Google Search

Friday, June 15, 2012

કૌત્સ – શ્રીદેવી ઓઝા, પ્રો.વિપિન ઓઝા


सेवितव्यो महावृक्ष: फलच्छायासमन्वित: ।
यदि दैवात्फ़लं नास्ति छाया केन निवार्यते ।।
ફળ અને છાંયડાવાળા વિશાળ વૃક્ષનો આશ્રય લેવો જોઈએ. કમનસીબે તેને ફળ ન હોય તો પણ તેની છાયા કોણ અટકાવી શકે ? મોટા માણસને આશરે જનાર ક્યારેય નિરાશ થતો નથી. સંજોગવશાત તેની પાસેથી ધનપ્રાપ્તિ ન થાય તો પણ તેનો પ્રેમ અને હૂંફ કાયમ મળે છે.
આ વાત રઘુવંશના આદ્ય રાજવી રઘુની છે. એ સમયે, જંગલના આશ્રમોમાં અભ્યાસ કરતા બ્રહ્મચારીઓનું અદકેરું મહત્વ હતું. રાજ્ય તરફથી આશ્રમવાસીઓની તમામ સવલતો ગૌરવભેર પૂરી પડાતી હતી. રઘુરાજાના વિપરીત સંજોગોમાં તેમને આંગણે આવી ચડેલા બ્રહ્મચારી કૌત્સ પ્રત્યેનો તેમનો અભિગમ અને કૌત્સનો રાજા પ્રત્યેનો વ્યવહાર ભારતીય સંસ્કૃતિના આગવા મૂલ્યને ઉજાગર કરે છે.
સૂર્યવંશના સૂર્ય સમાન મહાતેજસ્વી રાજા રઘુએ દિગ્વિજય કર્યો. સમસ્ત દેશમાં તેમની સત્તા છવાઈ ગઈ. રાજા તરીકેનું સાચું કર્તવ્ય હવે શરૂ થતું હતું. દિગ્વિજય કરીને મેળવેલી અઢળક સંપત્તિ રાજ્યના કોશાગરમાં ન રાખી શકાય કારણ કે વંશપરંપરાથી મળેલો મૂલ્યનિષ્ઠાનો વારસો તેમણે જાળવવાનો હતો. આ તમામ સંપત્તિના સદુપયોગ માટે તેમણે વિશ્વજિત યજ્ઞ કરવાનું નક્કી કર્યું. વિશ્વજિત યજ્ઞ એવો યજ્ઞ હતો કે તેની પૂર્ણાહૂતિ સમયે રાજા તમામ સંપત્તિ દાનમાં આપી દેતો. રાજા માટીના પાત્ર સાથે રાજમહેલ છોડતો અને વનવાસ સ્વીકારતો. રાજા રઘુએ ધામધૂમથી યજ્ઞ કર્યો. પૂર્ણાહૂતિ સમયે તમામ સંપત્તિ દાનમાં આપી દીધી.
કુદરતે જાણે રાજાની કસોટી કરવા વિચાર્યું. હમણાં જ યજ્ઞની પૂર્ણાહૂતિ થઈ છે. હવે રાજા પાસે પોતીકું કંઈ નથી ત્યારે દ્વારપાળે રાજાને સમાચાર આપ્યા કે એક બ્રહ્મચારી આંગણે આવ્યા છે. અતિથિ આવ્યાના સમાચારે રાજા હર્ષઘેલો થઈ ગયો અને તેનું સ્વાગત કરવા રાજમહેલના દ્વારે આવ્યો. રાજાએ ઉમળકાભેર બ્રહ્મચારીને આવકાર્યો. રાજાએ સવિનય તેના આવવાનું પ્રયોજન પૂછ્યું. બ્રહ્મચારીએ રાજાને વંદન કર્યા અને કહ્યું, ‘મહારાજ ! મારું નામ કૌત્સ છે. વરતંતુ નામના વિદ્યાગુરુનો હું શિષ્ય છું.’
‘આપના આશ્રમમાં કશી અસુવિધા તો નથી ને ?’ રાજાએ પૂછ્યું.
‘આપ જેવા ચક્રવર્તી રાજાના રક્ષણ નીચે અગવડ કેવી ?’
‘તો પછી આપના આગમનનું કારણ હું જાણી શકું ?’ રાજાએ પૂછ્યું.
કૌત્સ આશ્રમમાં તમામ વિદ્યાઓ ભણી ચૂકેલો વિદ્વાન હતો. તે સૂક્ષ્મદ્રષ્ટા પણ હતો. રાજમહેલમાં આવ્યો ત્યારે જ વિશ્વજિત યજ્ઞની પૂર્ણાહૂતિ વિશે તેણે જાણ્યું હતું. આ ઉપરાંત રાજાનો વેશ અને તેમના હાથમાં માટીનું કોડિયું ! તમામ વાતને તે જાણી ચૂક્યો હતો. કૌત્સનું હૈયું ભરાઈ આવ્યું. તે રાજાને શું કહે ? તેણે પાછા ફરવાની રજા માગી. ‘વાહ રે સમજણ !’ તેમ વિચારતા રાજાનું હૈયું ભારે થઈ ગયું. રઘુ પાસેથી પાછો ફરેલો બ્રહ્મચારી બીજા પાસે મદદ લેવા જાય છે તે રઘુ કેવી રીતે સહન કરે ? રાજાએ કૌત્સને મૂંઝવણ વ્યક્ત કરવા ફરી વિનંતી કરી.
કૌત્સે રાજાને કહ્યું : ‘મહારાજ ! હું આપને તકલીફ આપવા માગતો નથી. શરદઋતુના શાંત અને સ્વચ્છ વાદળ પાસે પાણીની અપેક્ષા રાખવી વ્યર્થ છે. હું બીજા રાજા પાસે જઈને મારા મનોરથ પૂરા કરીશ.’ આમ છતાં, રઘુરાજાનો આગ્રહ રહ્યો તે પોતાની ઈચ્છા વ્યકત કરે. કૌત્સે પોતાની વાત માંડી : ‘હે રાજા ! મેં ગુરુકુળમાં અભ્યાસ પૂરો કર્યો. નિયમાનુસાર મારા ગુરુ વરતંતુને ગુરુદક્ષિણા માગવા કહ્યું. ગુરુવર્ય મારી ગરીબાઈથી પરિચિત હતા, ઉપરાંત મેં કરેલી સેવાથી તેમને સંતોષ હતો. તેમણે મને કહ્યું કે તારી દક્ષિણા મારે જોઈતી નથી. આ વાત મારું હૈયું કબૂલ ન કરે તે સ્વાભાવિક છે. મેં ગુરુને દક્ષિણા માટે આગ્રહ કર્યો. મારા હઠાગ્રહથી ક્રોધે ભરાઈને તેમણે આદેશ કર્યો, ‘તું મારી પાસેથી ચૌદ વિદ્યાઓ ભણ્યો છે માટે જા અને મને ચૌદ કરોડ સોનામહોરો લાવી આપ.’ ગુરુની ગુરુદક્ષિણા આપવા અને તેમની ઈચ્છાનું પાલન કરવા હું આપની પાસે આવ્યો હતો પણ…..’ કૌત્સ વાત કરતા કરતા રાજાની સ્થિતિનું ભાન થતા અટકી ગયો.
રઘુરાજાએ હૃદય કાઠું કર્યું અને કૌત્સને નમ્ર નિવેદન કર્યું, ‘હે બ્રહ્મચારી જી ! આપ મારા અતિથિ તરીકે રહો ત્યાં સુધીમાં હું ચૌદ કરોડ સોનામહોરોની વ્યવસ્થા કરું છું.’ રઘુરાજા પાસે એક જ ઉપાય હતો : સર્વ સંપત્તિના અધિપતિ કુબેર પર આક્રમણ ! રઘુરાજાનો રથ ગુરુ વશિષ્ઠે આપેલી મંત્રશક્તિને લીધે આકાશ, પાતાળ, સમુદ્ર – બધે જ યથેચ્છ વિહરી શકતો હતો. આ મંત્રશક્તિના ઉપયોગથી પ્રાત:કાળે જ ધનકુબેરને પરાજિત કરવાના સંકલ્પ સાથે રઘુરાજા નિંદ્રાધીન થયા. કૌત્સને મદદ કરવાની વાત હૈયે કોરી રાખી રાજા રઘુ પ્રાત:કાળે ઊઠી નિત્યકર્મ પતાવી રથમાં આરુઢ થવા જતા હતા ત્યારે કોશાધિકારીઓને દોડી આવતા જોયા.
‘કેમ શું થયું ? આમ કેમ દોડી આવ્યા છો ?’ રાજાએ કુતૂહલપૂર્વક પૂછ્યું.
‘મહારાજ ! એક વિચિત્ર ઘટના ઘટી છે. ગઈ આખી રાત આપણા ધનભંડારમાં સોનામહોરોની વૃષ્ટિ થઈ છે !’ વડા અધિકારીએ કહ્યું.
હવે રાજાને હૈયે ટાઢક વળી. માણસોના મનોમય વ્યાપારને દેવ ન જાણી શકે ? રઘુરાજાને ખ્યાલ આવી ગયો કે પરાજિત થવાના ભયે ધનપતિ કુબેરે મારો ભંડાર છલકાવી દીધો છે. રાજાએ કૌત્સને આખો ભંડાર અર્પણ કર્યો. કૌત્સને ચૌદ કરોડથી વધુ એક પણ સોનામહોર જોઈતી ન હતી. બિન ઉપયોગી ધન ન સ્વીકારતો નિસ્પૃહી કૌત્સ અને અઢળક સંપત્તિ તૃણવત્ સમજી દાનમાં આપી દેનાર રાજા – બન્નેની ઈતિહાસે નોંધ લીધી. અસંખ્ય ઊંટ અને અશ્વો પર સોનામહોરો લાદીને કૌત્સ જ્યારે રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે ભારે હૈયે રાજાને કહ્યું, ‘હે રાજા ! જેની ઈચ્છા સંતોષવા પૃથ્વી કામધેનુ બની રહે છે અને કુબેર જેવા દેવતા વશવર્તી બને છે એવા રાજાને હું શું કહું ? આપ સુખી છો, સમૃદ્ધ તો છો જ ને સર્વગુણસંપન્ન છો. તેમ છતાં ય મારા અંત:કરણપૂર્વક આશીર્વાદ છે કે આપને આપના જેવો જ મહાન પુત્ર પ્રાપ્ત થાય !’
આવા હતા રાજા રઘુ ! મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પ્રપિતામહ ! રામના વંશને તેમણે રઘુવંશ રૂપે પોતાના નામ વડે શણગાર્યો.

No comments:

Post a Comment