Google Search

Sunday, June 17, 2012

સાચો સાધનાકાળ – મુકુલભાઈ કલાર્થી


કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું છે કે, ‘યુવાનોએ પોતાનું જીવન સંયમશીલ બનાવવું જોઈએ. યુવાનોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.’ આવું બધું સાંભળીને યુવાનોને મનમાં થશે કે, આ તે કેવો અત્યાચાર ? આનાથી અમારું જીવન સાવ નીરસ બની જશે. રવીન્દ્રનાથ ઠાકુર આ સમજવા એક ઉદાહરણ આપે છે :
અનાજ પકવવા માટે ખેડૂત શું શું કરે છે ? ખેડૂત તીક્ષ્ણ હળ વડે જમીનને ખેડે છે. એમાં ખાતર નાખે છે, કોદાળી પાવડા વડે બધુ સરખું કરે છે. આ બધું જોઈને કોઈને થાય : ‘આ કેવો ધરતી પર અત્યાચાર ?’ પણ ખેડૂત આમ કરે, ત્યારે જ માનવ તથા પશુપંખી માટે અન્ન પેદા થાય છે. વળી ગુરુદેવ રવીન્દ્રનાથ બીજું પણ સચોટ ઉદાહરણ આપે છે. આંબા પરનો મોર ગ્રીષ્મ ઋતુનો પ્રખરમાં પ્રખર તાપ સહન કરીને જગતને મધુ મિષ્ટ આમ્રફળ આપે છે. આંબાની મંજરીએ કરેલા ઉગ્ર તપનું એ મીઠું મધુરું ફળ છે ને ?
આ જ રીતે યુવાનીમાં કરેલી જીવનસાધના યુવાનને ઘડે છે અને માનવસમાજને આશીર્વાદ રૂપ બને છે. મોરારિબાપુ પણ રામકથા પારાયણમાં આ વાત સમજાવે છે : સંતો કહે છે કે, યુવાનીમાં જ ભગવત સ્મરણ અને શ્રવણ કરવું જોઈએ. યુવાની જ ભગવાનને સમર્પિત કરવી જોઈએ. એ માટે યુવાની જાળવવા સારુ જીવનમાં છ વસ્તુને અતિરેક થવા ન દેવો.
પ્રથમ તો, અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. આપણા ધર્મગ્રંથો કહે છે કે, શબ્દ એ બ્રહ્મ છે. શાસ્ત્રો કહે છે કે વીર્યપાત કરતાં પણ વાણીપાત ભયંકર છે. માટે શબ્દોને ક્યારેય વેડફી દેશો નહિ. વાણીને જેટલી સાચવશો, એટલી તમારી અને તમારા શબ્દોની શક્તિ વધશે. ભગવત સ્મરણ માટે થતો વાણીનો ઉપયોગ એ વાણીનો વ્યય નથી, એ તો વાણીનો સદુપયોગ છે. ભગવત સ્મરણ કરવાથી માણસની આંતરિક શક્તિમાં વધારો થાય છે.

બીજું, વધારે પડતું ચાલવાથી યુવાનીનો નાશ થાય છે, એમ સંતો કહે છે. અતિશય કામ કરવાથી માણસનું શરીર તૂટી જાય છે. ભગવાન બુદ્ધને તેમના શિષ્ય આનંદે એક વાર સવાલ પૂછ્યો :
‘પ્રભુ, જીવનમાં સંગીત કેવી રીતે પ્રગટે ?’
ભગવાન બુદ્ધ બોલ્યા : ‘આનંદ, હું તને યોગ્ય સમયે આનો જવાબ આપીશ.’
આનંદ કુશળ વીણાવાદક હતો. ભગવાને એક વખત તેને વીણા લઈને પોતાની પાસે આવવા કહ્યું. ભગવાન બુદ્ધે તેના હાથમાંથી વીણા લઈને તેના બધા તાર ઢીલા કરી નાખ્યા પછી વીણા આનંદના હાથમાં આપી કહ્યું : ‘આનંદ, જરા એક સુંદર રાગ વગાડ.’
આનંદ ક્ષોભ પામતો બોલ્યો : ‘ભગવાન, વીણાના તાર ઢીલા છે. તેથી સુંદર સંગીત કેમ વગાડી શકાય ?’
ભગવાન બુદ્ધે વીણા પાછી પોતાના હાથમાં લીધી. વીણાના તાર એકદમ તંગ કરીને આનંદને પાછી આપી. ભગવાને પછી આનંદને કહ્યું :
‘હવે વીણા વગાડ, જોઉં.’
આનંદે કહ્યું : ‘ભગવાન, વીણાના તાર અતિશય તંગ છે. એટલે સુંદર રાગ નહિ નીકળે. કદાચ વીણાના તાર તૂટી પણ જાય !’ એટલે વીણાને એક બાજુએ મૂકીને ભગવાન બુદ્ધ બોલ્યા : ‘આનંદ, જીવનને પણ મધ્યમમાં રાખો તો એમાંથી સુંદર સંગીત નીકળશે.’ શરીરને અતિશય કામ ન આપો. અતિ ભોગમાં પણ ન રાખો. તો જ શરીર લાંબા સમય સુધી યુવાન રહીને ભગવત સ્મરણ તથા સારાં સેવા કાર્યો કરી શકશે.
ત્રીજું, સંતો કહે છે કે અતિ ભોજન કરવાથી પણ યુવાનીનો નાશ થાય છે. માણસ એક વ્યક્તિ તરીકે સારો, સુશીલ અને વિવેકી હોય છે. પણ સામાજિક કામમાં તેના એ ગુણો ક્યાંય ઊડી જાય છે ! યુવાનોએ આ બાબતમાં વિચારવું જોઈએ. આપણા પોતાના સમાજમાં જ જરા ડોકિયું કરીએ. ત્યાં શું જોવા મળે છે ? આપણી ગંદકી જ જુઓ. આપણાં ઘર કેવાં સ્વચ્છ હોય છે ? પણ આપણી શેરીઓ, આપણી પોળો, આપણાં ફળિયાં, આપણાં ગામડા અને શહેરો પણ કેમ એવાં સ્વચ્છ નથી હોતાં ? એનું એક જ કારણ છે કે, આપણે નાનાં મોટાં, સ્ત્રીઓ અને પુરુષો, યુવાનો પણ સામાજિક જવાબદારીનો વિચાર કરતાં નથી. એ ગુણ જોઈએ તેટલો કેળવ્યો નથી. આપણે સામાના સુખ માટે બેદરકાર રહીએ છીએ. મારા આંગણાનો કચરો વાળીને હું પાડોશીના આંગણામાં ફેંકું છું. મારી બારીએથી કચરો વગેરે ફેંકું છું, પાણી ઢોળું છું, થૂંકું છું. રસ્તે ચાલનારનો હું ખ્યાલ જ કરતો નથી ! આ કેવી બેજવાબદારી ?
આ તો જરા ગંદકીની જ વાત થઈ. સુધરાઈએ કરેલી દીવાબત્તી, શૌચાલય તથા રસ્તાની સગવડ વગેરેનો વિચાર કરો. રેલ્વે, એસ.ટી.બસ વગેરે બીજી સાર્વજનિક સુખ સગવડોનો વિચાર કરો. આ સૌનો ઉપયોગ કરવામાં પણ અનેક જાતની બેદરકારી જોવામાં આવે છે. તેથી પણ કેટલો ત્રાસ વેઠવો પડે છે ? આજ કાલ વિદ્યાર્થીઓનાં તોફાન હોય, મજૂરોનાં તોફાન હોય કે જનતાનાં તોફાન હોય, ત્યારે એનો ભોગ કોણ બને છે ? બસો, ટપાલ-પેટી, જાહેરમાં મૂકેલા બાંકડા, બસ સ્ટેન્ડ, રેલ્વે વગેરેને કેટલું નુકશાન કરવામાં આવે છે ? આખરે પ્રજાને જ અગવડો વેઠવી પડે છે.
દેશના રાજતંત્ર અને સરકાર સાથેના વર્તનમાં પણ આવી ઊણપો જોવા મળે છે. આજના જમાનામાં લોકશાહી એ લોકપ્રિય રાજ્યપદ્ધતિ મનાય છે. એ પદ્ધતિની સફળતાની ચાવી પ્રજાની સામાજિક કેળવણીમાં રહેલી છે. તેથી પ્રજાના દરેક માણસને આખા દેશને પોતાના ઘર સમાન ગણીને અને દેશવાસીઓને પોતાના ભાંડુ બરોબર સમજીને વર્તતાં શીખવું જોઈએ. પોતાના દેશનું સ્વરાજ બરોબર ચાલે તેને સારું. જે જે ગુણ કેળવવા જોઈએ તે કેળવવાનો આપણો ધર્મ સમજવો જોઈએ. આપણી જે જે ફરજો હોય તે ધર્મ સમજીને અદા કરવી જોઈએ. જે દેશમાં આ પ્રકારની સમજ ન વધે, તે દેશ સ્વરાજ ભોગવતો હોય, તો પણ તે પોતાનું સ્વરાજ ન સંભાળી શકે. ત્યાંના લોકો સલાહ સંપથી લાંબો કાળ સંગઠિત પણ ન રહી શકે. આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ અને અનુભવીએ છીએ કે, નાની મોટી કેટલીય બાબતોમાં નીચેથી માંડીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અને પોલિસ તંત્રને પણ લાંચરુશવત અપાય છે. આનું કારણ શું ? આપણે સૌએ સમાજ-ધર્મ કેળવ્યો નથી. જો આપણે સમાજ-ધર્મ કેળવેલો હોત, તો આપણાથી આવું પાપ કદી નહિ થાય.
શરીરનું સ્વાસ્થ્ય અને શક્તિઓ જળવાઈ રહે, તેટલો ખોરાક જરૂર લો. પરંતુ વધારે ભોજનથી દૂર જ રહો. ચોથું, સંતો કહે છે કે, અતિ સૂવાથી યુવાનીનો નાશ થાય છે. યુવાનોએ શ્વાનનિદ્રા કેળવવી જોઈએ. પાંચમું, અતિ ક્રોધ યુવાનીનો નાશ કરે છે. છઠ્ઠું, અતિ વિષયભોગથી યુવાનીનો નાશ થાય છે. જેણે યૌવન જાળવવું હોય તેણે સંતોએ દર્શાવેલા છ અતિરેકોથી દૂર રહેવું જોઈએ.
સંત તુલસીદાસજી કહે છે : ‘હે યુવાન, તું શિવજીની જેમ તારા મસ્તક ઉપર વિવેકની ગંગા રાખીને આ છ અતિરેકોથી તારા યૌવનને જાળવજે.’

No comments:

Post a Comment