નર્મદામૈયાના શીતળ જળનો સ્પર્શ લઈને આવતો પવન અમોને રોમાંચિત કરવા લાગ્યો ત્યારે અમે ચાણોદ તીર્થધામમાં મલ્હારરાવ ઘાટના પગથિયાં ઉતરી રહ્યાં હતાં. અમે બાર મિત્રો, આજે 15મી ઑગસ્ટ ના દિવસે નર્મદા માતાનો ખોળો ખુંદવા આવ્યા હતા. પાંચ મિત્રો ફેમિલી સાથે હતા. આસપાસના સ્થળોની જાણવાલાયક વિશેષ માહિતી આપવા ચાણોદમાં જ રહેતા એક મિત્રએ અગાઉથી અલગ નાવડીની વ્યવસ્થા કરી રાખી હતી. એ મિત્ર પણ અમારી સાથે જોડાયા. બધા નાવડીમાં બેઠા. નાવિકે ઍન્જિન ચાલુ કર્યું અને અમે કુબેરભંડારી તરફ પ્રયાણ કર્યું.
ચાર-પાંચ દિવસ અગાઉ વરસાદ થયો હતો અને સરદાર સરોવરમાંથી પાણી પણ છોડાયું હતું. ત્યારે નદીના બંને કાંઠા છલકાઈ ગયા હતા. આજે ઘણું પાણી ઓસરી ગયું હતું છતાં કિનારાની ભેખડો પર અગાઉ વહી ગયેલા પ્રવાહના અંકિત થઈ ગયેલાં નિશાન સ્પષ્ટ જોઈ શકાતા હતા. હા, જાણકારીનો પ્રવાહ જ માણસના મન પર જે રીતે નિશાન છોડી જાય છે, એમ જ તો. નર્મદા મૈયામાં પ્રવાહિત વિપુલ જળરાશિનો પ્રચંડ વેગ અમારી નાવડીને મંથર ગતિએ ચાલવા મજબૂર કરી રહ્યો હતો. અમે લગભગ બાર વાગે કુબેરભંડારીના મંદિરે પહોંચ્યા. આ સમયે મંદિરમાં ભીડ નહોતી જેથી દર્શન કરવામાં વિલંબ ન થયો. તે પછી અમે મંદિરના સંચાલકશ્રીને મળ્યા. તેમણે અમારું ભાવસભર સ્વાગત કર્યું. અમોને કુબેરભંડારી પરિસરની ગતિવિધિથી માહિતગાર કર્યા અને ત્યાંથી પ્રસાદ લઈને જ આગળ જવાનો પ્રેમાળ આગ્રહ કર્યો. પ્રસાદ લીધા બાદ અમે બધાં નાની-મોટી પનોતી, શનિદેવના મંદિરે જવા પુન: નાવડીમાં આરૂઢ થયાં.
ધડધડાટી કરતું નાવડીનું એન્જીન અમોને સામા પ્રવાહે લઈ જતું હતું, ત્યાં મારી દષ્ટિ પ્રવાહમાં તણાઈ આવતા એક નાચતા કૂદતા તરણા પર પડી. પાણીમાં ઉપર નીચે થઈ ગમ્મત કરતા તરણાને હું તાકી રહ્યો. તરણું મારી બાજુમાંથી પસાર થવાનું જ હતું કે ત્યાં જ એ પાણીમાં પડતા ભૂવામાં સહસા ખેંચાઈ ગયું અને સાથે સાથે હું પણ ખેંચાઈને તળિયે પહોંચી ગયો ! તાજી વીતેલી થોડીક ક્ષણોમાં, મેં તેની સાથે જે દષ્ટિસંબંધ બાંધ્યો હતો, તેને એ તરણું જાણે ઓળખી ગયું હોય તેમ, તે મારી સાથે એક પરિચિત મિત્રની જેમ વાતે વળગ્યું. તે મને કહેવા લાગ્યું કે આ તો મારો નિત્યક્રમ છે. હું આમ વહેતું વહેતું રત્નાકર સુધી અવશ્ય પહોંચી જઈશ. હું મારી શક્તિ તરવામાં વેડફતું નથી, મને માત્ર વહેવામાં જ આનંદ આવે છે; અને તેથી તો હું કદીયે થાકતું નથી. આ અસ્તિત્વ પોતે જ મને સાગર સુધી પહોંચાડશે. કદાચ ઓગળી જાઉં તો પણ શી ફિકર ? હું સૂક્ષ્મ રજકણ બનીને દરિયામાંથી ઊંચે ઊઠતી વરાળનો પગ પકડી લઈશ. ક્યાંક વાદળ વરસશે અને પાછું હું જમીન પર પહોંચી જઈશ. ઘાસ બનીને ઊગી નીકળીશ. તાપમાં ખૂબ તપીશ અને ફરીથી તરણું બનીને કોઈ પ્રવાહમાં ઝંપલાવીશ. હું શાશ્વત છું, કાલાતીત છું. હું ઘાસમાંથી પ્રગટ થાઉં છું અને તું ય જાણે છે કે ઘાસને ઊગવા, કોઈ બિયારણની જરૂર પડતી નથી, એ હિસાબે હું સ્વયંભૂ છું ! આ બ્રહ્માંડમાં હું ગમે તે જગ્યાએ પડ્યું હોઉં, છતાં સદૈવ મુક્ત છું.
હું જાણે કે કુરુક્ષેત્રમાં ઊભેલો અર્જુન હોઉં અને તરણું પોતે ભગવાન શ્રીકૃષ્ણ હોય, તેમ એ મને ફરીથી ઉદ્દબોધવા લાગ્યું. તેણે કહ્યું કે પાણીના જે વમળ મારફતે એ નદીના તળિયે પહોંચી જાય છે, એવી જ રીતે હવાના વમળ મારફતે આકાશમાં પણ પહોંચી જાય છે. હવાના વમળને વંટોળ કહેવામાં આવે છે. તમારી સંસ્કૃત ભાષામાં વંટોળને તૃણાવર્ત કહેવામાં આવે છે. આવર્ત અથવા આવર્તન એટલે ગોળ ગોળ ચક્રાકાર ફરવું અને તૃણ એટલે તરણું. એક કેન્દ્રની આસપાસ જ્યારે પવન ગોળગોળ ફરવા લાગે ત્યારે વંટોળ પેદા થાય છે, પરંતુ થોડીક ધૂળ અને થોડાંક તરણાં ન હોત તો તારી પાસે એવી દષ્ટિ ક્યાં છે કે તું સીધે સીધો વંટોળને જોઈ શકે ? પુરાણોમાં એવી કથા છે કે બાલકૃષ્ણને મારવા કંસે તૃણાવર્ત નામના રાક્ષસને મોકલ્યો હતો. તૃણાવર્ત બાલકૃષ્ણને લઈને આકાશમાં ઊડે છે, પરંતુ બાલકૃષ્ણ તેનું ગળું દબાવી રાખે છે અને અંતે રાક્ષસ પોતે જ નાશ પામે છે. લે તને એ કથાનો ગુઢાર્થ સમજાવું – તરણું કહેવા લાગ્યું. અહંકારનો વંટોળ માણસને મોતથી ય વધારે પીડા આપે છે. માણસે તેની અંદર હવા ન ભરાઈ જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. પોતાની અંદરના કૃષ્ણ સ્વભાવનો સાથ લઈ, આવતા જતા શ્વાસનું ગળું પકડવું જોઈએ અર્થાત ધ્યાનપૂર્વક શ્વાસ પર દેખરેખ રાખવી જોઈએ. આ ક્રિયાને તમે બધા વિપશ્યના ધ્યાન તરીકે ઓળખો છો. મારે તો કોઈ ધ્યાનની જરૂર નથી. મને બસ કબીરની એક વાત માફક આવી ગઈ છે કે, ‘સાધો સહજ સમાધિ ભલી.’
હું તરણાનું તત્વજ્ઞાન સાંભળીને દિગ્મૂઢ બની ગયો હતો, ત્યાં જ મને એક મિત્રએ ગીત ગાવાનું સૂચન કરીને ઢંઢોળ્યો અને હું સુદામાની જેમ વમળમાંથી નીકળીને નાવડીમાં પાછો ફર્યો. મારી અંદર તરી ગયેલા તરણાનું ગીત ગૂંજ્યા કરતું હતું. તેથી તે વેળા મેં ગીત ગાવાની તત્પરતા ન બતાવી. એક સાથી મિત્રએ ગીતની પ્રસંગોચિત શરૂઆત કરી, ‘માછીડા હોડી હલકાર, મારે જાવું હરિ મળવાને’ અને ગીતની પંક્તિ ઝીલતા સૌએ સાથ પૂરાવ્યો. જેવું મારું મન ‘હરિ મળવાને’ શબ્દ પર કેન્દ્રિત થયું કે તરત જ તરણાવાણી સંભળાવા લાગી. હરિ શબ્દના કેટલા બધા અર્થ થાય છે ! વિષ્ણુ, કૃષ્ણ, ઈન્દ્ર, શિવ, પીળું, પવન, ઘોડો, સિંહ, વાંદરો, ચંદ્ર તથા દેડકો. પીળો રંગ દેખાય અને પ્રભુનું સ્મરણ થઈ જાય. ઘોડો, વાંદરો, સિંહ કે દેડકામાં પણ એ જ તો રહેલો છે. પવનનો સ્પર્શ માત્ર તમારામાં ભગવત્તા ભરી દેવાનું કારણ બની જાય. ચંદ્રને જોતાં તે તેજોમય પરમાત્માના છત્ર નીચે હોવાનો ભાવ જન્મે, અને પછી તો સમગ્ર જગતમાં પ્રભુ સિવાય કાંઈ જ ન બચે. એ અવસ્થાની ચરમસીમામાં પ્રવેશતા, પ્રસાદરૂપે નિરાકાર પરમાત્મા પણ તમારો બની જાય, કદાચ હરિ શબ્દનો એવો તો અર્થ નહીં હોય ? તરણાને હું કોઈ પ્રત્યુત્તર આપું તે પહેલાં નાવડીનું એન્જીન બંધ થતા ખબર પડી કે અમે બધા નાની-મોટી પનોતીના મંદિરના કિનારે પહોંચી ગયા હતા.
બધાંએ નાની-મોટી પનોતી અર્થાત શનિભાર્યા અને શનિદેવના દર્શન કર્યા. પાછળના ભાગમાં મહાદેવનું મંદિર હતું. ભોળાનાથના દર્શનનો પણ બધાંએ ધર્મલાભ લીધો. નદીના પટથી લગભગ પચાસ-સાઈઠ ફૂટની ઊંચાઈ પર માદક પવન વાઈ રહ્યો હતો. એક મોટા વૃક્ષના છાંયડે બધા વિશ્રામ કરવા બેઠા. બધાએ એકબીજાનો વિશેષ પરિચય મેળવવાનો પ્રયત્ન કર્યો. વારાફરતી ગીત-ગઝલની રજૂઆત થઈ. કોઈ ત્યાંથી ઊભા થવાનું નામ લેતું નહોતું. પરંતુ નાવિકે બધાંને પાછા ફરવા બૂમ પાડી, અને બધા પાછા નાવડીમાં જઈને બેઠાં. પ્રવાહની દિશામાં નાવડી જાણે બમણા વેગથી ચાલવા લાગી. નદીના સામે કિનારે લહેરાતા લીલાછમ્મ ઘાસની ટોચે બેઠેલું તરણું, દૂરથી હાથ હલાવીને મને કહેવા લાગ્યું : ‘મને નાની યા મોટી કોઈ પનોતી નડતી નથી, કારણ કે હું તૃષ્ણારહિત તૃણ છું.’
રસ્તામાં નાવડીને ફરીથી એક કિનારે રોકી. નર્મદામૈયામાં સ્નાન કરવા અમે નીચે ઊતર્યા. નદીના શીતળ પાણીમાં માત્ર એક ડૂબકી મારતાંની સાથે જ, હળવા ફૂલ જેવું થઈ જવું એટલે શું, એનો રોકડો અનુભવ કર્યો. વહેતા પાણીમાં એક તરણું મારા પગને સ્પર્શ કરીને આગળ ગતિ કરી ગયું અને વળી પાછો હું તરણાના તત્વજ્ઞાનની દુનિયામાં પ્રવેશી ગયો. તરણું મને કહેવા લાગ્યું કે તે પાણીમાં હોય કે પાણીને બહાર, એ સદા નહાયેલું જ હોય છે. સદ્યસ્નાત. તેણે કહ્યું : ‘મારા પર ભેગી થયેલી ધૂળ કાં તો પવન ખંખેરી નાંખે છે અથવા તો પાણી દ્વારા ધોવાઈ જાય છે. તારા પર ધૂળ ભેગી તો થાય છે, સાથે સાથે જામી પણ જાય છે. મારા પર કદી ધૂળ જામતી નથી એટલે હું દરેક ક્ષણમાં નવું, તાજું અને પ્રફુલ્લિત હોઉં છું. અત્યારે તું ખુલ્લા આકાશ નીચે સ્નાન કરે છે, તો તને અનુભવ શાના લીધે થાય છે એ પણ તને કહી દઉં. એટલા માટે જ કે તું અત્યારે માત્ર જળતત્વથી સ્નાન નથી કરતો પરંતુ પાંચેય તત્વમાં સ્નાન કરી રહ્યો છે. સૂરજનો તાપ, આકાશ, પાણી, વાયુ, અને માટીની રજકણોનું સ્નાન મનને હર્ષિત કરે, આનંદિત કરે, તેમાં શી અચરજ ? અને હા, સારું યાદ આવ્યું : નર્મદાનો અર્થ જ ‘આનંદ આપનારી’ એવો થાય છે. સંસ્કૃતમાં નર્મ એટલે આનંદ, વિનોદ, હર્ષ તથા સંસ્કૃતનું ક્રિયાપદ, દા-યચ્છતિ એટલે આપવું, ભેગા થઈને, નર્મદા અર્થાત આનંદ આપનાર – એવો અર્થ અહીં સૂચવે છે. હર્ષદ અને હર્ષદા શબ્દો પણ એવી જ જાતના શબ્દો છે. નર્મદાના પર્યાયવાચી તરીકે હર્ષદા શબ્દ વાપરી શકાય. તરણું મને એક ભાષાશાસ્ત્રીની માફક સમજાવી રહ્યું હતું !
સાંજ થવા આવી હતી અને ઘર તરફ પાછા ફરવાનો સમય પણ થયો હતો. બધા સ્નાન પતાવી નાવડીમાં ગોઠવાયા. મલ્હારરાવ ઘાટ પર પહોંચતા ઝાઝી વાર ન લાગી. ચાણોદમાં રહેતા મિત્રનો પુન: આભાર માની અમે એસ.ટી. બસ સ્ટેન્ડે પહોંચ્યા. સમયસર એસ.ટી. બસ પણ આવી ગઈ. થોડીવારમાં એસ.ટી બસ ઉપડી, ત્યારે બારીના સળિયા પર બેઠેલું તરણું જાણે મને વિદાય આપવા જ આવી પહોંચ્યું હોય તેમ વળ ખાઈને ઊડી ગયું. બારીના કાચમાંથી થતા ખડખડ અવાજને દૂર રાખવા, આંખો મીંચીને હું જેમ જેમ મારા કેન્દ્ર તરફ સંકોચાતો હતો તેમ તેમ મારી અંદર તરી ગયેલું તરણું વિસ્તરતું જતું હતું.
No comments:
Post a Comment