આ બાજુ હવે સમાચાર સાંભળી ધૃતરાષ્ટ્રના અંતરમાં ઉત્પાત મચ્યો. રાત્રિ ઘણી વહી ગઈ હતી. હસ્તિનાપુર નિ:શબ્દ અને નિદ્રાવશ બની ગયું હતું. માત્ર જેના માથા ઉપર આવડા મોટા વિશાળ સામ્રાજ્યનો બોજો છે અને જે અનુપમ ઐશ્વર્યનો અધીશ્વર છે તેને આજે નિદ્રા નથી. છેવટે તેનાથી જ્યારે કાંઈ કરતાં રહેવાયું નહિ ત્યારે તેણે વિદુરને તેડાવ્યા અને કહ્યું કે : ‘હે વિદુર ! મને આજે જરાય ઊંઘ આવતી નથી. તમે મહાજ્ઞાની છો. કાંઈક સારી વાત સંભળાવો. ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ વચનો કહ્યાં તે ‘વિદુરનીતિ’ એવા નામથી જગતમાં પ્રસિદ્ધ છે. તેમણે તેમાં ન્યાયસંગત અને ધર્મયુક્ત વચનો કહ્યાં છે. પ્રસ્તુત છે તેમાંથી કેટલાંક ચૂંટેલા વચનો.
[1] લક્ષ્મી ક્યાં જતી નથી ?
જે મનુષ્ય અતિશય સરળ, અતિશય દાની, અતિશય શૂર અને અતિશય વ્રતી છે, તેમ જ જે ડહાપણનું અભિમાન રાખે છે, તેની પાસે લક્ષ્મી ભયથી ફરકતી પણ નથી. લક્ષ્મી અતિગુણવાન પાસે રહેતી નથી, તેમ અતિશય ગુણહીનની પાસે પણ રહેતી નથી. તે ગુણ ચાહતી નથી તેમ ગુણહીનતાથી પણ રિઝાતી નથી.
[2] નાશ કરનાર વસ્તુ
આશા ધૈર્યનો નાશ કરે છે, કાળ સમૃદ્ધિનો નાશ કરે છે, ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે, કૃપણતા યશનો નાશ કરે છે, અરક્ષણ પશુઓનો નાશ કરે છે અને કોપાયમાન થયેલો એક બ્રાહ્મણ (એટલે કે કોઈ પણ સજ્જન વ્યક્તિ) આખા દેશનો નાશ કરે છે.
[3] કોણ દુ:ખી થાય નહિ ?
કયું કાર્ય કરવું અને કયું ન કરવું, આ સંબંધમાં જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ એવા પોતાના સંબંધીને માન આપીને તથા પ્રસન્ન કરીને પૂછે છે, તે કોઈ દિવસ મૂંઝાતો નથી. ધૈર્યથી શિશ્ન તથા ઉદરની રક્ષા કરવી, નેત્રથી હાથો તથા પગોની રક્ષા કરવી; મનથી આંખ અને કાનની રક્ષા કરવી અને કર્મથી મન તથા વાણીની રક્ષા કરવી. જે આ બરાબર સમજી લે છે તે કદી દુ:ખી થતો નથી.
[4] અધમ વ્યક્તિના લક્ષણો
જેને મહાપરાણે પણ ઉપદેશ લાગતો નથી (એટલે કે અનેક વાર સમજાવ્યા છતાં સમજતો નથી), જે માર ખાનારો છે, શસ્ત્રોથી ઘવાતાં છતાં જે ક્રોધને લીધે પાછો ફરતો નથી (એટલે કે ઠોકરો ખાવા છતાં ક્રોધને લીધે જે સુધરતો નથી), જે કૃતધ્ની છે, જે કોઈનો પણ મિત્ર નથી અને જે દુષ્ટ અંત:કરણવાળો છે, તે પુરુષ અધમ વૃત્તિવાળો કહેવાય છે. જે કલ્યાણને માટે શ્રેષ્ઠ પુરુષો પર શ્રદ્ધા રાખતો નથી, જેને પોતાના પર પણ વિશ્વાસ નથી તથા જે મિત્રોનો પણ અનાદર કરે છે; તે અધમ પુરુષ છે.
[5] રક્ષણ
સત્યથી ધર્મનું રક્ષણ થાય છે, અભ્યાસથી વિદ્યાનું રક્ષણ થાય છે, શરીર ચોળીને નાહવાથી રૂપનું રક્ષણ થાય છે અને સદવર્તનથી કુળનું રક્ષણ થાય છે. માપવાથી ધાન્યનું રક્ષણ થાય છે, પલોટવાથી ઘોડાનું રક્ષણ થાય છે, દેખભાળથી ગાયોનું રક્ષણ થાય છે અને જાડાં છતાં ઠાવકાં (અપારદર્શક) વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે.
[6] સન્માન
મારું માનવું છે કે, સારા કુળમાં જન્મેલો મનુષ્ય પણ દુરાચારી હોય તો તે માન માટે યોગ્ય નથી; પણ નીચ કુળમાં જન્મેલો મનુષ્ય પણ જો સદાચારી હોય તો તે શ્રેષ્ઠ છે. જે મનુષ્ય પારકા ધનની, રૂપની, પરાક્રમની, કુળની, વંશની, સુખની, સૌભાગ્યની અને સન્માનની ઈર્ષ્યા કરે છે, તેને પાર વિનાની પીડા રહે છે.
[7] આઠ પદાર્થોનું વિવેચન
હે ભારત ! મિત્રોનો સંગાથ, મહાન ધનપ્રાપ્તિ, સંતાનનું આલિંગન, મૈથુનમાં સ્ત્રીપુરુષનો સાથે જ વીર્યસ્ત્રાવ, સમયસર પ્રિય ભાષણ, પોતાની જ્ઞાતિમાં પોતાનો અભ્યુદય, ઈચ્છિત વસ્તુનો લાભ અને જનસમુદાયમાં સન્માન – આ આઠ વાત લોકમાં વર્તમાન જોવામાં આવે છે. તે દૂધના સારરૂપ માખણની પેઠે હર્ષના સારરૂપ છે અને પોતાનાં સુખને માટે કારણભૂત છે એટલે કે આ આઠ બાબતોથી વ્યક્તિને સુખ થાય છે. બુદ્ધિ, કુલીનતા, ઈન્દ્રિયનિગ્રહ, શાસ્ત્રનું જ્ઞાન, પરાક્રમ, પરિમિત ભાષણ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા – આ આઠ ગુણો પુરુષને દીપાવે છે.
[8] આજીવિકા
ચોર લોકો હંમેશા ગાફેલ મનુષ્ય પર જીવિકા ચલાવે છે, વૈદ્યો રોગીઓ પર જીવિકા ચલાવે છે, વૈશ્યાઓ કામી પુરુષો પર જીવિકા ચલાવે છે, ગોર યજમાનો પર જીવિકા ચલાવે છે, રાજા કજિયા કરનારાઓ પર જીવિકા ચલાવે છે અને પંડિતો મૂર્ખો પર જીવિકા ચલાવે છે. આમ આ છની પેલા છને આધારે આજીવિકા છે. સાતમો કોઈ નથી.
[9] ચિત્ત
જે પુરુષનું ચિત્ત ચંચળ છે, જે વૃદ્ધોની સેવા કરતો નથી અને જેની બુદ્ધિ ઝોલાં ખાતી હોય છે, તે પુરુષના મિત્રો નિત્ય અસ્થિર હોય છે. હંસો જેમ સુકાયેલા સરોવરને છોડી જાય છે, તેમ લક્ષ્મી ચંચળ ચિત્તવાળા, મૂર્ખ અને ઈન્દ્રિયોના દાસ થયેલા પુરુષને છોડી જાય છે.
[10] દુર્જન
દુર્જનોનો સ્વાભાવ વાદળાં જેવો ચંચળ છે; તેઓ વિના કારણે કોપી ઉઠે છે અને વિના કારણે રીઝી ઉઠે છે. મિત્રોએ પોતાનો સત્કાર કર્યો હોય તથા કામ કરી આપ્યાં હોય છતાં, જેઓ તે મિત્રોનું હિત કરતા નથી, તેઓ કૃતધ્ની છે. તેઓ જ્યારે મરી જાય છે ત્યારે માંસભક્ષક પ્રાણીઓ પણ તેમનાં શબને ખાતાં નથી (એવા ભયથી કે રખે પોતે તેમના જેવાં કૃતધ્ની થઈ જાય !).
[11] અન્યાયયુક્ત વાણી
જેના ઉપર શોક્ય આવી હોય એવી સ્ત્રીને, જુગારમાં સર્વસ્વ હારેલાને અને ભાર ઉપાડવાથી જેનું અંગ કળતું હોય તેને જેવી દુ:ખમય રાત કાઢવી પડે છે, તેવી જ દુ:ખમય રાત્રિ અન્યાયયુક્ત બોલનારને કાઢવી પડે છે. પોતાના નગરમાં જ કેદ પડેલો, ક્ષુધાથી વ્યાકુળ થયેલો અને આંગણા બહાર જ પુષ્કળ શત્રુઓ જોનારો જે દુ:ખ પામે છે, તે દુ:ખ ખોટી સાક્ષી આપનારને પ્રાપ્ત થાય છે.
[12] ભય
હે મહીપતિ ! સામાન્ય રીતે જગતમાં શ્રીમંતોમાં ખાવાની શક્તિ હોતી નથી અને દરિદ્રીઓને તો લાકડાં પણ પચી જાય છે. અધમોને પેટ ભરવાનો ભય રહે છે, મધ્યમોને મરણનો ભય હોય છે અને ઉત્તમ મનુષ્યોને અપમાનનો જ મોટો ભય હોય છે.
[13] ભૂખ
હે ભરતશ્રેષ્ઠ ! શ્રીમંતોના ભોજનમાં માંસ મુખ્ય હોય છે, મધ્યમોના ભોજનમાં ગોરસ મુખ્ય હોય છે અને દરિદ્રોના ભોજનમાં તેલ મુખ્ય હોય છે; પરંતુ દરિદ્રીઓ જ સર્વદા અતિમધુર અન્ન ખાય છે; કારણ કે ભૂખ ભોજનમાં અમી લાવે છે અને તે ભૂખ શ્રીમંતોને બહુ દુર્લભ હોય છે.
[14] કામ ક્યારે કરવું ?
જે કામ કરવાથી રાત્રે સુખે રહેવાય, તે કામ દિવસે જ કરી લેવું. જે કામ કરવાથી ચોમાસાના ચાર મહિનામાં સુખે રહેવાય, તે કામ આગલા આઠ મહિનામાં જ કરી લેવું. ઊતરતી વય પ્રાપ્ત થતાં જે કાર્ય કરવાથી સુખે રહેવાય તે કાર્ય આગલી વયમાં જ કરી લેવું; પણ જે કામથી મૃત્યુ પછી સુખ સાંપડે તે કામ તો આખા જીવન સુધી કર્યા જ કરવું.
[15] સુખનો માર્ગ
મનુષ્ય મરે છે અને ફરી જન્મે છે, મનુષ્ય હીન થાય છે અને ફરી વૃદ્ધિ પામે છે. મનુષ્ય યાચના કરે છે અને ફરી બીજા તેની પાસે યાચના કરે છે અને વળી મનુષ્ય બીજાનો શોક કરે છે અને બીજાઓને પોતાનો શોક કરાવે છે. સુખ-દુ:ખ, ચડતી-પડતી, લાભ-હાનિ અને જન્મ-મરણ, આ જોડકાંઓ અનુક્રમે સર્વને પ્રાપ્ત થાય જ છે, માટે ધીર મનુષ્યે તે સંબંધી ન તો હર્ષ માનવો કે ન તો શોક પણ કરવો. આ બધું દુનિયામાં સેંકડો સદીઓથી બન્યા જ કરે છે.
No comments:
Post a Comment