Google Search

Friday, June 15, 2012

અહમનું વિસર્જન – રવીન્દ્રનાથ ટાગોર


[1] મૃત્યુ અને અમૃત
હમણાં અચાનક મારા એક મિત્રનું મૃત્યુ થયું. એ નિમિત્તે જગતમાં સૌથી વધુ પરિચિત એવા મૃત્યુ સાથે ફરી એક વાર નવેસરથી પરિચય થયો. જગત શરીરની ચામડીની પેઠે મને વળગી રહ્યું હતું, વચમાં લગારે ખાલ નહોતી. મૃત્યુ જ્યારે પ્રત્યક્ષ થયું ત્યારે તે જગત જાણે કંઈક દૂર ચાલ્યું ગયું, મારી સાથે તે જાણે અત્યંત ચોંટેલું ન રહ્યું. એ વૈરાગ્ય મારફતે આત્મા જાણે કે પોતાના સ્વરૂપને કંઈક જાણવા પામ્યો. તે જગતની સાથે બિલકુલ અચ્છેદ્ય ભાવે સંકળાયેલો નથી, તેની પોતાની એક પ્રતિષ્ઠા છે, એ વાતનો મૃત્યુના શિક્ષણથી જાણે હું અનુભવ કરી શક્યો.
જેમનું મૃત્યુ થયું તે ભોગી હતા અને તેમને ઐશ્વર્યનો અભાવ નહોતો. તેમનું તે ભોગમય જીવન ભોગની સામગ્રી – જે ફક્ત તેમને મન જ નહિ પણ બધા લોકોને મન અત્યંત સત્ય લાગતી હતી, જે અનેક પ્રકારની સાજસજ્જથી અને દબદબા-ભપકાથી લોકોની નજરને અને લોકોના કાનને ઈર્ષ્યા અને લોભથી આકર્ષીને આકાશમાં માથું ઊંચું કરીને રહેલાં હતાં તે એક ક્ષણમાં સ્મશાનની મૂઠી રાખમાં અનાદરપૂર્વક વિલુપ્ત થઈ ગયાં. સંસાર આટલો બધો મિથ્યા છે, એ કેવળ સ્વપ્ન છે, કેવળ ઝાંઝવાનાં જળ છે, એ વાતનો વિચાર કરવાનો શાસ્ત્રે, નિશ્ચિત મૃત્યુને સંભારી આપીને વારંવાર ઉપદેશ કર્યો છે. એ વગર આપણે કશાનો જ ત્યાગ કરી શકતા નથી અને ભોગના બંધનમાં જકડાઈ રહીને આત્મા પોતાના વિશુદ્ધ મુક્ત સ્વરૂપને અનુભવી શકતો નથી.
પરંતુ સંસારને મિથ્યા અને ઝાંઝવાનાં જળ કહીને ત્યાગને સહેલો બનાવી દેવામાં સત્ય પણ નથી અને ગૌરવ પણ નથી. જે દેશમાં આપણા રૂપિયા ચાલતા નથી તે દેશમાં અહીંનાં નાણાંનો બોજો જંજાળની પેઠે ધૂળમાં ફેંકી દેવામાં ઉદારતા લગારે નથી. કોઈ પણ ઉપાયે સંસાર બિલકુલ જૂઠો છે એવું જો પોતાની જાત આગળ પુરવાર કરી શકીએ તો તો ધન, જન, માન તો મનમાંથી ઊતરી જઈને એકદમ શૂન્યમાં વિલીન થઈ જવાનાં. પરંતુ એ રીતે એને છોડી દેવું, ફેંકી દેવું એ એક પ્રકારની કેવળ રિક્તતા છે. એ તો સ્વપ્ન ઊડી જવા જેવું છે – જે હતું જ નહિ તેને જ વિશે ઝબકી ઊઠીને જાણવું કે તે છે જ નહિ. ખરું જોતાં સંસાર કંઈ મિથ્યા નથી, બેળે બેળે તેને મિથ્યા કહેવાથી લાભ શો ? જે ગયા તે તો ગયા એ વાત સાચી, પણ સંસારને તેને લીધે કંઈ ક્ષતિ થઈ હોય એવાં ચિહનો જ દેખાતાં નથી. સૂર્યનો પ્રકાશ લગારે ઝાંખો પડ્યો નથી, આકાશની નીલ નિર્મલતામાં મૃત્યુનું પૈડું ક્ષતિની એક રેખા સુદ્ધાં પાડી શક્યું નથી; અનંત સંસારની ધારા આજે પણ પૂરા વેગથી વહી રહી છે.
ત્યારે અસત્ય શું ? તો કે આ સંસારને મારો જાણવો તે. એના એક સોયની અણી જેટલા ભાગને પણ હું મારા તરીકે પકડી રાખી શકવાનો નથી. જે માણસ જીવનભર કેવળ એ મારા ઉપર જ બધી વસ્તુની પ્રતિષ્ઠા કરવા માગે છે તે રેતી ઉપર ઘર બાંધે છે. મૃત્યુ જ્યારે ધક્કો મારે છે ત્યારે બધું જ તૂટી પડીને ધૂળ ભેગું થઈ જાય છે. ‘હું’ નામનો જે ભિખારી બધી જ વસ્તુને ગાલમાં પૂરવા માગે છે, બધી જ વસ્તુને મૂઠીમાં લેવા માગે છે, તેને જ માત્ર મૃત્યુ હાથતાલી દે છે – પછી એ માણસ મનના ખેદને લીધે આખા સંસારને મિથ્યા કહીને ગાળ દેવા કહે છે, પણ સંસાર તો જેમનો તેમ જ રહે છે, મૃત્યુ તેના દેહ ઉપર ઉઝરડો પણ પાડી શકતું નથી. એટલે મૃત્યુને ક્યાંક જોયું એટલે બધે જ તેને જોયા કરવું એ એક માનસિક વિકાર છે. જ્યાં અહમ હોય છે ત્યાં જ મૃત્યુનો હાથ પડે છે, બીજે ક્યાંય નહિ. જગત કશું જ ખોતું નથી, જે કાંઈ ખોવાનું છે તે અહમે ખોવાનું છે. એટલે આપણે જે કંઈ આપવાનું છે તે કોને આપીશું ? સંસારને જ આપીશું, અહમને નહિ આપીએ. કારણ, સંસારને આપીએ તો જ સત્યને આપ્યું કહેવાય, અહમને આપીએ તો તે મૃત્યુને આપ્યું કહેવાય. સંસારને જે આપીશું તેને સંસાર સાચવશે, અહમને જે આપીશું તેને અહમ સો પ્રયત્ને પણ સાચવી નહિ શકે.
જે વ્યક્તિ ભોગી છે તે અહમને જ બધી પૂજા ધરાવે છે, તે જીવનભર એ અહમના મોં તરફ જોઈને જ વૈતરું કરી કરીને મરે છે. મૃત્યુ સમયે તેનું તે ભોગથી ફૂલેલું ભુખાવળું અહમ કપાળે હાથ દઈને કહે છે, બધું જ પડ્યું રહ્યું, કશું જ લઈ જવા ન પામ્યો. મૃત્યુનો વિચાર કરીને કેવળ આ અહમ ચિરંતન નથી એટલું જ સમજીએ એ પૂરતું નથી – કારણ, એવા વૈરાગ્યથી કેવળ શૂન્યતા જ આવે છે. એની સાથોસાથ એ પણ જાણવું જોઈએ કે આ સંસાર ટકવાનો છે. એટલા માટે મારે જે કાંઈ આપવાનું છે તે શૂન્યમાં ત્યાગરૂપે નહિ પણ સંસારમાં દાનરૂપે દેવું જોઈએ. એ દાન વડે જ આત્માનું ઐશ્વર્ય પ્રગટ થશે ત્યાગ વડે નહિ; – આત્મા પોતે કશું લેવા ઈચ્છતો નથી, તે દેવા ઈચ્છે છે, એમાં જ તેનું મહત્વ છે. સંસાર તેનું દાનનું ક્ષેત્ર છે અને અહમ તેની દાનની વસ્તુ છે.
ભગવાન આ સંસારમાં રહીને સતત પોતાની જાતનું દાન કરી રહ્યા છે. તેઓ પોતાને માટે કશું જ લેતા નથી. આપણો આત્મા પણ જો ભગવાનની તે પ્રકૃતિને પામે તો તે સત્યને જ પામે. તે પણ સંસારમાં ભગવાનની પાસે તેના સખારૂપે ઊભો રહીને પોતાને સંસારને ખાતર સમર્પણ કરી દે, પોતાના ભોગને માટે લાલચુ બનીને બધું જ પોતા તરફ ન તાણે. આ આપવામાં જ અમૃત છે, લેવામાં મૃત્યુ છે. ધન, દોલત, શક્તિ, સામર્થ્ય બધું જ સત્ય છે, જો આપણે એનું દાન કરીએ. – જો એ પોતે લેવા ઈચ્છીએ તો બધું જ મિથ્યા છે. એ વાત જ્યારે ભૂલી જઈએ છીએ ત્યારે બધું ઊલટપાલટ થઈ જાય છે – ત્યારે જ શોક, દુ:ખ, ભય ઉત્પન્ન થાય છે. ત્યારે જ કામ, ક્રોધ, લોભ પ્રગટે છે. ત્યારે જ પ્રવાહની દિશામાં વહીને જે નૌકા મને જ વહી જવાની હતી તેને જ પ્રવાહ વિરુદ્ધ ખેંચી જવા માટે મારે ઠેલાઠેલી અને ખેંચાખેંચી કરી મરવું પડે છે. જે વસ્તુ સ્વભાવથી જ આપવા માટે સર્જાયેલી છે તેને લેવાનો પ્રયત્ન કરવાનું આ ફળ છે. જ્યારે હું અમુક વસ્તુ લઉં છું એમ માનીએ છીએ ત્યારે આપણે તે મૃત્યુને આપીએ છીએ અને તેની સાથે શોક, ચિંતા, ભય વગેરે મૃત્યુના અનુચરોને તેમની ખોરાકીરૂપે હૈયાનું લોહી પૂરું પાડીએ છીએ.
.
[2] સ્વભાવ-પ્રાપ્તિ
આપણા જીવનની એકમાત્ર સાધના એ છે કે, આપણા આત્માનો જે સ્વભાવ છે તે સ્વભાવને જ બાધામુક્ત બનાવી દેવો. આત્માનો સ્વભાવ શો ? પરમાત્માનો જે સ્વભાવ તે જ આત્માનો પણ સ્વભાવ. પરમાત્માનો સ્વભાવ શો ? તે લેતા નથી, દાન કરે છે. તે સર્જન કરે છે. સર્જન કરવું એટલે જ વિસર્જન કરવું. એ જે વિસર્જન કરે છે એમાં કોઈ જવાબદારી નથી, કોઈ ફરજ નથી. આનંદનો ધર્મ જ એ છે કે પોતે થઈને દાન કરવું, પોતે થઈને વિસર્જન કરવું. આપણે પણ એ જાણીએ છીએ, આપણો આનંદ, આપણો પ્રેમ વિના કારણે આત્મવિસર્જન દ્વારા જ પોતાને ચરિતાર્થ કરે છે. એટલા માટે જ ઉપનિષદ કહે છે – आनन्दाद्धयेव खल्विमानी भूतानी जायन्ते । તે આનંદમયનો સ્વભાવ જ એ છે.
આત્માની સાથે પરમાત્માને એક બાબતમાં મળતાપણું છે. આપણો આત્મા પણ લઈને ખુશ નથી થતો, દઈને ખુશ થાય છે. લઉં, ખૂંચવી લઉં, ભેગું કરું, એ વૃત્તિ જ જો વ્યાધિના વિકારની જેમ વકરી જાય તો દુ:ખનો અને પરિતાપનો પાર નથી રહેતો. જ્યારે આપણે પૂરા મનથી કહીએ છીએ કે હું આપીશ, કે તરત જ બધું દુ:ખ દૂર થાય છે, બધો પરિતાપ શાંત થઈ જાય છે. આત્માના આ આનંદમય સ્વરૂપનો અનુભવ કરવા માટે સાધના કરવી પડશે. શી રીતે કરવી ? પેલું જે એક ભુખાળવું અહમ છે, જે ભિખારડું બધું જ મૂઠીમાં લેવા ઈચ્છે છે, જે કૃપણ કેવળ લેવા જ ઈચ્છે છે, પણ કશું આપતું નથી, કેવળ લાભનો જ વિચાર કર્યા કરે છે, તે અહમને બહાર રાખવું પડશે, તેને પરમ આત્મીયની પેઠે આદર કરીને અંત:પુરમાં દાખલ થવા ન દેવું જોઈએ. તે ખરું જોતાં આનંદનું આત્મીય નથી, કારણ તે મરી જાય છે, અને આત્મા તો અમર છે. આત્મા તો न जायते न भ्रियते, નથી જન્મતો કે નથી મરતો. પણ એ અહમ જન્મ્યું છે, એનું નામ પણ પાડવામાં આવ્યું છે; કશું ન કરી શકે તોયે પોતાના એ નામને અમર કરવા માટે તે ભારે પ્રયત્ન કરે છે.
એ જે મારું અહમ, એને હું એ કોઈ બહારનું માણસ હોય એ રીતે જોઈશ; એને જ્યારે દુ:ખ થશે ત્યારે કહીશ કે એને દુ:ખ થયું છે. કેવળ દુ:ખ જ શા માટે, એના ધન, જન, ખ્યાતિ, સત્તા કશામાં જ હું ભાગ નહિ લઉં. હું એમ નહિ કહું કે એ બધું મને મળે છે, હું લઉં છું. દરરોજ હું એવો પ્રયત્ન કરીશ કે મારું અહમ જે વળગવા ઈચ્છે તેને હું ન સ્વીકારું. હું વારંવાર કહીશ કે એ મારું નથી, એ મારી બહાર છે. જે બહારનું છે તેને બહાર રાખવાનો જીવ ચાલતો નથી એટલે હું નકામા કચરાથી ભરાઈ ગયો છું, એના બોજાને લીધે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. એ મૃત્યુમય ઉપકરણના વિકારથી રોજ રોજ હું મરું છું. એ મરણધર્મી અહમને જ આત્માની સાથે સાંકળીને તેના શોકથી, તેના દુ:ખથી, તેના ભારથી થાકી જાઉં છું.
અહમનો સ્વભાવ પોતા તરફ તાણવાનો છે, અને આત્માનો સ્વભાવ બહારની તરફ આપવાનો છે – એટલા માટે જ એ બે જ્યારે સેળભેળ થઈ જાય છે ત્યારે ભારે ગૂંચવાડો ઊભો થાય છે. એક વેગ પ્રવાહિત થઈને જવા માગે છે, અને બીજો વેગ સતત અંતરની તરફ ખેંચ્યા કરે છે, પરિણામે ભારે સંકટ ઊભું થાય છે. આત્મા પોતાના સ્વભાવ વિરુદ્ધ આકર્ષાઈને ફર્યા કરે છે, તે અનંતની દિશામાં ચાલતો નથી, તે એક જ બિંદુની આસપાસ ઘાણીના બળદની પેઠે આંટા માર્યા કરે છે. તે ચાલે છે, પણ આગળ વધતો નથી – એટલે એ ચાલવાથી તેને કેવળ કષ્ટ થાય છે, એથી તેને સાર્થકતા મળતી નથી. એટલે હું કહેતો હતો કે એ સંકટમાંથી બહાર નીકળવું પડશે. અહમની સાથે બિલકુલ એક નહિ થઈ જાઉં, તેની સાથે જુદાઈ રાખીશ. દાન કરીશ, કામ કરીશ, પણ અહમ જ્યારે તે કામનું ફળ હાથમાં લઈને તેને ચાટતું ચાટતું, બટકાં ભરતું ભરતું, નાચતું નાચતું હાજર થશે ત્યારે તેના તે ઉચ્છિષ્ટ ફળને કદી ગ્રહણ નહિ કરું. कर्मण्येवाधिकारस्ते मा फ़लेषु कदाचन ।
.
[3] અહમ
તો પછી અહમ છે શા માટે ? એ અહમને લીધે આત્મા જગતની કોઈ પણ વસ્તુને મારી કહેવા શા માટે ઈચ્છે છે ? એનું એક કારણ છે. ઈશ્વર જેનું સર્જન કરે છે તેને માટે તેણે કશાનો જ સંગ્રહ કરવો પડતો નથી. તેનો આનંદ સ્વાભાવિક રીતે જ દાનરૂપે ફેલાતો હોય છે. આપણામાં કંઈ એવી શક્તિ નથી. દાન કરવું હોય તો આપણને ઉપકરણની જરૂર પડે છે. અને એ ઉપકરણ કંઈ આપણે કેવળ આનંદ વડે સર્જી શકતા નથી. ત્યારે મારો અહમ ઉપકરણ સંગ્રહ કરી લાવે છે. તે જે કંઈ ભેગું કરે છે તેને મારું કહે છે. કારણ, તેને અનેક મુશ્કેલીઓ વટાવીને સંગ્રહ કરવો પડે છે, એ બાધાઓને વટી જવામાં તેને શક્તિનો ઉપયોગ કરવો પડે છે. એ શક્તિ દ્વારા એ ઉપકરણ ઉપર તેનો અધિકાર જન્મે છે.
શક્તિ દ્વારા અહમ કેવળ સામગ્રી ભેગી કરે છે એટલું જ નહિ, તે સામગ્રીને વિશેષ ભાવે ગોઠવે છે, તેને એક વિશેષત્વ અર્પીને ખડી કરે છે. તે વિશેષત્વ અર્પવા દ્વારા તે જે કંઈ નિર્માણ કરે છે તેને તે પોતાની વસ્તુ કહીને ગૌરવ લે છે. એ ગૌરવ ઈશ્વર તેને લેવા દે છે. એ ગૌરવ જો તે નહિ ભોગવી શકતો હોય તો પછી તે દાન શી રીતે કરે ? જો કશું તેનું ‘મારું’ (પોતાનું) ન હોય તો તે આપે શું ? એટલે દાનની વસ્તુને પહેલાં એક વાર ‘મારી’ કરી લેવા માટે આ અહમની જરૂર હોય છે. વિશ્વજગતના સર્જનહાર ઈશ્વરે કહી મૂકેલું છે કે જગતમાં જેટલાને મારો આત્મા આ અહમના કૂંડાળા વડે વીંટી લઈ શકે તેને તે ‘મારું’ કહેવા દેશે – કારણ, એને વિશે જો મમત્વનો અધિકાર ન જન્મે તો તો આત્મા બિલકુલ દરિદ્ર રહી જાય. તે આપે શું ? વિશ્વભુવનમાં કશું એવું નથી જેને તે ‘મારું’ કહી શકે.
ઈશ્વર એ બાબતમાં પોતાનો હક ખોવા રાજી થયો છે. બાપ જેમ નાના બાળક સાથે કુસ્તીની રમત રમતાં રમતાં જાણીજોઈને હાર માનીને પડી જાય છે, નહિ તો રમત જ ન ચાલે, સ્નેહનો આનંદ જ ન જામે, બાળકના મોઢા ઉપર હાસ્ય જ ન ફૂટે, તે હતાશ થઈ જાય; તે જ રીતે ઈશ્વર આપણા જેવા અનધિકારી દુર્બળની આગળ એક બાબતમાં હાર કબૂલી લે છે, એક બાબતમાં તે હસતે મુખે બોલવા દે છે કે આપની જ જીત છે, બોલવા દે છે કે આપણી શક્તિને લીધે જ એ બન્યું છે, બોલવા દે છે કે ધનદોલત બધું આપણું જ છે, આપણી જ આ સસાગરા વસુન્ધરા છે. તે એટલું જો ન કરવા દે તો તો તે જે રમત રમે છે તે આનંદની રમતમાં, તે સર્જનની રમતમાં આપણો આત્મા બિલકુલ જ ભાગ ન લઈ શકે. તેણે રમત બંધ કરીને હતાશ થઈને ગુપચુપ બેસી રહેવું પડે. એટલા માટે તે ખિસકોલીની પીઠ ઉપર કરુણાપૂર્ણ હાથ ફેરવીને કહે છે કે બેટા ! કાલસમુદ્ર ઉપર તું પણ સેતુ બાંધે છે ખરો, શાબાશ છે તને.
ઈશ્વરે આપણને આ જે બોલવાનો અધિકાર આપેલો છે તે શા માટે આપેલો છે ? એનો ચરમ ઉદ્દેશ શો છે ? એનો ચરમ ઉદ્દેશ એ છે કે પરમાત્માની સાથે આત્માને જે એક સમાન ધર્મ રહેલો છે તે ધર્મ સાર્થક થાય. તે ધર્મ એટલે સર્જનનો ધર્મ, દેવાનો ધર્મ. દેવાનો ધર્મ એટલે જ આનંદનો ધર્મ. આત્માનું સાચું સ્વરૂપ આનંદમય સ્વરૂપ છે – તે સ્વરૂપે તે સૃષ્ટિકર્તા અર્થાત દાતા છે. તે સ્વરૂપે તે કૃપણ નથી, તે ભિખારી નથી. અહમ દ્વારા આપણે ‘મારી’ વસ્તુ ભેગી કરીએ છીએ, નહિ તો દાન કરવાનો આનંદ મ્લાન થઈ જાય.
નદીનું પાણી જ્યારે નદીમાં હોય છે ત્યારે તે સૌ કોઈનું હોય છે – જ્યારે મારા ઘડામાં ભરી લાવું છું ત્યારે તે મારું પાણી બને છે, ત્યારે તે પાણી મારા ઘડાના વિશેષત્વને લીધે સીમાબદ્ધ થઈ જાય છે. કોઈ તરસ્યા માણસને જો હું કહું કે નદીએ જઈને પાણી પી લે તો મેં જલદાન કર્યું ન કહેવાય – જો કે એ પાણી મબલક છે, અને નદી પણ દૂર નથી. પણ મારા ઘડામાંથી એ નદીનું જ પાણી એક ચાંગળું આપું તોયે તે જલદાન કર્યું કહેવાશે. વનનાં ફૂલ તો દેવતાની સામે જ ફૂટેલાં છે. પણ તેને મારી છાબડીમાં ગોઠવીને એક વાર મારાં બનાવી દઉં ત્યાર પછી જ તેના વડે દેવતાની પૂજા થઈ શકે છે. દેવતા પણ ત્યારે હસીને કહે છે, હા, તારાં ફૂલ મને પહોંચ્યાં. એ હાસ્યથી જ મારું ફૂલ તોડવાનું સાર્થક થઈ જાય છે. અહમ આપણો એ ઘડો, એ છાબડી છે. તેમાં જે આવી પડે તેને જ ‘મારું’ કહેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે – એક વાર એ અધિકાર પ્રાપ્ત થયા વગર દાનનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે આપણે જોઈએ છીએ કે અહમનો ધર્મ જ સંગ્રહ કરવાનો, સંચય કરવાનો છે. તે આખો વખત લે લે જ કરે છે. અમુક મળ્યું એથી જેમ જેમ તે ગૌરવ અનુભવે છે તેમ તેમ તેનો લેવાનો આગ્રહ વધતો જાય છે. અહમનો જો આ રીતે બધી જ વસ્તુ ઉપર પોતાનું નામ, પોતાની મહોર છાપવાનો સ્વભાવ ન હોત તો આત્માનું સાચું કાર્ય ચાલત જ નહિ, તે દરિદ્ર અને જડ જેવો બની જાય.
પણ અહમનો આ લેવાનો ધર્મ જ જો સર્વેસર્વા બની જાય, આત્માનો દેવાનો ધર્મ જો ઢંકાઈ જાય, તો કેવળ માત્ર લેવાની લોલુપતાને લીધે આપણું દારિદ્ર બીભત્સ બની જાય. પછી આત્મા નજરે જ ન પડે. અહમ જ સર્વત્ર ભયંકર બનીને દેખા દે. પછી મારું આનંદમય સ્વરૂપ ક્યાં રહે ? પછી તો કેવળ ઝઘડા, કેવળ રુદન, કેવળ ભય અને કેવળ ચિંતા રહે. પછી છાબનાં ફૂલ લઈને આત્મા પૂજા કરવા પામતો નથી. અહમ કહે છે કે એ બધું જ મારું છે. તે માને છે કે બધું મને મળ્યું છે. પણ છાબનાં ફૂલ કંઈ વનનાં ફૂલ નથી કે કદી ખલાસ ન થઈ જાય, રોજ રોજ નવાં નવાં ફૂટ્યા કરે. મને મળ્યાં એમ કરીને તે જ્યાં નિશ્ચિંત બને છે ત્યાં જ ફૂલ કરમાવા માંડે છે. બે દિવસમાં તો કાળાં પડીને રોળાઈને ધૂળમાં મળી જાય છે, મળ્યાં હતાં એ વાત બિલકુલ પોકળ બની જાય છે. ત્યારે આપણને સમજાય છે કે પામવું, લેવું એ કદી કાયમનું હોઈ શકતું નથી. આપણે પામીશું, લેશું, પોતાનું કરીશું, પણ તે કેવળ આપવાને માટે. લેવું તે કેવળ આપવા માટે જ છે – અહમ કેવળ અહંકારનું વિસર્જન કરવા માટે જ છે. પોતાની તરફ એક વાર ખેંચી લાવીએ તે વિશ્વ તરફ વિસર્જન કરવા માટે જ. ધનુષ ઉપર તીર મૂકીને પહેલાં તેને આપણા તરફ ખેંચીએ છીએ તે કંઈ પોતાને વીંધવા માટે નથી ખેંચતા, સામે છોડવા માટે ખેંચીએ છીએ.
એટલે હું કહેતો હતો કે અહમ જ્યારે તેના પોતાના સંચય લાવીને આત્માની સામે ધરશે ત્યારે આત્માએ કહેવું પડશે કે ના, એ મારું નથી, હું એ નહિ લઉં. એ બધું બહાર રાખવું પડશે. બહાર આપવું પડશે, એની એક કણી પણ હું અંદર નહિ લઉં. અહમના આ બધા સતત ચાલતા સંચય વડે આત્મા બંધાઈ રહે એ નહિ ચાલે. કારણ, એ બદ્ધતા આત્માની સ્વાભાવિક નથી. આત્મા દાન વડે મુક્ત બને છે. પરમાત્મા જેમ સૃષ્ટિ વડે બંધાયેલો નથી, તે સૃષ્ટિ વડે જ મુક્ત છે, કારણ તે લેતો નથી, આપે છે, તે જ રીતે આત્મા પણ અહમની રચના વડે બંધાવાને જન્મેલો નથી, એ રચનાઓ વડે જ તે મુક્ત થશે, કારણ, એ રચનાઓનું જ તે દાન કરશે. એ દાન દ્વારા જ તે યથાર્થ રીતે પ્રગટ થશે. ઈશ્વરનું પણ આનંદરૂપ, અમૃતરૂપ વિસર્જન દ્વારા જ પ્રગટ થાય છે. એટલા માટે અહમ ત્યારે જ આત્માનો સાચો આવિર્ભાવ બને છે જ્યારે આત્મા તેનું વિસર્જન કરે છે, જ્યારે આત્મા પોતે જ તેને ગ્રહણ નથી કરતો.

No comments:

Post a Comment