ભગવાને તમને જે કંઈ પણ આપ્યું છે તેનો લાભ ઉઠાવવાનો છે. તેથી પ્રત્યેક વસ્તુ તથા પરિસ્થિતિનો સદુપયોગ કરી તેનો લાભ ઉઠાવો. બધાથી મૂલ્યવાન વસ્તુ છે – સમય. મૃત્યુ આવશે ત્યારે એક ક્ષણનો પણ સમય માંગતા મળશે નહીં. એટલે જીવનની એક એક ક્ષણનો સદુપયોગ કરો. એક એક શ્વાસનો સમય કલ્યાણમય કાર્યમાં લગાડો. સમયનો સર્વોત્તમ સદુપયોગ છે – આળસ પ્રમાદને છોડી ભગવાનનું મંગળમય સ્મરણ કરતાં કરતાં પ્રત્યેક કર્તવ્ય-કર્મને ભગવાનની પૂજા-સેવાના ભાવથી કરવું. અનર્થ કાર્ય અને વ્યર્થ સાહિત્ય, સિનેમા, પત્તાં વગેરે રમત, વ્યર્થ નિદ્રા, વ્યર્થ વાર્તાલાપ વગેરેમાં સમય કાઢવો એ તેનો દુરૂપયોગ છે. પાપકર્મમાં સમય કાઢવો તે દુરુપયોગ જ નહીં, પણ સમયની સાથે શત્રુતા કરી પોતાના વિનાશને આમંત્રણ આપવા બરાબર છે.
યાદ રાખો – તમને મન મળ્યું છે – ભગવત ચિંતન કરવા તથા સત-ચિંતન દ્વારા પોતાનું તથા બીજાનું સારું વિચારવા માટે. આવું કરવું એ જ મનનો સદુપયોગ છે અને જીવનની સફળતાનું સાધન છે. પરંતુ તમે જો તેને વિષાદ, ભય, ચિંતા, વેર, હિંસા, વ્યર્થ ચિંતન, કામ-ચિંતન, વિષય-ચિંતનમાં લગાડશો, પવિત્ર ભાવોને બદલે અશુદ્ધ વિચારોમાં જોડેલું રાખશો, અંકુશમાં નહીં રાખો, વ્યર્થ-અનર્થના વિચારોમાં ભટકવા દેશો તો તમે તેનો દુરપયોગ કરો છો.
યાદ રાખો – તમને વાણી મળી છે – ભગવાનનાં નામ – ગુણવાન માટે. અધ્યયન માટે, હિતપૂર્ણ-મધુર-સત્ય બોલવા માટે – એવા શબ્દોના ઉચ્ચારણ માટે, જેનાથી તમારું તથા બીજાનું કલ્યાણ થાય તથા તે શબ્દો વાયુમંડળમાં ફેલાઈ, લાંબા સમય સુધી વાતાવરણમાં શુદ્ધ પ્રેરણા આપે. એવું કરવું એ જ વાણીનો સદુપયોગ છે. તેથી વિરુદ્ધ જો તમે વાણી દ્વારા અસત્ય, અહિતકારી, ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળા, કટાક્ષ તથા અપ્રિય શબ્દોનું ઉચ્ચારણ કરી, પરનિંદા, પરચર્ચા, પરહાનિ-ચર્ચા, નિંદા અથવા વ્યર્થની વાતોમાં દુનિયાની આલોચના-પ્રલોચનામાં, મિથ્યા ગપ્પાં મારવામાં લગાડશો તો વાણીનો દુરુપયોગ થશે.
યાદ રાખો – તમને ધન સંપત્તિ મળી છે. વસ્તુઓ મળી છે – ભગવાનની સેવાને માટે. જ્યાં અભાવ છે ત્યાં ભગવાન તે અભાવગ્રસ્તોના રૂપમાં તમારી પાસે ધન-સંપત્તિ તથા તે વસ્તુઓને માંગે છે. તમે તે વસ્તુઓને તમારી ન માની, તમારા માટે ઓછામાં ઓછી રાખી બાકીની યથાયોગ્ય અભાવગ્રસ્તોને આદરપૂર્વક પ્રદાન કરવાના રૂપમાં, ભગવત-સેવામાં લગાવી દો તો તો તેનો સદુપયોગ કરો છો. આનાથી આત્મપ્રસાદ સાથે તમને ભગવદકૃપા પ્રાપ્ત થશે. પરંતુ તેથી વિપરીત જો તે ધન-સંપત્તિ પર તમારું માલિકીપણું – અધિકાર માનીને તમારા જ ભોગોમાં લગાવો છો અથવા સંગ્રહ કરી તેના રક્ષણની ચિંતા કરીને જો મરી જશો, તો તમે તમારું મોટું નુકશાન કરો છો; કારણ કે ભગવાનની વસ્તુને પોતાની માની તમે ચોરી કરો છો અને આ ચોરીનો દંડ તમારે ભોગવવો પડશે. તમે જો ધન-સંપત્તિને ખાવમાં, શોખમાં, વિલાસમાં, ફેશનમાં તથા દારૂ-વ્યભિચાર, અનાચાર, અત્યાચાર, ન ખાવા લાયક ભોજન-પાન અને વેર-હિંસામાં લગાડો છો, તો તમે તેનો પૂરો દુરૂપયોગ કરો છો. તમે જ તમારે માટે અનંત વેદનારૂપ નરક-ભોગની યોજના બનાવો છો. એટલે સાવધાન થઈ જાઓ. પાપનાં કાર્યોમાં ધન-સંપત્તિ અથવા કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરો. તમારા જીવન-નિર્વાહમાં પણ અત્યંત સાદાઈથી તેમનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. મોંઘા, કિંમતી કપડાં ન પહેરી ઓછી કિંમતના કપડાં પહેરો અને પૈસાને બચાવી તેના દ્વારા અભાવગ્રસ્તો માટે કપડાંની વ્યવસ્થા કરો. ખાવાપીવામાં સાદગી રાખો અને તેમાંથી બચેલા પૈસાથી અન્નના અભાવવાળા દુ:ખી પીડિત ભગવતરૂપોની સેવામાં અન્નદાનના રૂપમાં આપો. તમારી સંપત્તિનો આ જ સદુપયોગ છે.
યાદ રાખો – એ જ પ્રકારે તમને જે કાન, નાક, આંખ, જીભ, ત્વચા, ઈન્દ્રિયો મળી છે, તેમને પણ ભગવાન સાથે જોડી તથા તેમના દ્વારા સેવા કરી તેનો સદુપયોગ કરો. દુ:ખ, નિંદા, અપમાન, મુશ્કેલી આવે ત્યારે તેનો સદુપયોગ એવો વિચાર કરીને કરો કે આ બધાં અમારાં જ કરેલાં દુષ્કર્મોનું ફળ છે. તેથી હવેથી કોઈ પ્રકારનું કોઈ દુષ્કર્મ ન કરી સદા સત્કર્મ જ કરવું.
યાદ રાખો – ભગવાન એક છે. પરંતુ તેમના સુધી પહોંચવાના માર્ગ અનેક છે. સાધ્ય-લક્ષ્ય એક છે. પરંતુ તેને પ્રાપ્ત કરવાનાં સાધન અનેક છે. સાધ્ય એક હોવા છતાં પણ સાધનોમાં અનેકતા અનિવાર્ય છે. જેમ કાશી એક છે, પરંતુ કાશી પહોંચવાના માર્ગ અનેક છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ – બધી દિશાઓના માણસો કાશીને જ લક્ષ્ય બનાવીને ચાલશે, તો કાશી પહોંચી જશે. પરંતુ તેઓ ચાલશે પોતપોતાની દિશાઓમાંથી અને પોતપોતાના માર્ગો ઉપરથી જ. માર્ગના અનુભવ પણ તેમના અલગ અલગ હશે. કોઈ એવું ઈચ્છે કે પૂર્વથી આવવાવાળો પશ્ચિમ માર્ગથી જ આવે તથા ઉત્તરથી આવવાવાળો દક્ષિણના માર્ગથી જ આવે તો તે ભૂલ ભરેલું છે. તેવી જ રીતે ભગવાન સુધી- પોતાના પરમ લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન બધાનું એક જ હોય – આ માનવું પણ ભ્રમ છે. રૂચિ, સમજ અંત:કરણના સ્વરૂપ સત્વ, રજ, તમ ત્રણે ગુણોનું વત્તા-ઓછાપણું, પૂર્વ સંસ્કાર, વાતાવરણ વગેરે અનુસાર જ વિભિન્ન સાધન હોય છે. અર્થાત્ કોઈ પણ ભગવતપ્રાપ્તિના સાધનની નિંદા ન કરો. ન કોઈને જોઈ લલચાઓ. લક્ષ્ય પર દષ્ટિ રાખી નિત્ય પોતના માર્ગ ઉપર ચાલતા રહો. ભગવાન જ જીવનના પરમ સાધ્ય છે. તેને ક્ષણભર પણ ભૂલ્યા વગર નિત્ય-નિરંતર પોતાની સાધનામાં લાગી રહો. બીજા શું કરે છે, શું કહે છે, તે તરફ જોયા વગર નિરંતર પોતાના માર્ગ પર સાવધાનીથી આગળ વધો.
યાદ રાખો – જો તમારા જીવનમાં દૈવી સંપત્તિ વધી રહી હોય, મન વિષયોથી અલગ થતું હોય, ભગવાન પ્રત્યે વધારે આકર્ષણ થતું હોય, મનમાં શાંતિ અને આનંદની વૃદ્ધિ થતી હોય અને આ આ બધું ધીમી કે ઝડપી ચાલથી વધતું હોય તો સમજી લો કે તમે તે જ માત્રામાં ઉત્તરોત્તર આગળ વધી રહ્યા છો અને જો તમારા જીવનમાં આસુરી સંપત્તિ વધી રહી હોય, મન વિષયો તરફ ખેંચાતું હોય, ભગવાનના સ્મરણથી હઠી જતું હોય, મનમાં અશાંતિ તથા ચિંતાની વૃદ્ધિ થતી હોય અને આ બધું ધીમી કે તેજ ગતિથી વધતું હોય તો તે જ ગતિથી તમે પાછળ હઠી રહ્યા છો. તમારું પતન થઈ રહ્યું છે. તેથી સાવધાનીપૂર્વક તમારા જીવનની અંદરની સ્થિતિ જોતા રહો, તમારું અસલમાં સ્વરૂપ એ જ છે જેવી તમારી અંદરની સ્થિતિ છે.
યાદ રાખો – સૌથી જરૂરી અને સૌથી પહેલું કરવા યોગ્ય કાર્ય છે – લક્ષ્યનો નિશ્ચય. ‘ભગવાન જ જીવનનું પરમ લક્ષ્ય છે’ – એવો નિશ્ચય કરી આ લક્ષ્યને જ ધ્યાનમાં રાખી જીવનની દરેક અંદરની કે બહારની ક્રિયાઓ કરવી. જીવનનું નિશ્ચિત લક્ષ્ય ભગવાન હશે, તો તમારું મુખ ભગવાન તરફ નિશ્ચિત હશે અને તમે ધીમી યા ઝડપી ચાલથી ભગવાન તરફ જ વધતા રહેશો. કારણ જીવમાત્ર બધા ચાલતા જ રહે છે. આ કાળચક્રમાં રહીને નિત્ય-નિરંતર ચાલતા રહેવું એ જ સંસારમાં જીવનું કાર્ય છે. પછી તે ચાહે ભગવાન સામે મુખ રાખીને તેમની તરફ ચાલે કે વિષયોને સામે રાખી તેમની તરફ ચાલે.
યાદ રાખો – હિમાલયની તપોભૂમિની તરફ જનારાઓને જેમ જેમ આગળ જતા જશે તેમ તેમ શીતળતા (ઠંડક), એકાંતભૂમિ, ત્યાગી, સાધુ-મહાત્મા તથા શાંતિ-સુખ વગેરે મળશે અને તેનાથી વિપરીત ગરમ દેશમાં જવાથી – ભોગમય મોટાં મોટાં નગરો, ઉત્તરોત્તર ગરમી, ભીડ-ભાડ, ભોગી વિષયી લોકો – ચોર, ઠગ, ડાકુ, અશાંતિ, ચિંતા વગેરે પ્રાપ્ત થશે. તેવી જ રીતે ભગવાન તરફ જનારને આગળ આગળ દૈવી સંપત્તિ, સત-સંગ, વિષય-વૈરાગ્ય, શાંતિ, આત્માનંદ, પવિત્ર આચાર-વિચાર વગેરે મળતા રહેશે અને ભોગો તરફ જનારને આગળ ને આગળ આસુરી સંપદા, કુસંગ, વિષયાસક્તિ, અશાંતિ, ભોગોમાં આનંદનો ભ્રમ, અપવિત્ર પાપ-કર્મ, રાત દિવસની બળતરા વગેરે પ્રાપ્ત થશે. એટલે તમે પોતાને આ લક્ષણો અનુસાર જોઈ વિચારી નિર્ણય કરી લો કે તમે કઈ તરફ જઈ રહ્યા છો અને જો દુ:ખમય અનિત્ય ભોગો તરફ જતા હો તો તમારા માટે દુ:ખ તથા પતન નિશ્ચિત છે. ભલે તમે બુદ્ધિશાળી, જ્ઞાનવાન, સાધુ, ભક્ત, મહાત્મા, નેતા,અધિકારી, ઐશ્વર્યવાન, સુખી કહેવાતા હોય અથવા પોતાને એમ માનતા હો. તેથી તરત વિષય તરફ પીઠ કરી, ભગવાનની સામે ફરી જાવ.
યાદ રાખો – તમને મનુષ્યરૂપે સંસારમાં એટલા માટે નથી મોકલ્યા કે દિવસ રાત-ભોગ વિલાસમાં લાગી રહી, પાપી જીવન વીતાવો અને પાપકર્મો ભેગાં કરી, રોતા-કકળતા મરી જાઓ. તમને મનુષ્ય-દેહ આપવામાં આવ્યો છે ભગવાનની પ્રાપ્તિની સાધનામાં લાગી પુણ્ય-જીવન વીતાવી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. મૃત્યુને મારી દિવ્ય નિત્ય ભાગવત-જીવનની પ્રાપ્તિને માટે. આ વાતને યાદ રાખો અને તમારી યોગ્યતા અને રૂચિ પ્રમાણે નિર્દોષ પરમાર્થ-સાધનને અપનાવી આજુબાજુ જોયા વગર ચાલતા જ રહો અને જીવનના નિત્ય પરમ સાધ્ય ભગવાનને પ્રાપ્ત કરી જીવન સફળ કરો.
No comments:
Post a Comment