Google Search

Sunday, June 17, 2012

ધર્મમ્ ચર… સત્યમ્ વદ… – જશવંત મહેતા


મધ્યાહ્નનો ધોમ ધખતો હતો.
પંખીઓની ગગનની ઉડાઉડ શાંત થઈ ગઈ હતી. સૂર્યદેવતા સોળે કળાએ પૃથ્વીને તપાવી રહ્યા હતા. પંખીઓ વૃક્ષની ડાળે બાંધેલા માળામાં ગુપચુપ બેઠાં હતાં. ખેતરોમાં ખેડૂતો શરીર પરનો પસીનો લૂછતા ઘેઘૂર વડલાની છાયામાં ખેસ પાથરી – લાંબા થઈને ગામના પાદર સુધી લંબાતી કેડી પર લાંબી નજર નાખતા ગામમાંથી બપોરનું ભાથું માથે મૂકીને આવનારી ઘરવાળીઓની રાહ જોતા સૂતા હતા. બળદ કૂવાના થાળામાં ડોકું ઘાલી પાણી પીતા હતા. પંખીઓનો કલશોર શમી ગયો હતો. વાતાવરણમાં લૂ વાઈ રહી હતી. ખેતરો અને ગામના પાદરની કેડી વેરાન હતી.
થોડેક દૂરથી જંગલનો વિસ્તાર શરૂ થતો હતો. ઋષિપત્ની મુદગલા બપોરના સમયે એમના ગામને પાદર આવેલા આશ્રમની કુટિરના ઉંબરે ઊભાં રહી મુદગલ ઋષિની રાહ જોઈ રહ્યાં હતાં. આશ્રમમાં ગૌશાળા હતી. સાતઆઠ ગાયો… વાછરડાં સાથે એ ગૌશાળામાંની મુદગલ ઋષિની મૂડી હતી. પતિ-પત્ની સાદાઈભર્યું જીવન ગાળતાં હતાં. બન્નેને ગાયો પર અનેરો ભાવ હતો. વહેલી સવારે – બ્રાહ્મમુહૂર્તમાં ઋષિ મુદગલ અને ઋષિ મુદગલા ઊઠતાં. ઈશ્વરસ્મરણ કરી દેવોને તાજાં દૂધ-ઘીની આહુતિ આપતાં, અગ્નિકુંડમાં અગ્નિ પ્રગટાવી એનું પૂજન કરતાં. સવાર થતાં ગાયોને લઈ મુદગલ ઋષિ નજીકના જંગલમાં ચરાવવા જતા. રાતદિન હૈયે અને હોઠે હરિના નામનું રટણ કરતા વનમાં ગાયો ચરાવતા. સવાર-સાંજ ગાયો દોહવી, એમનું પૂજન કરવું, બસ એ જ પતિ-પત્નીનું જીવનકાર્ય હતું. દિનપ્રતિદિન ગાયોની સંખ્યા આશ્રમમાં વધતી જતી હતી.
ઋષિની હૃષ્ટપુષ્ટ ગાયો પર અનેકની નજર પડી હતી. જંગલમાં વસતા લૂંટારુઓએ તક જોઈ, મુદગલ ઋષિ જંગલમાં ઘાસચારા માટેની જગ્યા શોધવા અંદરના ભાગમાં પ્રવેશ્યા ત્યારે એમના પર હુમલો કરી, મુદગલ ઋષિને ઝાડ સાથે બાંધી દીધા. દૂબલાપતલા મુદગલ ઋષિને કાળમુખા લૂંટારુઓએ ખૂબ માર્યા… શરીરમાંથી લોહી વહેવા માંડ્યું. લૂંટારુઓ ગાયોનું ધણ લઈને પલાયન થઈ ગયા. આ બાજુ ઋષિપત્ની મુદગલા બપોર થઈ એટલે ઋષિ અને ગૌમાતાની રાહ જોતાં આશ્રમની કુટિરના ઉંબરે ચિંતિત ચહેરે ઊભાં હતાં. ઋષિનો ક્યાંય પત્તો નહોતો. છૂટાછવાયા સીમમાંથી આવતા ખેડૂતો, ભથવારીઓ ગામની દિશામાં આવતાં હતાં અને મુદગલા ઋષિ અંગે પૂછતાં, પરંતુ બધા જ ઋષિને જંગલમાં ક્યાંય દેખાયા નહોતા એવી વાત કરતાં. ઋષિપત્ની નિરાશ થઈ જતાં. ઋષિ માટેની એમની ચિંતા વધવા માંડી.
મનોમન કશાક નિર્ણય સાથે એ જંગલની દિશામાં જવા આશ્રમની બહાર પગલું મૂકતાં હતાં ત્યાં જ એમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. જંગલની દિશામાંથી લોહી-નીગળતા ચહેરે, લથડતા પગલે ઋષિ આવી રહ્યા હતા.
‘અરે… અરે… આ શું થઈ ગયું ? આપણી ગાયો ક્યાં ? કોણે તમારી આ દશા કરી ?’ ઋષિપત્ની ઋષિના લથડતા શરીરને ઝીલી લેતાં બોલી ઊઠ્યાં. ઋષિમાં બોલવાના પણ હોશ નહોતા. લૂંટારાઓ એમને ઝાડ સાથે બાંધીને ગાયોના ધણ સાથે ચાલ્યા ગયા. ઋષિ ચીસો પાડતા, કણસતા એમનાં બંધનોમાંથી મુક્ત થવા પ્રયત્ન કરતા હતા, એટલામાં એક શ્યામવર્ણો સાત-આઠ વર્ષનો બાળક જંગલમાં આવી ચઢ્યો. ઋષિને મુક્ત કરીને જંગલમાં અદશ્ય થઈ ગયો. મુદગલ ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે ચારે દિશામાં નજર ફેરવી, પરંતુ એમને બંધનમુક્ત કરતો બાળક દેખાયો નહીં. એમણે આશ્રમ તરફ પ્રયાણ આદર્યું. માંડમાંડ કષ્ટ સહન કરતા ઋષિ આશ્રમમાં પહોંચ્યા.
ઋષિપત્નીએ આશ્રમના પીપળાના વૃક્ષના ચોતરે ઋષિને શાંતિથી બેસાડ્યા.
‘મુદગલા… આપણી ગાયો…’ ઋષિ આગળ બોલી ન શક્યા. ગળે ડૂમો ભરાઈ ગયો. ગાયો ઋષિને પ્રાણથી પણ પ્યારી હતી. આંખો સામેથી લૂંટારાઓની ડાંગના માર ખાતી, ભાંભરડાં મારતી ગાયોને એ જોઈ રહ્યા, એ દશ્ય આંખો સામે આવી ગયું.
‘લૂંટારાઓ લૂંટી ગયા ?’ આંખોમાં હિંગળોકિયો રંગ ઉછાળતાં મુદગલા બોલી ઊઠ્યાં.
જવાબમાં ઋષિએ ડોકું ધુણાવ્યું અને લગભગ રડતા દુર્બલ અવાજે બોલી ઊઠ્યા : ‘મુદગલે…. આપણે લૂંટાઈ ગયા… આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું ! આપણે હવે શું કરશું ?’ લાચાર ઋષિ બોલી ઊઠ્યા. ઋષિપત્નીએ મુદગલ ઋષિના ખભે એમનો પ્રેમાળ હાથ મૂક્યો અને મૃદુ સ્વરે બોલી ઊઠ્યા : ‘પ્રાણનાથ ! નિરાશ થવાની જરૂર નથી. આપણું તપ, આપણું પુણ્ય, આપણી ગૌભક્તિ, આપણી નિષ્ઠા… એટલાં તો સબળ છે કે આપણે આપણું ગોધન પાછું મેળવીને જ રહીશું.’ – ધનુષટંકાર કરતા ઘેઘૂર નાદનો રણકો હવામાં ઉછાળતાં ઋષિપત્ની બોલી ઊઠ્યાં.
‘કેવી રીતે મેળવશો, મુદગલાદેવી !’
‘આપણે એમનો પીછો પકડી, પાતાળમાંથી પણ શોધી કાઢી, આપણી ગૌમાતાને પાછી લાવીશું… તમે ચિંતા ન કરો, દેવ !’
‘પીછો પણ કેવી રીતે કરશું ? આપણો બળદ પણ એ દુષ્ટ લૂંટારા ઉપાડી ગયા છે.’
‘કાંઈ વાંધો નહીં. જુવાન બળદ ભલે લૂંટારાઓ ઉપાડી ગયા. આપણો જૂનો સાંઢ તો છે ને… એને જોતરે જોડશું.’ ઋષિપત્ની બોલી ઊઠ્યાં.
‘આ ઘરડો સાંઢ… દેવી, તમે શું કહો છો ?’ મુદગલ ઋષિ પત્નીની વાત પર વિસ્મય પામતાં બોલ્યા.
‘હા… એ કામમાં આવશે, તમે ધરપત રાખો. આ ખીલોય કામ લાગશે.’ ઉત્સાહિત મુદગલા બોલી ઊઠ્યાં.
‘અરે, તમારું તે ફરી ગયું છે કે શું ? કેવી વાત કરો છો ! આ જૂનું લગભગ સડી ગયેલું આ ઠૂંઠું – મુદગર શું કામ આવવાનું ? ખીલો તો ગાડે જોડશું, પણ ગાડું હાંકશે કોણ ? અને આપણી પાસે તો આ એક ગલઢો સાંઢ છે !’
‘ઋષિવર્ય, ગાડાને હાંકશે મારો હરિ… સ્વર્ગમાં વસતા દેવો… જેમનાં પૂજન-અર્ચન કરવામાં આપણી જિંદગી પૂરી થવા આવી છે. માથા પર ઉપાધિ આવે ત્યારે આમ નાહિંમત બની લાચાર કેમ બની જાઓ છો ? તમારું તેજ… તમારું ઋષિત્વ, તમારી સાધના, તપ ક્યાં ગયા, દેવ ? જેના હૈયે હામ અને દેવોનો, હરિનો સાથ મળી જ રહે છે. તમે રથમાં બેસજો, હું રથ હાંકીશ. દેવોની સહાયથી આપણે લૂંટારાઓને પકડી પાડીશું. તમે આમેય મારા જીવનરથના રથી તો છો જ… આજે હું તમારી સારથિ બનીશ. સાબદા થાઓ, ઋષિ… આપણાં તપ-જપ અને ઈશ્વર પ્રત્યેની, દેવો પ્રત્યેની આસ્થાને સરાણે ચઢાવવાનો મોકો આવ્યો છે. આપણી તપશ્ચર્યાની તાવણીના દિવસો આવ્યા છે.’ – ઋષિપત્નીના અવાજમાં અનોખી શ્રદ્ધાનો રણકો ઊઠતો હતો.
ઋષિ એમની ભાર્યા સામે નિષ્પલક નયને જોઈ રહ્યા. ઋષિપત્નીના શબ્દોએ મુદગલ ઋષિમાં સાહસ અને ઉત્સાહનો સંચાર પ્રગટાવ્યો. વૃદ્ધ વૃષભને એમણે ગાડે જોડી દીધો. બીજી ધૂંસરીમાં મુદગર ઋષિએ ટેકવી દીધો. ગાડાની રાશ મુદગલાએ હાથમાં લીધી. રણે ચડતી વીરાંગના સમાં મુદગલા આ ક્ષણે લાગતાં હતાં. ઋષિ રથમાં બેઠા. એક નજર ચારે દિશામાં ફેરવીને ધ્યાનસ્થ થયા અને દેવાધિદેવ ઈન્દ્રને પ્રાર્થના કરતાં બુલંદ અવાજે બોલી ઊઠ્યા : ‘દેવાધિદેવ… આજે દુર્બલ.. અસહાય.. લાચાર એવો તારો લાડલો ઋષિ મુદગલ તમારી સહાય માગે છે. મારાં જપ-તપ, મારી સાધના, મારા વિચારો, મારી શ્રદ્ધા જે આજ સુધી તમારા શરણે હું ધરતો રહ્યો છું, એ તપ, જપ, એ શ્રદ્ધા, એ સાધનાના પુણ્યે, હે દેવાધિદેવ ઈન્દ્ર, તારા આ લાડલા ઋષિને સહાય કર અને જે લૂંટારાઓ અમારી ગાયો ઉપાડી ગયા છે ત્યાં આ સખળડખળ રથને પહોંચાડી દે.’
ઋષિવાણીથી ચારે દિશાઓ રણઝણી ઊઠી… આકાશમાં વીજળીના ચમકારા થવા માંડ્યા… અને એ ચમકારાની લકીરો પર સવાર થઈ રથ વાયુવેગે ઊડ્યો… અને ઘનઘોર જંગલની મધ્યમાં નિરાંતે ગાયોના ધણ સાથે બેઠેલા લૂંટારાઓની વચ્ચે જઈને ખડો થઈ ગયો. લૂંટારાઓ ચમક્યા.
‘અરે ! આ તે રથ છે કે ખડખડપાંચમ ગાડું ? ધૂંસરીએ બાંધેલો વૃદ્ધ સાંઢ ધ્રૂજતો હતો, તો બીજી બાજુ એવું જ ખખડધજ-તૂટુંતૂટું થતું-લાકડાનું ઠૂંઠું કે મુદગર – એ જળમાંથી તો ચેતનનો ફુવારો ઊડતો હતો. લુંટારાઓ ગભરાયા.
‘નક્કી આ ઋષિ… સામાન્ય ઋષિ નહોતા. દૂબલાપતલા લાગતા આ વૃદ્ધ ઋષિ અને ઋષિપત્નીએ દેવોને પૂજ્યા હતા. તપ અને સાધનાથી દેવોના દેવ દેવેન્દ્રને પ્રસન્ન કર્યા હતા. દેવો એમને ફળ્યા હતા. એમનાં જપ-તપ એળે નહોતાં ગયાં.’ – લૂંટારાઓ રથમાંથી ઊતરતા દેદીપ્યમાન તેજવર્તુળોમાં શોભતાં ઋષિ અને ઋષિપત્નીને જોઈ ઓઝપાઈ ગયા અને બન્નેને પગે પડ્યા, માફી માગી અને ગાયોને પાછી આપી.
ભાંભરડાં મારતી ગાયો ઋષિને જોતાં જ નાચવા માંડી, એમની ચારે બાજુ વીંટળાઈ વળી… એમના ગળાની ઘંટડીના રણકારથી અરણ્ય ગાજી ઊઠયું. આકાશમાંથી પૃષ્પવૃષ્ટિ થઈ. ગાંધર્વોનાં ગાન સાથે પંખીઓનો કલરવ ગુંજી ઊઠ્યો.
‘ઋષિવર્ય, અમારા અપરાધને ક્ષમા કરો… આપ તો મહાન ઋષિ છો, દેવોના લાડલા છો. આપ અમારા પાપને માફી બક્ષો… અને અમારી આ ભેટ સ્વીકારો.’ લૂંટારુઓનો સરદાર ઋષિદંપતીને પગે પડ્યો અને બન્નેના પગ પાસે રત્નોનો ઢગલો કરી દીધો.
‘ભાઈ… આ રત્નો… આ ભેટ…. તું તારા ભાઈભાંડુઓમાં વહેંચી દે…. અમને આવો ઉપહાર ન ગમે. અમે તો પ્રેમનાં ભૂખ્યાં છીએ. તારે અમને કંઈ દાન આપવું હોય તો એક જ દાન અમને આપ… અમને એ ખપશે.’ ઋષિ બોલ્યાં.
‘માગો, ઋષિવર્ય… માગો… અમારા જાન તમારે માટે હાજર છે.’
‘સત્કર્મનું દાન… આ પાપકર્મના ત્યાગનું દાન મને ખપશે… બોલો, આપવું છે દાન ?’
જવાબમાં લૂંટારુઓએ એમનાં શસ્ત્રો ઋષિને ચરણે ધરી દીધાં…. અને ઋષિ બોલી ઊઠ્યા : ‘ધર્મમ્… ચર… સત્યમ્ વદ…..’

No comments:

Post a Comment