પુરાણકથાઓનું એક લક્ષણ એ છે કે તે ઘણે અંશે બુદ્ધિગમ્ય નથી હોતી. ઘણી વાર તો આ જગતની તમામ વસ્તુઓને ત્રાજવું લઈ તોળતી બુદ્ધિને ધક્કો મારવા માટે જ આ કથાઓનું સર્જન થયું હોય એમ લાગે છે. પણ તેમાં બુદ્ધિને હીણી બતાવવાનો ઈરાદો નથી. આ એક એવી ભૂમિકાની વાત છે, જ્યાં બુદ્ધિના પગ સ્થિર રહેતા નથી. આપણી આંખો ગમે તેટલી વજનદાર હોય પણ તે અણુને ન જોઈ શકે તે ન જ જોઈ શકે. એમાં બુદ્ધિની પણ સીમા આવે છે. અવકાશવિજ્ઞાન અને અણુવિજ્ઞાનનો અભ્યાસ કરનાર માટે આ રોજનો અનુભવ છે. બુદ્ધિને તેની મર્યાદાનું ભાન કરાવવા છતાં પુરાણો તેને અગમના ઈશારા આપ્યા જ કરે છે. બુદ્ધિ શુદ્ધ, સૂક્ષ્મ અને પરિપક્વ થાય ત્યારે તે ઉદય પામતી અંત:પ્રજ્ઞાને લગામ સોંપી દે છે.
વિચાર અને વસ્તુ, દ્રષ્ટા અને દશ્ય પોતાની નક્કર ભેદરેખાને ભૂંસીને જ્યાં એક થતાં આવે એવી આ ભૂમિકા છે. પૃથ્વીનો દરેક પદાર્થ પોતાનો આગવો આકાર, ગુણધર્મ, નામ અને રૂપ ધરાવે છે. આ પૃથ્વીનું પડળ છે. પણ ખરેખર તો આ પડળ સોંસરવો ઘણો મુક્ત વિહાર ચાલે છે ને તેની આપણને ખબર પણ નથી. શક્ય-અશક્યની સીમાઓ અહીં તરલ છે અને બંને સરહદો વચ્ચે ઝઘડો થતો નથી. પ્રજાપતિ બ્રહ્મા આંખો ખોલે છે, સંકલ્પ કરે છે ને સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. સંકલ્પમાત્રથી કાંઈ સૃષ્ટિ ઉત્પન્ન થતી હશે ? પણ આપણે રોજ સંકલ્પોની દુનિયા ઊભી તો કરીએ છીએ; ફેર એટલો છે કે બ્રહ્મા આંખો ઉઘાડે છે ત્યારે સૃષ્ટિ આકાર ધરે છે, આપણે આંખો મીંચીએ છીએ ત્યારે બ્રહ્મા બનીએ છીએ. પુરાણકથા જાગૃતિ અને સ્વપ્ન વચ્ચે રહેલી અતૂટ દીવાલ તોડી નાખવા માગે છે. મનુષ્યની કરુણતા કેટલી બધી છે કે તે જાગ્રત રીતે પોતાના અંતર-નિવાસમાં નથી જઈ શકતો. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિને જે નિત્ય જાણે છે તેની સાથે તાર જોડ્યા વિના આ પરાધીનતા કદી ટળે એમ નથી.
પુરાણ આવો અખંડ તાર સાંધે છે, પણ તેની કથા ખુલ્લા મનથી સાંભળી શકાય ? એ કથામાં મનને વહેતું મૂકી શકાય, માત્ર કથાના જ સ્વાદથી, અજ્ઞાત ભૂમિના આકર્ષણથી ? અહીં માન્યતા કે અમાન્યતાનો કશો અર્થ નથી. કારણ માન્યતા કાંઈ આપણાં મૂળિયાં ઉખેડીને બીજે રોપી શકતી નથી. એ જ રીતે આ કથાઓને બાલિશ માની ફગાવી દેતી બુદ્ધિની મુનસફી પણ અહીં ચાલતી નથી. સુધરાઈના દીવા જેવી તેની હદ બાંધેલી છે. આ હદ પૂરી થતાં જે ગહન અંધાર શરૂ થાય છે, વગડાનો અદીઠો વિસ્તાર શરૂ થાય છે તેને એ કેમ આંબી શકે ? આપણી માનવ-સમજથી પર જે ગહન વિશ્વ ઘૂમે છે, તેના કેન્દ્રમાં જતાં સલામતીનાં બધાં જ છાપરાં ઉડાડી મૂકવાં પડે. આપણી આ સ્થૂળ, નક્કર, અતિવાસ્તવિક દુનિયાનો ભડકો કરી નાખવો પડે. પુરાણોમાં પ્રવેશ કરવા માટે આટલી પૂર્વતૈયારીની જરૂર છે.
જૉસેફ કૅમ્પબેલ-એ ‘જિવાતી પુરાણકથા’ની ઘટના વિશે, એક ચર્ચાવિચારણામાં ટૉમસ માન-એ જે કહ્યું હતું તે, ‘ધ માસ્ક્સ ઑફ ગૉડ: ઓરિએન્ટલ માઈથોલૉજી’ માં (પાનું 54) ટાંકતાં કહ્યું છે કે :
‘પ્રાચીનકાળની અહંવૃત્તિ અને તેની પોતાના વિશેની સભાનતા આપણા કરતાં જુદા પ્રકારની, ઓછી વર્જનાત્મક અને ઓછા ચોક્કસ સ્વરૂપવાળી હતી. તે જાણે કે પાછળથી ખુલ્લી હતી. એ ઘણુંબધું ભૂતકાળમાંથી મેળવતી હતી. અને એનું પુનરાવર્તન કરીને એને ફરી વર્તમાન બનાવતી હતી. અને આવી અચોક્કસપણે અલગ પડતી અહંવૃત્તિ માટે ‘અનુકરણ’ નો અર્થ, આપણે આજે જે કરીએ છીએ તેના કરતાં ઘણો વધારે થતો હતો. એમાં તો પુરાણકથા સાથેનું તાદાત્મય રહેલું હતું. જીવન, અથવા કંઈ નહિ તો અર્થપૂર્ણ જીવન, એ પુરાણકથાને હાડમાંસમાં ફરી જીવંતપણે રચવામાં રહેલું હતું. તેનો સંદર્ભ અને તેની હૃદયસ્પર્શિતા પુરાણકથાના સંબંધમાં હતાં અને એ દ્વારા જ. પ્રાચીનતાના સંદર્ભ દ્વારા જ જીવન પોતાને અર્થપૂર્ણ અને સચ્ચાઈવાળું ગણી શકતું. જીવનની આ ગંભીર લીલાને પુરાણકથા તરીકે, એક દષ્ટાંત તરીકે માનવાના પરિણામે જ જીવન એક ઉત્સવ, એક મુખવટો, એક પુનર્દશ્ય બની જતું. જેમાં પુરોહિતો દેવોના પ્રારૂપો તરીકે અભિનય કરતા હોય.’

વિશ્વની અમૂર્ત શક્તિઓને મૂર્ત સ્વરૂપે બતાવવાનો પુરાણકથાનો ઉદ્દેશ છે અને એ પણ એવી સૂચક રીતે કે મૂર્ત દ્વારા અમૂર્તનું અનુસંધાન થઈ શકે. મૂર્ત સ્વરૂપોમાં જે ધ્યાન કેન્દ્રિત કરે છે તેને અમૂર્તનો સ્વાનુભવ થાય છે. દાખલા તરીકે વિશ્વના સર્જક, પાલક અને સંહારક દેવો – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. આ દેવોનાં રૂપ, અવયવ, આયુધ, આભૂષણ તથા વાહન પણ ઉપાસકને માટે સૂક્ષ્મ લોકમાં પ્રવેશ કરાવવાનાં સાધન બની શકે છે. ચિત્ત તદભાવને પામે છે ત્યારે ચૈતન્યની સ્ફૂર્તિ કોઈ ને કોઈ અવલંબનમાંથી આર્વિભૂત થાય છે. આ ત્રિદેવ તથા તેમની ત્રિશક્તિના વર્ણમાં પણ અર્થ સમાયેલો છે. તેને આત્મસાત કરવા માટે સાધના કરવી જોઈએ. સાધનાનો ક્રમ વિપરીત ક્રમથી એટલે કે લયથી થાય છે. આપણે અમુક નામરૂપમાં બદ્ધ છીએ એ તૂટે તો જ તેની અંદર રહેલા તત્વને પામી શકાય. મહાયોગી સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતીનું કથન છે : જનિવિપરીત ક્રમત: – વિપરીત ક્રમથી સાધનાની ગણના થાય છે. એટલે ઉપાસનાકાંડના ગ્રંથોમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનો નિયત ક્રમ હોય છે. આ ત્રિદેવ અને ત્રિશક્તિનો વર્ણ, તેમની ક્રિયા જુદી જુદી હોવા છતાં તેમાં તેમનામાં સામ્ય રહેલું છે તે દર્શાવે છે. સંહારના દેવ રુદ્ર ગૌર છે, તો તેની શક્તિ કાલી શ્યામ છે. પાલનના દેવ વિષ્ણુ શ્યામ, તો શક્તિ લક્ષ્મી સુવર્ણ રંગની. સર્જનના દેવ બ્રહ્મા સુવર્ણ રંગના, તો શક્તિ સરસ્વતી ગૌર વર્ણની. હવે શક્તિમાન અને શક્તિની કાર્યપરંપરા સાથે વર્ણનો મેળ જોતાં આવીએ.
ગૌર વર્ણના શિવ સંહારનું કાર્ય શ્યામ કાલીને સોંપે છે. કાલી ધ્વંસ કરે છે પણ આ ધ્વંસ તો અજ્ઞાનનો, અવિદ્યાનો જ છે, મોહ અને મમત્વનો જ છે. આ ધ્વંસ દ્વારા જે વ્યાપક ભાવ, જે ચૈતન્ય પ્રગટે છે તેને કાલી વિષ્ણુના હાથમાં સોંપે છે. કાલી સાથે વિષ્ણુના વર્ણની સમાનતા છે. ધ્વંસ રક્ષા સમાન બને છે, વિષ્ણુ જે ચૈતન્યની વ્યાપકતા પ્રગટી તેને રક્ષી નવા નવા ઉન્મેષ માટે પોતાની શક્તિ લક્ષ્મીને સોંપે છે. લક્ષ્મીનો વર્ણ સુવર્ણ રંગનો છે. તે અનંત વૈભવની ધારિણી છે. લક્ષ્મી આ સુવર્ણ-સંપદા, પોતાના સમાન સુવર્ણ રંગના બ્રહ્માને સોંપે છે, તેના નવા ને નવા આકારો, અલંકારો બનાવવાને માટે. બ્રહ્મા એ કાર્યભાર સ્વીકારી પોતાની શક્તિ સરસ્વતીને સર્જનનું કામ સોંપે છે. સમસ્ત સર્જન આ ધવલ સ્વરૂપા, પરાવાક્ દ્વારા થાય છે. ગૌર સરસ્વતીનું સર્જનકાર્ય જ્યારે અંતિમબિંદુ સુધી પહોંચે છે ત્યારે આ ભૌતિક રૂપોનાં આવરણ ભાંગવાનું કાર્ય તે ગૌર વર્ણના શિવને હવાલે કરે છે. ગૌર અને કાલીનો ખેલ ફરી શરૂ થાય છે.
સંહારક શક્તિ કાલી અને રક્ષક દેવ વિષ્ણુ એકરંગી. રક્ષકશક્તિ લક્ષ્મી અને સર્જક દેવ બ્રહ્મા એકરંગી. એ જ રીતે સર્જકશક્તિ સરસ્વતી અને સંહારક દેવ શિવ એકરંગી. આ સમાન વર્ણ તે સંહારમાં રક્ષણ, રક્ષણમાં સર્જન અને સર્જનમાં સંહારનું જે સમાન તત્વ રહ્યું છે તે દર્શાવે છે. આ ત્રિગુણાત્મક શક્તિઓને સમત્વપણે નિહાળી શકાય કે તરત જ તેની પાછળ રહેલા નિર્ગુણ નિર્લેપનો અનુભવ થાય છે. ત્રણેમાં પરોવાયેલ હોવા છતાં એ અવિકૃત અને અવિનાશી છે.
આપણો રોજનો અનુભવ જોઈ આ વસ્તુ વધુ સ્પષ્ટ કરીએ. આપણે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિમાં જઈએ છીએ પણ જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ તો એક અવસ્થા બીજીનો નાશ કરે ત્યારે જ અનુભવી શકાય. જાગ્રત મનુષ્ય સ્વપ્નમાં ન જઈ શકે. સ્વપ્નદ્રષ્ટા સુષુપ્તિનો અનુભવ ન કરી શકે. પણ તેની પાછળ રહેલો અહમ તો રોજ આ ત્રણેમાંથી પસાર થાય છે. પણ તેનો તાર ખંડિત છે એટલે તે એકનો સંહાર ને બીજાનું સર્જન જુએ છે. આ અહમ ત્રણે અવસ્થામાં એક જ વર્ણનો, સમાન રહે તો ? કોણ જાગે ? કોણ સ્વપ્ન જુએ ? કોણ ગાઢ નિદ્રામાં પોઢી જાય ? અહમની આ ચતુર્થ અવસ્થાને તુરીય કહે છે. શરીર સાથે જોડાયેલો આ અહમ આત્મા સાથે, બ્રહ્મ સાથે જોડાય ત્યારે સર્જન, પાલન, સંહાર પાછળ રહેલા શાંત, શિવ, અદ્વૈતને પ્રાપ્ત કરે.
પુરાણના દેવો આમ આપણામાં જ રહેલી મહત્તર જ્યોતિને જગાડે છે, પણ તેને બિનંગત, પ્રાણહીન, મહાનિબંધ માટેની સામગ્રી ગણીએ તો શું વળે ? જે શોધ મારે પોતાને માટે, આજે ને અત્યારે, અંદરથી આગથી શરૂ થાય એ જ અમૃતના ઝરા સુધી પહોંચાડે છે. નારાયણ પાસે ધ્રૂવ જાય, નૃસિંહ પાસે પ્રહલાદ જાય કે કૃષ્ણ પાસે ગોપીઓ જાય એ રીતે આ કથાના પ્રવાહ પાસે ન જઈએ તો ભૂખ ભાંગે નહિ. આ કથાનાં અમર પાત્રોનો કોઈ રંગ આપણને લાગે ને તેમનો કોઈ અંશ જીવતો થાય તો જ અંગેઅંગમાં નવું ચેતન આવે.
ભગવદકથાના ઘૂઘવતા ગંગાપ્રવાહ વિશે સનત્કુમારો કહે છે : “યજ્ઞથી, વ્રતથી, તપથી, મોટાં તીર્થથી, યોગથી, ધ્યાનથી અને જ્ઞાનથી ભાગવત સપ્તાહ વધુ ગર્જના કરે છે. અરે, તેની ગર્જનાને શું કહીએ ? એ તો ગર્જે જ છે, ગર્જે જ છે.
ભાગવતના ઉદઘોષનું વર્ણન કરતાં, આ શબ્દોમાં કેવો ભાવકિલ્લોલ આવી ગયો છે ! આ તે ગર્જના છે કે ઘેલું લગાડે એવો નાદ છે ? ભગવતકથાનો નાદ લાગે, છંદ જાગે ત્યારે પગ નીચેની રેત-માટીને ખસેડીને માણસને મૂળમાંથી ઉપાડી જતી ભરતી ઘૂઘવતી આવે છે. આ ભરતીનું જેટલું જોર એટલી તેની વ્યાપકતા પણ વધારે. પુરાણકલ્પન ત્યારે માત્ર વ્યક્તિને જ નહિ, સમસ્ત દેશને પોતાના પૂરમાં ખેંચી જાય છે. આપણે ત્યાં તો આવી ભરતી આવ્યા જ કરી છે અને પુરાતન દ્વારા રાષ્ટ્ર નવું ચેતન પામતું રહ્યું છે. ‘રામ’ એક પુરાણકલ્પન છે. પણ માતાપિતાએ તજી દીધેલા, ઘર ઘર બટકું ખાઈ જીવતા રામબોલા છોકરાને રામનામનો સહારો મળી જાય છે, ચિત્રકૂટમાં એ નામમાંથી જાગેલા, અદ્દભુત સુંદર કિશોરોને નેત્રો સામે નિહાળે છે અને ભારતને ‘રામચરિત માનસ’ મળે છે. મૌની અમાવાસ્યાની તે તિથિ હતી. એ મૌનમાંથી ગર્જના કરી ઊઠેલી ભરતીને માટે આજેય કહેવું પડે : ‘રે રે ગર્જતિ ગર્જતિ |’ ‘રાધા’ પણ એક પુરાણકલ્પન. પણ નદિયાના નિમાઈ પંડિતને આ નામ એવું ઘેરી વળ્યું કે તેમાંથી ગૌરાંગ મહાપ્રભુનો અવતાર થયો. તેમના ‘હરિબોલ’ની ગર્જના આજેય આકાશને ભરી દે છે.

પુરાણોનાં દૈવી પાત્રોની જેમ માનુષી પાત્રોનો પણ, કોઈ હૈયામાં જગ્યા દેનાર મળે તો ફરી જીવતાં થવાનો સ્વભાવ છે. ગઈ કાલની જ વાત. નાનકડા મોહનદાસે હરિશ્ચંદ્રનું પાત્ર નાટકમાં જોયું અને તે એનો કબજો લઈ બેઠું. ગાંધીજીએ ‘આત્મકથા’માં લખ્યું છે :
“આ જ અરસામાં કોઈ નાટક-કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજ મળી. હરિશ્ચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતાં હું થાકું જ નહિ. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચંદ્રનાં સ્વપ્નાં આવે. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય ? એ ધૂન ચાલી. હરિશ્ચંદ્ર ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રનાં દુ:ખ જોઈ, તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક વ્યક્તિ નહિ હોય. છતાં મારે મન હરિશ્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચું તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.”

આ પ્રસંગમાં જે માનસિક પ્રક્રિયાનું ચિત્રણ છે તે ‘જિવાતી પુરાણકથા’ નો તાદશ ચિતાર આપે છે. એક પૌરાણિક પાત્રે મોહનદાસને તો મહાત્મા કરી દીધો, પણ સાથે ભારતનો ઈતિહાસ પલટી નાખ્યો. પુરાણનાં દૈવી પાત્રો અલૌકિકતા પૃથ્વી પર ઉતારે છે: માનવપાત્રો મનુષ્યને ધૂળમાંથી ઊભો કરી અલૌકિક ભણી લઈ જાય છે. પ્રાચીન વાણી સાંભળીને તે અંતરાત્માની વાણી સાંભળતો થઈ જાય છે. અને આ વાટ પણ કેટલી વિવિધ છે ! કોઈ સત્યવ્રત ને ધ્રુવની જેમ તપની વાટે, કોઈ નારદ ને પ્રહલાદની જેમ પ્રેમની વાટે, કોઈ દધીચિ ને રંતિદેવની જેમ ત્યાગની વાટે નીકળે તો જીવનનો રંગ ફરી જાય. પુરાણનાં આ ઉદાત્ત પાત્રો આપણા પ્રવાસના માર્ગસંગાથી બને છે, અને ઘણી વાર નામરૂપનું મહોરું ફગાવીને તેઓ આપણને ભેટે છે, આપણામાં સમાઈ જાય છે – ચિરંતન સત્ય તરીકે.
પુરાણો સામે એક ફરિયાદ છે કે તે ઘણા મંદ વેગે ચાલે છે. કથાઓનો બિનજરૂરી વિસ્તાર અને સ્તુતિઓની લાંબી હારમાળા આજના માનવીને કંટાળો આપે એવી છે. આ બધું સીધુંસટ કરી આપવાની જમાનાની માગણી ઊઠે ત્યારે પરગજુ લેખકો તે કરીયે આપે. પણ તેમાં જોખમ છે. ક્યાંક પહોંચવા કરતાં, પ્રથમ ડગલાને સ્થિર કરવા પર જેનું મન છે તેને માટે આ પ્રલંબ કથા અને પ્રાર્થના અંતરમાં વારંવાર ઘૂંટવા માટે છે. ભાગવત જેવા પુરાણ ગ્રંથનું તો મૂળ શ્લોકો સાથે પઠન કરવું જોઈએ. કેટલાક શબ્દો, કથનશૈલી, ભાવભંગિ એટલાં સુયુક્ત હોય છે કે અનુવાદમાં તે ઊતરતાં નથી. પોતાની મૂળ વિદ્યુતશક્તિ સાથે આ શબ્દો સીધો પ્રહાર કરે છે, ચોટ મારે છે ને જીવનમાં ચમત્કાર સરજાય છે. એટલે બહુ આગળ ન વધાય તો એકાદ આખ્યાનને ખાસ પોતાનું કરી તેનું પારાયણ કરવું જોઈએ. આ આખ્યાનમાંથી પણ કોઈ શ્લોકને ધ્યાનમંત્રની જેમ સેવ્યો હોય તો તે અંતરતમ રહસ્યને ખોલે છે. શુકદેવને વનમાંથી પાછા વાળનાર પણ એક શ્લોક જ હતો ને !
મહર્ષિ વેદવ્યાસને નામે અઢાર પુરાણોની રચના ચડી છે. તેમાંથી એક ભાગવત તેમણે પોતાના પુત્ર શુકદેવને ભણાવ્યું અને સર્વ પુરાણોનો વારસો પોતાના શિષ્ય સૂત રોમહર્ષણને આપ્યો. સૂત પુરાણીએ પોતાના છ શિષ્યો દ્વારા પુરાણ-સંહિતાઓનો વિસ્તાર કર્યો અને પછી વ્યાસદેવના છ શિષ્યોથી આ વડલો થોડો અટકવાનો હતો ? તેણે એકાંત સાધકો અને લોકહૃદય બંનેમાં વડવાઈઓ નાખી. આમાં તો દષ્ટિ એટલી દીક્ષા. અત્યંત વિવિધ, વિરોધાભાસી છતાં એક જ તત્વનાં જુદાં જુદાં કિરણો ઝળકાવતી કથાઓ એક્ઠી થઈ. જાણે ભૂમિ પરનો નક્ષત્ર-ઉછાળ. કોઈ વ્યવસ્થિત આકૃતિ કે ભાત ન મળે, પણ ઊંડે નીરખતાં નક્ષત્રોની જેમ એક નિશ્ચિત ગતિ દેખાય. ભગવાનના માનવેતર અને માનવ-અવતારોનું સ્થાન કેન્દ્રમાં છે. તેમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહમાં પ્રાણયોગના સંકેતો મળે છે, તો માનવ-અવતારોમાં ચિતયોગનાં વિવિધ ઉડ્ડયનો કથાને આંચ ન આવે એમ ગર્ભિત રીતે આપી દીધાં છે. પ્રાચીન પિપીલિકા-માર્ગ અને વિહંગમ-માર્ગને અહીં કથાઓમાં સાંકળી લીધા છે.
સૃષ્ટિરચના અને પ્રલયની કથાઓમાં એક સૃષ્ટિવિજ્ઞાન રહ્યું છે, જે આપણી બહારની અને અંદરની સૃષ્ટિને સમાનભાવે સ્પર્શે છે. પ્રજાપતિઓ અને મનુઓની કથાઓ આ સાડાત્રણ હાથના શરીરમાં રહેલા પુરુષનો સાચો પરિચય આપી જાય છે. શતપથ બ્રાહ્મણ કહે છે : “પુરુષો વૈ પ્રજાપતે: નેદિષ્ઠમ |” આ પુરુષ, પ્રજાપતિની નિકટતમ છે. પુરાણને જ્યારે વેદ અને બ્રાહ્મણગ્રંથોને અજવાળે જોઈએ છીએ ત્યારે ચકિત થઈ જવાય છે. વૈદિક સૃષ્ટિવિદ્યામાં વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને પરાવૈજ્ઞાનિક સત્યો ઝળહળે છે. પણ અંતે તો આ ‘ગુહા-વિદ્યા’ છે, હૃદય-ગુહામાં રહેલી વિદ્યા છે. અંતરમાં જેટલી ઊંડે ડૂબકી મારી શકાય એટલા પ્રમાણમાં આ પ્રાચીન શબ્દોમાં મોતી ચળકી ઊઠે.
કાળના પ્રવાહમાં કથાઓ લોકસમાજમાં વહેતી હોય તેમાં બીજાં અનેક નદી-નાળાં પણ ભળતાં આવે. કથાઓનો પટ પહોળો થાય એમ તેમાં કાદવ-કસ્તર પણ જામે. પુરાણોમાં મૂળ આખ્યાન સાથે અસંગત ઉપાખ્યનો, રાજકુળોની વંશાવળીઓ, અને સાંપ્રદાયિક મતાગ્રહો ઘૂસી ગયાં છે. પણ આ મહાનદના વિશાળ પટમાં ક્યાંક ક્યાંક આવો શેવાળ ને કાદવવાળો કાંઠો જોઈ આઘાં ભાગીશું તો એનાં ગહન શાંત નીરને ગુમાવી બેસીશું.
No comments:
Post a Comment