Google Search

Sunday, June 17, 2012

આવું છું તારે દ્વારે… – ઉષા


[1]
ચીજવસ્તુઓનું આકર્ષણ
દેહની આળપંપાળ
મનના ઉધામા
બુદ્ધિની બહુશાખિતા
કર્તવ્યની ભુલભુલામણી
બધું યે શાંત થયા વિના
માહ્યલો મુખરિત થતો નથી
આત્માના ઉંબરે પહોંચાતું નથી.
[2]
કસોટી રૂપે તારી કૃપા અવતરતી હોય છે
એ સંકેત પારખવાની
અને પચાવવાની
તાકાત વિકસિત થાય
તેટલી તેટલી કસોટીની અગ્નિ-પરીક્ષા
અંદરના સત્વને વિશુદ્ધ કરી
ચરિત્રને ઊંચું ઉઠાવતી જાય
ચારિત્ર્યને ઉજ્જવળ કરતી જાય.
[3]
સગવડ બહેકાવે.
આફત અકળાવે.
સગવડ કે આફત
જે કાંઈ હોય
તેની પાછળ તારો દોરીસંચાર છે
એ શ્રદ્ધા, એ પ્રતીતિ વિકસે,
તો સગવડ નમ્ર બનાવે
આફત મજબૂત બનાવે.

[4]
પ્રકૃતિના સાહચર્યમાં
નિબિડ અરણ્યોની ઘનછાયામાં
મારી અનંતની યાત્રા ચાલી રહી છે.
વચ્ચે વચ્ચે, એકલ-દોકલ
ફૂલના પમરાટમાં
હું મહેકી ઊઠું છું.
તો ક્યારેક,
કોઈ વહેતા ઝરણાના
કલકલ નિનાદમાં
સંગીતના સૂર રેલાવી આવું છું.
કદીક વળી
કોઈક નિર્જન મંદિરના
એકાંત ખૂણે દીપશિખા રૂપે પ્રકટી આવું છું.
તો ક્યારેક
ગાતા-કલ્લોલતા પક્ષીના રૂપે
ગગનમાં પાંખ ફફડાવી આવું છું.
મારી અનંતની યાત્રા
કેટકેટલી રમણીયતાથી સબાહ્યાભ્યંતર ભરી ભરી છે !
[5]
કૃતજ્ઞતા, કૃતકૃત્યતા, કૃતાર્થતાથી
મહેકતું જીવન
કોઈપણ ક્ષણે,
મૃત્યુના સ્વાગત માટે તૈયાર હોય છે.
[6]
ભાર હોય છે કર્તાપણાનો
ન કે કર્મનો.
કર્તાપણું હટ્યું કે
કર્મ હલકું ફૂલ બની જાય છે
અને ધરતીની પુણ્યગંધની જેમ
એની સુગંધ
વાતાવરણને મહેકતું કરી દે છે.
[7]
ચિત્રકારની પીંછીમાં
કવિની કલમમાં
સંગીતજ્ઞની સિતારમાં
તું ક્યારેક ઝળકી ઊઠે છે.
સંધ્યાના રંગોમાં
આકાશની નિ:શબ્દતામાં
નદીના ખળખળ વહેતા નીરમાં
તું અધિક મુખરિત થાય છે.
પરંતુ હૃદયગુફાની શાંત સમાધિમાં
તારું જે સ્વરૂપ પ્રકટે છે
તેને કોણ આલેખે,
કોણ વર્ણવે,
કોણ આલાપે ?

No comments:

Post a Comment