એક સંતને પૂછવામાં આવ્યું કે તમારા માટે મોટામાં મોટું દુ:ખ કયું ? તે સંતે જવાબ આપ્યો કે – માણસને જ્યારે પોતાની જાતનું અવમૂલ્યાંકન કરતો જોઉં છું, ત્યારે મારું અંતર્મન ઘવાય છે. સંતના આ જવાબમાં માનવ માટેનો તુચ્છ ભાવ પ્રગટ નથી થતો, દયા કે હીનભાવ નહીં, બલકે એના માટે કશુંક કરી છૂટવાનો કરુણાભાવ જ પ્રગટ થાય છે. સંભવ છે કે સંતોનો આ કરુણાભાવ જ ધરાતલ પર ધબકી રહેલા માનવજીવોના ધબકારમાં સુગંધ ભરવાનું કામ કરશે.
‘સુગંધ’ નું નામ લેતાં જ મને ગીતાકારની કડી ‘ગંધોમાં હું પુણ્યસુગંધ છું’ યાદ આવે છે. – આ પુણ્યસુગંધ કઈ ? આકાશ-સ્થિત મેઘરાજની કરુણાવર્ષાનાં જલકણ જ્યારે પૃથ્વી પરના રજકણને સ્પર્શે છે ત્યારે એ સ્પર્શમાંથી ઊઠતી ભીની માટીની સુગંધ ? એ જ પુણ્યસુગંધ !
આજે ઘણું બધું ‘ક્યાં ગયું ?’ નો પ્રશ્ન સામે ધરીને ઊભું રહે છે. કવિને કોયલનું કૂજન, મોરનો ટહુકાર, સડક વચ્ચે દીપતો ગુલમહોર અને પીઠ-બરડા પર પસવારતો માનો મધુર સ્પર્શ ક્યાં ગયો – એ પ્રશ્ન મૂંઝવે છે. પરંતુ આંધળી દોટમાં ભાન ભૂલેલા માણસને તો પોતે શું મેળવી રહ્યો છે અને શું ગુમાવી રહ્યો છે, તેનું ભાન જ નથી. આ બેહોશીમાંથી એને હલબલાવીને જગાડવા માટે વિજ્ઞાન અને ધર્મ બેઉએ પોતાના આત્યંતિક બિભત્સ રૂપ પ્રગટ કર્યાં છે. વિજ્ઞાને વિશ્વને સર્વનાશ આરે આણી મૂક્યું છે અને કહેવાતા ધર્મ માનવમાનવ વચ્ચે સર્વનાશથીય ભૂંડી એવી પરસ્પર-દ્વેષ-ઘૃણાની નારકીય દીવાલો ઊભી કરી દીધી છે. સવાલ થાય કે આવાં તે વિજ્ઞાન અને અધ્યાત્મ હોય ? સમજાય છે કે શુદ્ધ સત્વને પ્રયોગમાં લેતી વખતે એમાં કશીક ભેળસેળ કરવી પડે છે. સોનાનો દાગીનો ઘડવો હોય તો તેમાં થોડી બીજી ધાતુ ભેળવવી પડે. પરંતુ પૃથ્વી પર પુણ્યસગુંધ વહાવતી જળધારા જ્યારે દઝાડનારો ઍસિડ બનીને વરસે તો ?
આજે શુદ્ધ વિજ્ઞાન અને શુદ્ધ અધ્યાત્મ બંને અભડાયાં છે. ‘અભડાવું’ એટલે કશીક અનિષ્ટ બાબત સાથે સંસર્ગમાં આવવું. આજે વિજ્ઞાન સાથે સંકીર્ણ રાજકારણ જોડાઈ ગયું છે અને ધર્મ સાથે સંકુચિત સાંપ્રદાયિકતા, મતાંધતા જોડાઈ ગઈ છે. કટોકટીની આ પળોમાં સમયસર જાગી જઈને સાવધ બનીને નવી દિશા નહીં પકડીએ તો સંતો તો દુભાશે જ. સર્જનહાર પણ પોતાનાં સર્જનોમાંથી વિશ્વાસ ગુમાવી બેસશે.
વિજ્ઞાન-અધ્યાત્મની ઘણી બધી વ્યાખ્યા થઈ શકે અને થઈ પણ છે. પરંતુ બેઉના પૃથકરૂપને સમજવાનો પ્રયાસ કરી તો સામાન્યત: આવું સમજાય છે કે સ્થળ-બહિમુર્ખી ઈન્દ્રિયો દ્વારા જે દશ્ય-બર્હિસૃષ્ટિનો તાગ મેળવી આપે તે વિજ્ઞાન અને જે આંતરિક-અંત:સૃષ્ટિનો પરિચય કરાવે તે અધ્યાત્મ. હૃદય બગડ્યું હોય, શુદ્ધ લોહી ત્યાં સુધી ન પહોંચતું હોય તો એ ક્ષતિથી મુકત થવા વિજ્ઞાન કામ લાગે, પરંતુ એ જ હૃદયમાં જો રાગ-દ્વેષ-કામ-ક્રોધની જવાળા ભભૂકી ઊઠે ત્યારે તેના નિરાકરણ માટે જે પ્રક્રિયા કામ લાગે તેનું નામ છે અધ્યાત્મ. હવે આ બંને એક છે કે ભિન્ન તેની ચર્ચામાં ન પડીએ. બંનેનાં નજરે પડતાં વિનિયુક્ત પ્રયુક્ત (Applied) રૂપ આ રીતે વિભાજીત થતાં દેખાય છે. આપણે તો જીવમાત્રને એકસૂત્રે પરોવવા છે. અધ્યાત્મ કહે છે કે આત્મતત્વ વદે એ એકમેકમાં પરોવાયેલા જ છે, પણ એની પ્રત્યક્ષ ક્ષણિક અનુભૂતિને શાશ્વત અનુભવમાં પલટાવવા કશાક પ્રચંડ પરુષાર્થની જરૂર છે. આજે બંને અધુરા છે અને બંનેના એ પ્રયુક્ત રૂપોનું શુદ્ધીકરણ કરી પરસ્પર જોડવાની જરૂર લાગે છે.
સામે સોય પડી છે. ધારદાર છે, અણિયાળી છે. દોરો પણ તૈયાર છે. પરંતુ એ ટાંકણી જેવી સોયમાં જો આરપાર વીંધતા બે છેદ ન હોય તો દોરો પરોવાશે ? એક બાજુથી પરોવેલા દોરાના છેડાને બીજી બાજુ પકડીએ નહીં ત્યાં સુધી કશું સંધાય નહીં. અનુસંધાન માટે બે છેદ જરૂરી છે. કાપડમાંથી વસ્ત્ર બનાવવું હોય તો પહેલાં વેતરીને પછી એ ટૂકડાને સાંધવા પડે છે. કાતર અને સોય બંને પરસ્પરપૂરક કામ જ કરતાં હોય, છતાંય બંનેનાં જૂદાં અસ્તિત્વ છે.
વિજ્ઞાન માણસની અલ્પતાનું ભાન કરાવે છે, જ્યારે અધ્યાત્મ માણસની અનંતતાનું ભાન કરાવે છે. વિજ્ઞાન ખંડદર્શન કરાવે છે, અધ્યાત્મ અખિલાઈને ખોલી આપે છે. અંતતોગત્વા સુવર્ણ અને કંકણ બેઉને એકરૂપ જાણે છે તે જાણે છે, તેમ છતાંય વ્યવહારના બંને પ્રગટ રૂપોનાં ભિન્ન મૂલ્યાંકન, વિનિયોગ કરી જાણે છે, તે પણ જ્ઞાનનું વિશિષ્ટ અનુભવયુક્ત જ્ઞાન જ છે. પૂર્ણમાસીના પૂર્ણચંદ્રને પણ પીછાણવો અને વિવિધ કળામાં પ્રગટ થતી ચંદ્રકળાને પણ પ્રમાણવી તેમાં સમગ્રતા છે. ઈશોપનિષદ કહે છે કે સમગ્ર આકલન માટે સમૂહ અને વ્યૂહ, macro અને micro એમ બેઉ દર્શનની જરૂર છે. એટલે તો ભારતીય પરિભાષામાં ‘સત્ય’ પણ બે રૂપમાં નામાભિધાન થયું. સૃષ્ટિગત સત્યને ‘ઋતમ’ અને સ્ત્રષ્ટારૂપ સત્યને ‘સત્યમ’ બંને સત્યને પામીને સંપૂર્ણ જીવન બને છે અને આવા સત્યશોધન માટે શુદ્ધિ અનિવાર્ય છે. આ ‘શુદ્ધ’ – કાર્ય કરવા માટે ઈશ્વરે જીવને કરણ-ઉપકરણ આપ્યાં છે. પરંતુ આ ઉપકરણો પણ કાચી ધાતુ રૂપે છે, ખાણમાં પડેલી માટી-મિશ્રિત સોના જેવાં છે. અધ્યાત્મને પામવું હોય તો ભેળસેળને દૂર કરવી અનિવાર્ય છે. સમજવા માટે ટુકડા પાડવા હોય તો સ્થૂળ દેહનું જ્ઞાન આપે તે વિજ્ઞાન, દેહથી ભિન્ન તત્વોને અણસાર આપે, જે દેહ ઉપરાંત કશુંક હોય તે આત્મજ્ઞાન અને બંને બાબતોને સાથે સમગ્રપણે ઓળખવું તે અધ્યાત્મ. કોઈ કવિએ આ પ્રક્રિયાને સુંદર રીતે પ્રત્યક્ષ કરી જાણી છે – બેહદમાં રહેવું ને રમવું હદની વચ્ચે.
‘રમવું’ – એટલે વ્યવહાર. વ્યાવહારિક જીવન જીવવા રામ કૃષ્ણ લીલા કરવા પૃથ્વી પર આવ્યા, એ રીતે રમીએ ત્યારે ભલે વચ્ચે આટા-પાટા દોરીએ, પણ રમત સંકેલીએ ત્યારે રહેવાના ઠામને કશી સરહદો ન નડવી જોઈએ. કેવું સુંદર ગીત છે ‘યે નદિયાં, પંછી ઔર પવન કે ઝોંકે, કોઈ સરહદ ઈન્હે ના રોકે’
રાબિયાનો એક સુંદર પ્રસંગ છે. મૌલાના હુસેન એને મળવા આવે છે ત્યારે એ પોતાની ઝૂંપડીમાં અંદર હોય છે. મૌલવીસાહેબ રાબિયાને ટકોરતાં કહે છે – ‘અરે રાબિયા ! અંદર શું બેઠી છે ? બહાર તો જો, આ આફતાબ કેવો ઝગારા મારે છે !’ ત્યારે અંદરથી જવાબ વાળતાં રાબિયા કહે છે ‘અરે મૌલવીજી ! તમે અંદર આવીને તો જુઓ, ઓરડો અજવાળે કેવો ઝળહળે છે !’ ભિન્નતાની ભીતર રસાયલા એકત્વને પ્રગટ કરનારો આ સંવાદ આપણા પુરુષાર્થને નવી દિશા કેવી હોય તે ચીંધે છે.
ગુજરાતી ભાષામાં શિક્ષણ માટે એક અનન્ય શબ્દ વપરાય છે – કેળવણી. કેળવવું નો અર્થ લોટ કેળવી કેળવીને બહેનો જાણે છે. ઈંદ્રિયો પોતાનું કામ કરતી થાય, જોતી-સૂંઘતી-સ્પર્શતી થાય એટલું શીખી લે તે પૂરતું નથી, બલ્કે શું જોવું, ન જોવું એ સદ-વિવેક શ્રેય-પ્રેય-વિવેક કેળવી જાણે તે કેળવણી છે. વિજ્ઞાન આપણને વ્યાયામ-રમતો દ્વારા સ્થૂળ અંગોની કેળવણી આપે છે, તો અધ્યાત્મ દેહમાં રહેલા બંધ ચક્રોને ખોલી આપે છે. વિજ્ઞાન-અધ્યાત્મ બંને માટે દેહ એ કોઈ વિક્ષેપ કે અંતરાય નથી, વગોવવા લાયક નરકનું દ્વાર તો હરગિજ નથી, બલ્કે રૂપાંતર પામવા માટેનું એક સંયોજિત દ્રવ્ય છે. જેવી રીતે કુંભારની આંગળીઓને માટી પ્રતિભાવ આપી સુંદર ઘાટ આપે છે, એ જ રીતે આ જ માટીની કાયા પરમસૌંદર્યનું ભાજન બની જાણે છે, દિવ્યતાને ઝીલી જાણે છે !
આવું કશુંક સત્યમ-શિવમ-સુન્દરમને પામવા માટેની સંભાવના ધરાવતો દેહધારી માનવ ક્યાંક ગલીકૂંચીઓમાં રખડવો-રઝડતો-ખોવાયેલો ન રહે એટલા માટે, આવો સૌ, આપણા વ્યક્તિત્વમાં છુપાયેલાં સંતત્વને પ્રગટ કરી માનવજન્મને સાર્થક કરીએ, એ જ નૂતન વર્ષની અભિલાષા.
No comments:
Post a Comment