દિવસો તો જવાના જ; આ જ રીતે દિવસો પછી દિવસો ગયા છે. પરંતુ, બધા જ માણસોના અંતરમાં આ એક વેદના રહેલી છે કે જે થવાનું હતું તે થયું નથી. દિવસો તો જશે, પરંતુ માણસ સતત કહેતો આવ્યો છે : થશે, મારે જે થવાનું છે તે થવું જ પડશે, હજુ સુધી તેમાંનું કશું જ થયું નથી. એ જો ન થયું હોય તો પછી માણસ માણસ શાનો ? પશુમાં ને તેનામાં ફેર શો ? પશુ પોતાના દૈનંદિન જીવનમાં પોતાની જે બધી સહજ વૃત્તિઓ છે તેમને ચરિતાર્થ કર્યે જાય છે, તેમાં કંઈ કશી વેદના નથી હોતી. હજી પણ જે થવાનું હતું તે થયું નથી, એવું તેને કહેવું પડતું નથી. પરંતુ માણસના જીવનનાં કર્મોમાં અંદરખાને એ વેદના રહેલી છે – થયું નહિ, જે થવું જોઈતું હતું તે થયું નહિ. શું ન થયું ? હું જે થવા માટે પૃથ્વીમાં આવ્યો હતો તે હું ન થયો. એ થવાનો સંકલ્પ હું જોરપૂર્વક ન લઈ શક્યો. મારો રસ્તો હું લઈશ, મારે જે થવાનું છે તે જ હું થઈશ, એવું હું જોરપૂર્વક બોલી ન શક્યો.
એથી જ વેદના જાગ્યા કરે છે કે થયું નહિ, થયું નહિ, મારા દિવસો ફોગટ વહી જાય છે : વૃક્ષને કે પશુપક્ષીને એવો સંકલ્પ કરવો પડતો નથી. માણસે જ એમ કહેવું પડે છે કે, હું થઈશ. જ્યાં સુધી તે એ સંકલ્પને દઢતાથી વળગી શકતો નથી, તે જોરપૂર્વક એવું કહી શકતો નથી, ત્યાં સુધી માણસ પશુપક્ષી અને તરુલતા જેવો જ છે. પરંતુ, ભગવાન તેને તેમના જેવો થવા નહિ દે; તે એમ ઈચ્છે છે કે મારા વિશ્વમાં ફક્ત એક માણસ જ પોતાનું ઘડતર કરે, પોતાની અંદર રહેલા મનુષ્યત્વને બાધા વગર પ્રગટ કરે. એટલા માટે તેણે માણસના બાળકને સૌથી અસહાય બનાવીને પૃથ્વી ઉપર મોકલ્યું છે. તેને નાગું અને દુર્બળ બનાવીને મોકલ્યું છે. બીજા બધાને જીવનરક્ષણ માટે જે બધાં સાધનો જરૂરનાં હોય છે તે તેણે આપ્યાં છે; વાઘને તીણા નખ અને દાંતથી સજ્જ કરીને મોકલ્યો છે. પરંતુ આ તે તેમની કેવી આશ્ચર્યમય લીલા કે માણસના બાળકને તેણે સૌથી દુર્બળ અશક્ત અને અસહાય બનાવી દીધું છે; કારણ, એમાંથી જ તે તેની પરમ શક્તિને બતાવવાનો છે, જ્યાં તેની શક્તિ સૌથી વિશેષ હોવા છતાં છૂપી રહેલી છે, ત્યાં જ તો તેના આનંદની લીલા છે. આ દુર્બળ મનુષ્યદેહ મારફતે એક પરમ શક્તિ પ્રગટ થાય એવું તેનું આહવાન છે.
આખા બ્રહ્માંડમાં બીજું બધું જ પૂર્ણ છે. ચંદ્ર, સૂર્ય તરુલતા બધું જ પૂર્ણ છે; કેવળ માણસને જ ઈશ્વરે અધૂરો રાખીને મોકલ્યો છે. સૌથી અસહાય બનાવીને જેને માના ખોળામાં મોકલ્યો તે જ સૌથી શક્તિશાળી અને સંપૂર્ણ થવાનો અધિકારી છે, એ લીલા જ તેણે બતાવવી છે. પરંતુ આપણે શું ઈશ્વરની એ ઈચ્છાને વ્યર્થ બનાવીશું ? તેણે બહારથી આપણને જે દુર્બળતાનો વેશ પહેરાવીને મોકલ્યા છે તેમાં જ આપણે ભરાઈ રહીએ, એવું જો બને તો એ કેવું કહેવાય ? આ પૃથ્વીમાં તો ક્યાંય દુર્બળતા નથી. આ પૃથ્વીની ભૂમિ કેવી નિશ્ચલ અને અટલ છે, સૂર્યચંદ્રગ્રહનક્ષત્ર પોતપોતાના કક્ષામાર્ગમાં કેવાં સ્થિર રહેલાં છે ! એમાં એક અણુપરમાણુનો પણ ફેર પડી શકતો નથી; બધું જ તેના અટલ શાસનમાં તેના સ્થિર નિયમમાં રહીને પોતપોતાનું કામ કર્યે જાય છે. માત્ર માણસને જ તેણે અધૂરો રાખ્યો છે. તેણે મોરને ભાતભાતના ચિત્રવિચિત્ર રંગે રંગ્યો છે; માણસને નથી રંગ્યો, તેની અંદર એક રંગની ચલાણી આપીને તેને કહ્યું છે, તારે તારા પોતાના રંગે રંગાવું પડશે. તેણે કહ્યું છે, તારામાં મેં બધું જ આપ્યું છે, પરંતુ તારે એ બધી સામગ્રી વડે પોતાને કઠિન રૂપે, સુંદર રૂપે આશ્ચર્યમય રૂપે ઘડીને તૈયાર કરી લેવો પડશે, હું તને તૈયાર નહિ કરી આપું. આપણે એમ કરવાને બદલે જો જેવા જન્મીએ તેવા મરીએ તો ઈશ્વરની આ લીલા વ્યર્થ નહિ બની જાય ?
શામાં આપણા દિવસો ઉપર દિવસો જાય છે ? રોજેરોજના ફેરામાં શાને ખાતર આપણે ફરફર કરીએ છીએ તેનું કંઈ ઠેકાણું નથી. જે આજ થાય છે તે જ કાલે પણ થાય છે, એક દિવસ પછી ફરી બીજા દિવસની પુનરાવૃત્તિ થયા કરે છે; આપણે ઘાણીએ જોડાયા છીએ, એક ને એક જગ્યાએ ફરફર કર્યા કરીએ છીએ. એમાં એવો કોઈ નવો આઘાત લાગતો નથી જેથી આપણને યાદ આવે કે આપણે માણસ છીએ. આ સાંસારિક જીવનનાં દૈનંદિન એનાં એ કર્મોમાં આપણે શું પામીએ છીએ ? આપણે શું એકઠું કરીએ છીએ ? એ બધા જૂનાપુરાણા બોજા વચ્ચે એક દિવસ આમ જ આપણું જીવન શું સમાપ્ત થશે ? ટેવ, ટેવ – ટેવના જ જડ ખડકલા નીચે આપણે દબાઈ રહ્યા છીએ; એની જ ઉપર આપણે એક દિવસ મહેનત કરીને આવવાનું છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ. મલિનતા ઉપર મલિનતા ભેગી થતી જાય છે; ટેવને રોજ રોજ વધવા દેવામાં આવે છે, એમ કરીકરીને પોતાની કૃત્રિમતાના વાડામાં સાંકડી જગ્યામાં આપણે પુરાઈ રહેલા છીએ, વિશ્વભુવનની આશ્ચર્યમય લીલાને આપણે જોવા પામતા નથી, જોતી વખતે આપણે કેવળ સાધનસામગ્રી અસબાબ બાંધ્યા નિયમે ચાલતાં જીવનયંત્રનાં પૈડાં જ જોઈએ છીએ. ઈશ્વરના પ્રકાશને અંદર આવવાનો રસ્તો મળતો નથી; એ બધી વસ્તુઓ આડે આવે છે. તેણે આપણી પાસે આવવાનું વચન આપેલું છે; તું તારું આસન તૈયાર કરી આપ, હું તેના ઉપર બેસીશ, તારા ઘરમાં આવીને બેસીશ. એમ છતાં આપણે જે કંઈ તૈયારી કરીએ છીએ તે બધી પોતાને માટે કરીએ છીએ, તેને આપણે બાદ રાખ્યો છે. આખા જગતમાં શ્યામલ પૃથ્વીના સઘળા સૌંદર્યમાં તેણે પોતાની જાતને વેરી દીધેલી છે, ફક્ત જરાક જેટલી કાળી જગ્યા છે, એ આપણા હૃદયની કાળા કલંકથી મલિન થયેલી અને ધૂળથી ઢંકાયેલી જરાક જેટલી કાળી જગ્યામાં તેને સ્થાન મળ્યું નથી, ત્યાં આવવાની આપણે તેને મનાઈ કરી દીધી છે, એ થોડી અમથી જગ્યા મારી છે, ત્યાં હું મારા પૈસા રાખીશ, રાચરચીલું ભેગું કરીશ, છોકરા માટે ઘરનો પાયો ખોદીશ, ત્યાં ઈશ્વરને કહીશ, તને ત્યાં નહિ જવા દઈ શકું. ત્યાંથી તને હદપાર કર્યો છે.
એટલે આ એક નવાઈ જેવી વસ્તુ જોવા મળે છે કે, જે માણસ સૌથી મોટો છે, જેનામાં ભૂમાનો (પરમશક્તિનો) આવિર્ભાવ છે તે જ માણસમાં શું સૌથી વિફળ બનવાની પણ શક્તિ છે ? આપણને એ શક્તિ પણ ઈશ્વરે જ આપેલી છે. તેણે કહ્યું છે, બીજી બધી જગ્યાએ હું રહેલો છું, પરંતુ તારા ઘરમાં નિમંત્રણ વગર હું આવવાનો નથી. તેણે કહ્યું છે, તમે શું મને બોલાવશો નહિ ? તમે જે ભોગ ભોગવો છો તેનો થોડો ભાગ મને નહિ આપો ? જેઓ ઝૂંટવી લેનાર હોય છે તેઓ તો ઝૂંટવી લે છે, તેમનાથી અનાદર સહન થતો નથી. અને જે બારણા બહાર રાહ જોઈને ઊભો છે તેને જ આપણે કહીએ છીએ કે, તને નહિ આપીએ. રોજ રોજ એની એ ના ભણીને આપણે બધું શું વ્યર્થ નથી બનાવ્યું ? એક દિવસ આપણે એ સંકલ્પ કરવો જ પડશે, કહેવું જ પડશે કે, મારાં ધન જન માન, મારાં ખ્યાતિ સત્તા જીવન અને યૌવન બધું તારે માટે જ છે, રોજેરોજ ભલે ભૂલી જતો હોઉં, પણ કંઈ નહિ તોય આજે એક દિવસ તો કહું છું કે હે જીવનસ્વામી, મારું આ જીવન તારે માટે જ છે, તને ન આપીને મેં મારી જાતને વ્યર્થ બનાવી કે તને વ્યર્થ બનાવ્યો ? તેં તો કહ્યું હતું કે અમે ‘અમૃતસ્ય પુત્રા:’ – અમે અમૃતના પુત્રો છીએ. તેં તો કહ્યું હતું કે તું મોટો છે, તારું જીવન સંસારના સુખમાં લપેટાઈ નહિ રહે. એ પિતાનું વચન અમારે સાચું પાડવું જ પડશે. એને જો ખોટું પાડ્યું તો તારી પ્રતિજ્ઞાને ખોટી પાડી કહેવાશે. એટલા માટે, તે સત્યનો સ્વીકાર કરવા માટે માણસ અમુક દિવસ નક્કી કરી રાખે છે. તે કહે છે, રોજ તો ઘાણી ખેંચતો આવ્યો છું, હવે નથી ખેંચાતી, એક દિવસ તો ઓછામાં ઓછું એમ માનું કે આનંદલોકમાં અમૃતલોકમાં જ મેં જન્મ લીધો છે, કેદખાનામાં નહિ. એ દિવસ માણસે પોતાના સત્યને જાણવાનો દિવસ હોય છે. એ દિવસને હંમેશનો બનાવી દેવો પડશે. રોજરોજ પોતાને કેટલા અસત્ય રૂપે જોઈએ છીએ, કેટલા અસત્ય રૂપે જાણીએ છીએ; એક દિવસ પોતાને અનંતમાં જોઈ લેવો પડશે. વિશ્વનો વિધાતા હોઈને પણ તું મારો પિતા છે, ‘पिता नोडसि’, એવી મોટી વાત એક દિવસ સમસ્ત વિશ્વબ્રહ્માંડની વચ્ચે ઊભાં રહીને જણાવવી જ પડશે. આજે ધન માન ખ્યાતિ સત્તા એ બધાને ચરણે પ્રણામ નહિ કરું, રોજરોજ ત્યાં માથું નમાવતો આવ્યો છું અને તે ધૂળ અને કચરાના ઉકરડામાં ક્યાંનો ક્યાં તળિયે ઊતરી ગયો છું. આજે એ બધો કચરો દૂર કરી જે મારે બારણે યુગયુગ થયાં ઊભો છે તેને બોલાવીશ. ‘पिता नोडसि’ – તું મારો પિતા છે. જે દિવસે તેને હાક મારીશ, તેને ઘરમાં લઈ આવીશ, તે દિવસે બધાં ધનમાન સાર્થક થશે, તે દિવસે કોઈ પણ અભાવ અભાવ નહિ રહે.
એક દિવસ માણસે વિચાર કર્યો હતો કે સ્વર્ગે જવું. એ વિચારમાં ને વિચારમાં તે તીર્થે તીર્થે ભટક્યો છે, તેણે બ્રાહ્મણની ચરણરજ લીધી છે, તેણે કેટલાંય વ્રતવટુલાં કર્યાં છે; શું કરું તો સ્વર્ગલોકનો અધિકારી થાઉં – એ જ વિચાર તેના મનમાં સતત ઘોળાયા કર્યો છે. પરંતુ, સ્વર્ગ તો ક્યાંય છે જ નહિ, ઈશ્વરે સ્વર્ગ ક્યાંય રાખ્યું જ નથી. તેણે માણસને કહ્યું છે, તારે સ્વર્ગ બનાવી લેવાનું છે. આ સંસારને જ તારે સ્વર્ગ બનાવવાનું છે. સંસારમાં ઈશ્વરને લાવીએ એટલે સંસાર સ્વર્ગ બની જાય. આજ સુધી માણસ એ કઈ શૂન્યતાનું ધ્યાન ધરતો આવ્યો છે ! તે સંસારનો ત્યાગ કરીને સતત દૂર દૂર જઈને નિષ્ફળ આચારવિચારની અંદર ક્યા સ્વર્ગને શોધતો રહ્યો છે ! પોતાનાં ઘર ભરીને છોકરાં, માબાપ ભાઈબંધુ આત્મીય પાડોશી – એ બધાંને સાથે લઈને પોતાના સમસ્ત જીવન વડે તેણે સ્વર્ગ તૈયાર કરવાનું છે. પણ એ સર્જન થોડું જ એકલાથી થઈ શકવાનું છે ? પરમેશ્વરે કહ્યું છે કે, તું અને હું બંને મળીને સ્વર્ગ તૈયાર કરીશું, બીજું બધું મેં એકલાએ બનાવ્યું છે, પરંતુ તારે કારણે જ મારી સ્વર્ગસૃષ્ટિ અધૂરી રહી ગઈ છે. તારી ભક્તિ અને તારા આત્મનિવેદન વગર આવી મોટી એક ચરમસૃષ્ટિ થવા પામી નથી. સર્વશક્તિમાને આ બાબતમાં પોતાની શક્તિને ગૌણ બનાવી દીધી છે, એક બાબતમાં તેણે હાર સ્વીકારી લીધી છે. જ્યાં સુધી તેનું સૌથી દુર્બળ સંતાન પોતાની બધી સામગ્રી હાથમાં લઈને આવે નહિ ત્યાં સુધી સ્વર્ગની રચના જ અધૂરી રહે. એટલા માટે તે યુગયુગથી રાહ જોઈ રહ્યો છે. તેણે આ પૃથ્વીને માટે પણ શું કેટલાય સમય સુધી રાહ જોઈ નહોતી ? આજે એ પૃથ્વી આવી સુંદર, આવી શસ્યશ્યામલ બની છે તે કેટલાય બાષ્પના દાહ ખમ્યા પછી ધીમે ધીમે ઠંડી પડી પ્રવાહી રૂપ ધારણ કરી ત્યાર પછી ક્રમે ક્રમે પૃથ્વી કઠણ બની છે. ત્યારે તેના હૈયા ઉપર આવી આશ્ચર્યમય શ્યામલતાએ દેખા દીધી છે. પૃથ્વીને તૈયાર થતાં યુગોના યુગો લાગ્યા છે. છતાં હજી સ્વર્ગ તો બાકી જ છે. પૃથ્વી જ્યારે બાષ્પરૂપે હતી ત્યારે કંઈ આવું સૌન્દર્ય પ્રગટ્યું નહોતું. આજે નીલ આકાશ તળે પૃથ્વીનું કેવું અપૂર્વ સૌંદર્ય પ્રગટ થયું છે. બરાબર એ જ રીતે સ્વર્ગ પણ બાષ્પરૂપે આપણા હૃદયની અંદર ઊંડે ઊંડે રહેલું છે, હજી તેનો દેહ બંધાયો નથી. પોતાના આ રચનાકાર્યમાં પરમેશ્વર આપણી સાથે બેસી ગયા છે; પરંતુ આપણે તો આખો વખત ખાવું છે, પહેરવું છે, ભેગું કરવું છે એમ કહીને બધું ભૂલીને બેઠા છીએ. તેમ છતાં એ ભૂલ પણ ભાંગશે; મરવા પહેલાં એક દિવસ કહેવું પડશે કે, આ પૃથ્વીમાં આ જીવનમાં હું સ્વર્ગનો સહેજ આભાસ મૂકતો જાઉં છું. કંઈક મંગલ મૂકતો જાઉં છું. ઘણા અપરાધોના ગંજ ખડકાયા છે, ઘણો સમય વેડફ્યો છે, તેમ છતાં ક્ષણે ક્ષણે જરા જરા સૌંદર્ય પ્રગટ થતું હતું. જગત સંસારને શું હું તદ્દન વંચિત કરી રહ્યો છું, કંઈક ખોટ તો મેં પૂરી છે, કંઈક અજ્ઞાન તો મેં દૂર કર્યું છે. જતાં પહેલાં એટલું કહી શકું તો સારું. આ દિવસ પણ જશે. આ પ્રકાશ આંખ આગળથી અલોપ થઈ જશે. સંસાર પોતાનાં બારણાં બંધ કરી દેશે. હું તેની બહાર પડી રહીશ. તે પહેલાં શું હું એટલું નહિ કહી જઈ શકું કે ‘કંઈક આપી શક્યો છું ?’
આપણા ઉપર સર્જન કરવાનો ભાર તેણે પોતે નાખ્યો છે. તેણે પોતે સુંદર બનીને જગતને સુંદર રીતે શણગાર્યું છે, એ વિશે તો માણસ આનંદ અનુભવ્યા પછી મૂંગો રહી શકતો નથી. તે બોલી ઊઠ્યો, ‘હું આ સૃષ્ટિમાં બીજું કંઈક સર્જન કરીશ.’ કળાકાર શું કરે છે ? તે શા માટે કલાકૃતિ સર્જે છે ? વિધાતાએ કહ્યું છે કે, મેં આ ઉત્સવનાં ફાનસ બધાં આકાશમાં લટકાવ્યાં છે, તો તું રંગોળી નહિ પૂરે ? મારું ટકોરખાનું તો વાગે જ છે, તારો તંબૂરો અથવા કંઈ નહિ તો એકતારો તું નહિ વગાડે ? માણસે કહ્યું, જરૂર વગાડીશ. ગાયકનું ગીત અને વિશ્વનો પ્રાણ જેવાં મળ્યાં કે તરત જ સાચું ગીત પ્રગટ્યું. હું ગીત રચું એટલા માટે જ તે ગીત સાંભળવા માટે ઈશ્વર પોતે આવ્યો છે. તે ખુશ થયો છે; માણસની અંદર તેણે જે આનંદ મૂક્યો છે, પ્રેમ મૂક્યો છે, તે તેના બધા આનંદ ભેગો મળી ગયો – આ જોઈને તે ખુશ છે. કળાકાર આપણ માણસોની સભામાં શું પોતાની કળા બતાવવા આવ્યો છે ? તે તો પોતાની જ સભામાં પોતાની કળા બતાવે છે, પોતાનું ગીત સંભળાવે છે. તે કહે છે, વાહ, આ તો મારો સૂર શીખ્યો લાગે છે, તેમાં વળી અરધીપરધી વાણી પણ જોડી દીધી છે – તે વાણી અરધી પ્રગટ થઈ છે અરધી નથી થઈ. પોતાના સૂરમાં આ અરધો સ્ફુટ થયેલો સૂર ભળ્યો છે એ જોઈને તે બોલી ઊઠ્યો, હું ખુશ થયો છું. આ જુઓ તેમના મુખ ઉપર ખુશી – આ જે ન જોવા પામે તે કલાકાર નથી. કવિ નથી, ગાયક નથી. જે માણસની સભામાં ઊભો રહીને માણસ ક્યારે જયમાળા પહેરાવે એની રાહ જોયા કરે છે, તેની કશી કિંમત નથી. પરંતુ કળાકારે માત્ર રેખાનું સૌંદર્ય લીધું કવિએ સૂર લીધો. એમાંથી કોઈ બધું લઈ ન શક્યું. બધું તો ફક્ત સમસ્ત જીવન વડે જ લઈ શકાય. તેની વસ્તુ તેની સાથે મેળવી દેવી પડશે.
જીવનને તેના અમૃતરસથી કાંઠોકાંઠ ભરી દઈને જે દિવસે નૈવેદ્યરૂપે અર્પણ કરવા પામીશ તે દિવસે જીવન ધન્ય બનશે. એના કરતાં મોટું નૈવેદ્ય બીજું શું હોઈ શકે ? આપણે એમ કરી શકતા નથી. તેમના નૈવેદ્યમાંથી બધું ચોરી લઈએ છીએ; કૃપણતાપૂર્વક કહીએ છીએ, પોતાને માટે બધું લઈશું પરંતુ તેને આપવાની વખતે વધેલું જ માત્ર આપી નિશ્ચિંત થઈશું. તેને બધું નૈવેદ્ય ધરાવી દઈ શકીએ તો બધી જરૂરિયાતો પૂરી થઈ જાય, બધી ખોટ ભરાઈ જાય. એટલે હું કહું છું, આજે જીવનના એ પરિપૂર્ણ નિવેદનનો દિવસ છે. આજે એમ કહેવાનો દિવસ છે કે, હું બધું રોકીને પોતે જ બેઠો હતો, તારી સાથે બેસવાનું ગૌરવ ભૂલી ગયો હતો – તું અને હું બંને ભેગા થઈને બેસવામાં જે અપૂર્વ સાર્થકતા છે તે આ જીવનમાં શું અનુભવવા નહિ મળે ? આજે હું એમ કહીશ કે, મારું આસન ખાલી પડી રહ્યું છે. તું આવ, તું આવ, તું આવીને એને ભરી દે. તું નહિ આવે તો મારે આ ગૌરવનું શું કામ છે, હું ધૂળમાં ભિખારીની જેમ પડી રહું એ જ સારું છે. હાય, હાય, ધૂળ માટી લઈને ખરેખર જ જે રમત કરું છું, શું એ જ મારી સૃષ્ટિ છે ? એ સૃષ્ટિના કામ માટે શું મારા જીવનની આટઆટલી તૈયારી થઈ હતી ? અવારનવાર ભારે દુ:ખ અને આઘાતને લીધે એ બધું ભાંગી ગયું નહોતું ? રમતનું ઘર જરા હલાવતાં જ પડી જાય છે. પરંતુ, તું અને હું બંને જણે મળીને જે સૃષ્ટી રચી હોય તે શું જરા ફૂંક મારતાં આમ પડી જાય ખરી ? રમતનું ઘર કેટલી મહેનત લઈને તૈયાર કરીએ છીએ; એને ઈશ્વર જે દિવસે આઘાત કરીને તોડી નાખે છે તે દિવસે તે આપણને બતાવી આપે છે કે તેના વગર એકલા એકલા સૃષ્ટિ રચવાની આપણામાં શક્તિ નથી. તે દિવસે આપણે રડી પડીને ફરી ભૂલમાં પડીએ છીએ – ફરી છિદ્ર ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ – એમ ને એમ બધું વ્યર્થ બની જાય છે.
બધી કૃત્રિમતા દૂર કરી દઈને આજે એક દિવસ પૂરતું બારણું ખોલી નાખીને પુકાર કરીએ – હે મારા ચિરકાળના અધીશ્વર, તને હું એક દિવસ માટે જ બોલાવું છું. આ જીવનમાં અંત આવે એમ નથી, આ પૃથ્વીમાં પણ અંત આવે એમ નથી, હું તો તારાં દર્શન માટે તીર્થયાત્રાએ નીકળ્યો છું. ફરતો જ રહ્યો છું, પણ દર્શન થતાં નથી. આજે બધી રૂંધામણ વચ્ચે સહેજ તરડ પાડી છે, દર્શન દે. અપરાધ તું ક્ષમા ન કરે, પરમાનંદની એક કણી પણ તું મને ન આપે, તોયે હું એમ કહી શકવાનો નથી કે ‘હવે મારાથી નહિ બને.’ અશક્ત છું, દુર્બળ છું, હું હારી ગયો છું, હું થાકી ગયો છું, મારું બધું પડ્યું રહ્યું છે – એમ તો હું ન જ કહું. તારે ખાતર દુ:ખ પામ્યો છું એમ જણાવવાનું સુખ તું જ મને આપશે. દુ:ખ જો મારે પોતાને ખાતર પામ્યો હોઉં તો ખેદનો પાર ન રહે. હે બધું, તારે માટે મહાદુ:ખ પામ્યો છું એવું કહેવાનો મને અધિકાર આપ. આખા સંસારનો લાંબો લાંબો રસ્તો દુ:ખનો બોજો ઉઠાવતો આવ્યો છું, આજે એ બોજો તારે ચરણે નાખી દીધો. તું આનંદરૂપ છે, તું અમૃતરૂપ છે, એ વાતનું જ આજે સ્મરણ કરીશ. એ સ્મરણ કરવાનો દિવસ એ જ આ મહોત્સવનો દિવસ.
असतो मा सदगमय । અસત્યમાં જકડાયેલો છું. તારી સાથે મિલન થશે ત્યારે હું સત્ય બનવા પામીશ. તારી સાથે સત્યમાં મિલન થશે. જ્ઞાનની જ્યોતિમાં મિલન થશે. મૃત્યુનો પંથ વટાવીને અમૃતલોકમાં મિલન થશે. વિશ્વજગતને જેમ તારો પ્રકાશ પ્રકાશિત કરે છે તેમ મારા જીવનને કરશે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: હરિ: ૐ.
No comments:
Post a Comment