[1]
આ રહ્યું તારું પુણ્ય, આ રહ્યું તારું પાપ;
બન્ને લઈ લે અને મને કેવળ,
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.
આ રહ્યું તારું જ્ઞાન, આ રહ્યું તારું અજ્ઞાન;
બન્ને લઈ લે અને મને કેવળ,
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.
આ રહી તારી પવિત્રતા અને આ રહી તારી અપવિત્રતા,
બન્ને લઈ લે અને મને કેવળ,
તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.
આ રહ્યો તારો ધર્મ અને આ રહ્યો તારો અધર્મ;
બન્ને લઈ લે, મા !
અને મને કેવળ તારા તરફનો વિશુદ્ધ પ્રેમ આપ.
(રામકૃષ્ણ પરમહંસ)
[2]
હે નમ્રતાના સ્વામી,
હરિજનની રંક ઝૂંપડીના વાસી
ગંગા, બ્રહ્મપુત્ર અને જમુનાનાં જળથી સિંચિત
આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે તને શોધવામાં અમને મદદ કર.
અમને ગ્રહણશીલતા આપ, ખુલ્લું હૃદય આપ,
અમને તારી નમ્રતા આપ.
ભારતના લોકસમુદાય સાથે અમારી જાતને એકરૂપ કરવા માટે
શક્તિ અને તત્પરતા આપ.
હે ભગવાન,
માણસ પોતાને સંપૂર્ણપણે દીન અનુભવે
ત્યારે જ તું મદદ કરે છે.
અમને વરદાન આપ
કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની
સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા
ન પડી જઈએ.
અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ
મૂર્તિમંત દિવ્યતા બનીએ
મૂર્તિમંત નમ્રતા બનીએ
જેથી આ દેશને વધુ સમજી શકીએ
અને વધુ ચાહી શકીએ.
(ગાંધીજી)
[3]
આ જીવનમાં આ વખતે જો તમને જોવા ન પામું,
હે પ્રભુ ! તો તમને હું પામ્યો નથી એ વાત હંમેશાં
મને યાદ રહો, એ હું કદી ભૂલી ન જાઉં, શયનમાં
સ્વપ્નમાં એની વેદના ખૂંચ્યા કરો.
આ સંસારના હાટે મારા જે દિવસો જાય,
ધનથી મારા બેઉ હાથ ભરાઈ જાય, ત્યારે
હું કશું જ પામ્યો નથી એ વાત મને હંમેશાં
યાદ રહો, હું કદી ભૂલી ન જાઉં, ઊંઘમાં
સ્વપ્નમાં એનું શલ્ય રહ્યા કરો.
આળસભાવે હું રસ્તાને કાંઠે બેસી પડું
જતન કરીને ધૂળમાં હું પથારી પાથરું
ત્યારે, આખોયે પથ હજી બાકી છે એ વાત મને
યાદ રહો, હું કદી ભૂલી ન જાઉં, ઊંઘમાં સ્વપ્નમાં
મને એનું શલ્ય વાગ્યા કરો.
હાસ્યની છોળો ઊડે, ઘરમાં બંસી વાગે, મહેનત
કરીને ઘર સજાવું, ત્યારે તને ઘરમાં લાવી શક્યો
નથી એ વાત મને હંમેશાં યાદ રહો, કદી ભૂલી ન જાઉં,
શયનમાં સ્વપ્નમાં એ વેદના કોર્યા કરો.
(રવીન્દ્રનાથ ટાગોર)
[4]
હે નાથ,
અમે દુનિયાના કીચડમાં ફસાયેલા છીએ, એમાંથી તમે જ
અમને બહાર કાઢી શકો તેમ છો. હે પ્રભુ, કૃપા કરો.
અમે દુનિયા ભણી કેટલું બધું તાકી રહેતાં હોઈએ છીએ !
આ તાકવાનું ક્યારે બંધ થશે ? ક્યારે અમે તમારા ભણી તાકતાં શીખીશું ?
આ તાકવાનું ક્યારે બંધ થશે ? ક્યારે અમે તમારા ભણી તાકતાં શીખીશું ?
અમે તમારા ભણી એક ડગલું ભરીશું, તો તમે દોડીને દસ
ડગલાં આગળ આવશો. કદાચ અમે આ નાનું ડગલું ભરતાં
પડી જઈએ,
એટલે તમે અમને તમારા ખોળામાં ઊંચકી લો, અને અમે
તમને વળગી પડીએ, એવું થાઓ.
અમે તમારા બની જઈશું અને તમે અમારા.
તમારી કૃપા હશે તો એક દિવસ અમે પણ તમારી તરફ આવીશું.
તમારી કૃપા અમારા પર સદૈવ છે, એમાં કોઈ સંદેહ નથી,
પણ અમને એનો અનુભવ નથી થતો. તમે જ અમારા
સાથી છો, સહાયક છો, એવું અમે જાણીએ,
એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો.
(ગુરુદયાળ મલ્લિક)
[5]
પ્રભુ, તારી પાસે શું માગવું તેની મને ખબર નથી.
ઓ પિતા, તારા બાળકને જેની માગણી કરતાં આવડતું નથી.
તે વસ્તુ આપ.
તું મને વધસ્થંભે જડી દે
અથવા મને શાતા આપ –
બંનેમાંથી કાંઈ પણ માગવાની મારી તો હિંમત નથી.
હું તો મારી જાતને તારી સમક્ષ ખડી કરું છું.
મને પણ જેની ખબર નથી એ મારી જરૂરિયાત સામે જો,
અને તારી કોમળ કૃપા દ્વારા જે કરવાનું હોય તે કર.
મારા પર પ્રહાર કર કે મને ચંદનનો લેપ કર,
મને ભોંયભેગો કર કે અદ્ધર ઊંચકી લે,
તારા સર્વ ઉદ્દેશોને
જાણ્યા વગર હું વધાવી લઉં છું.
હું મૂક છું, મારી જાતને હોમી દેવા હું તત્પર છું,
હું મને તારે ચરણે સમર્પી દઉં છું,
તારી ઈચ્છા પૂર્ણ કરવા સિવાય મારી બીજી કશી ઈચ્છા ન હો.
મને પ્રાર્થના કરતાં શીખવ,
મારામાં રહી તું પ્રાર્થના કર.
(ફેનેલોન)
[6]
મેં ભગવાન પાસે શક્તિ માગી
કે હું સિદ્ધિ મેળવી શકું,
પણ મને નિર્બળ બનાવવામાં આવ્યો
જેથી હું આજ્ઞા પાળવાનું શીખી શકું.
મેં તંદુરસ્તી માગી
કે હું મોટાં કામ કરી શકું.
મને અપંગ અવસ્થા આપવામાં આવી
જેથી હું વધારે સારાં કામ કરી શકું.
મેં સમૃદ્ધિ માગી
કે હું સુખી થઈ શકું,
મને દરિદ્રતા આપવામાં આવી
જેથી હું સમજુ બની શકું.
મેં સત્તા માગી
કે લોકો મારી પ્રશંસા કરે,
પણ મને નિર્બળતા આપવામાં આવી
જેથી હું ભગવાનની જરૂર અનુભવી શકું.
મેં વસ્તુઓ માગી
કે હું જીવનને માણી શકું,
પણ મને જીવન આપવામાં આવ્યું
કે હું બધી વસ્તુઓ માણી શકું.
મેં માગ્યું હતું એ કશું જ મને ન મળ્યું,
પણ મેં જેની આશા રાખી હતી તે મને મળ્યું
મારી પ્રાર્થનાઓનો મને પ્રત્યુત્તર મળ્યો.
(અજ્ઞાત સૈનિક)
[7]
રોજેરોજ હું પ્રાર્થના કરું છું –
હે ભગવાન,
જે કામ કરવાની મારી ઈચ્છા ન હોય, તે કામ
કરવા માટે મને ફરી શક્તિ આપો.
‘શા માટે ?’ – એમ પૂછ્યા વિના આજ્ઞાધીનપણે નમવાની,
સત્યને ચાહવા ને સ્વીકારવાની
અને જૂઠાણાને ધુત્કારી કાઢવાની
આ ટાઢીહિમ દુનિયા સામે
આંખમાં આંખ માંડીને જોવાની
સ્પર્ધામાં જેઓ મારાથી આગળ નીકળી જાય
તેમને માટે આનંદ મનાવવાની
મારો બોજો આનંદથી, ભય વિના ઉપાડવાની
અને જેમને મારી મદદની જરૂર હોય
તેમના ભણી હાથ લંબાવવાની,
હું શું છું – તેનું માપ
હું શું આપું છું તેના પરથી કાઢવાની
મને શક્તિ આપો, ભગવાન !
જેથી હું સાચી રીતે જીવી શકું.
(અજ્ઞાત)
No comments:
Post a Comment