Google Search

Sunday, June 17, 2012

વિદાય વેળાએ – ખલિલ જિબ્રાન


[1] પ્રેમ
ત્યારે મિત્રાએ કહ્યું, અમને પ્રેમ વિશે કહો…
ત્યારે તેમણે માથું ઊંચુ કરી, લોકો ઉપર પોતાની નજર ફેરવી; એટલે ત્યાં સર્વત્ર શાંતિ પથરાઈ ગઈ. પછી તે ઊંચે સ્વરે બોલ્યા :
જ્યારે પ્રેમ તમને ઈશારો કરે, ત્યારે તેની પાછળ જજો,
જો કે તેના માર્ગો વિકટ અને ઊભા છે. અને જ્યારે તે પોતાની પાંખોમાં તમને સમાવવા આવે, ત્યારે તેને વશ થજો, જો કે એનાં પડખામાં છુપાઈ રહેલી તલવારના તમને કદાચ ઘાવ લાગે….
અને જ્યારે તે તમારી જોડે બોલે, ત્યારે તેમાં શ્રદ્ધા મૂકજો – જોકે જેમ ઉત્તર દિશાનો પવન બગીચાને બાળી નાખે છે, તેમ એના શબ્દો કદાચ તમારાં સ્વપ્નોનો નાશ કરી નાખે.
કારણ જેમ પ્રેમ તમને સિંહાસન પર ચડાવે છે, તેમ તે તમને શૂળી પર પણ ચડાવશે. જેમ એ તમારી વૃદ્ધિનું કારણ છે, તેમ તમારી કાપણીનુંયે કારણ છે. જેમ એ ઊંચો ચડી તડકામાં ફરફરતી તમારી કુમળામાં કુમળી કૂંપળો જોડે ગેલ કરે છે, તેમ એ નીચે પણ ઊતરી પૃથ્વીને દઢપણે ચોંટી રહેવા ઈચ્છતાં તમારાં મૂળોને હચમચાવીયે નાખશે.
ધાન્યના ડૂંડાની જેમ એ તમને પોતામાં ભરી લે છે; પછી તમારું ખળું કરી તે તમારા પરનાં ફોતરાં ઊતારી નાખી તમને ઉઘાડાં કરી મૂકે છે. પછી ચાળણી અને સૂપડા વતી તે તમારાં ફોતરાંથી તમને છૂટાં કરી દે છે. પછી તમને દળી તમારો ધોળો મેંદો કાઢે છે. પછી તમને કેળવી તમારી નરમ કણક કરે છે. અને પછી પોતાના પવિત્ર અગ્નિ પર તમને ચડાવે છે, કે જેથી તમે પ્રભુના પવિત્ર થાળની પવિત્ર પોળી બનો. પ્રેમ તમને આવું બધું કરશે કે જેથી તમારા હૃદયમાં રહેલા ગુણોને તમે જાણો અને તે જાણપણાથી જગજીવનના હૃદયનો અંશ બનો. પણ આથી ડરી જઈ જો તમે કેવળ પ્રેમની શાંતિ અને પ્રેમનો ઉલ્લાસ જ શોધતા હો, તો તો બહેતર છે કે તમે તમારાં ફોતરાંને જ લપેટી લઈ પ્રેમના ખળામાંથી નીકળી જ જાઓ. અને ઋતુઓ વિનાના જગતમાં પેસી જાઓ, કે જ્યાં તમે હસી શકશો, પણ તમારા પૂર્ણ હાસ્યથી નહીં, અને રડી શકશો પણ તમારાં બધાં આંસુથી નહીં.
પ્રેમ પોતા સિવાય બીજું કશું આપતો નથી, અને પોતા સિવાય બીજા કશામાંથી લેતોયે નથી. પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી, અને કોઈનો તાબેદાર બનતો નથી. કારણ પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે. અને જ્યારે તમે પ્રેમને અનુભવો ત્યારે ‘પ્રભુ મારા હૃદયમાં છે’ એમ કહેવા કરતાં ‘હું પ્રભુના હૃદયમાં છું’ એમ બોલો. એમ ન માનો કે તમે પ્રેમનો માર્ગ દોરી શકશો; કારણ, જો તમારી પાત્રતા હોય તો, પ્રેમ જ તમારો માર્ગ દોરે છે. માત્ર પોતે કૃતાર્થ થવું તે સિવાય પ્રેમને કશી કામના હોતી નથી. પણ જો તમે પ્રેમ કરતા છતાં કામનાઓને પોષ્યા વિના રહી ન શકતા હો, તો તમારી કામનાઓ આવી રાખો :
અતિ કારુણ્યથી ઉદ્દભવતાં દુ:ખને અનુભવવાની;
પોતાના પ્રેમના જ્ઞાનથી જ ઘવાવાની;
અને સ્વેચ્છાથી તથા હર્ષથી પોતાનું લોહી વહેવડાવવાની;
વળી, પરોઢિયામાં સહૃદયતાથી પાંખો ફફડાવતા જાગી, પ્રેમનો અનુભવ લેવા માટે એક નવો દિવસ બક્ષવા માટે પ્રભુનો પાડ માનવાની;
મધ્યાહ્ને વિશ્રાંતિ લેતાં પ્રેમની સમાધિમાં લીન થવાની;
સંધ્યાકાળે કૃતજ્ઞભાવે ઘેર પાછા ફરવાની;
અને ત્યાર પછી પોતાના પ્રિયતમને અર્થે હૃદયમાં પ્રાર્થના કરતાં અને તેનાં યશોગાનને મોઢેથી લલકારતાં ઊંઘી જવાની !
[2] લગ્ન
ત્યાર પછી મિત્રાએ પુન: વિનંતી કરી પૂછ્યું –
અને લગ્ન એટલે શું ગુરુજી ?
ત્યારે તે બોલ્યા –
તમે બંને સાથે જન્મ્યા (દંપતીરૂપે), અને સદાને માટે સાથે જ રહેશો. હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો. સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંયે તમે સાથે જ રહેશો. તોયે, તમારા સહ-વાસમાં કાંઈ ગાળા પાડજો; અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો.
તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો. પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગરના જેવો એને રાખજો. તમે એકબીજાને પ્યાલીઓ ભરી દેજો, પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહિ. એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક જ રોટલાને બેય કરડશો નહીં. સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરાજો, પણ બેય એકાકી જ રહેજો – જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ.
તમારાં હૃદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાના તાબામાં સોંપશો નહીં. કારણ, તમારાં હૃદયોનું આધિપત્ય તો કેવળ જગજ્જીવનનો જ હાથ લઈ શકે. અને સાથે ઊભાં રહેજો પણ એકબીજાની અડોઅડ નહીં. જુઓ મંદિરના થાંભલા અલગ અલગ જ ઊભા રહે છે અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતાં નથી.
[3] બાળકો
અને તે પછી છાતીએ બાળક વળગાડીને ઊભેલી એક યુવતી બોલી, અમને બાળકો વિશે કંઈ કહો. ત્યારે તે બોલ્યા :
તમારાં બાળકો તે તમારાં બાળકો નથી. (એટલે કે તમારી માલિકીનાં, તમારાં મમત્વનાં કે અધિકારનાં વિષય નથી.) પણ, જગજ્જીવનની પોતા માટેની જ કામનાનાં તે સંતાનો છે. (એટલે કે પરમેશ્વર પોતે પોતાને અનેક રીતે વ્યકત કરવા માગે છે, અને તેનું પોતાને વ્યકત કરવાનું એક સાધન તમે છો.)
તે તમારા દ્વારા આવે છે, પણ તમારામાંથી આવતાં નથી. અને તે તમારી સોડમાં રહે છે, છતાં તે તમારાં નથી. તમે એમને તમારો પ્રેમ ભલે આપો પણ તમારી કલ્પનાઓ નહીં; કારણ તેમને એમની પોતાની કલ્પનાઓ છે. તમે ભલે એમના દેહને ઘર આપો, પણ એમના આત્માને નહીં; કારણ તેમના આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે, જેની તમે કદી સ્વપ્નમાંયે ઝાંખી કરી શકવાના નથી. તમે તેમના જેવાં થવા ભલે પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવાં કરવા ફાંફા મારશો નહીં; કારણ જીવન ગયેલ માર્ગે પાછું જતું નથી અને ભૂતકાળ જોડે રોકાઈ રહેતું નથી.
બાળકોરૂપી સજીવ બાણો છોડવાનાં તમે ધનુષ્યો છો. અનંતના માર્ગ પર રહેલું કોઈ લક્ષ્ય તાકી ધનુર્ધર તમને નમાવે છે – જેથી એનાં બાણો ઝડપથી અને દૂર જાય. અને ધનુર્ધરના હાથમાં તમારું નમવું આનંદમય હો; કારણ, જેમ ઊડીને જનારું બાણ એને પ્રિય છે, તેમ સ્થિર રહેનારું ધનુષ્ય પણ એને વ્હાલું છે.

[4] હર્ષ અને શોક
તે પછી એક સ્ત્રી બોલી, હર્ષ અને શોક વિશે અમને કહો. ત્યારે તે બોલ્યા : હર્ષ એટલે વેશ ઉતારી નાખેલો શોક. જે કૂવામાંથી તમારું હાસ્ય સ્ફુરે છે, તે જ કૂવો ઘણીયે વાર તમારાં આંસુથી ભરાયેલો હતો. અને, એ સિવાય બીજું હોઈ પણ શું શકે ? તમારા જીવનને એ શોક જેટલું ઊંડું કોતરે, તેટલો તમે વધારે હર્ષ તેમાં સમાવી શકો. જે પ્યાલીમાં તમે તમારો દ્રાક્ષરસ ભરો છો, તે એ જ પ્યાલી નથી કે જે કુંભારની ભઠ્ઠીમાં પકવાયેલી ? અને તમારા ચિત્તની પ્રસન્ન કરી નાખનારી બંસી એ જ વાંસનો ટુકડો નથી કે જેને તમે છરી વતી કોરી કાઢેલો ?
જ્યારે તમને હર્ષ થાય, ત્યારે તમારા હૃદયમાં ડૂબકી મારીને જોજો, એટલે તમને જણાશે કે જેણે તમને શોક કરાવેલો એ જ તમને હર્ષ ઉપજાવી રહ્યું છે. જ્યારે તમને શોક લાગે, ત્યારે વળી તેમાં જોજો અને તમને જણાશે કે સાચે જ તમે તેને માટે રડી રહ્યા છો, જે તમારા હર્ષનો વિષય હતું.
કેટલાક કહે છે કે, ‘શોક કરતાં હર્ષ ચડે’, અને કેટલાક કહે છે કે, ‘નહીં, હર્ષ કરતાં શોક ચડે’ પણ હું કહું છું કે બેને એકબીજાથી જુદા પાડી શકાતા જ નથી. હંમેશા સાથે જ તેઓ આવે છે, અને જ્યારે એક તમારી જોડે આવીને બેસે છે, ત્યારે યાદ રાખજો કે બીજો તમારી પથારીમાં જ સૂતેલો હોય છે. ખરે જ, ત્રાજવાંની જેમ તમે તમારા હર્ષ અને શોકની વચ્ચે લટકી રહેલા છો. જ્યારે તમે ખાલી હો ત્યારે જ તમે સ્થિર અને સમ રહો છો. પણ જ્યારે ચોકસી પોતાનાં સોના-ચાંદીને તોળવા માટે તમને ઉપાડે છે, ત્યારે તમારા હર્ષના કે તમારા શોકના પાલડાને ચડ્યે અગર ઊતર્યે જ છૂટકો થાય છે.
[5] વાર્તાલાપ
ત્યાર પછી એક વિદ્વાન બોલ્યો, વાર્તાલાપ વિશે બોલો.
ત્યારે તેમણે જવાબ દીધો.
તમારા વિચારોમાં તમને શાંતિ મળતી બંધ થાય ત્યારે વાતો થાય છે. અને જ્યારે તમે તમારા હૃદયના એકાંતમાં રહી ન શકો ત્યારે હોઠમાં આવીને વસો છો; કારણ, અવાજ મનોરંજનનું અને વખત ગાળવાનું સાધન છે. અને તમારી ઘણીખરી ચર્ચાઓમાં વિચાર અર્ધો માર્યો જાય છે. કેમ કે, વિચાર એ આકાશનું પક્ષી છે અને તે શબ્દના પાંજરામાં પાંખો ભલે ફફડાવે પણ ઊડી શકતું નથી.
તમારામાંના કેટલાક એકલા પડવાની ધાસ્તીથી વાતોડિયાને શોધે છે. એકાંતનું મૌન તેમને પોતાનું ખરું સ્વરૂપ દેખાડી દે છે, અને તેથી તેઓ નાસવા ઈચ્છે છે. અને કેટલાક એવા છે જે વાતો કરે છે, અને વાતોમાં, અજાણતાં અને અણચિંતવતાં એવું સત્ય પ્રગટ કરે છે કે જેને તેઓ પોતેય સમજતા નથી. અને કેટલાક એવા છે કે જેમના હૃદયમાં સત્ય વસે છે, પણ શબ્દથી તેને કહી બતાવતા નથી. એવાની છાતીમાં મેળયુક્ત મધુર મૌન સેવતો આત્મા વસે છે.
તમારો મિત્ર તમને રસ્તા પર કે બજારમાં મળે, ત્યારે તમારામાં રહેલો ભાવ જ તમારા હોઠ અને તમારી જીભને હલાવો. તમારા ધ્વનિનો ધ્વનિ (ધ્વનિનો ધ્વનિ એટલે તમારા અવાજમાં રહેલો ભાવ, તમારા અંતરમાંથી નીકળેલો અવાજ. કાનના કાનને એટલે એના કાન પાછળ રહેલી એની લાગણીને એટલે બાહ્ય શિષ્ટાચાર માટે વાત કરો નહીં, પણ અંતરના ઉમળકાથી વાત કરો. અને એના હૃદયમાં તમારો ઉમળકો પ્રગટ કરો.) તેના કાનને સંભળાવો. કારણકે એનો આત્મા સુધાના સ્વાદની જેમ, તમારા હૃદયનું સત્ય સંઘરી રાખશે, જો કે એનો રંગ ભુલાઈ ગયો હોય અને પ્યાલોયે રહ્યો ન હોય.

No comments:

Post a Comment