શ્રી શુકદેવજી કહે છે : પરીક્ષિત ! જ્યારે પ્રાત:કાળ થવા આવતો, કૂકડા બોલવા લાગતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનો વિયોગ થશે એમ વિચારીને તમામ રાણીઓ વ્યાકુળ થઈને એમ કહેતી કે ‘આ કૂકડાઓ ન બોલ્યા હોત તો સારું હતું. ॥ 1 ॥ તે વખતે મંદારના પુષ્પોની સુગંધથી સુવાસિત વાયુ વાતો હતો. ભમરાઓ તાલસ્વરે સંગીતનો તાન છેડી દેતા. પક્ષીઓ જાગી જતાં અને બંદીજનોની જેમ ભગવાન શ્રીકૃષ્ણને જગાડવા માટે મધુર સ્વરથી કલરવ કરવા લાગતાં. પરંતુ આ બ્રાહ્મમુહૂર્તમાં ભગવાનનું સાન્નિધ્ય અને આધ્યાત્મિક નિકટતા દૂર થશે તેમ માનીને શ્રીકૃષ્ણપત્નીઓ બ્રાહ્મમુહૂર્તને પણ અસહ્ય સમજતી. ॥ 2-3॥
ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ બ્રાહ્મમુહૂર્તમાં જ (આશરે સવારે 4 વાગે) ઊઠી જતા અને હાથ-મોઢું ધોઈને પોતાના માયાતીત આત્મસ્વરૂપનું ધ્યાન કરતા. તે સમયે તેમનું રોમ-રોમ આનંદથી ખીલી ઊઠતું હતું. ॥ 4 ॥ પરીક્ષિત ! ભગવાનનું આત્મસ્વરૂપ એક છે અર્થાત અદ્વિતિય છે, સ્વયંપ્રકાશસ્વરૂપ છે, તથા તે જ તે છે – તેમના સિવાય અન્ય કાંઈ છે જ નહિ, અખંડ છે, અવિનાશી છે, આત્મસ્વરૂપમાં રહેવાના કારણે તેમાં કોઈ ઉપાધિદોષ નથી અને જે ‘બ્રહ્મ’ નામથી કહેવાય છે. આ વિશ્વની ઉત્પતિ, પાલન અને સંહારનું કારણ છે. તેમની શક્તિઓને કારણે જ આ વિશ્વની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે. ॥ 5 ॥
ત્યારબાદ તેઓ વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા. પછી શુદ્ધ ધોતી પહેરીને, ઉપવસ્ત્ર ઓઢીને યથાવિધિ નિત્યકર્મ, પ્રાત:સંધ્યાવંદન વગેરે કરતા. ત્યાર પછી હવન કરતા અને મૌન રહી ગાયત્રીજપ કરતા. કેમ ન કરે ? તેઓની દિનચર્યા તો સત્પુરુષોનો આદર્શ છે. ॥ 6 ॥ ત્યાર પછી સૂર્યોદયના સમયે સૂર્યોપસ્થાન કરતા અને પોતાના અંશસ્વરૂપ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરતા. પછી કુળના વડીલ-વૃદ્ધો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરતા. ત્યાર પછી શ્રી કૃષ્ણ દૂધ આપતી, વાછરડાવાળી શાંત ગાયોનું દાન આપતા. દાનમાં અપાતી ગાયોને સુંદર વસ્ત્રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી. શિંગડાઓમાં સોનું અને પગની ખરીઓમાં ચાંદી મઢવામાં આવતી. તે ગાયો બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સુસજ્જ કરીને, રેશમી વસ્ત્ર, મૃગચર્મ અને તિલક કરીને દરરોજ તેરહજાર ચોર્યાશી (13,084) ગાયોનું આ રીતે દાન આપતા. ॥ 7-9 ॥ ત્યાર પછી પોતાની વિભૂતીરૂપ ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ, કુળના વડીલ-વૃદ્ધો, ગુરૂજનો અને સમસ્ત પ્રાણીઓને પ્રણામ કરીને માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા. ॥ 10 ॥
પરીક્ષિત ! જો કે ભગવાનના દિવ્ય શરીરનું સહજ સૌંદર્ય જ મનુષ્યલોકનું આભૂષણ છે, છતાં પણ તેઓ પોતાનું પીતામ્બર વગેરે દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભાદિ આભૂષણો, પુષ્પોના હાર અને ચન્દન વગેરે દિવ્ય અંગરાગથી પોતાને શણગારતા ॥ 11 ॥ ત્યાર પછી તેઓ ઘી અને અરીસામાં પોતાનું મુખારવિંદ નિહાળતા. ગાય, ઋષભ, બ્રાહ્મણ અને દેવ-પ્રતિમાઓનાં દર્શન કરતા. પછી નગરજનો અને અંત:પુરમાં રહેવાવાળા ચારેય વર્ણના લોકોની અભિલાષાઓ પૂરી કરતા અને પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોની કામનાપૂર્તિ કરીને તેમને સંતુષ્ટ કરતા અને આ બધાંને પ્રસન્ન જોઈને સ્વયં આનંદિત થતા. ॥ 12 ॥ તેઓ પુષ્પમાળા, તાંબૂલ, ચંદન અને અંગરાગ વગેરે વસ્તુઓ પહેલાં બ્રાહ્મણો, સગા-સંબંધીઓ, મંત્રીઓ અને રાણીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ્રીનો પોતે ઉપયોગ કરતા. ॥ 13 ॥
ભગવાન આ બધા કાર્યમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં દારૂક સારથિ, સુગ્રીવ વગેરે ઘોડાઓ જોડીને રથ લઈ આવતો અને પ્રણામ કરીને ભગવાનની સામે ઊભો રહી જતો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકિ અને ઉદ્ધવજીની સાથે પોતાના હાથ વડે સારથિનો હાથ પકડીને રથમાં બેસી જતા – બરાબર તે જ રીતે જેમ ભુવનભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય છે. ॥ 15 ॥ તે વખતે રાણીવાસની સ્ત્રીઓ લજ્જા તથા પ્રેમભરી દષ્ટિથી તેમને જોવા લાગતી અને બહુ કષ્ટપૂર્વક તેમને વિદાય આપતી. ભગવાન હસીને તેમનાં ચિત્તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા. ॥ 16 ॥
પરીક્ષિત ! ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામક સભામાં પ્રવેશ કરતા. તે સભાનો એવો મહિમા છે કે, જે લોકો તે સભામાં જઈને બેસતા તેમને ભૂખ-તરસ, શોક-મોહ, અને જરા-મૃત્યુ – આ છ વિકારો સ્પર્શ કરી શકતા નહીં. ॥ 17 ॥ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બધી રાણીઓથી અલગ-અલગ વિદાય લઈને, એક જ રૂપમાં સુધર્મા સભામાં પ્રવેશ કરતા અને ત્યાં જઈને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજતા. તેમની અંગકાન્તિથી દિશાઓ પ્રકાશિત થતી હતી. તે સમયે યાદવ વીરોની વચ્ચે આકાશમાં તારાઓની વચ્ચે ચન્દ્રમાની જેમ તેઓ શોભાયમાન થતા હતા. ॥ 18 ॥ પરીક્ષિત ! સભામાં વિદૂષકો અનેક પ્રકારના હાસ્ય-વિનોદથી, અભિનેતાઓ અભિનયથી અને નર્તકીઓ કળાપૂર્ણ નૃત્યથી પોતાની અલગ-અલગ ટુકડીઓ સાથે ભગવાનની સેવા કરતી. ॥ 19 ॥ તે વખતે મૃદંગ, વીણા, પખાવજ, વાંસળી, ઝાંઝ અને શંખના ધ્વનિથી સૂત, માગધ તથા બંદીજનો (કુળની કીર્તિ ગાનારાઓ) નાચી ગાઈને ભગવાનની સ્તુતિ કરતા. ॥ 20 ॥ કોઈ-કોઈ કુશળ વ્યાખ્યાતા બ્રાહ્મણો ત્યાં બેસીને વેદમંત્રોની વ્યાખ્યા કરતા અને કોઈ-કોઈ પૂર્વકાળના રાજાઓનાં ચરિત્રો કહી સંભળાવતા. ॥ 21 ॥
No comments:
Post a Comment