ચો : એક બાર રઘુનાથ બોલાએ | ગુરુ દ્વિજ પુરબાસી સબ આએ ||
બૈઠે ગુરુ મુનિ અરુ દ્વિજ સજ્જન | બોલે બચન ભગત ભવ ભંજન ||
બૈઠે ગુરુ મુનિ અરુ દ્વિજ સજ્જન | બોલે બચન ભગત ભવ ભંજન ||
એક વાર શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી, બ્રાહ્મણો અને અન્ય સર્વ નગરનિવાસી સભામાં આવ્યા. જ્યારે ગુરુ, મુનિ, બ્રાહ્મણ તથા અન્ય સર્વે સજ્જન યથાયોગ્ય બેસી ગયા, ત્યારે ભક્તોના જન્મ-મરણને નાશ કરનાર શ્રીરામજી વચન બોલ્યા….
હે સમસ્ત નગરનિવાસીઓ ! મારી વાત સાંભળો. આ વાત હું હૃદયમાં કંઈક મમતા લાવીને નથી કહેતો. નથી કોઈ અનીતિની વાત કહેતો અને એમાં કંઈ પ્રભુતાય નથી, માટે સંકોચ અને ભય છોડીને ધ્યાન દઈને મારી વાતોને સાંભળી લો અને પછી જો તમને ઠીક લાગે, તો તે પ્રમાણે કરો ! તે જ મારો સેવક છે અને એ જ પ્રિયતમ છે, જે મારી આજ્ઞા માને. હે ભાઈ ! જો હું કંઈક અનીતિની વાત કહું તો ભય ભુલાવીને બેધડક મને રોકી દેજો.
ચો. બડે ભાગ માનુષ તનુ પાવા | સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા ||
સાધન ધામ મોચ્છ કર દ્વારા | પાઈ ન જેહિં પરલોક સંવારા ||
ચો. બડે ભાગ માનુષ તનુ પાવા | સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા ||
સાધન ધામ મોચ્છ કર દ્વારા | પાઈ ન જેહિં પરલોક સંવારા ||
મોટા ભાગ્યથી આ મનુષ્ય શરીર મળ્યું છે. સર્વ ગ્રંથોએ આ જ કહ્યું છે કે આ શરીર દેવતાઓનેય દુર્લભ છે. એ ધર્મ, અર્થ, કામ ત્રણેય સાધનનું ધામ અને મોક્ષનું દ્વાર છે. એને પામીનેય જે પરલોક ન બનાવી લે તે પરલોકમાં દુ:ખ પામે છે. માથું કૂટી-કૂટીને પસ્તાય છે તથા પોતાનો દોષ ન સમજીને કાળ ઉપર, કર્મ ઉપર અને ઈશ્વર ઉપર મિથ્યા દોષ લગાડે છે. હે ભાઈ ! આ શરીર પ્રાપ્ત થવાનું ફળ વિષયભોગ નથી. આ જગતના ભોગોની તો વાત જ શું ? સ્વર્ગના ભોગ પણ ઘણા ઓછા છે અને અંતમાં દુ:ખ આપનારા છે. માટે જે લોકો મનુષ્ય શરીર પામીને વિષયોમાં મન પરોવી દે છે, તે મૂર્ખ અમૃતને બદલીને વિષ લઈ લે છે.
જે પારસમણિ ખોઈને બદલમાં ચણોઠી લઈ લે છે, તેને કદીય કોઈ વિદ્વાન નથી કહેતા. આ અવિનાશી જીવ (અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્દભિજ્જ) ચાર ખાણો અને ચોર્યાશી લાખ યોનિઓમાં આંટા મારતો રહે છે. માયાની પ્રેરણાથી કાળ, કર્મ, સ્વભાવ અને ગુણોથી ઘેરાયેલો (એને વશમાં થયેલો) એ સદા ભટકતો રહે છે. કારણ વિના જ સ્નેહ કરનાર ઈશ્વર ક્યારેક દયા કરીને એને મનુષ્ય શરીર આપે છે.
ચો. નર તનુ ભવ બારિધિ કહું બેરો | સન્મુખ મરુત અનુગ્રહ મેરો ||
કરનધાર સદગુરુ દઢ નાવા | દુર્લભ સાજ સુલભ કરિ પાવા ||
કરનધાર સદગુરુ દઢ નાવા | દુર્લભ સાજ સુલભ કરિ પાવા ||
આ મનુષ્યનું શરીર ભવસાગર ને તારવા માટે વહાણ છે. મારી કૃપા જ અનુકૂળ વાયુ છે. સદ્દગુરુ આ મજબૂત વહાણના કર્ણધાર (સુકાની) છે. આ પ્રમાણે દુર્લભ સાધન સુલભ થઈને ભગવદકૃપાએ સરળતાથી જ તેને પ્રાપ્ત થઈ ગયાં છે. જે મનુષ્ય આવા સાધન પામીને પણ ભવસાગરને ન તરે, તે કૃતઘ્ન અને મંદબુદ્ધિ છે અને આત્મહત્યા કરનારની ગતિને પ્રાપ્ત થાય છે. જો પરલોકમાં અને અહીં – બંને જગ્યાએ સુખ ઈચ્છો છો, તો મારાં વચન સાંભળીને તેમને હૃદયમાં દઢતાથી પકડી રાખો. હે ભાઈ ! આ મારી ભક્તિનો માર્ગ સુલભ અને સુખદાયક છે, પુરાણો અને વેદોએ એને ગાયો છે.
જ્ઞાન દુર્ગમ છે અને તેની પ્રાપ્તિમાં અનેક વિઘ્ન છે. તેનું સાધન કઠિન છે અને તેમાં મનને માટે કોઈ આધાર નથી. ઘણાં કષ્ટ સહીને પણ કોઈ તેને મેળવી લે છે તો તે પણ ભક્તિરહિત હોવાથી મને પ્રિય થતો નથી. ભક્તિ સ્વતંત્ર છે અને સર્વ સુખોની ખાણ છે. પરંતુ સત્સંગ વિના પ્રાણી એને પામી શકતા નથી. અને પુણ્યસમૂહ વિના સંત મળતા નથી. સત્સંગતિ જ જન્મ-મરણના ચક્રનો અંત કરે છે. જગતમાં પુણ્ય એક જ છે, તેના જેવું બીજું નથી. તે છે – મન, કર્મ અને વચનથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરવી. જે કપટનો ત્યાગ કરીને બ્રાહ્મણોની સેવા કરે છે, તેના પર મુનિઓ અને દેવો પ્રસન્ન રહે છે.
બીજો પણ એક ગુપ્ત મત છે, હું સર્વેને હાથ જોડીને તે કહું છું કે શંકરજીના ભજન વિના મનુષ્ય મારી ભક્તિને નથી પામતો.
ચો. કહહુ ભગતિ પથ કવન પ્રયાસા | જોગ ન મખ જપ તપ ઉપવાસા ||
સરલ સુભાવ ન મન કુટિલાઈ | જથા લાભ સંતોષ સદાઈ ||
સરલ સુભાવ ન મન કુટિલાઈ | જથા લાભ સંતોષ સદાઈ ||
કહો તો, ભક્તિમાર્ગમાં ક્યો પરિશ્રમ છે ? તેમાં ન યોગની આવશ્યકતા છે, ન યજ્ઞ, જપ, તપ અને ઉપવાસની ! અહીં એટલું જ આવશ્યક છે કે સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ન હોય અને જે કંઈ મળે એમાં જ સદાય સંતોષ રાખે. મારો દાસ કહેવડાવીને જો કોઈ મનુષ્ય લોકો પાસે આશા રાખે, તો તમે જ કહો, તેનો શું વિશ્વાસ છે ? (અર્થાત્ તેની મારા પરની આસ્થા ઘણી જ નિર્બળ છે.) વાત બહુ વધારીને શું કહું ? હે ભાઈઓ ! હું તો આ જ આચરણને વશમાં છું.
ન કોઈથી વેર કરે, ન લડાઈ-ઝઘડા કરે, ન આશા રાખે, ન ભય જ રાખે; તેને માટે સર્વે દિશાઓ સદા સુખમય છે. જે કોઈ પણ આરંભ (ફળની ઈચ્છાથી કર્મ) નથી કરતો, જેનું કોઈ પોતાનું ઘર નથી (અર્થાત જેને ઘરમાં મમતા નથી), જે માનહીન, પાપહીન અને ક્રોધહીન છે, જે ભક્તિ કરવામાં નિપુણ અને વિજ્ઞાની છે, સંતજનોના સંસર્ગમાં જેને સદાય પ્રેમ છે, જેના મનમાં સર્વે વિષય એટલા સુધી કે સ્વર્ગ અને મુક્તિસુદ્ધાં (ભક્તિની સામે) તૃણ સમાન છે; જે ભક્તિના પક્ષમાં હઠ કરે છે, પણ બીજાના મતને ખંડન કરવાની મૂર્ખતા નથી કરતો તથા જેણે સર્વે કુતર્કોને દૂર વહાવી દીધા છે, જે મારા ગુણસમૂહો અને મારા નામમાં તલ્લીન છે, તથા મમતા, મદ અને મોહથી રહિત છે, તેનું સુખ એ જ જાણે છે કે જે પરમાત્મારૂપ પરમાનંદરાશિને પ્રાપ્ત છે.
ચો. સુનત સુધાસમ બચન રામ કે | ગહે સબનિ પદ કૃપાધામ કે ||
જનનિ જનક ગુર બંધુ હમારે | કૃપા નિધાન પ્રાન તે પ્યારે ||
ચો. સુનત સુધાસમ બચન રામ કે | ગહે સબનિ પદ કૃપાધામ કે ||
જનનિ જનક ગુર બંધુ હમારે | કૃપા નિધાન પ્રાન તે પ્યારે ||
શ્રી રામચન્દ્રજીનાં અમૃત સમાન વચનો સાંભળીને સૌએ કૃપાધામના ચરણ પકડી લીધા અને કહ્યું કે હે કૃપાનિધાન ! આપ અમારાં માતા, પિતા, ગુરુ, ભાઈ સર્વે કંઈ છો અને પ્રાણોથીયે અધિક પ્રિય છો.
No comments:
Post a Comment